Nayika Devi - 34 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 34

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નાયિકાદેવી - ભાગ 34

૩૪

વિશ્વંભર ઊપડ્યો

મહારાણીબા નાયિકાદેવીની સવારીનું પરિણામ અજબ જેવું આવ્યું હતું. આખા ગુજરાતમાં લડાઈનું વાતાવરણ જામી ગયું. ઠેકાણે-ઠેકાણે ગર્જનકને રોકવાનાં થાણાં ઊભાં થવા માંડ્યાં. અબાલવૃદ્ધ સૌને યુદ્ધવી હવા સ્પર્શી ગઈ: ગુજરાતની રક્ષણસેના ગામડે-ગામડે ઊભી થવા માંડી. ‘જય સોમનાથ’નો ગગનભેદી નાદ બધે ગાજતો થઇ ગયો.

આ તરફથી ખબર મળ્યા હતા કે ગર્જનકે મુલતાન છોડી દીધું છે. તેની સાથે સેંકડો ઘોડેસવારો છે. મોટું પાયદળ છે. સાંઢણીસવારોની કોઈ સીમા નથી. તે ઘા મારવામાં કૃતનિશ્ચયી છે. ક્યાં ઘા મારવા  જાય છે એ  કોઈ જાણતું નથી. એ ક્યાં જઈ રહ્યો છે એ હજી સ્પષ્ટ ન હતું. એની દેખીતી દોટ પશ્ચિમ તરફની હતી. એ ક્યારે ને ક્યાંથી વળશે – એ જાણવું મુશ્કેલ હતું. પણ એ સમાચાર ઉપર જ વિજયનો મદાર હતો. ગર્જનકોની ચાલ અત્યંત ગુપ્ત હતી. રાત્રે તે ઊપડતા, દિવસે મુકામ નાખી દેતા.

ફરી એક વાર ગંગ ડાભી તૈયાર થયો. સારંગદેવ સોઢો એને સાથ દેવાવાળો હતો. વિશ્વંભરે એક ચુનુંદું નાનકડું દળ તૈયાર કર્યું. એ દળ ગર્જનકને અવારનવાર દેખા દેતું રહે એવી યોજના હતી. પણ પ્રગટ રીતે એને લડાઈ કરવાની ન હતી. એક રીતે જાણે કે ગર્જનક દળને અમુક રસ્તે આગળ ધકેલવાનું કામ કરાવવાનું હતું. લડાઈ આપવી એ એની નેમ ન હતી. પણ આ જનારા હવે ચોક્કસ મોત સાથે બાથ  ભીડવા જતા હતા. એમના દળમાં અત્યંત ઝડપી ને ક્યાંય ન હોય તેવાં ઘોડાં હતાં. એવી જ વેગીલી સાંઢણીઓ હતી. એમને ભાગતાં રોકે એવી કોઈ ભારે સામગ્રી એમણે સાથે રાખી ન હતી. છતાં ગર્જનક દળ ભટકાઈ જાય તો યુદ્ધ અનિવાર્ય હતું. સંખ્યા જોતાં એમનો પરાજય ચોક્કસ હતો. મરણ સાથે લઈને જ એમને નીકળવાનું હતું. ને ગમે તે પરિણામ આવે, પણ કોઈ ને કોઈ છેવટે એક જીવતો માણસ રહે તો એક, પણ જે જીવતો રહે એણે ગર્જનકના સમાચાર અહીં પહોંચાડે જ છૂટકો હતો. આ પ્રતિજ્ઞા હતી.

