Josh - 10 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | જોશ - ભાગ 10

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જોશ - ભાગ 10

૧૦ : શિકારીની જાળ

રૂમનું વાતાવરણ અત્યંત રહસ્યમય હતું.

દિવ્યાનો મૃતદેહ પલંગ પર પડયો હતો.

એના શરીરને સફેદ ચાદર વડે ઢાંકી દેવામાં આવ્યું હતું. માત્ર ચહેરો જ દેખાતો હતો.

પલંગની બાજુમાં એક ખુરશી પર નર્સ બેઠી હતી. એ કોઈક નવલકથા વાંચવાનો દેખાવ કરતી હતી. મૃતદેહ પાસે બેસીને નવલકથા વાંચી પણ કેવી રીતે શકાય ?

રૂમમાં નાઇટ બલ્બનું અજવાળું છવાયેલું હતું.

રઘુવીર ચૌધરી પલંગની નીચે જ્યારે વામનરાવ એક દરવાજા પર લટકતા પડદાની પાછળ છુપાયેલો હતો.

ડૉક્ટર શરદકુમાર તથા રજનીકાંત બીજા રૂમમાં હતા.

દિવ્યાના રૂમની બહાર એક સિપાહી બેઠો બેઠો ઝોલાં ખાતો હતો. જોકે આ માત્ર એનો ઢોંગ જ હતો. બાકી અંદરખાનેથી તો એ એકદમ સાવચેત અને સજાગ હતો.

અને આ બધા લોકો અજ્ઞાત ખૂનીના આગમનની રાહ જોતા હતા.

અચાનક રાતની નીરવ શાંતિમાં પહેલાં કોઈકના દીવાલ કૂદવાનો અને પછી નજીક આવતાં પગલાંનો અવાજ ગુંજી ઊઠયો. સૌ એકદમ સાવચેત થઈને ખૂનીને રેડ હેન્ડ પકડવા માટે આતુર થઈ ગયા.

પછી જે રીતે એકાએક પગલાંનો અવાજ શરૂ થયો હતો, એ જ રીતે બંધ પણ થઈ ગયો.

ઘણો સમય વીત્યા પછી પણ આગંતુક તરફથી કોઈ હિલચાલ કે સળવળાટ ન થયો એટલે રઘુવીર પલંગ નીચેથી નીકળીને પડદા પાછળ છુપાયેલ વામનરાવ પાસે જઈ પહોંચ્યો અને એકદમ ધીમા, પરંતુ સ્પષ્ટ અવાજે બોલ્યો, 'ઈન્સ્પેક્ટર સાહેબ, પહેલા કૂદવાનો અને પછી પગલાંનો અવાજ... આ બધી હિલચાલ પરથી સ્પષ્ટ થઈ જાય છે કે ખૂની અંદર આવી ગયો છે. પરંતુ તેની ચુપકીદી પરથી એવું લાગે છે કે કાં તો તેને જોખમની ગંધ આવી ગઈ છે અથવા તો પછી દિવ્યાના રૂમમાં દાખલ થતાં પહેલાં તે પરિસ્થિતિનો તાગ મેળવવા માંગે છે. તે સાવચેત થઈને નાસી છૂટે એ પહેલાં જ આપણે એને પકડી લેવો જોઈએ.’

‘તો પછી હવે તમે શું કરવા માંગો છો?' વામનરાવે ધીમેથી પૂછ્યું. ‘તમે અહીંનો મોરચો સંભાળો અને હું બહાર જઉં છું. કદાચને જો તે અંદર આવી ચડે તો તમે એને સંભાળી લેજો.'

'ઠીક છે...'

રઘુવીરે પોતાની રિવૉલ્વર કાઢીને હાથમાં લીધી. પછી તે રૂમમાંથી બહાર નીકળીને ક્લિનિકના એક એક ભાગનું નિરીક્ષણ કરતો આગળ વધ્યો. પાછળના ભાગમાં પહોંચતાં જ તે એકદમ ચમક્યો.

એણે એક માનવઆકૃતિને ઝડપભેર એક વૃક્ષની ઓથમાં છુપાતી જોઈ. પછી વૃક્ષ પાસે પહોંચીને જાણે પોતાની જાત સાથે વાત કરતો હોય એમ એ સહેજ ઊંચા અવાજે બોલ્યો, 'બેટા રઘુવીર... તારું માથું ભમી ગયું લાગે છે. તું જાગતી હાલતમાં પણ સપનાં જુએ છે. અહીં તો કોઈ નથી.’

