Aaspaas ni Vato Khas - 2 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસપાસની વાતો ખાસ - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

આસપાસની વાતો ખાસ - 2

વિઘ્નહર્તા

અમે બન્ને, વિશ્રુત અને વૃંદા, ગપાટા મારતાં હતાં. ઓચિંતું વિશ્રુત કહે "યાદ છે ને!  તારી મમ્મીએ ગણેશજીની મૂર્તિ લઈ આવવા  કહ્યું છે. અને એને લગતી બધી ખરીદી પણ કરવાની છે."

"કહ્યું છે મને, કામનો ફડકો તને છે." મેં તેને છાતી પર હળવો ધબ્બો મારતાં કહ્યું.

"તારી ઉપર વિશ્વાસ છે એને." કહેતાં એણે મારા ગાલે ચીટીયો  ભર્યો. અમે હેલ્મેટ અને માસ્ક પહેર્યા અને નીકળ્યાં બાઇક ઉપર એ બજાર તરફ. વડોદરાનું સંધ્યાનું ફૂલગુલાબી આકાશ જોતાં. 

કુણો તડકો વૃક્ષોનાં પર્ણો ચમકાવી રહ્યો હતો. અમે સાંજના ટ્રાફિકમાંથી  જોડાજોડ બેસી જતાં હતાં. ત્યાં  ઓચિંતો પવન ફૂંકાવા લાગ્યો અને કાળાં ડિબાંગ વાદળો ઉમટી પડ્યાં. આગળ દેખાય નહીં તેવી ધૂળની ડમરીઓ ઉડી. ઓચિંતો  જોરદાર વરસાદ તૂટી પડ્યો.

રસ્તે જેમજેમ વરસાદ વધ્યો તેમ ટ્રાફિક જામ થવા લાગ્યો. અમે શેરીઓમાં થઈ જલ્દી જવું પસંદ કર્યું. રસ્તે તો  ટ્રાફિક જ્યાંત્યાં થંભી ગયેલો દેખાતો હતો. થોડી વાર માટે અમે પલળીને નિતરતાં કોઈ શોપિંગ સેન્ટરની દુકાનની છત નીચે ઊભાં.

વરસાદ થોડો ધીમો પડ્યો. અમે બજારમાં પહોંચી ગયાં.  ગણપતિની મારી કમર જેટલી ઊંચી સુંદર મૂર્તિ પસંદ કરી લીધી. 

એક હેંડલુમની આઈટમો વેંચતા ફેરીયા પાસેથી જાડું આસનીયું લઈ લીધું અને તેની ઉપર અમારી વચ્ચે ગણપતિ રાખી હું પાછળ બેઠી. ગણપતિ હલે નહીં એટલે તેમની મૂર્તિ ફરતેથી હાથ લંબાવી મેં વિશ્રુતની કમર પકડી રાખી.

આગળ ઉતરતો ઢાળ અને એક પાણી ભરેલું નાળું આવ્યું. તેમાંથી બાઇક નાખી વિશ્રુતે 'જય ગણપતિ બાપ્પા' કહેતાં જોરથી એકસેલરેટર આપ્યું અને ઢાળ ઊતર્યાં.    

 ઢાળ ચડવા હજી વધુ જોર કરીને બાઇક ચડાવ્યું ત્યાં આડે એક દોરડું  બાંધેલું જોયું. એ આગળ જતાં રોકવા માટે હતું.  મેઈન ગટરનું કોઈ કામ ચાલતું હતું.

 ત્યાંથી પાણીનો જોરદાર પ્રવાહ વહેતો હતો. તો પણ બાઇક તેમાં નાખ્યું. કોઈ પથ્થર નાળાંમાં વચ્ચે આવ્યો અને બાઈકનું સહેજ બેલેન્સ ગયું. હું ગણપતિ ફરતેથી એક હાથ કાઢી વિશ્રુતને જોરથી વળગી રહી. વિશ્રુત પગ નીચે મૂકે ત્યાં તો બાઇક તણાઈને સીધી નીચે થઈ ખાડામાં! 

 નીચે એક બાજુ પાણીનો પ્રવાહ અંદર તરફ ધસતો હતો તેથી એની બાજુમાંથી બાઇક કાઢવા ગયાં. 

 આ તો ઊલમાંથી ચુલમાં પડ્યાં.  એ ભુવો હતો અને સહેજ જ દૂર ગટરનું મેનહોલ. 

