Josh - 13 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | જોશ - ભાગ 13

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

જોશ - ભાગ 13

૧૩ : નાગપાલનું આગમન

વામનરાવનો સંદેશો મળતા જ નાગપાલ કારમાં બેસીને ઇમારતમાં આવી પહોંચ્યો.

'નાગપાલ સાહેબ !' વામનરાવ ઝડપથી એની નજીક પહોંચીને વ્યાકુળ અવાજે બોલ્યો, 'અહીં તો મને અપહરણ કરનારાઓ સુધી પહોંચી શકાય એવી કોઈ કડી નથી મળી.”

'સૌથી પહેલાં તો મને એ જણાવ કે નકલી પોલીસ સબ. ઇન્સ્પેક્ટર સાથે કોણે વાત કરી હતી?' નાગપાલે પૂછ્યું.

'મિસ્ટર પ્રતાપસિંહે !' વામનરાવે જવાબ આપ્યો.

“તો સૌથી પહેલાં હું તેમની સાથે જ વાત કરવા માંગું છું.' એ જ વખતે પ્રતાપસિંહ તથા રઘુવીર ત્યાં આવી પહોંચ્યા.

'મિસ્ટર પ્રતાપસિંહ... !' બંનેનો પરિચય જાણ્યા બાદ નાગપાલે પ્રતાપસિંહ સામે જોતાં ગંભીર અવાજે પૂછ્યું, 'જે શખ્સ નકલી સબ. ઈન્સ્પેક્ટર બનીને અહીં આવ્યો હતો, એના દેખાવનું વર્ણન મને જણાવો.'

જવાબમાં પ્રતાપસિંહે તેને સબ. ઇન્સ્પેક્ટર દીક્ષિત ઉર્ફે દામોદરના દેખાવનું વર્ણન તેને જણાવી દીધું.

‘ખેર, એણે જીપ ક્યાં ઊભી રાખી હતી?'

પ્રતાપસિંહે તેને એ સ્થળ પણ બતાવી દીધું.

નાગપાલ આગળ વધીને એ સ્થળે પડેલાં ટાયરોના નિશાનનું ધ્યાનથી નિરીક્ષણ કરવા લાગ્યો.

'જીપનું ડાબી તરફનું ટાયર એકદમ નવું છે.' છેવટે એ ઊભો થતાં બોલ્યો, 'કારણ કે એ ટાયરની છાપ એકદમ ગાઢ અને સ્પષ્ટ રીતે ઊપસેલી છે.'

'જો જીપના નંબરની ખબર હોત તો આર.ટી.ઓ.ના રેકોર્ડમાંથી આપણને તેના માલિકનું નામ, સરનામું જાણવા મળી જાત.' રઘુવીર ચૌધરી કશુંક વિચારીને બોલ્યો.

‘જીપ ચોરાઉ તથા નંબર પ્લેટ બનાવટી પણ હોઈ શકે છે, મિસ્ટર રઘુવીર !' નાગપાલે સ્મિત ફરકાવતાં કહ્યું, 'અપરાધીઓ બચવા માટે મોટે ભાગે આવું જ કરતા હોય છે.'

'હવે આપ શું કરવા માંગો છો?'

'સૌથી પહેલાં તો હું આરતીને શોધવા માંગું છું, કારણ કે એનો જીવ જોખમમાં છે.'

‘પરંતુ આપણે એને ક્યાં ને કેવી રીતે શોધીશું ?' વામનરાવ ચિંતાતુર અને નિરાશ અવાજે બોલ્યો, 'એને શોધવા માટે આપણી પાસે કોઈ સૂત્ર પણ નથી.'

'સૂત્ર મળી ગયું છે. આ ટાયરનાં નિશાન !' નાગપાલ સિસ્મિતસહ બોલ્યો, 'આ ઈમારતમાં ચોક્કસ જ કોઈક ષડયંત્ર ચાલી રહ્યું છે. અને આ ષડયંત્ર પાર પાડવા માટે અપરાધીઓએ અહીંની આજુબાજુમાં જ કોઈક મકાનમાં અડ્ડો જમાવ્યો હોય, એ બનવાજોગ છે. જો એવું જ હોય તો આરતીને એ મકાનમાં રાખવામાં આવી હશે. અહીં આવતી વખતે મેં મેઇન રોડ પરથી ફંટાતી કાચી સડકો પણ જોઈ છે. જો જીપ એમાંથી કોઈ સડક પર ઊતરી હશે તો ત્યાં ચોક્કસ આવા જ ટાયરનાં નિશાન પણ હશે. ચાલો... આપણે તપાસ કરીએ !'