એના બડબડાટનું ધાર્યું પરિણામ આવ્યું. વૃક્ષ પાછળ ઊભેલો શખ્સ બેદરકાર થઈ ગયો એટલું જ નહીં, એણે હાથમાં રહેલી રિવૉલ્વરે પણ ગજવામાં મૂકી દીધી.

રઘુવીર બેદરકારી દાખવતો વૃક્ષ પાસેથી પસાર થયો અને પછી અચાનક જ બેહદ સ્ફૂર્તિથી એ શખ્સની પાછળ પહોંચી ગયો. વળતી જ પળે એની રિવૉલ્વરની નળી, એ શખ્સની ગરદનના પાછલા ભાગને સ્પર્શવા લાગી. 'ખબરદાર...' એ કરડાકીભર્યા અવાજે બોલ્યો, 'કોઈ પણ જાતની ચાલબાજી રમવાનો પ્રયાસ કરીશ તો અત્યારે જ તારાં સોએ વર્ષ પૂરાં થઈ જશે.'

“હું છું ચૌધરી સાહેબ... ! રિવૉલ્વર ખસેડી લો.' એ શખસે કહ્યું. 'કર્નલ સાહેબ, તમે ?' ઇન્દ્રમોહનના અવાજને ઓળખીને રઘુવીર અચરજથી બોલી ઊઠ્યો.

'હા ...'

'પણ તમે અત્યારે અહીં શું કરો છો?' રઘુવીરનું આશ્ચર્ય હજુ પણ નહોતું શમ્યું.

‘તમે જે કરો છો, એ જ હું પણ કરું છું.' ઈન્દ્રમોહને જવાબ આપ્યો.

'એટલે ?'

'એટલે એમ કે હું પણ ખૂનીની જ રાહ જોઉં છું.’

'ખૂની અહીં આવશે, એવું તમે કેવી રીતે માની લીધું કર્નલ સાહેબ ?'

'આ તો એક ને એક બે જેવી વાત છે ચૌધરી સાહેબ ! દિવ્યા પોતાને વિશે જાણી ચૂકી છે, એ વાતની ખબર પડતાં જ ખૂનીએ તેને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. પછી જ્યારે મને જાણવા મળ્યું કે દિવ્યા બચી ગઈ છે ત્યારે મને શંકા ઊપજી કે ખૂની ચોક્કસ ફરીથી દિવ્યાનું ખૂન કરવા માટે આવશે. ઉપરાંત પુરાતત્ત્વ ભવનમાં તમારી ગેરહાજરીથી મારી શંકા વધુ મજબૂત બની. એટલે જો ખૂની અહીં આવે તો તેને પકડી પાડવાના ઇરાદાથી હું પોતે જ ચોરીછૂપીથી અહીં ચાલ્યો આવ્યો, પરંતુ મારે માટે તમને કંઈક ગેરસમજ થઈ હોય એમ લાગે છે.”

'હા, થઈ છે...' રઘુવીર સ્પષ્ટ અવાજે બોલ્યો, ‘મેં તમારી વાતને સો ટકા સાચી માની લીધી છે, એવા ભ્રમમાં પણ તમે રાચશો નહીં. તમે હજુ પણ મારી શંકાની પરિધિમાં જ છો.'

'તમે મારે માટે શું માનો છો ને શું નહીં, એનાથી મને કોઈ જ ફર્ક નથી પડતો.’ ઈન્દ્રમોહને બેદરકારીભર્યા અવાજે કહ્યું.

‘ખેર, સવાર પડવાને હજુ બે-ત્રણ કલાકની વાર છે. તમે આ રીતે જ છુપાઈને ખૂનીની રાહ જુઓ.'

'ચોકક્સ...'

રઘુવીર ફરીથી દિવ્યાના રૂમ તરફ આગળ વધી ગયો.

એ રાત કોઈ પણ જાતના અન્ય બનાવ વગર વીતી ગઈ.