મધરાતે મહારાણીબાની પટ્ટકુટ્ટીમાં સેનાપતિ કુમારદેવે પ્રવેશ કર્યો. મહારાણી નાયિકાદેવી ત્યાં બેઠી હતી. આવી રહેલા  યુદ્ધને જાણે કે એ અત્યારે નિહાળી રહી હોય તેમ એની આખો નિશ્ચય અને સ્થિર હતી. તેના રૂપભર્યા ચહેરામાં અત્યારે યુદ્ધની તૈયારીઓએ એક અનોખો જ રંગ પૂર્યો હતો. પાછળ એક ખૂણામાં બે સશસ્ત્ર નારીસૈનિકો શાંત ઊભી રહી ગિયા હતી. તેની પાસે જલી રહેલી સુગંધીભરી દીપીકાઓના છાયા-તેજને લીધે એની શરીરસૃષ્ટિ જાણે કોઈ રણઅધિષ્ઠાત્રી દેવી બેઠી હોય , તેવી શોભી રહી હતી. એનો પ્રતાપ ભલભલાને આંજે તેવો હતો. પણ અત્યારે એ પ્રતાપ ઉપર ચિંતાની રેખાઓ આવી હતી.

કુમારદેવ બે હાથ જોડીને ત્યાં ઊભો રહ્યો: ‘બા! ગંગ ડાભી ને સારંગદેવ સોઢો જાય છે!’ તેણે ધીમેથી કહ્યું.

મહારાણીબા જાણે જાગી ગયાં. પણ એ પહેલાં એ પ્રત્યુત્તર આપતાં જરા થોભ્યાં. એમના શરીર ઉપરથી એક આછી ધ્રુજારી જાણે કે ચાલી ગઈ. કુમારદેવે પણ એ જોઈ. એને એક પળ, સમયની કટોકટી સ્પર્શી ગઈ.

‘બા! બધાં સારાં વાનાં થશે, શું કરવા ચિંતા કરો છો? આપણા હેરકો સમાચાર લાવ્યાં છે. ગર્જનક આ બાજુ જ ઢળતો જાય છે.’

‘ગર્જનકનું તો ઠીક, કુમારદેવ...’ મહારાણીએ વાક્ય અધૂરું મૂકી દીધું. તે જરાક ઊંચે શૂન્યદ્રષ્ટિએ જોઈ રહી.

‘બા!’

‘કુમારદેવ! સોઢલ! તમને મળ્યો હતો?’

‘હા બા!’ કુમારદેવે કહ્યું, ‘તેનું શું છે?’

‘તેણે તને કાંઈક કહ્યું હશે નાં? ભાવિનું એ શું કહેતો હતો? ગર્જનકનું જુદ્ધ તો ઠીક, હું અકળ ભાવિને દેખી રહી છું.’ કુમારદેવ પણ એક પળભર સંક્ષુબ્ધ થઇ ગયો. ભાવિની નિરાશાભરેલી રેખા સોઢલે ભાખી હતી. રાણીની છાતી ઉપર પણ એ ચડી બેઠી હતી. અત્યારે એને એ ભયંકર લાગી. તેણે ઉત્સાહથી કહ્યું,

‘મહારાણીબા! આવતી કાલની ચિંતા જોદ્ધાઓ કરતા નથી. આવતી કાલની વાત આવતી કાલે. આજે આપણે વિજયને પંથે છીએ. ગોગસ્થાન હવે ત્યાં રહ્યું નથી. વિંધ્યવર્માનો રાજમહાલય હતો ત્યાં એક મોટો કૂપ થઇ ગયો છે! પાણી તેમાં હિલોળા મારે છે. કિલ્લાનું નામોનિશાન રહ્યું નથી. વિદ્યાસભા ક્યાં હતી તે પણ કોઈ જાણે તેમ નથી. વિંધ્યવર્મા હવે બેઠો થાય તે શક્ય નથી. જોકે ગર્જનકને આ તરફ આવવામાં આ સમાચાર જ આકર્ષક થઇ પડશે અને આપણે એ જ કામ છે. ગર્જનક જાણે છે કે આંહીં ગજસેના નિષ્ફળ જશે. ગર્જનક જાણે છે કે આંહીં એના સ્વતંત્ર થવા ઈચ્છતા મંડલેશ્વરો પાર વિનાના છે. એ બધા કાંઈ ને કાંઈ ખપ લાગશે. ખપ નહિ લાગે તો વિઘ્ન ઊભું કરશે. ગર્જનક આ તરફ આવવાનો છે. એ દીવા જેવું છે. બા! અને આપણે તૈયાર જ છીએ! વિજ્જલ શાંત પડ્યો છે. સિંહ ચૌહાણ હમણાં તો લાટનું  નાક સાચવીને બેઠો છે. સ્તંભતીર્થના સાધુરાજનો ભત્રીજો શંખ આંહીં બાનમાં છે. આ છોકરો શંખ છે તો દસબાર વર્ષનો. પણ શું મહારાણીબા એનું જોર છે! પણ એ આંહીં છે એટલે સિંધુરાજ ચૂંચાં કરી શકે તેમ નથી. પાટણનો બંદોબસ્ત ભીમસિંહ પઢિયાર અને ચૌહાણ જાળવવાના. ભગવાન સોમનાથના શપથ લઈને એમણે પાણી મૂક્યું છે. મહારાણીબા! જોદ્ધાઓ આપણા એક્કા છે. પછી શું રહે છે?’