ત્યારબાદ નાગપાલ, વામનરાવ તથા રઘુવીર નાગપાલની કારમાં બેસીને નીકળી પડ્યા.

નાગપાલનું અનુમાન એકદમ સાચું નીકળ્યું.

થોડે દૂર ગયા પછી તેણે ડાબા હાથે ફંટાતી એક કાચી સડક પર જીપના ટાયરનાં નિશાન જોવા મળ્યાં. જેના આધારે તેઓ આગળ વધીને રજનીને જે મકાનમાં કેદ કરવામાં આવી હતી, ત્યાં જઈ પહોંચ્યા.

પોલીસની વર્દીમાં વામનરાવને જોતાં જ દામોદર તથા રાણાએ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં દામોદર વામનરાવની રિવૉલ્વરમાંથી છૂટેલી ગોળીનો ભોગ બની ગયો. જયારે રાણા પાછળની બારી મારફત નાસી છૂટ્યો.

તલાશી દરમિયાન બીજા રૂમમાંથી ઘાયલ અવસ્થામાં રજની મળી આવી.

આ સિવાય એ મકાનમાંથી બીજી કોઈ ચીજવસ્તુ ન મળી. રજનીને લઈને તેઓ ઈમારતમાં પાછા ફર્યા.

સૌથી પહેલાં તો રજનીને પ્રાથમિક સારવાર આપવામાં આવી. ત્યારબાદ નાગપાલે બારીકાઈથી દિવ્યાના બેડરૂમનું નિરીક્ષણ કર્યું. 'મિસ્ટર રઘુવીર !' છેવટે એ બોલ્યો, 'ખૂનીએ બહારથી જ બારીમાં હાથ નાંખીને ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ઊંચક્યો... પછી ગ્લાસનું પાણી ફેંકી, તેના સ્થાને તેજાબ ભરીને ગ્લાસને ટેબલ પર પાછો મૂકી દીધો, એમ તમે માનો છો ખરું ને?’

'હા...' રઘુવીરે હકારમાં માથું હલાવ્યું.

'રજની... !' નાગપાલે રજની સામે જોયું, 'દિવ્યા સાથે તારે છેલ્લે છત પર જે સ્થળે વાતચીત થઈ હતી, એ વખતે દિવ્યા જે જગ્યાએ ઊભી હતી, તે જગ્યા તું મને બતાવી શકે તેમ છો?’

'હા, ચોક્કસ...' કહીને રજની આગળ વધી.

ચારેય છત પર પહોંચ્યા.

'અંકલ... !' રજનીએ એક જગ્યા તરફ આંગળી ચીંધતાં કહ્યું, 'અહીં ઊભા રહીને દિવ્યાએ મારી સાથે વાતો કરી હતી.'

'વાંધો નહીં... તમારી વચ્ચે જે વાતો થઈ હતી, એ પણ ફરીથી કહી સંભળાવ.'

રજનીએ એની તથા દિવ્યા વચ્ચે થયેલી વાતચીતની વિગતો જણાવી દીધી.

‘જે સ્થળે અને જે રીતે દિવ્યા ઊભી હતી, એ જ સ્થળે ને એ જ રીતે હવે તું પણ ઊભી રહી જા.'

રજનીએ તરત જ એની સૂચનાનું પાલન કર્યું.

'મિસ્ટર રઘુવીર !' નાગપાલ બોલ્યો, 'હવે તમે પણ એ સ્થળે ઊભા રહીને ઈમારતની આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરો. નિરીક્ષણ કરતી વખતે દિવ્યાએ જણાવેલી વાતને બરાબર ધ્યાનમાં રાખજો.'

'ઠીક છે...'

નાગપાલના સંકેતથી રજની એક તરફ ખસી ગઈ અને તેના સ્થળે રઘુવીર ગોઠવાઈ ગયો.

એ જગ્યાએથી તેને ઈમારતની પાછળનો ભાગ સ્પષ્ટ રીતે દેખાતો હતો.

