Change your calander in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી સીઝન - 3 - ચેન્જ યોર કૅલેન્ડર

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ડાયરી સીઝન - 3 - ચેન્જ યોર કૅલેન્ડર

શીર્ષક : ચેન્જ યોર કૅલેન્ડર 

©લેખક : કમલેશ જોષી
 
શું છે તમારું થર્ટી ફર્સ્ટનું પ્લાનીંગ? ફેમિલી સાથે હોટેલમાં જમવા જશો? કે ઘરે જ કોઈ વાનગી બનાવશો? કોઈ ટાઉન હોલમાં કે પાર્ટી પ્લોટ પર સામુહિક ઉજવણીનો રંગારંગ કાર્યક્રમ નવથી બાર માણશો? કે ટીવી પર જ ચાલતા કાર્યક્રમોને બાર વાગ્યા સુધી માણી દેશ વિદેશમાં ફૂટતા ફટાકડાઓ જોઈ આનંદની કીકીયારીઓ કરશો? કે પછી નાનકડી ભજન સંધ્યા કરીને કે કરાઓકે પર ગીતો ગાઈને કે નાનકડી પિકનીક કરીને ઉજવશો? કે પછી કંઈ જ નહીં કરો?
 
“એમાં ઉજવણી શું કરવાની?” અમારા ગંભીર મિત્રે કહ્યું “કોઈનો અંતિમ સમય નજીક હોય, ચોવીસ કે અડતાલીસ કલાક છેલ્લા હોય ત્યારે સેલિબ્રેશન કરાય કે જે છોડીને જઈ રહ્યું છે એની, જે હાથમાંથી સરકી રહ્યું છે, જે આઈસીયુમાં છેલ્લા શ્વાસો લઈ રહ્યું છે એનો પસ્તાવો કે અફસોસ કરાય?” અમે સૌ બે ક્ષણ ચુપ થઈ ગયા. અમારા હૃદયના ધબકાર પણ આઈ.સી.યુ.ની બહાર ઉહેલા દર્દીના સગાઓના ધબકારાઓની જેમ ‘ધકધક...ધકધક..’ થવા લાગ્યા. હમણાં મધરાતના બાર વાગશે અને બે હજાર ચોવીસનો ‘ધી એન્ડ’ આવી જશે. 
 
‘અલ્યા રોતલું... તું તો તારી આખી જિંદગી આઈ.સી.યુ.ની બહાર જ વિતાવવાની જાણે પ્રતિજ્ઞા કરીને આવ્યો હોય એવું લાગી રહ્યું છે..’ અચાનક અમારા ટીખળી મિત્રે ખામોશીને તોડતો ‘એક પથ્થર જાણે તબિયતથી આકાશમાં ઉછાળ્યો’ હોય એમ મજાકિયા અવાજે કહ્યું. "બેશક સેલિબ્રેશન કરવાનો જ આ સમય છે.." અમે સૌ એની સામે આશાભરી આંખે તાકી રહ્યા. એ બોલ્યો, "અલ્યા.. આપણે સૌ આઈ.સી.યુ.ની બહાર નહિ પણ મેટરનીટી હોમની બહાર ઉભા છીએ.. અને ડોકટરે કહ્યું છે કે બે હજાર પચ્ચીસ નામનું નવું સવું, રૂડું રૂપાળું, હસતું ખીલતું બાળક જન્મવાને બસ ચોવીસ કે અડતાલીસ કલાકનો જ સમય બાકી છે.." અમારી ભીતરે પણ ‘યેસ યેસ...’ એવો નાદ તો ગુંજ્યો પણ ગંભીર મિત્રના ચહેરા પર છવાયેલી ગંભીરતા જોઈ અમે એ વ્યક્ત ન કરી શક્યા.
 
હજારો દલીલો છે, બધે બધી સાચી જ છે, તેમ છતાં તમે જો સેલીબ્રેટ કરવા ઈચ્છતા હો, હસવા, નાચવા, ગાવા ઈચ્છતા હો તો એ માટે પણ હજારો કારણો અને બધ્ધેબધ્ધા સો ટકા સાચા કારણો પણ એટલા જ સત્ય છે. 
 
