આગળ તમે જોયું કે આરવ પોલીસ સ્ટેશનની બહાર નીકળી જાય છે. એસપી ઝાલા સાથેની વાતચીતમાં જાણવા મળે છે કે અદિતિના દોષી બીજું કોઈ નહિ પણ એના જ મિત્રો રુશી અને ધવલ છે. ત્યારથી એ વધુ ઉદાસ થઇ જાય છે.
‘આરવ એ આરવ કોણ જાણે ક્યાં જતો રહ્યો આ છોકરો. છેલ્લા ૪ દિવસથી આ છોકરાને કાઈ ભાન જ નથી એકેય વાતનું. નથી ટાઈમે જમતો કે નથી સરખું સુતો.’ આરવના વ્યવહારથી કંટાળેલા આરવના મમ્મી હવે તેને તેની પેલાની સ્થિતિમાં પાછો લાવવા મહેનત કરીને થાકી ગયેલા.
આરવ માટે પણ એક પછી એક આઘાત મળતા એ સહન નહોતો કરી શકતો. પેલા અદિતિનું આમ એને છોડીને જતું રહેવું, એની ડાયરી માંથી એક રીંગ મળવી જે કોની છે એ પણ એને નહોતી ખબર અને પછી રુશીનું આ કેસમાં સંડોવણી હોવી. એક પછી એક આઘાત મળતા એ બધું પચાવી નહોતો શકયો.
એ દિવસ પછી આરવે ડાયરી પાછી ખોલી જ નહોતી. અચનાકથી જાણે એનું જીવન ફરી પરીક્ષાઓ લઇ રહ્યું હતું. ઘણા બધા પ્રશ્નો એકસાથે એને મૂંજવી રહ્યા હતા. અદિતિના ફોનમાં રહેલો વિડીઓ, એને કોઈક બ્લેકમેલ કરતુ હતું અને ડાયરીમાં મળેલી રીંગ એ બધાનો તાળો એ નહોતો મેળવી શકતો. એમાય જયારે ખબર પડી કે રુશી પણ આમાં સામેલ હતી એટલે એને હવે બધું જાણે કોયડારૂપી દીવાલ જેવું બની ગયું. સત્ય હવે સમજાતુ નહોતું અને જે સત્ય છે એ એ માની નહોતો શકતો.
અચાનક એને શું સુજ્યું એ ઉભો થઇ અને બેડસાઈડ ડ્રોઅરમાંથી ડાયરી કાઢી અને પાનાઓ ફેરવવા લાગ્યો. છેલ્લે એને વાંચ્યું હતું ત્યાંથી એણે ફટાફટ વાંચવાનું શરુ કર્યું.
૨૦/૧૦
આરવ તો એના ઘરે જતો રહ્યો વહેલો વહેલો. જેવી એક્ઝામ પતી નહિ કે સાહેબ ઘરે ઉપડ્યા નહિ. ખબર નહિ એને ઘરે શું હોય છે. હજુ દિવાળી વેકેશનને વાર છે છતાય હુહ. એક તો આ રુશી પણ જ્યારથી આ ધવલભાઈની પ્રોપોઝલ એસેપ્ટ કરી છે ત્યારથી બસ ફોનમાં અને એમનામાંજ લાગેલી હોય છે. મારે હવે શું કરવાનું અહિયાં રહીને પણ. ઘરે જવું છે પણ મારી ટીકીટ હજુ ૭ દિવસ પછીની બુક થઇ છે અને એના પહેલા એક પણ બસ નથી. કરીશ શું હું?
૨૧/૧૦
આજે તો હું મારી એક ફ્રેન્ડને મળીને આવી. મજા આવી ગઈ. કેવું હોઈ નહિ કે આપડે એક વાર જ કોઈને મળ્યા હોય છતાં પણ એ આપણા માટે અજાણ્યું ના લાગે. સાચે નિધિ પણ એમાંની જ એક છે.
હા નઈ મેં તો કીધું જ નહિ કે નિધિ કોણ છે એ. નિધિ અમિતની બહેન છે. પેલા દિવસે ઇકોમાં જેમણે મારી હેલ્પ કરી હતી એ. એની વે ખબર નથી પડતી આ આરવને ઘરે જઈને શું થઇ જાય છે. નથી એક સરખો ફોન કરતો કે નથી ટાઈમે મેસેજના રીપ્લાય આપતો. હું હવે સુઈ જાવ બાય.