‘મિસ્ટર રઘુવીર, કંઈ જાણવા મળ્યું ?!

'ના...' રઘુવીર આટલું બોલ્યો હતો ત્યાં જ એકાએક એની નજર મુખ્ય ફાટક પર પડી. પછી ત્યાંથી ફાધર જોસેફને અંદર પ્રવેશતા જોઈને સૈની માંજરી આંખોમાં તીવ્ર ચમક પથરાઈ ગઈ અને એ તરત જ બોલી ઊઠ્યો, ‘નાગપાલ સાહેબ, દિવ્યાની એક વાતનો અર્થ મને સમજાઈ ગયો છે.'

'કઈ વાતનો !'

‘એ જ કે કોઈને રજમાત્ર શંકા ન ઊપજે, એમ કોઈ માણસ કેવી રીતે પોતાની જાતને આબાદ બચાવી શકે છે.'

‘બોલો, કેવી રીતે?’

‘પાદરી ફાધર જોસેફના મેકઅપમાં."

'એટલે ?'

'આપ ત્રણેય સામેથી આવી રહેલા ફાધર જોસેફનો પહેરવેશ જુઓ. ફાધર જોસેફના માથા પર હેટ છે. તેમની દાઢી વધેલી છે અને એમણે આંખો પર ચશ્માં પણ પહેર્યાં છે. હવે જો કોઈ માણસ કે જેનો શારીરિક બાંધો આબેહૂબ ફાધર જોસેફ જેવો હોય અને તે માથા પર હેટ, ચહેરા પર નકલી દાઢી અને આંખો પર ચશ્માં ચડાવી લે તો એ ફાધર જોસેફ નહીં, પણ બીજું કોઈક છે એવું કોઈ જ માની શકે નહીં. ગાર્ડ્સ સુધ્ધાં તેમને ઓળખવામાં થાપ ખાઈ જાય.’

‘તો ખૂની ફાધર જોસેફ જેવો વેશ ધારણ કરીને આવ્યો અને પછી મમતાને મોતને ઘાટ ઉતારીને પાછો ચાલ્યો ગયો, એમ તમે કહેવા માંગો છો ખરું ને?’ નાગપાલે પૂછ્યું.

'શું એવું ન બને ?'

'બનવાકાળ તો બધું જ બની શકે છે.' નાગપાલ બોલ્યો, 'તમે મહદ્અંશે સાચા પરિણામ પર પહોંચ્યા છો. મેં પોતે પણ એવું જ તારણ કાઢ્યું હતું.'

'પણ એક વાત મને નથી સમજાતી નાગપાલ સાહેબ !' રઘુવીરના અવાજમાં મૂંઝવણનો સૂર હતો.

'કઈ વાત ?'

‘મમતાનું ખૂન કોણે ને કેવી રીતે કર્યું છે, એની પોતાને ખબર પડી ગઈ છે, એવું દિવ્યાએ શા માટે કહ્યું હતું?'

‘એ કોયડો પણ મને સમજાઈ ગયો છે.' નાગપાલ હસીને બોલ્યો, ‘પરંતુ જ્યાં સુધી જે રૂમમાં મમતાનું ખૂન થયું હતું, એ રૂમનું હું નિરીક્ષણ ન કરી લઉં ત્યાં સુધી મારાથી ખાતરીપૂર્વક કશું જ કહી શકાય તેમ નથી.'

'ઓ.કે. ચાલો... તો પહેલાં જ એ કામ પતાવીએ.' ચારેય નીચે ઊતરીને પ્રોફેસર વિનાયક પાસે પહોંચ્યા.

'પ્રોફેસર સાહેબ !' ઔપચારિક અભિવાદન પછી નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, ‘જો તમને વાંધો ન હોય તો, જે રૂમમાં મમતાનું ખૂન થયું હતું, એ રૂમનું હું નિરીક્ષણ કરવા માંગું છું.'

'ચોકક્સ...'