કાં તો ખૂનીને રઘુવીરની યોજનાની ખબર પડી ગઈ હતી અથવા તો દિવ્યા હવે પોતાના વિશે કોઈને કશુંય જણાવવાની સ્થિતિમાં નથી રહી, એ વાતની તેને ખાતરી થઈ ચૂકી હતી.

સવારે ચર્ચા-વિચારણા પછી દિવ્યાના મોતની જાહેરાત કરી દેવામાં આવી.

આ બનાવનો સૌથી વધુ આઘાત સુનિતાને લાગ્યો હતો. રજનીકાંતની આંખોમાં પણ આંસુ ઊભરાયાં હતાં. જરૂરી કાર્યવાહી પછી વામનરાવે દિવ્યાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

ત્યારબાદ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટે પણ દિવ્યાના રૂમમાં પોતાનું કામ પતાવ્યું. પછી રૂમની તલાશી દરમિયાન કબાટમાંથી ધમકીપત્રો તથા જે પથ્થર વડે મમતાનું ખૂન થયું હતું, એ પથ્થર મળતાં જ ત્યાં ખળભળાટ મચી ગયો.

પથ્થર પર લોહીનો ડાઘ સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. વામનરાવે આ બંને વસ્તુઓ રજનીકાંતને બતાવી તો એ પણ સ્તબ્ધ અવાજે બોલી ઊઠ્યો, 'દિવ્યા પાસે આ વસ્તુઓ ક્યાંથી ને કેવી રીતે આવી ?'

'હું પણ આ સવાલનો જવાબ તમને પૂછું છું મિસ્ટર રજનીકાંત !' વામનરાવે કહ્યું.

'મને તો આ બાબતની કંઈ જ ખબર નથી ઇન્સ્પેક્ટર સાહેબ !'

'વાંધો નહીં, આ પત્રોના અક્ષરો વિશે તમારી શું માન્યતા છે?'

'ક્યાંક દિવ્યાએ પોતે જ આ પત્રો લખ્યા છે, એમ તો તમે નથી માનતા ને?' જવાબ આપવાને બદલે રજનીકાંતે સામો સવાલ કર્યો.

'એવું પણ બન્યું હોઈ શકે છે !'

'ઇન્સ્પેક્ટર સાહેબ, આ પત્રોના અક્ષરો તો કોઈક સ્ત્રીના જ લાગે છે, પરંતુ તેમ છતાંય આ પત્રો દિવ્યાએ નથી લખ્યા એની મને ખાતરી છે. ચોક્કસ કોઈકે મારી દીકરી વિરુદ્ધ પડયંત્ર રચ્યું છે.'

અત્યારે રઘુવીર, પ્રોફેસર વિનાયક વગેરે પણ ત્યાં હાજર હતા. રઘુવીરે વામનરાવ પાસેથી પત્રો લઈને વાંચ્યા અને પછી વિનાયકના હાથમાં મૂકી દીધા.

'મમતાએ ક્યારેય આ પત્રો વિશે મને કશુંય નથી જણાવ્યું.' પત્રોનું નિરીક્ષણ કર્યા પછી વિનાયક એક ઊંડો નિઃસાસો નાંખતાં બોલ્યો, ‘જો કે એમાં હું મમતાનો પણ કંઈ વાંક નથી જોતો. કદાચ મારા વર્તનમાં કે મારી લાગણીમાં જ કોઈક ઊણપ હશે કે જેને કારણે એણે આ પત્રો વિશે મારાથી છૂપાવ્યું છે.'

'પત્રના અક્ષરો વિશે તમે શું માનો છો પ્રોફેસર સાહેબ ?'

'અક્ષરો તો કોઈક સ્ત્રીના જ લાગે છે ઉપરાંત અમુક અંશે આ અક્ષરો મમતાના અક્ષરો સાથે મળતા પણ આવે છે, પરંતુ મમતા પોતાની જાતને જ આ જાતના ધમકીપત્રો શા માટે લખે? આવું કરવાથી એને શું લાભ થાય તેમ હતો ?'

ત્યારબાદ વામનરાવ રજનીને મળ્યો, પરંતુ દિવ્યાએ જે વાતો ઉચ્ચારી હતી, એ રજનીને વામનરાવે ન જણાવી. આ વિશે એ ફક્ત નાગપાલને જ જણાવવા માંગતી હતી.

પછી એ પત્રો કર્નલ ઇન્દ્રમોહનને બતાવવામાં આવ્યા.

