3. અજાણી મદદગાર
કોલેજથી છૂટી હું દોડતી નજીકનાં બસસ્ટોપ પર ગઈ. મારા ઘરના રૂટની બસ આવી એટલે ધક્કામુક્કી વચ્ચે આખરે એ બસમાં ચડી. બસમાં ભીડ ઘણી હતી પણ મને જગ્યા મળી ગઈ.
કંડકટર પંચ ખખડાવતો, ‘કોઈ બાકી ટિકિટમાં?’ બોલતો મુસાફરોને ટિકિટ આપવા ભીડ વચ્ચે માર્ગ કરતો આગળ આવી રહ્યો. થોડી જ વારમાં તે મારી નજીક આવ્યો. તેણે મારી સામું જોયું. તેને ખ્યાલ આવી ગયેલો કે હું આગલા સ્ટોપથી જ ચડેલી. મેં મારી પાસેના ચોપડા મારી બગલમાં દબાવ્યા, એક સીટના હાથાનો સહારો લીધો અને ટિકિટ લેવા મારી પર્સ ખોલી.
મારાં આશ્ચર્ય વચ્ચે પર્સ સાવ ખાલી નીકળી. અંદરનાં પોકેટ્સ ફંફોસ્યાં. બધું જ ખાલીખમ! કોઈએ પિક પોકેટીંગ કર્યું ન હતું પણ સવારે ઉતાવળમાં નીકળવામાં હું પૈસા લેવાના ભૂલી ગયેલી.
હું દર બે ચાર દિવસે પૈસા લઈ લઉં છું.
કોલેજમાં કેન્ટિનમાં ખાવાની મને આદત નથી. જરૂરી પૈસામાં મારું અઠવાડિયું નીકળી જાય છે. આજે કોણ જાણે કેમ, પર્સ ખાલી નીકળી.
હવે શું?
કંડકટરને મેં કહ્યું કે મારી પાસે આજે પૈસા નથી. હું તો રોજ આવું છું, કાલે આજના પણ આપી દઈશ.
કન્ડક્ટર કહે "એમ ન ચાલે બહેન. લોકો અવારનવાર આવાં જ બહાનાં કાઢે છે. ચેકીંગ આવશે તો મુશ્કેલી થશે. નહીં તો પણ હું આવું ચલાવી શકું નહીં. ચાલો, પૈસા કાઢો જલ્દી."
મેં સ્કર્ટનાં ખિસ્સાં ફંફોસ્યાં, જો કોઈ સિક્કો નીકળે તો. કાઈં ન નીકળ્યું. તેને ખૂબ વિનવણી કરી જોઈ પણ તે એકનો બે ન થયો. હું રડમસ થઈ ગઈ.
મેં આજુબાજુ જોયું. સહુ મારો ગભરાયેલો લાલઘૂમ ચહેરો જોઈ રહેલા. સહુને પ્રેક્ષક બની રહેવું હતું પણ મારી ટિકિટ લેવા માટે કોઈ તૈયાર ન થયું. એમ તો અજાણ્યાને કોણ મદદ કરે?
કંડક્ટરે મને ઉતરી જવા કહ્યું. મારું ઘર નજીકનું સ્ટોપ ખાસ્સું દૂર હતું. હું મૂંઝાઈ ગઈ. મારું મોં લાલચોળ થઈ ગયું. દાઢી ડગડગવા લાગી. મારે ડૂસકું મૂકી રડવાનું જ બાકી હતું જે મેં પ્રયત્ન કરી ખાળી રાખ્યું.
મને ખૂબ ક્ષોભ થયો. મારી જાત પર ખૂબ ચીડ ચડી.
કન્ડક્ટર કહે “જુઓ, ક્યાંકથી મળે તો બુક, પર્સનાં બીજાં ખાનાઓ ફંફોસી જુઓ. હું આગળ સુધી ટિકિટ આપી આવું છું.”
તેને બે જ રો આગળ જવાનું હતું.
મેં જોવા ખાતર ફરીથી પર્સમાં હાથ ફેરવ્યો પણ વ્યર્થ! હું શૂન્યમનસ્ક પણે ડ્રાઈવરની પીઠ તરફ જોઈ રહી.
ત્યાં તો મારી આગળ બેઠેલી અત્યંત સાધારણ કપડાં પહેરેલી એક છોકરી ઊભી થઈ. મારી તરફ એવી રહેલા કંડક્ટરને મને ટિકિટ આપવા કહી પોતાની પર્સમાંથી પૈસા પણ આપી દીધા. તરત મને ટિકિટ આપી કન્ડક્ટર પાછળ જતો રહ્યો.
મેં હાશ કરી ઊંડો શ્વાસ લીધો અને પરસેવો લૂછ્યો.
ગિરદીમાં લોકો કોઈ તમાશાની અપેક્ષાએ મારી સામે જોતા હતા તે હવે બારીની બહાર જોવા લાગ્યા.
હું ખૂબ આભારવશ થઈ ગઈ. હું ઊઠીને તેની નજીક ગઈ. ત્યાં ઉભતાં જ તેણે સહેજ ખસી મને જગ્યા પણ કરી આપી. મેં તેની બાજુમાં બેસતાં પૂછ્યું કે તે કઈ કોલેજમાં ભણે છે.
તેણે સ્મિત આપી કહ્યું "હું ભણી શકું એવાં મારાં નસીબ ક્યાં? હું તો નજીકનાં કારખાનામાં એપ્રેન્ટીસ છું. માંડ પેટ પૂરતા પૈસા મળે છે."
મેં કહ્યું "તેં બહુ સારું કામ કર્યું. ખરે વખતે મદદ કરી. કાલે હું તને પૈસા ચોક્કસ આપી દઇશ."
તેણે એટલુંજ કહ્યું, "એવી કોઈ જરૂર નથી. થાય ક્યારેક એવું. માણસ માણસને કામ નહીં આવે તો માણસાઈ કોને કહેવાય?"
નેક્સટ સ્ટોપ આવતાં તે મને એક મીઠું સ્મિત આપીને ઉતરી ગઈ. હું હાથ હલાવતી તેને જોતી રહી.
એ રૂટ પર હું લગભગ રોજ જાઉં છું પણ ફરી ક્યારેય એ છોકરી મને મળી નથી.
એ અજાણી સ્ત્રીની મદદ યાદ આવતાં આજે પણ હું ભાવવિભોર થઈ જાઉં છું.
**