‘કુમારદેવ! આ તે એક વાત કરી નાં, મને, એની જ રાતદિવસ ચિંતા થાય છે. બહારથી તો ભલે ને એક નહિ, દસ ગર્જનક આવતા! પણ આકાશ ફાટ્યું છે, ઘર ભેળાણું છે. સૌને પોતાનો કકડો નોખો કરી લેવો છે. પાટણને પડખે કોઈને બળવાન થાવું નથી. પાટણની ઉપરવટ રાખી લેવો છે. કુમાર બંને નાના છે. મહારાજ બહુ જ નાજુક પ્રકૃતિ ધરાવે છે. એણે તો હજી એના પિતાના ઘા સાંભર્યા કરે છે! અને ભીમદેવ એનો શો ભરોશો? જો સાચવે તો ગુજરાત શું ભારતવર્ષ પણ સાચવે તેવો છે, પણ કોણ જાણે શું છે, વીજળીને તરવારથી કાપે એવી જ બધી વાત એની  કલ્પનામાં રમી રહી છે. એને સિંધુપાર જવું છે. મુલતાન લેવું છે. બૃહદ ભીમસેન મહારાજનું સ્વપ્ન સિદ્ધ કરવું છે. એની કલ્પનાને કોઈ સીમા નથી – અને એની ઘેલછાનો કોઈ અંત નથી. અનેકરંગી સામંતો વચ્ચે આ ટકશે શી રીતે? મને ચિંતા એ આવતીકાલની છે! આજ તો ઠીક.’

‘મહારાણીબા! ત્યારે મને તો ભાવિ પણ ઉજ્જવળ જણાય છે. પૃથ્વીરાજ ને મહારાજકુમાર ભીમદેવ એક થાય તો આખા ભારતને ચલાવે. ને ગર્જનકનું એક બચલું પણ આંહીં ફરકી ન શકે. ગંગ ડાભી પણ એ જ વાત કરી રહ્યો હતો.’

‘પણ એ તું જાણે છે, હું જાણું છું. પણ ભીમદેવની કોઈ દી ન સંતોષાય તેવી રણઘેલછાનું શું? એ એને ક્યાં લઇ જશે? અને સામે એવો જ અપ્તરંગી પ્રથિમ આવ્યો છે તેનું શું?’

‘અરે! પણ બા, મારે તમને એક વાત કરવાની છે. આપણે તો ભાવિનો પંથ જોવામાં પડી ગયાં. ભીમદેવ મહારાજ તૈયાર થયા છે!’

‘તૈયાર થયો છે?’ નાયિકાદેવી બેઠાં જેવી થઇ ગઈ. ‘શાને માટે તૈયાર થયો છે?’

‘બા! એ કહે છે, ગર્જનકની સામે હું જઈશ!’

‘પણ આપણે ક્યાં ગર્જનક સામે જઈએ છીએ? આપણે તો એને આંહીં રોકવો છે. ધારાવર્ષદેવજીએ ઘાટી પણ નક્કી કરી લાગે છે.’

‘પણ વિશ્વંભર સાથે મહારાજકુમાર જવા માગે છે.’