 ભુવામાં જતા વેગવાન પ્રવાહમાં બાજુમાં જ મેનહોલમાં જતું પાણી ભળી જતું હતું તેથી ત્યાં સીધો રસ્તો હોય એવું લાગેલું. અમે બાઇક ભુવામાં જતી બચાવવા એ રસ્તા તરફ લીધી. કશી ખબર પડે તે પહેલાં તો અમે બન્ને ખાબક્યાં મેનહોલમાં થઈ ગટરમાં. નીચે પાણીનું સ્તર સારું એવું હોઈ અમને ઇજા ન થઈ પણ અમે એ પ્રવાહ સાથે જોતજોતામાં અંધારી ગટરમાં બાઇક સાથે વહી રહ્યાં હતાં.

 ઓચિંતું કોઈ ઝાડ તણાતું અમારી આડું આવી ગયું.   બાઇક પડવા છતાં એન્જીન ચાલુ હતું એ  હવે અટક્યું. મેં એક મોટી ડાળી તોડી લીધી. વિશ્રુતે નીચે ઉતરી પોતે તણાઈ જાય એમ લાગ્યું છતાં પાણીના પ્રવાહ આડેથી ઝાડ થોડું દૂર કર્યું. મને કહે "આ ઝાડ બાઇકની પાછળ મૂકી દે. બાઇક વહી જાય નહીં."

"બાઇકનું વજન વધારે કે ઝાડનું?  મેં કહ્યું.

 અમે બન્નેએ એક સાથે બાઇક ઊંચકવા પ્રયત્ન કર્યો. મેં વચ્ચે બેઠાં મારા દેહ સાથે ગણપતિને ચાંપી રાખેલા. બાઇક ઊંચકાઈ તો ખરી પણ વહેતા પ્રવાહમાં તેને પાછળ, એ પણ ઝાડનું થડ કુદાવી લેવી શક્ય ન હતી. અમે બાઇક જાય એટલી જગ્યામાંથી બાઇક હાથે દોરી આગળ વધ્યાં. મેં માતા નાનું છોકરું પકડે તેમ મારાં ઉપરનાં ધડ જેટલી સાઈઝના ગણપતિ પકડી રાખેલા જે બાઇક ઉપર પાણીની વેગવંતી છાલકો વાગતાં ડોલતા અમને બન્નેને વાગતા હતા. સારું હતું અમને માટીના જોઈએ એવા ન મળ્યા એટલે પીઓપીનાજ લીધેલા. નહીંતો ક્યારના સ્થાપન પહેલાં જ વિસર્જન થઈ ગયા હોત.

 એ ગટર હવે મોટી ગટરને મળતી હતી. એ જંકશન પર ચારપાંચ ગટરો ભેગી થતી હતી. માણસને કામ કરવા નાનું ઓટલા જેવું હતું. એના ટેકે બાઇક ઉભી રાખી વિશ્રુતે  એક રબરની પાઇપ ડેકીમાંથી કાઢી. મને કહે "ગમે તેમ કરી પાણીમાં હાથ નાખી સાયલન્સર ગોત. એના છેડે આ પાઇપ જોડી દે."

 મેં કેડ સમાણાં વહેતાં પાણીમાં હાથ નાંખ્યો. પાઇપ ગરમ તો હતી પણ પાણીના ફ્લોને લીધે દઝાય એટલી નહીં. જેમતેમ પાઇપ જોડી. અમે પેલા ઓટલે ગણપતિ મૂક્યા અને મેં પાછળથી બાઇક પકડી. વિશ્રુતે બાઇક થોડી ઊંચી કરી. ધીમેથી મેં પગ દબાવ્યો અને બાઇક નીચે ખેંચી. વિશ્રુતે તેને લગભગ આકાશ સામે ઊંચી કરી નીચે મૂકી ફરી સ્ટાર્ટ કરી. થોડું પાણીમાં જ એકસીલરેટર રેસ કરતાં થતો ઘુરકાટ કરી બાઇક સ્ટાર્ટ થઈ. સાયલન્સર  થોડી પાણીમાં થોડી બહાર હતી. ફરી હું ગણપતિ લઈને બેઠી અને ફૂલ એક્સેલરેટર આપવા છતાં વહેતાં પાણીમાં ડગમગ ડોલતી બાઇક ચાલી. સામે લાઈટ ફેંકતાં અમે એ મોટી ગટર જતી હતી એ તરફ નીકળવાનું કર્યું. કદાચ બહાર નીકળવાનો માર્ગ હોય. પાછા ફરવું તો આ ઝડપી પ્રવાહની વિરુદ્ધ દિશામાં શક્ય જ ન હતું.