પ્રોફેસર વિનાયકની સાથે નાગપાલ, રજની, રઘુવીર તથા વામનરાવ મમતાના રૂમમાં પહોંચ્યા. રૂમની બરાબર વચ્ચે પહોંચીને નાગપાલ ઊભો રહ્યો અને પછી રજનીને સંબોધતાં બોલ્યો, 'તે મમતાનો મૃતદેહ જોયો હતો. હવે તું જરા જે સ્થિતિમાં મૃતદેહ મળ્યો હતો, એ જ સ્થિતિમાં સૂઈને બતાવ જોઈએ.'

રજની આગળ વધીને જે સ્થિતિમાં મમતાનો મૃતદેહ મળ્યો હતો, એ સ્થિતિમાં સૂઈ ગઈ.

'મિસ્ટર રઘુવીર...' નાગપાલે રઘુવીર સામે જોતાં પૂછ્યું, “મૃતદેહની આ પોઝિશન પરથી તમે શું માનો છો?’

'બહુ દીવા જેવી સ્પષ્ટ વાત છે નાગપાલ સાહેબ !' રઘુવીર બોલ્યો, 'ખૂની અહીં આવ્યો ત્યારે એને જોઈને મમતા ચમકી ગઈ. અને તે સ્વસ્થ થાય એ પહેલાં જ ખૂની એના પર પ્રાણઘાતક હુમલો કરી ચૂક્યો હતો. ઘા એટલો જોરદાર હતો કે એક જ પ્રહારે મમતાના પ્રાણ હરી લીધા.”

હૂ...' નાગપાલના ગળામાંથી હૂંકાર નીકળ્યો.

'પછી રૂમનું નિરીક્ષણ કર્યા બાદ પાછળના ભાગમાં ઊઘડતી બારી પાસે પહોંચ્યો. એણે બારી ઉઘાડીને બહાર નજર કરી. પછી સળિયા પર પડેલ એક ડાઘનું અવલોકન કર્યું. ત્યારબાદ બારી પાસેથી પાછો ફરી, નીચે નમીને એ ધ્યાનથી જમીન પર પાથરેલ ચટાઈ સામે જોવા લાગ્યો. ચટાઈ પર પણ તેને એક ડાઘ દેખાયો.

'મમતાનું ખૂન ખરેખર એક કોયડા સમાન જ છે. ' છેવટે એ બોલ્યો, 'પરંતુ આ કોયડો એવો પણ નથી કે જેને ન ઉકેલી શકાય.!'

'તો શું આપે આ કોયડાનો ઉકેલ પણ મેળવી લીધો છે ?' વામનરાવે પૂછ્યું.

'ના... અલબત્ત, ખૂન વિશે થોડી નવી માહિતી જરૂર મળી છે.' 'કેવી માહિતી ?' રઘુવીરે પૂછ્યું.

'વખત આવ્યે એ પણ જણાવી દઈશ. જ્યાં સુધી અમુક સવાલોના જવાબ મને ન મળે, ત્યાં સુધી ખાતરીપૂર્વક કશુંય કહી શકું તેમ નથી.’

'કયા સવાલો ?'

‘પહેલો સવાલ તો એ કે એક મમી તથા કપાયેલો હાથ કેવી રીતે સ્ટોરરૂમમાંથી નીકળીને મમતાના રૂમમાં પહોંચ્યા ? આ ઉપરાંત મ્યુઝિયમમાંથી સંભળાયેલ પગલાંનો અવાજ કોનો હતો ? મિસ્ટર પ્રભાકરે મ્યુઝિયમમાં જોયેલ અજવાળું શેનું હતું ? આ સવાલોના જવાબ મેળવવા માટે એક વખત મ્યુઝિયમનું નિરીક્ષણ કરવું જરૂરી છે!' કહીને નાગપાલે પ્રોફેસર વિનાયક સામે જોયું, 'પ્રોફેસર સાહેબ, તમને વાંધો ન હોય તો હું મ્યુઝિયમ તથા સ્ટોરરૂમમાં પણ એક નજર કરવા માંગું છું.'

'ચોક્કસ... !' વિનાયક ધીમેથી માથું હલાવતા બોલ્યો, 'મને એમાં શું વાંધો હોઈ શકે, પરંતુ હું માનું છું ત્યાં સુધી આપણે મિસ્ટર શશીકાંતને પણ બોલાવી લેવા જોઈએ.’

'જરૂર...'