‘વિશ્વંભર સાથે? એની સાથે શું કરવા?’

કુમારદેવ જવાબ આપે તે પહેલાં જ બહારથી એક અવાજ આવ્યો, ‘તે તમને હું કહીશ મા!’ 

કુમારદેવ ને મહારાણીબા બંને ચમકી ગયા. કુમાર ભીમદેવનો અવાજ હતો. એના પળમાં જ એ દેખાયો. તેણે લડાઈનો જ વેષ ધારણ કર્યો હતો. એના હાથમાં ભયંકર કૃપાણ હતી. નખશિખ શસ્ત્રઅસ્ત્રથી એ સજ્જ હતો. તેણે આવતાંવેંત બે હાથ જોડ્યા, ‘મા, તમે પૂછ્યું તેનો જવાબ હું તમને આપું. કુમારદેવ એ નહિ આપી શકે.’

‘શું છે, ભીમદેવ? શું છે? અત્યારે ક્યાં ઊપડ્યો છે?’

‘કહું મા!’ ભીમદેવ બોલ્યો. તેણે હાથમાં લાંબી કૃપાણ બતાવી: 

‘મા, તમે કહ્યું’તું, સાંભરે છે? કે આ કૃપાણ મહારાજ જયસિંહદેવ પોતે ધારણ કરી હતી!’

‘હા, પણ એનું શું છે ભીમદેવ? તું ભાઈ, રણજુદ્ધના સ્વપ્નાં સેવી સેવીને ક્યાંક ગાંડો થઇ જા નહિ!’

‘મા જ્યાં સુધી હું હંમેશાં મૃત્યુદેવને મારી સામેથી જતું નહિ જોઉં ત્યાં સુધી મને જીવનમાં રસ પડવાનો નથી! મારે ખુદ મૃત્યુદેવને જોવું છે. એ તે છે કે પછી નથી? એ નહિ જ હોય ને નાહકનું ભીરુને ડરાવતું હશે!’ મહારાણીબા આ વીરવાણી સાંભળી રહ્યા. એક ઘડીભર આવી રણરંગી કુમારની પોતે માતા છે એ ખ્યાલે એની છાતી ગૌરવ અનુભવી રહી. એના ચહેરા પર અજબ એવી વીરશ્રીની રેખા આવી ગઈ.

સેનાપતિ કુમારદેવ એ જોઈ રહ્યો. મા અને પુત્ર બંને એક વાતમાં સરખાં હતાં. નિર્ભયતામાં. કુમારદેવ અત્યારે એ અનુભવી રહ્યો. 

પટ્ટકુટ્ટીની બહાર મહાભારતની જુદ્ધમાં અભિમન્યુ રણે ચડ્યો છે. એની વીરકથા ચાલી રહી હતી. અજબ જેવી વીરવાણીના પડઘા ત્યાંથી આવી રહ્યા હતા.

‘આહીં ઘોડા છે, આ રણક્ષેત્ર છે,

આંહીં વીરતાની પરીક્ષા ત્યારે થાય છે, જ્યારે વીરનો અશ્વ પાછો ફરતો નથી.’

મહારાણીબાની આંખમાંથી ભીમદેવની ઉદ્રેક તેજોમૂર્તિ તરફ નિઃસીમ પ્રેમનું ઝરણું વહી રહ્યું. તેણે જરાક પ્રેમધ્રૂજતા નિર્ભય અવાજે કહ્યું, ‘ભીમદેવ! વિશ્વંભર તો ગર્જનકનો રસ્તો જાણવા માટે જાય છે. એમાં ત્યાં તારે શું કામ છે? ત્યાં ખોટું જોખમ કેટલું?’

‘મા! હમણાં જ મેં તમને ન કહ્યું, મને ત્યાં જવા દો – જ્યાં મૃત્યુદેવ પોતે હોય, આ કૃપાણ જોઇને એ પણ ભાગવાનું છે. તમે મફતનાં મૂંઝાવ છો, મા! હું જ તમે ગર્જનકના ખબર કહેવા પહેલવહેલો આવીશ.’