 ઓચિંતો પાણીમાં કોઈ ફફડાટ થયો.  લાઈટ પડતાં કઈંક ઊંચું થયું. પાણીનો જાણેકે ઊંચો ધોધ એક ક્ષણ માટે ઉડી પાછો નીચે પડ્યો. અમારી આંખો ફાટી રહી- લાઈટ પડવાથી સામે બે લીલા રંગની વિકરાળ આંખો ચમકી રહી હતી. બહારથી આવતાં પાણી સાથે એક લાંબો મગર તણાઈ આવ્યો હતો. 

 વિશ્વામિત્રી નદીનાં પાણીમાં ઘણા મગરો રહે છે અને પુર વખતે ક્યારેક જાહેર રસ્તાઓ પર પણ આવી જાય છે. ગયે વર્ષે તો લોકોના ઘરના દરવાજે આવી પડેલા.

 મગરની આંખમાં લાઈટ પડતાં તે ગભરાઈને પૂંછડી આમથી તેમ ઘુમાવવા લાગેલો. તેની પૂંછડી ઊંચી થઈ પટકાય એટલે પાણીનો નાનો ધોધ ઉડે!

 મગર  અમારી તરફ ધસ્યો. વિશ્રુતે એકદમ  નીચે પગ મૂકી બાઇકને  અજાણી દિશામાં બીજી ગટર તરફ ઝડપથી ઘુમાવી.

 અર્ધા કલાક ઉપરાંતથી અમે જમીન નીચે ગટરમાં વહેતાં હતાં. મગર તરતો તરતો મોં ફાડી અમારી તરફ ધસ્યો. વિશ્રુતની બાઈકે રંગ રાખ્યો.  પાણીમાં મગરની તરવાની ઝડપ કરતાં અમે વધુ ઝડપે ભાગતાં હતાં.

 મગર ઓચિંતો પાછળ તરફ ઊંધો ફર્યો. તેણે પૂંછડી જોરથી પછાડી. હું એકદમ નમી ગઈ અને વિશ્રુતના ખોળામાં ચાલુ બાઈકે પડી. ગણપતિ હાથમાંથી સરી વહી જતા રહી ગયા. એક ક્ષણ માટે વિશ્રુતે  બાઇકને બ્રેક મારી. હું  બે ચાર સેકંડ બાઇક થંભાવવા કહી ગણપતિ સાથે ઊંઘી ફરી બેસી ગઈ. હવે ગણપતિ બાપા  અને હું પાછળ જોતાં હતાં. 

 મગરે કુદકો લગાવ્યો અને  તે એકદમ નજીક આવી ગયો. વિશ્રુતે એક ચીસ પાડી પગ નીચે મૂકી ફરી ફૂલ એક્સેલરેટર આપ્યું. બાઇક જોઈએ એવી ભાગી નહીં. મેં મારી પાસે પડેલ ડાળી જમીન સાથે ખોડી જોર કર્યું. અમે બન્નેએ સાથે જમીન પરથી બાઇકને એક ધક્કો લગાવ્યો અને બાઇક દોડવા ગઈ પણ એકદમ ઊંચી થઈ. હું નીચે પડતાં રહી ગઈ. બાઇકના ઘુરકાટ સાથે પાણીની છોળ ઉડી મગર પર પડી. મગર ચીડાયો. તેણે મારી તરફ તરાપ મારી. 

 અજાણતામાં જ, આપણે કોઈ મારે તો હાથ આડા કરી દઈએ એમ મારાથી  હાથ ભીંડાઈ ગયા. તેને કારણે ગણપતિની મૂર્તિ ઊંચી થઈ. બરાબર મગરનાં ફાડેલાં મોંમાં વિકરાળ દાંતો વચ્ચે અથડાઈ. મગરે જોશથી  અવાજ કરી  ચીસ નાખી. એને જડબામાં મૂર્તિ વાગેલી. એની પૂંછડી બાઇકને વાગી. અમે બેય નીચે પાણીમાં પડ્યાં અને બાઇક આડી પડી ગઈ. 