ત્યારબાદ શશીકાંતને બોલાવીને મ્યુઝિયમ ખોલવામાં આવ્યું. નાગપાલ મ્યુઝિયમમાં પડેલી ચીજવસ્તુઓનું નિરીક્ષણ કરવા લાગ્યો. નાગપાલે કબાટમાંથી સોનાની પ્રાચીન વસ્તુઓ કઢાવીને તેનું પણ નિરીક્ષણ કર્યું તથા મૂર્તિઓને પણ ઝીણી નજરે જોઈ.

'પ્રોફેસર સાહેબ !'

'જી...” વિનાયકે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

'જરા આ વાસણને ધ્યાનથી જુઓ.' નાગપાલ તેને સોનાનું એક વાસણ બતાવતાં બોલ્યો, 'આને વિશે તમે શું કહો છો ?'

માત્ર વિનાયકે જ નહીં, વારાફરતી બધાએ વાસણનું નિરીક્ષણ કર્યું. 'મને તો આ વાસણમાં કોઈ ખાસ વાત નથી દેખાતી.' વિનાયક બોલ્યો.

'પ્રોફેસર સાહેબ !' નાગપાલે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું. 'આમાં ખાસ વાત એ છે કે આ વાસણ સોનાનું નથી.' .

'એટલે?' વિનાયકે ચમકીને પૂછ્યું

‘એટલે એમ કે કોઈકે અહીંથી સોનાનું અસલી વાસણ તફડાવીને એની જગ્યાએ સોનાનો ઢોળ ચઢાવેલું નકલી વાસણ ગોઠવી દીધું છે. અહીંનાં મોટાભાગનાં કિંમતી વાસણો તથા વસ્તુઓને આ જ પદ્ધતિથી બદલી નાંખવામાં આવ્યા છે.'

નાગપાલના આ ધડાકાથી સૌ એકદમ ચમકી ગયા.

કોઈનેય નાગપાલની વાત પર ભરોસો નહોતો બેસતો. પછી જયારે એરણ સાથે વાસણને ઘસવામાં આવ્યું, ત્યારે નાગપાલની વાત સાચી પુરવાર થઈ ગઈ.

'પણ... પણ આવું કેવી રીતે બને ?' વિનાયકે ચિંતાતુર અવાજે પૂછ્યું. 'પ્રોફેસર સાહેબ, આ ઈમારતમાં કોઈક એવો માણસ રહે છે કે જેણે તક મળ્યે અહીંથી અસલી વસ્તુઓ તફડાવીને તેની જગ્યાએ નકલી વસ્તુઓ ગોઠવી દીધી છે. અહીં તથા સ્ટોરરૂમમાં પડેલી દરેક કિંમતી વસ્તુઓને આ દૃષ્ટિકોણથી ચકાસવી જોઈએ એમ હું માનું છું.’

એ જ વખતે વામનરાવના મોબાઈલની ઘંટડી રણકતાં તે વાત કરવા માટે બહાર જતો રહ્યો.

'મિસ્ટર શશીકાંત... !' વિનાયકે કહ્યું, 'હવે તમે નાગપાલ સાહેબને સ્ટોરરૂમ પણ બતાવી દો.' વાત પૂરી કરીને તે મ્યુઝિયમમાંથી બહાર નીકળી ગયો.

નાગપાલે શશીકાંત તથા રઘુવીર સાથે સ્ટોરરૂમમાં પહોંચીને ત્યાં પડેલી ચીજવસ્તુઓનું નિરીક્ષણ કર્યું.

એ જ વખતે વામનરાવ સ્ટોરરૂમમાં પ્રવેશીને નાગપાલને બહાર લઈ ગયો.

'નાગપાલ સાહેબ !' વામનરાવ એકદમ ધીમા અવાજે બોલ્યો, 'હમણાં જ મને દીનુ વિશે એક નવી વાત જાણવા મળી છે. મને મળેલી બાતમી મુજબ દીનુ વાસ્તવમાં પોતાની જાતને જે દર્શાવે છે, એ નથી. દીનુનું નામ ધારણ કરીને કોઈક બીજો જ માણસ અહીં રહે છે.'