‘પણ ભીમ! બેટા, આ રાજાનું કામ.’

‘રાજાનું કામ નથી એમ તમારે કહેવાનું છે? મા! તમે જ મને કહ્યું’તું કે માલવાનો દરવાજો તોડવા માટે, મોટામાં મોટો જોખમભર્યો હુમલો તો જયદેવ મહારાજ પોતે જ લઇ ગયા હતા! અનેક જોદ્ધાઓ હતા, મંડલેશ્વરો હતા, આનકરાજ હતા, અશ્વરાજ હતા, ધારાવર્ષના પિતામહ હતા, છતાં મહારાજે જ સૌથી જોખમભર્યું કામ પોતે ઉપાડ્યું હતું. રાજા જ સૌથી વધારે જોખમ ન ખેડે? એટલે તો હું નીકળું છું મા! ને પાટણપતિની વાત હોય, તો મહારાજ મૂલરાજદેવ તો આંહીં જ છે.’

‘તું વાળ્યો નહિ વળે, ભીમ! પણ જે સાંઢણી લે બેટા...’

‘મા! સાંઢણી તો ધારાવર્ષદેવે એવી તૈયાર કરી છે કે પંખિણી એની પાસે પાણી ભરે. એમાં વાંધો નથી.’

‘ભલે, તો જા બેટા. તૈયાર થઈને આવ... પણ.’ મહારાણીબાનો અવાજ જરાક ધ્રુજી ગયો હતો.

પણ ભીમદેવ નમીને ચાલતો થઇ ગયો હતો. 

કુમારદેવ બે હાથ જોડીને અભિવાદન કરતો એક પગલું આગળ આવ્યો: ‘મહારાણીબા, વિશ્વંભર રજા  માંગે છે!’

બહારથી વિશ્વંભર આવી રહ્યો હતો.

મહારાણીબાએ એક પળમાં સ્વસ્થતા મેળવી લીધી. વિશ્વંભર ઉપર એની દ્રષ્ટિ પડી.

‘વિશ્વંભર! ભીમદેવ તારી સાથે આવે છે.’

‘મને કહ્યું મહારાજે, બા! ભલે આવે.’

‘તું છો એટલે વાંધો નથી. ગંગ ડાભી છે, સોઢો છે. ક્યાં છે એ બે જણા?’

બહારથી એમનો જ અવાજ આવ્યો: ‘બા! આ રહ્યા. અમે પણ રજા લેવા માટે જ આવ્યા છીએ.’

બંને અંદર આવ્યા.

‘ડાભી! તમારા ઉપર એક મોટી જવાબદારી આવે છે, હોં. ભીમદેવે વેન લીધું છે. તે પણ તમારી ભેગો આવે છે.’

‘બા! ભલે આવે. અમારા આંખમાથા ઉપર. જ્યારે ડાભીનો ને સોઢાનો દેહ નહિ હોય, ત્યારે મહારાજનો એક વાળ વાંકો થાશે.’

‘પણ તમે સૌ ખૂબ ચેતીને જજો હોં વિશ્વંભર! સામે મોંએ જુદ્ધ ટાળજો. તમારે તો એની ચાલના ખબર આપતા રહેવાના છે. મુકામે મુકામે ઘડિયાજોજન સાંઢણી મોકલતા રહેજો. અને જુઓ, જુદ્ધ આંહીં છે, ત્યાં નથી. ભીમદેવને પણ સમજાવજો ને વારંવાર સમજાવજો.’

‘વિશ્વંભર!’ કુમારદેવે ગંભીરતાથી કહ્યું, ‘તારા ઉપર જવાબદારી ઘણી મોટી છે. ભીમદેવ મહારાજ ક્યાંય લેશ પણ ઉતાવળ કરી બેસશે તો આંહીં સેકંડો હજારો ને લાખો માણસોના જીવન જોખમમાં મુકાઈ જશે, એ વાતનું પૂરું ધ્યાન રાખજે. જુદ્ધ આંહીં આપવાનું છે, ત્યાં નહિ. જવાબદારી તમારી છે, ભીમદેવ મહારાજની નહી.’