 'તારી ડાળીથી બાઈકનાં બેક વ્હીલને ધક્કો માર.' વિશ્રુતે બૂમ પાડી. મેં કુંભાર ચાકડો ફેરવે તેમ  એ ડાળીથી વ્હીલને લાકડીથી ગોળ ફેરવ્યું. પૈડાં ફર્યાં અને બાઇક પર સુઈ જઈ અમે  હોડીની  જેમ  આગળ ધસ્યાં. 

 મગરે મૂર્તિ ખાવા કોશિશ કરી. ગણપતિના મુગટની ટોચ તેનાં જડબામાં અથડાઈ. અંદર મોટો લોખંડી ખીલો ટોચ ઊંચી રાખવા હતો તે તેનાં જડબામાં વેગથી પેસી ગયો. તેને લોહી નીકળ્યું. એક આખી કોગળો કરતો હોય તેવી  લોહીની ધાર ઉડી. મૂર્તિ મોમાંથી મૂકી તે ડરીને ઊંધો ભાગ્યો. ગટરનાં ગંદાં પાણી ઉપર લોહીની ધાર વહી રહી. 

 ગણપતિ બાપ્પાએ ભક્તોને ઘેર પધારતા પહેલાં જ બચાવ્યા.

 હવે પ્રવાહ અમારી કેડથી ઊંચે વહેવા લાગેલો. મને ઉપાય સૂઝયો. કદાચ કોઈ લારીનું હોય એવું લાગતું એક તણાતું આવતું પાટિયું લઈ તેની પર  બાઇક આડી રાખી ઉપર ગણપતિ સુવાડી દીધા. અમે બેય ગણપતિબાપાની પલાંઠી વાળીને બેઠેલી મૂર્તિના એક એક ઉપસેલાં ઘૂંટણો પર બેસી ગયાં અને મારી પાસે તો ડાળી હતી જ. એનો બીજો કટકો તોડી વિશ્રુતને આપ્યો. બેય  હલેસાં મારતાં હોઈએ તેમ  આગળ વધ્યાં.  પાટિયું આડી પડેલી બાઇક સાથે હોડીની  જેમ તરતું રહયું,  અમે ગણપતિના ખોળામાં બેઠાં હોઈએ તેમ બાપાનાં ઢીંચણો પર બેસી, બાકીની કાયા ઉભી રાખી હલેસાં મારતાં  આગળ વધ્યાં. હાથ થાકી ગયા. વહેણની ઝડપ સાથે અમે તણાયાં.

 બીજી દસેક મિનિટ એમ ગયાં હશું ત્યાં વળી એક મોટી જાળી આવી.  અમારી બાઇક કમ હોડી ત્યાં થંભી ગઈ. હું મૂર્તિ લઈ ઉભી થવા ગઈ. પ્રવાહનું જોર સારું એવું હતું. હું તણાવા લાગી. વિશ્રુતે મારો પગ પકડી લીધો. થોડી આમતેમ ઝોલાં ખાઈ પ્રવાહમાં ખેંચાતી હું તેને વળગી પડી.  તે મારા શરીરના ધક્કાથી જાળી સાથે દબાયો. અમે બન્ને ચિપકીને જાળી સાથે વળગી રહ્યાં. 

 ઉપરથી કોલાહલ જેવો કોઈ અવાજ આવ્યો. નજીકમાં જ હોલ ખુલતું હતું.  વિશ્રુત જાળીના સળિયા ઉપર પગ મૂકી ચડ્યો.  ઉપર છત હતી. આગળ  ઢાંકણું લાગ્યું જે બંધ હતું અને તેમાંથી પાણીનો ધોધ આવી રહ્યો હતો.

 હું ગણપતિની મૂર્તિ પકડીને ઉભી.

 ઓચિંતો એક ઝપાટો થયો. એ ખુલતી મેનહોલ જેવી જગ્યાથી થોડે દુર છતમાં પીપળો ઉગેલો. તેની ડાળી ઉપર વરસાદનાં પાણી સાથે તણાઈ આવેલો કે કદાચ ત્યાં જ રહેતો અજગર વિશ્રુત તરફ કુદ્યો. તેની લબકારા મારતી જીભ વિશ્રુતના વાળ ચાટી રહી.