'હું...' નાગપાલે વિચારવશ હાલતમાં માથું હલાવ્યું, 'આપણે પ્રોફેસર સાહેબના રૂમમાં બેસીએ. હું દીનુને ત્યાં બોલાવીને પૂછપરછ કરું, એ દરમિયાન તું એના રૂમની તલાશી લઈ આવજે. તલાશી લેતી વખતે તું સાક્ષી તરીકે શશીકાંત તથા પ્રતાપસિંહને પણ સાથે રાખજે. આ દીનુ વાસ્તવમાં કોણ છે તે શા માટે અહીં આવ્યો છે, એની થોડી વારમાં જ ખબર પડી જશે."

વામનરાવે ધીમેથી માથું હલાવ્યું.

થોડીવાર પછી.

નાગપાલ અને રઘુવીર પ્રોફેસર વિનાયકના રૂમમાં બેઠા હતા. વિનાયક પોતે પણ ત્યાં હાજર હતો. થોડી પળો બાદ દીનુકાકા ઉર્ફે દીનુ નામનો નોકર અંદર પ્રવેશ્યો.

‘આપે મને બોલાવ્યો હતો પ્રોફેસર સાહેબ?' એણે વિનાયક સામે જોઈને પૂછ્યું.

'હા...' વિનાયકે કહ્યું, 'આ સી.આઈ.ડી. ના ચીફ ઇન્સ્પેક્ટર નાગપાલ સાહેબ છે. ચૌધરી સાહેબને તો તું ઓળખે જ છે.'

'આ લોકો અહીં રહેતા દરેક શંકાસ્પદ માણસો વિશે માહિતી મેળવી રહ્યા છે.”

'પ્રોફેસર સાહેબ !' દીનુ પોતાના અવાજને સ્વસ્થ રાખવાનો ભરચક પ્રયાસ કરતાં બોલ્યો, 'મેં એવું તે કયું કામ કર્યું છે કે જેને કારણે આ લોકો મને શંકાસ્પદ માને છે?’

‘તારું પૂરું નામ શું છે?' નાગપાલે વાતનો દોર સંભાળતાં પૂછ્યું.

'મારું આખું નામ દીનાનાથ ચૌહાણ છે.'

'અહીં આવ્યા પહેલાં તું ક્યાં નોકરી કરતો હતો?' દીનાનાથે પોતાના શેઠનું નામ સરનામું જણાવી દીધું.

‘તેં ત્યાંથી શા માટે નોકરી છોડી?'

'મારા શેઠ પોતાના કુટુંબ સહિત પરદેશ ચાલ્યા ગયા હતા.'

‘તું તારા શેઠના ફોટાને ઓળખી શકીશ?' આ વખતે રઘુવીરે પૂછ્યું.

'કેમ નહીં? ચોક્કસ ઓળખી શકીશ.’

રઘુવીરે ગજવામાંથી એક ફોટો કાઢીને દીનુ સામે લંબાવ્યો. એ ચાર જણાનો સંયુક્ત ફોટો હતો.

'આમાંથી તારો શેઠ કોણ છે?' રઘુવીરે પૂછ્યું.

'કોઈ નથી!' દીનુએ ફોટો જોયા બાદ જવાબ આપ્યો.

'જો દીનાનાથ !' સહસા નાગપાલ બોલ્યો, 'તું તારી જાતને જે દીનાનાથ તરીકે ઓળખાવે છે, એવી માહિતી અમને મળી છે. એ દીનાનાથ તો શેઠ ઝવેરચંદને ત્યાં નોકરી કરે છે. તું કોઈક બીજો જ શખ્સ છો અને તારી જાતને દીનાનાથ તરીકે ઓળખાવે છે, માટે જે કંઈ હોય તે સાચું કહી નાંખ?'

દીનાનાથ કંઈ જવાબ આપે એ પહેલાં જ વામનરાવ, પ્રતાપસિંહ તથા શશીકાંત ત્યાં આવી પહોંચ્યા. વામનરાવે એક વખત દીનાનાથ સામે જોયું અને પછી નાગપાલને સંબોધતાં ગંભીર અવાજે બોલ્યો, 'નાગપાલ સાહેબ, દીનાનાથના સામાનની તલાશીમાં અમને એક લાઇસન્સયુક્ત રિવૉલ્વર મળી છે.' કહીને એણે રૂમાલમાં લપેટેલી એક રિવૉલ્વર કાઢીને ટેબલ પર મૂકી પછી પોતાની વાત આગળ લંબાવી, “લાઈસન્સ મુજબ દીનુ કોઈ મામૂલી નોકર નહીં, પણ એક નિવૃત્ત મિલિટરી ઑફિસર મેજર રણવીરસિંહ છે.' દીનાનાથનો ઝૂકેલો દેહ અચાનક અક્કડ થયો. એના ચહેરા પર ગંભીરતા ફરી વળી.