'આ પત્રો કોઈક સ્ત્રીએ જ લખ્યા છે.' એ મૂંઝવણભર્યા અવાજે બોલ્યો, 'આમાંના અમુક અક્ષરો પણ મારી દીકરી મમતાના અક્ષરો સાથે મળતા આવે છે. પરંતુ મારી દીકરી પોતાની જાતને જ આવા પત્રો શા માટે લખે? ના, આ પત્રો કોઈક બીજાએ જ લખ્યા છે.'

“તમને કોઈના પર શંકા છે?’

'ઇન્સ્પેક્ટર સાહેબ !' કહેતાં કહેતાં ઈન્દ્રમોહનના ચહેરા પર કઠોરતા ફરી વળી, 'આ નીચ કામ બેમાંથી કોઈક એક જણનું હોઈ શકે છે. જો કૅપ્ટન ભાસ્કર જીવતો હોય તો એ જ મારી દીકરી મમતાને ભયભીત કરતો હશે અને તક મળતાં જ એણે એનું ખૂન કરી નાંખ્યું હશે, જો ભાસ્કર બોર્ડર સિક્યોરિટી ફોર્સના હાથે માર્યો ગયો હશે તો પછી એ સંજોગોમાં આ કામ એના નાના ભાઈ રાજેશનું હોઈ શકે છે, કારણ કે રાજેશ છેવટ સુધી એમ જ માનતો હતો કે એનો ભાઈ ભાસ્કર નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવ્યો છે.'

આ સિવાય વામનરાવને બીજી કોઈ નવી વાત જાણવા ન મળી. પોસ્ટમોર્ટમ પછી દિવ્યાનો મૃતદેહ તેનાં પરિવારજનોને સોંપી દેવાયો અને એના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા.

બધું પત્યા પછી વામનરાવ ફરીથી એક વાર નાગપાલ પાસે જઈ પહોંચ્યો અને તેને દિવ્યાના ખૂન વિશેની એક એક વાતથી વાકેફ કરી દીધો.

'વામનરાવ !' બધી વિગતો સાંભળ્યા પછી નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, “દિવ્યાના ખૂનથી સ્પષ્ટ થઈ જાય છે, કે તે મમતાના ખૂની વિશે કંઈક જાણી ચૂકી હતી, પરંતુ ખૂની વિશે જાણી ચૂક્યા પછી પણ તે ચૂપ શા માટે રહી હતી એ મને કંઈ નથી સમજાતું.'

અને દિવ્યાના મોંમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા હતા કે 'બ... બારીમાં... બારીમાંથી' એ શું હશે ?' વામનરાવે કહ્યું, 'પરિસ્થિતિ મુજબ રઘુવીર ચૌધરીએ જે પરિણામ તારવ્યું તે એ હતું કે ખુનીએ બારીમાંથી હાથ અંદર નાખ્યો. ટેબલ પર પડેલ પાણીનો ગ્લાસ ખાલી કરીને તેમાં તેજાબ ભર્યો અને તેજાબ ભરેલા ગ્લાસને ટેબલ પર પાછો મૂકી દીધો. પછી રાત્રે તરસ લાગતાં જ દિવ્યા અર્ધજાગૃતાવસ્થામાં કે પછી ઊંઘની ખુમારીમાં જ ગ્લાસ ઊંચકીને તેજાબ ગટગટાવી ગઈ. પછી વસ્તુસ્થિતિનું ભાન થતાં જ એણે ગ્લાસ છોડી દીધો.'

'વામનરાવ... !' કશુંક વિચારીને નાગપાલ બોલ્યો, 'હું રઘુવીરની આ માન્યતા સાથે બિલકુલ સહમત નથી.'

'કેમ?' વામનરાવે ચમકીને એની સામે જોતાં પૂછ્યું.

'જો દિવ્યા ખરેખર ખૂની વિશે કંઈક જાણી ગઈ હતી અને પોતાની જાતને બિનસલામત અનુભવતી હતી તો આ સંજોગોમાં તે બારી ઉઘાડી રાખીને સૂવે જ નહીં. બારી ઉઘાડી રાખીને સૂવાનું એનું આ પગલું તો હાથે કરીને

મોતને આમંત્રણ આપવા જેવું હતું.' નાગપાલની દલીલ એકદમ સચોટ હતી.