ડાયરી વાંચતો વાંચતો આરવ એ દિવસના વિચારમાં ખોવાય ગયો જયારે અદિતિએ સવાર સવારમાં ફોન કરી અને આરવનું માથું ખાધું હતું. અદિતિ જુનાગઢ થી અમદાવાદ બસમાં આવી રહી હતી ત્યારે બસ વચ્ચે ખોટવાતા અમદાવાદ આવતા આવતા એને લગભગ રાતના ૧૦ જેવું થઇ ગયું. અદિતિએ આરવને ફોન કર્યો હતો કે ગાંધીનગરથી અમદાવાદ એને લેવા માટે આવે. આરવ પણ ત્યારે ટ્રાવેલિંગ કરતો હોવાથી આરવ ત્યાં આવી શકે એમ નહોતો. બીજા દિવસે જયારે અદિતિએ આરવને ફોન કર્યો ત્યારે એ ગુસ્સામાં હતી કે આરવ એને લેવા ના આવ્યો પણ જયારે ખબર પડી કે આરવ એ દિવસે પોતે લેટ આવ્યો ગાંધીનગર એટલે એ થોડી શાંત થઇ અને બીજું કે ગઈ રાત્રે એને જે રીતે હેરાન થવું પડ્યું અને અમિત અને એના મમ્મીએ એને કઈ રીતે હેલ્પ કરી હોસ્ટેલ સુધી પહોચવામાં એટલે એ થોડો વધુ ચીડાણો. બીજા કોઈ છોકરાના વખાણ અદિતિના મોઢે સંભાળતો ત્યારે એ આવી રીતે જ ચિડાય જતો અને અદિતિને આરવને આ રીતે ચીડવવામાં ખુબ મજા પડતી.
આરવને લાગ્યું કે જાણે અદિતિને એ ઓળખીજ નહોતો શક્યો. જે અદિતિ એની સાથે આખો દિવસ રહેતી, સતત બોલ બોલ કરતી, એ અદિતિ વિષે ઘણું એ ડાયરીમાંથી જાણી શક્યો જે આટલા વર્ષોમાં પણ આરવ એની સાથે રહીને નહોતો જાણી શક્યો!
ડાયરી બેડની બાજુમાં મૂકી અને ફરી એ અદિતિની યાદોમાં ખોવાય ગયો. બંનેને ખાલી પ્રેમનો ઈઝહાર કરવાનો બાકી હતો બાકી જે પણ જુએ એમને ખબર પડી જતી કે આ બંને પાક્કા એકબીજાના પ્રેમમાં છે. કોઈ છોકરો અદિતિની નજીક પણ આવે એ આરવ જોઈ નહોતો શકતો. અદિતિ કે આરવ બંનેમાંથી કોઈ જો કોલેજ ના આવ્યું હોય તો એકબીજા સિવાય જાણે દુનિયામાં કોઈ છે જ નહિ એમ દુખી દુખી થઈને ફરતા. અને જયારે બંને સાથે હોય તો પણ જાણે એ બંને સિવાય દુનિયામાં કોઈ ના હોય એમ એકબીજામાં ખોવાયેલા રહેતા. આરવે કાઈ પણ વિચાર્યા વગર પેન ઉપાડી અને જ્યાંથી ડાયરી અધુરી હતી ત્યાંથી એણે લખવાનું શરુ કર્યું.
મને હતું હું તારો અને તું મારી,
છતાય આજે લાગે તું મને અજનબી.
તું આવી અને મહેકી ગઈ મારા દરેક શ્વાસમાં,
છતાય આજે લાગે ભેદ મને મારા પ્રેમમાં.
ક્યાંક તો ખોવાઈ ગઈ તું અને હું તને શોધતો રહ્યો,
પણ ક્યાં જઈને શોધું એ જાણવા હું મથતો રહ્યો.
ખાલી હું જ હતો જે જાણતો તને,
આ ભ્રમ હવે તૂટી પડ્યો એ કહી દઉં તને.
હજુ લાગે ક્યાંક છે તું વરસી રહી,
મને કહેવા માટે કાઈક તરસી રહી.
કહી દે ને મને બધું જે હોઈ તે,
મનમાં શીદ રાખ્યું કઈ કેટલુય તે.
બોલને અદી, હું હજુય ત્યાંજ છું,
તારા આવવાની રાહમાં બસ ત્યાં જ છું.
બસ હું ત્યાંજ છું અદી.
રડતા રડતા આરવે અદિતિની ડાયરીમાં લખ્યું અને ડાયરીને પંપાળતો એ સુઈ ગયો.
રાતે ૪ વાગ્યે અચાનક હાંફળો ફાંફળો થઈને એ બેડ પર બેસી ગયો અને અદિતિના નામની બુમો પાડવા માંડ્યો. એનું માથું ભમવા માંડ્યું અને જોર જોરથી રડવા માંડ્યો. એના મમ્મી-પપ્પા આરવના અવાજથી તેના રૂમમાં આવ્યા. આરવ કાઈક બબડતો હતો પણ સ્પષ્ટ સમજાતું નહોતું. ચિંતામાં તેના પપ્પાએ આરવને પાણીનો ગ્લાસ આપ્યો અને તેની મમ્મીએ તેને ગળે વળગાડ્યો. આરવ બસ રડે જતો હતો અને બબડે જતો હતો.
***
એવું શું સપનું આવ્યું હશે આરવને કે એ અડધી રાત્રે અચાનક આવું વર્તન કરવા લાગ્યો?