 વિશ્રુત ગયો કે જશે. મારી નજર સામે જ! હું ફાટી આંખે જોઈ રહી. મેં ડાળી અજગર તરફ ફેંકી. તેના છેક અંદરનાં ગૂંચળાંને અથડાઈને નીચે પડી. અજગર એક પીપળાની ડાળીએ વીંટળાયેલો. મેં એકદમ બાઇકની સાયલન્સર પર વીંટેલી તે પાઇપ ખેંચી કાઢી અને હાથમાં રહેલી ડાળી પર એક છેડો ફટાફટ બાંધી હંટરની જેમ વીંઝી. અજગરને મોં પર આંખ પાસે જ વાગી. તેણે મારાં એ અજાણતામાં જ બની ગયેલાં હથિયાર તરફ તરાપ મારી. એની ઝાપટથી  એ કટાએલાં લોખંડની જાળી ધ્રુજી. અજગર જાળી તરફ પડ્યો અને ડાળ છોડી દઈ મારી તરફ પાણીમાં લાંબો થઈ ખાબક્યો. 

 હું  તરવાનું શીખી છું. હવે સભાનપણે મેં ગટરનાં પાણીમાં જ ડાઇવ મારી અને થોડી આગળ નીકળી ગઈ. અજગરે બાઇકને ભરડો લીધો. 

 તેના પડવાથી જાળી પહોળી થઇ હતી તે  જોર કરી વધુ ખસેડી હું સાઈડમાંથી ઘસાઈને અંદર બીજી બાજુ ગઈ. વિશ્રુત જાળી પકડી ઉપર ઉભો હતો. નીચે ઉતરે તો અજગરનો કોળિયો જરૂર બની જાય. તે જાળીમાં  મહા મહેનતે થોડો ઉપર ચડ્યો. સામેની બાજુ તેને ખુલી શકે તેવું ઢાંકણું દેખાયું. "અહીં એક બાજુથી મોટું ઢાંકણું દેખાય છે. ખુલ્લું જ છે. પ્રકાશ દેખાય છે." તેણે કહ્યું. પણ હું સામેની બાજુ પહોચી ગયેલી. અત્યંત કટાઈ ગયેલી છતાં ખૂબ મજબૂત જાળી હાથથી તૂટે એમ ન હતી.  

 વિશ્રુત બેત્રણ ચોરસ નીચે ઉતર્યો. ઓટલા પર મુકેલી ગણપતિની મૂર્તિની  હથેળીઓ પર  પોતાના પગની આંગળીઓ ટેકવી ઉભો. એક જગ્યાએ લટકતો તાર દેખાયો.  તેણે  સાઈડના સ્લેબમાં અડી રહેલો એક સિમેન્ટનો મોટો ગાંગડો કહેવાય તેવો પથ્થર ખેંચી કાઢ્યો. તેની અણીથી તારની ગાંઠ  ઊંચી કરી અંદર એ ગાંગડો ભરાવી ખેંચ્યો. તાર પહોળો થયો એટલે ખૂબ ધીરજથી તેના વળ છોડયા. બે કાણાં પહોળાં થયાં એટલે તેનો હાથ કે માથું અંદર  આવી શકે એવું થયું. 

 અજગર બાઇકને ભક્ષ્ય સમજી ભરડો લેવામાં મશગુલ હતો. એટલી વારમાં જ્યાંથી હું આ બાજુ આવી હતી એ પહોળી કરેલી જગ્યામાં ડાળી ખોસી ખેંચી. જાળી ઉપરની બાજુ સાઈડમાંથી  થોડી ખેંચાઈ.

 મેં વિશ્રુતને જોખમ લઈ નીચે પાણીમાં પગ મુકવા કહ્યું. અજગર નજીક જ હતો.  જોખમ લેવાય એમ ન હતું છતાં એણે  તરતો હોય એમ વેગથી પગ હલાવ્યા. છાલકો ઉડી. ઓટલા પર પડેલી ગણપતિની મૂર્તિ આડી પડવા ગઈ. મેં અંદરની બાજુથી એનો મગર સાથે ટકરાયેલો મુગટમાંથી બહાર આવેલો સળીયો પકડ્યો. એને  જ સાઈડના ભીંત તરફના સળિયામાં ભરાવ્યો.

વિશ્રુત ફટાફટ ઉતર્યો. મૂર્તિ ઉઠાવી તેના વડે જ ઉપરાઉપરી પ્રહારો એ જાળીમાં જગ્યા હતી તે તરફ કર્યા. સળીયો વાળ્યો. તાળું ખોલતાં હોઈએ એમ મૂર્તિનો મુગટ તેમાં ગોળ ફેરવ્યો. થોડી જગ્યા થઈ. તેણે મૂર્તિનું મસ્તક અંદર ભરાવ્યું. મૂર્તિ ખુદ એક હથિયાર બની અમને છોડાવવા આવેલી. 