અમારા એક વડીલને ત્યાં એમના રૂમમાં પાંચ કૅલેન્ડર કાયમ લટકતા રહેતા. એક જયારે એમની પ્રથમ જોબ છૂટી ગઈ તે વર્ષનું, એક એમના પિતાનું અવસાન થયું એ વર્ષનું, એક એમના શ્રીમતીજીએ વિદાય લીધી હતી એ વર્ષનું, એક જયારે એમના મોટાભાઈ સાથે વારસા બાબતે એમને ભયંકર બોલાચાલી થઇ હતી એ વર્ષનું અને એક જયારે એમના દીકરાએ લવ મેરેજ કરી લીધા હતા એ વર્ષનું. આ ઘટનાઓ જે જે દિવસે બની એ એ દિવસની તારીખો પર એના કૅલેન્ડરમાં એમણે સ્કેચપેનથી ગોળ કુંડાળા કર્યા હતા. એ જયારે પણ સૂતા ત્યારે એ કૅલેન્ડર સામે નજર માંડી એ બધાં વર્ષોના જે તે દિવસને આખે આખો વાગોળતા અને એમની આંખો છલકાઈ જતી. અમને થયું કે અમારો ગંભીર રોતલુ મિત્ર પણ જીવન આખું પેલા વડીલની જેમ રડતો કકળતો જ રહેશે કે શું?
 
પણ એક દિવસ આશ્ચર્યજનક ઘટના બની. અમે એ વડીલને એમના ઘેર ખુશખુશાલ જોયા. એ અમને એમના રૂમમાં લઈ ગયા. દીવાલ પર જૂના પાંચને બદલે નવા પાંચ કૅલેન્ડર લાગેલા હતા. એક એમના લગ્નના વર્ષનું, એક પહેલી નોકરી મળી એનું, એક પહેલી છૂટ્યા પછીના ત્રીજા મહીને બીજી વધુ સારી જોબ મળી એનું, એક પુત્ર જન્મના વર્ષનું અને એક હજુ હજુ છ મહિના પહેલા જ જન્મેલી પૌત્રીના જન્મ દિવસનું. જુના પાંચ કૅલેન્ડર એમણે ડૂચો વાળીને કચરા ટોપલીમાં નાખી દીધા હતા. એ વડીલ રહસ્ય ઉદ્ઘાટન કરતા બોલ્યા, "કૅલેન્ડર બદલાવવાથી સમય બદલાતો નથી, સમય બદલવો હોય તો માઈન્ડસેટ, મગજમાં ચાલતા વિચારોને બદલવા પડે, નવા કિનારે પહોંચવા જુનો કિનારો છોડવો પડે, સેલિબ્રેશનને સ્વીકારવા શોકને ત્યજવો પડે, મનગમતું જીવવા અણગમતું ભૂલવું પડે, તમને ડંખ મારી ગયેલી ઘટના ભૂતકાળમાં ભજવાઈ ચૂકી છે, એ વર્તમાનમાં તમારા મન સિવાય ક્યાંય મોજુદ નથી.. જતી રહી છે.. તમારે પણ એને તમારા મનમાંથી લેટ-ગો કરવી પડે..” અમે એમના ચહેરા પર રમી રહેલી સાચુકલી પ્રસન્નતાને મન ભરીને જોઈ રહ્યા. એમની આંખોમાં આંસુ નહોતા, એમને બધું ચોખ્ખું દેખાતું હતું. અમે અમારા ગંભીર મિત્રની આંખોમાં પણ નવો ચમકારો જોયો. ટીખળીએ તો પેલા વડીલનો હાથ લઈ એના પર એક ચુંબન પણ ચોડી દીધું અને રોતલું મિત્રના માથે ટપલી મારી વહાલ પણ કરી લીધું.
 
મિત્રો, ભવ્યાતિભવ્ય બે હજાર પચ્ચીસની સાલ તમારા આંગણે આવીને ઉભી છે. એના હાથમાં ત્રણસો પાંસઠ ગીફ્ટ પેકેટ છે જેમાં અનેક સરપ્રાઈઝ ભરેલી છે. અમારા પેલા વડીલનો એક જ મંત્ર યાદ રાખીએ કે “જે ગીફ્ટ ગમે, જે દિવસ ગુડ ન્યુઝ જેવો લાગે તેને મઢાવીને દીવાલ પર ટાંગી દેવાનો અને જે ગીફ્ટ ન ગમે, બેડ ડે નીવડે તેનો ડૂચો વાળી કચરા ટોપલીમાં ફેંકી દેવાનો.. ધેટ્સ ઓલ...” 
 
મિત્રો, બે હજાર ચોવીસની આ આખરી ક્ષણો કે કલાકો વીતી રહી છે ત્યારે એક વાર શાંતિથી બેસીને વીતેલા ત્રણસો પાંસઠ દિવસ દરમ્યાન કેટલી તારીખો તમને સોને મઢાવી રાખવા જેવી લાગી એનું મસ્ત મજાનું લીસ્ટ બનાવીએ તો કેવું? હેપ્પી ન્યુ યર ઇન એડવાન્સ.    
       
હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)
(ગઈકાલની લોકસત્તા જનસત્તાની પૂર્તિમાં પ્રકાશિત 'શબ્દકમળ' કૉલમ)