કુમારની વાત નાયિકાદેવીને એકદમ સ્પર્શી ગઈ. ભીમદેવ લેશ પણ ઉતાવળો ન થાય એ વાત સૌથી વધારે અગત્યની હતી.

‘વિશ્વંભર! ભીમદેવ તારી સાથે આવે છે. પણ ત્યાં અધિકાર તારો છે એ વાત સમજીને જ એ આવે.’ મહારાણીબા બોલ્યાં, ‘કુમારદેવ એ પ્રમાણે કહી દેશે. જુદ્ધની લેશ પણ ઉતાવળ થઇ જવી ન જોઈએ. એમાં તો હજારોનાં જાન-જોખમ થાય. અને જુઓ, આજ દિવસ સુધી ગર્જનક જ્યાં જ્યાં લડ્યો છે ત્યાં ત્યાં એ જુક્તિથી લડ્યો છે. એની જુક્તિ આપણે જાણી લેવાની પહેલી જરૂર છે. તમે સુલતાનના સૈન્યની આસપાસ રહેજો. તમારા માણસો, તેના માણસો પાસેથી માહિતી લે તેવો પેંતરો ગોઠવજો. કેટલાક જાતભાઈઓ, સુરત્રાણને ત્યાં પણ છે. તેમનો બને તો સાથ લેજો. એ બધું કરજો. પણ નજર ઉઘાડી રાખજો. સામે સુરત્રાણ છે. મહાલડવૈયો કહેવાય છે. એના ગુપ્તચરો દેશવિદેશ ભમનારા છે. રણની રેતીનો સમુદ્ર તમારી સામે પડ્યો છે. ત્યાં કોઈની સહાય મેળવવી મુશ્કેલ છે. વિશ્વંભર! તમે એક મોટું કાર્ય માથે લીધું છે – એક પળ પણ એ ભૂલતા નહિ. લડાઈના તાનમાં આવી જતા નહિ. ભગવાન સોમનાથ તમારી સહાયે હો! કોણ આવ્યું?’

ભીમદેવ તૈયાર થઈને આવી રહ્યો હતો.

મહારાણીબા પોતે ઊભાં થઈને સૌને નીરખી રહ્યાં. એટલામાં કંકાવટી લઈને ચાંપલદે પાછળના ખંડમાંથી આગળ આવી. તેણે બધાને કંકુના ચાંલ્લા કર્યા. અક્ષત ચોડ્યા, મોં ગળ્યાં કરાવ્યાં, સૌને અભિવાદન કર્યા.

તમામ એક પળભર ગંભીર થઇ ગયા.  

મહારાણીબા પોતે બે ડગલાં આગળ આવ્યાં. તેણે ભીમના માથા ઉપર પ્રેમથી હાથ મૂક્યો. પછી ડાભીને, સોઢાને, વિશ્વંભરને બધાને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. તે પ્રેમથી બે હાથ જોડીને સૌને નમી રહ્યા: ‘વીરપુરુષો! તમને સૌને ભગવાન સોમનાથ ક્ષેમકુશળ રાખે! જાઓ, અને વિજય કરો, જય સોમનાથ!’

‘જય સોમનાથ!’ કહીને સૌ અભિવાદન કરતાં ઉત્સાહભેર બહાર નીકળ્યા.

કુમારદેવ પોતે એમને સૂચના આપવા માટે સાથે ચાલી રહ્યો હતો. એણે ફરીને ઉતાવળ ન કરવાની વાત કરી.

મહારાણી નાયિકાદેવી એમને જતા જોઈ રહી. ભીમદેવ જતો હતો, એ દ્રશ્ય અનિમેષ નયને એ દેખતી જ રહી.

થોડી વારમાં જ એ સૌ અજવાળામાં અદ્રશ્ય થઇ ગયા.

ગાઢ અંધકારમાંથી કેવળ એમના ઘોડાના દાબડા હવે સંભળાઈ રહ્યા હતા. ધીમે ધીમે એ પણ ઓછા થતાં ગયા.