'ઇન્સ્પેક્ટર સાહેબ સાચું કહે છે.' સહસા કર્નલ ઇન્દ્રમોહન રૂમમાં પ્રવેશીને દીનાનાથ સામે આંગળી ચીંધતા બોલ્યો, 'આ દીનાનાથ નહીં, પણ મેજર રણવીર જ છે. અને આ હકીકતથી હું વાકેફ છું. હું પોતે દીનાનાથનો વાસ્તવિક પરિચય તમને લોકોને આપું છું. જોકે અત્યારે હું કશું જ કહેવા નહોતો માંગતો, પરંતુ સંજોગો જોતાં ચોખવટ કર્યા વગર મારે છૂટકો નથી. જો હું સાચી હકીકત નહીં જણાવું તો તમે લોકો નાહક જ દીનાનાથ ઉર્ફે મેજર રણવીરની ધરપકડ કરી લેશો. ત્યારબાદ સોફા પર બેસીને એણે ગંભીર અવાજે કહ્યું,

'સાંભળો.. મારી દીકરી મમતાને જે ધમકીપત્રો મળતા હતા એના વિશે તે અવારનવાર મને જાણ કરતી હતી. પછી જ્યારે મમતાને એવો ધમકીપત્ર મળ્યો કે પોતે અહીં પહોંચે છે અને ટૂંક સમયમાં જ તેને મોતને ઘાટ ઉતારી દેશે ત્યારે એ પોતાની જાતને ખૂબ જ જોખમમાં અનુભવવા લાગી. પછી મને મમતાના રક્ષણની વ્યવસ્થા ગોઠવવાનો વિચાર આવ્યો. મેં મારા મિત્ર મેજર રણવીરને વાત કરી તો એણે સહર્ષ હા પાડી. યોજના બનાવીને, અહીંના નોકરને ખસેડીને મેજર રણવીરને દીનુકાકાના રૂપમાં અહીં લાવવામાં આવ્યો. રણવીર અહીં રક્ષણ માટે આવ્યો છે, એ વાત મમતાને પણ જણાવી દેવામાં આવી હતી. કોઈનું રક્ષણ કરવું કંઈ ખોટું કે ગેરકાયદેસર કામ તો નથી જ ખરું ને ?'

'જરા પણ નહીં...' નાગપાલે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં પૂછ્યું, 'પરંતુ મેજર રણવીર જેવો જવાબદાર ઑફિસર મમતા સાથે આ નાટકબાજીમાં કેવી રીતે સામેલ થઈ ગયો એ મને કંઈ નથી સમજાતું.'

'કેવી નાટકબાજી...? હું કંઈ સમજયો નહીં?' કર્નલ ઈન્દ્રમોહને મૂંઝવણથી પૂછ્યું.

'તમે ભલે ન સમજ્યા હો, પરંતુ હું બધું જ સમજી ગયો છું.' નાગપાલ બોલ્યો, ‘જ્યારે મને ખબર પડી કે એક મમીએ મમતાને મોતને ઘાટ ઉતારવાનો તથા એક કપાયેલા હાથે તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે હું તરત જ સમજી ગયો કે આવું કશું જ નથી બન્યું, કારણ કે આવું બની શકે, એ વાત જ અશક્ય છે, પરંતુ જયારે મને જાણવા મળ્યું કે મમીના શરીર પર જેવો પાઉડર હતો, એવો જ પાઉડર મમતાના રૂમમાંથી મળ્યો છે તથા કપાયેલા હાથના નખમાં ચોંટેલું લોહી મમતાના ગ્રૂપનું જ છે ત્યારે તરત જ મને ખ્યાલ આવી ગયો કે મમતાએ પોતે જ કોઈકની સાથે મળીને આ જાતનું નાટક ભજવ્યું છે. અને હવે જ્યારે મમતાને કર્નલ રણવીરની વાસ્તવિકતાની ખબર હતી અને રણવીરને મમતાના રક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો એ વાત ઉજાગર થઈ ગઈ છે ત્યારે મમતાએ રણવીરનો જ સાથ લઈને આ જાતનું નાટક ભજવ્યું હતું, એ સ્પષ્ટ થઈ જાય છે.’