 મેં અંદરથી મૂર્તિનું મસ્તક પકડી રાખ્યું. બહાર તરફથી વિશ્રુતે મૂર્તિ બેઇઝ પાસેથી ધક્કો મારી અંદર ધકેલી. મૂર્તિના ખભા અંદર ભરાઈ ગયા. અમે બન્નેએ જોર મારી મૂર્તિ જ ફરીથી તાળામાં ચાવી ફેરવીએ એમ જોરથી ફેરવી.  કડડ.. અવાજે સાઈડનો સ્લેબ તૂટ્યો. ઉપરની જાળી હું અંદર આવેલી એટલી પહોળી થઇ. તેમાંથી વિશ્રુત પણ શરીર ઘસાય એટલો છોલાઈને આવી શક્યો. 

 અમે  મૂર્તિને પેટ પાસેથી પકડી ફરી ટ્વિસ્ટ કરી. બાપ્પા પડખું ફર્યા અને.. અંદર ખેંચાઈ આવ્યા.

 અંદર પગથિયાં જેવું હતું. હું ઉપર ચડવા લાગી.

 ત્યાં જોરથી બાઈકનો ટોં.. ટોં.. અવાજ થયો અને લાઈટ થઈ. અજગરની જીભના ધક્કે હોર્નની સ્વિચ દબાઈ ગયેલી તેથી હોર્ન વાગવા લાગેલું.  બાજુમાં જ લાઈટની સ્વિચ હતી તે લાઈટ ચાલુ થઈ ઉપર ફેંકાવા લાગી. ઇગ્નિશન તો ચાલુ જ હતું, બાઇક પાણીમાં બંધ થયેલી.  અજગર આ જોઈ ભડક્યો અને પૂંછડી વહેતાં પાણીમાં પછડાતો ચાલ્યો.

 હોર્નનો અવાજ સાંભળી એક પોલીસ ઇન્સ્પેક્ટર  સાહેબે  ઉપરથી ઢાંકણું ખોલ્યું. તેઓ બે વ્યક્તિઓને મૂર્તિ સાથે જોઈ અચંબિત થઈ ગયા. બાઇક ત્યાં જ રહેવા દઈ અમે તેમણે નાખેલ દોરડીની મદદથી પહેલાં ગણપતિ બાપાની મૂર્તિ બહાર અંબાવીને બહાર આવ્યાં.

 વિઘ્નહર્તાએ અમને નિર્વિઘ્ને જીવતાં બહાર કાઢેલાં.

  માત્ર મુગટની ટોચ અને  ઢીંચણ પાસેનો ભાગ  ખંડિત થયો હતો. ફરી મૂર્તિકાર પાસે લઈ જઈ એને ટચિંગ કરાવી એ જ મૂર્તિની સ્થાપના ગણેશચોથના દિવસે કરી. જે બાપ્પા બચાવે એની જ પૂજા કરવી જોઈએ ને! અમે એને ખંડિત ગણતાં ન હતાં.

 બીજે દિવસે વરસાદ રહી જતાં જ્યાંથી અમે બહાર નીકળેલ તે મેનહોલમાં માણસ ઉતાર્યો. બાઇક ભરડામાં વળી ગયેલી પણ બહાર  નજીકમાં જ લુહારી અને સર્વિસ સ્ટેશનવાળો હતો. ત્યાં રીપેર થઈ ગઈ.

 ગણપતિ માટે મોદક લેવા એ જ બાઇક પર એમ જ જોડાજોડ બેસીને ગયાં. અમે એકબીજાને હવે પોતાના જીવનસાથી બનાવવા કોલ આપી દીધેલો. એ મૂર્તિના અમને આશીર્વાદ હતા. એનું વિસર્જન પ્રતિકાત્મક કરી ઘેર  રાખશું. હું લગ્ન કરી વિશ્રુતને ઘેર એ અમારી જીવનદાતા બાપ્પાની મૂર્તિ લઈ જઈશ.

 અમે રાત્રે સાથે થાળ પકડી આરતી ઉતારી. મારાં મમ્મી પપ્પા સાથે સહુએ આરતી ગાઈ પોકાર્યું- 'ગણપતિ બાપ્પા મોર્યા.. 

વિશ્રુત બોલી ઉઠ્યા- 'સંકટ હરવા સાથે રહયા..'

**