મહારાણીબા ઘણી વાર સુધી એ સાંભળતાં ત્યાં ઊભાં રહી ગયાં.

એ સંભળાતા જ્યારે તદ્દન બંધ થયાં ત્યારે તેમણે ચારેતરફ એક દ્રષ્ટિ કરી. 

અંધારઘેરી રાત્રીમાં ઠેરઠેર શિબિરની દીપીકાઓ જલી રહી હતી. તાપણાં સળગતાં હતાં. વીર કથાનકોની વીરવાણી સંભળાતી હતી. કોઈ આવતું લાગ્યું.

‘કોણ?’

‘એ તો હું છું બા! અર્ણોરાજ! ભીમદેવ મહારાજ પણ ગયા?’

‘હા, જો ને ન માન્યો!’

‘બા!’ અર્ણોરાજ બોલ્યો, મહારાણીબાને એની વાણીમાં હંમેશાં અજબનો પ્રેમ જોવા મળ્યો હતો. ‘શું છે અર્ણોરાજ? તારે ગોધ્રકપંથે જવાનું નથી? તો તો એ નાકું સંભાળવાનો હતો ને?’

‘એ તો છે જ બા! સેનાપતિનો હુકમ છે, પણ બા! મને મહારાજ ભીમદેવથી અળગા થવું ગમતું નથી. કહો તો હું પણ એમની સાથે જાઉં!’

‘અરે! ગાંડો થા મા ગાંડો! અત્યારે જુદ્ધ આંહીં આવી રહ્યું છે. તું ગોધ્રકપંથકમાં બરાબર છો, ત્યાં પણ ધૂંધુલની ચાલ સંદેહભરી છે. તને એ ખબર છે નાં? એટલે તું ત્યાં જ જા. રજા લેવા જ આવ્યો ને?’

‘હા બા!’ અર્ણોરાજ શાંત ધીમી વાણીમાં બોલ્યો, પણ એમાં વેદના હતી. મહારાણીબાએ તેના માથા ઉપર પ્રેમથી હાથ મૂક્યો: ‘અર્ણોરાજ! ગાંડો થા મા! ભીમદેવ તો કાલે પાછો આવશે. તું તારું સંભાળ. આપણે રણક્ષેત્રમાં બેઠા છીએ અને આ વાત તને કેમ લાગે છે?’

‘કઈ, બા?’

‘હવે ગર્જનકના ભણકારા વાગે છે. ત્યારે આપણી મુખ્ય છાવણીથી આઘે આઘે બીજાં તાપણાં મૂકવાની શરૂઆત કરી દેવી જોઈએ. આપણે આહીં તો રાત્રે અંધારપટ કરી નાખો. કોઈ આવીને આપણને અચાનક પ્રભાતમાં ભેટી પડે, તો આપણું સૈન્ય એક લાખ માણસનું છે, એની ગોઠવણ થતાં થતાંમાં તો આપણે જુદ્ધ હારી બેસીએ. તાપણાં હવે ભયંકર ગણાય, તું શું ધારે છે?’

‘એમ જ બા! આપણાથી ઘણે દૂર બીજી દિશામાં તાપણાં કરાવવાનું શરુ કરો.’

અર્ણોરાજ નમીને પોતાને પંથે પડ્યો.

મહારાણીબા એને જતો જોઈ રહ્યાં. એ અદ્રશ્ય થયો ને અંધકાર ભરેલી રાત્રિએ મહારાણીબાના ધીમાં બોલાયેલા શબ્દો પકડી લીધા. એમાં એમની ભાવિની ચિંતા હજી પ્રગટતી હતી. તે મનોમન જાણે બોલતાં, ‘અર્ણોરાજ, ધારાવર્ષદેવ, કુમારદેવ – પણ ચોથો કોણ?’

આ કુમારોની પડખે ચોથો કોણ?

અંધકારમય ભાવિમાંથી જાણે પડઘા ઊઠી રહ્યા હતા: ‘કોઈ જ નહિ!’