'પણ મમતાએ આવું નાટક ભજવવાની શું જરૂર હતી?' વિનાયકે ચમકીને પૂછ્યું.

'તમારી પત્ની મમતા ખરેખર ખૂબ જ ભયભીત હતી પ્રોફેસર સાહેબ !' નાગપાલ પ્રોફેસર વિનાયક સામે જોતાં બોલ્યો, 'એટલી બધી ભયભીત કે મેજર રણવીર એકલા તેનું રક્ષણ કરી શકશે એવો ભરોસો પણ તેને નહોતો. પરિણામે બધાનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત રાખવા માટે એણે મમી તથા કપાયેલા હાથવાળું નાટક ભજવ્યું, પરંતુ અફસોસ એ વાતનો છે કે તેમ છતાંય ખૂનીએ એનું ખૂન કરી નાંખ્યું, મારી વાત બરાબર છે ને મિસ્ટર રણવીર?' એણે પ્રશ્નાર્થ નજરે રણવીર સામે જોયું.

'પણ આ બધું કેવી રીતે બન્યું ? મમતાના રૂમમાં પાઉડર કેવી રીતે પહોંચ્યો?'

'પ્રોફેસર સાહેબના સવાલનો જવાબ આપો મિસ્ટર રણવીર...'

'નાગપાલ સાહેબની વાતનો એક એક શબ્દ સાચો છે. પોતાનું ગમે ત્યારે ખૂન થઈ જશે એ વાતનો ભય મમતાને ખૂબ જ સતાવતો હતો. આ કારણસર જ એણે બધાનું ધ્યાન પોતાના પ્રત્યે કેન્દ્રિત રાખવા માટે જ યોજના બનાવી, એમાં હું પણ સામેલ થઈ ગયો. સૌથી પહેલાં મને સાબુની ગોટી પર સ્ટોરરૂમની ચાવીની છાપ લાવીને આપી જેની મદદથી મેં ડુપ્લિકેટ ચાવી તૈયાર કરાવી. પછી એક રાત્રે સ્ટોરરૂમ ઉઘાડી, મમીના શરીર પરથી થોડો રાસાયણિક પાઉડર લાવીને મમતાને આપ્યો જે એણે પોતાના રૂમમાં એક સ્થળે વિખેરી નાખ્યો. જયારે રૂમમાં પાઉડરની ગંધ ફરી વળી ત્યારે જાણે ભૂત પાછળ પડયું હોય એમ એ ચીસો નાખતી બહાર નીકળી અને પછી 'મમી'ની ઉપજાવી કાઢેલી વાત જણાવી દીધી. હવે રહી વાત કપાયેલા હાથની... તો એ હાથના નખ પર મેં જ મમતાના ગ્રૂપનું લોહી લગાવી દીધું હતું. જેથી પરીક્ષણ પછી એમ જ પુરવાર થાય કે એ હાથે જ મમતાની ગરદન દબાવવાનો પ્રયાસ કર્યો હતો.'

'અને ક્યાંક તમે પોતે જ તો અસલી પ્રાચીન વસ્તુઓના સ્થાને એના જેવી જ દેખાતી નકલી વસ્તુઓ નથી ગોઠવી દીધી ને?' વામનરાવે શંકાભર્યા અવાજે પૂછ્યું.

'ના, બિલકુલ નહીં.' રણવીર મક્કમ અવાજે બોલ્યો. 'મિસ્ટર રણવીર...' નાગપાલે કહ્યું, 'જ્યાં સુધી અસલી અપરાધી ન પકડાય, ત્યાં સુધી તમારે પોલીસની અટકમાં રહેવું પડશે.'

'ભલે... હું નિર્દોષ છું એટલે મને ગિરફતાર થવામાં કોઈ વાંધો નથી.'

‘જો તમે નિર્દોષ હશો તો તમને કશું જ નહીં થાય એની ખાતરી રાખજો.' જવાબમાં રણવીર ધીમેથી માથું હલાવીને રહી ગયો.