જો દિવ્યા પોતાનો જીવ જોખમમાં અનુભવતી હતી તો એણે બારી શા માટે ઉઘાડી રાખી હતી? જો એણે બારી બંધ રાખી હતી તો પછી કોણે ને શા માટે ઉઘાડી ?

'તો રઘુવીરની માન્યતા ખોટી છે, એમ આપ કહો છો ખરું ને?’ 'હું નથી કહેતો પણ પરિસ્થિતિ પોકારી પોકારીને કહે છે કે હકીકત કંઈક જુદી જ છે. દિવ્યા કશુંક કહેવા માંગતી હતી પણ શું કહેવા માગતી હતી, એની કોઈને ખબર નથી. ખેર, મમતાના ખૂનનું હથિયાર તથા ધમકીપત્રો ક્યાં છે?'

‘પત્રો તો હું સાથે જ લાવ્યો છું પણ પથ્થરને મેં ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલ્યો છે. એનો રિપોર્ટ કાલે આવી જશે.' વાત પૂરી કર્યા બાદ વામનરાવે પત્રોવાળું કવર નાગપાલને આપી દીધું.'

નાગપાલે કવરમાંથી પત્રો કાઢીને વારાફરતી બધા પત્રો વાંચ્યા.

ત્યારબાદ એને કવરમાં સરકાવીને એ કવર વામનરાવને પાછું આપતાં એ બોલ્યો, ‘આ પત્રોને દિવ્યા તથા મમતાના અક્ષરો સાથે સરખામણી માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે મોકલી આપ અને હા, મમતાએ રજનીને જે કંઈ જણાવ્યું હતું, એમાં કેટલું તથ્ય છે, એ જાણવાનો પ્રયાસ તે કર્યો હતો ??'

'હા...!' વામનરાવે હકારમાં માથું હલાવતાં કહ્યું, 'આ બાબતમાં મેં કર્નલ ઈન્દ્રમોહન સાથે વાત કરી હતી. તેમણે પણ પોતાની દીકરી મમતાએ જણાવેલી બધી વાતોને સમર્થન આપ્યું છે. કર્નલ ઈન્દ્રમોહન સાથેની ચર્ચામાં એક નવી વાત પણ બહાર આવી છે.”

'કઈ વાત?' નાગપાલે ઉત્સુક અવાજે પૂછ્યું.

'એ વાત કેપ્ટન ભાસ્કર વિશેની છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના હાથેથી કેપ્ટન ભાસ્કરનું મોત થયું જ હતું એ ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. ઇન્દ્રમોહનના કહેવા મુજબ ભાસ્કરને ગોળીઓ જરૂર લાગી હતી પણ બી.એસ.એફ. ને તેનો મૃતદેહ નહોતો મળ્યો. ગોળીઓ વાગતાં પુલ પરથી નદીમાં ખાબકતાં જ ભાસ્કર મૃત્યુ પામ્યો હોય અને એનો મૃતદેહ નદીના પ્રવાહમાં તણાઈ ગયો હોય એ બનવાજોગ છે. અથવા તો તે જીવતો રહી ગયો હોય એવું પણ બની શકે છે. મેં આ બાબતમાં બી.એસ.એફ. પાસેથી વધુ માહિતી મંગાવી લીધી છે.”

‘તું રજનીને મળ્યો હતો?'

'હા...' વામનરાવ ખમચાતા અવાજે બોલ્યો, 'નાગપાલ સાહેબ, કોણ જાણે કેમ પણ આજે મને એવી અનુભૂતિ થઈ કે એણે મારાથી કોઈક વાત છુપાવી છે. જોકે આ મારો ભ્રમ પણ હોઈ શકે છે.'

'વાંધો નહીં... હું એને મળી લઈશ. આ દરમિયાન તું એક કામ કરજે.'

' શું?'

'તું પુરાતત્ત્વ ભવનથી નજીકમાં આવેલી વસતિમાં રહેતા હોય એવા સ્ત્રી કે પુરુષોને ચેક કર. જરૂર પડે તો પોલીસ ખાતાના બાતમીદારોની મદદ લઈ શકે છે.'

'ઓ.કે...' વામનરાવે ધીમેથી માથું હલાવ્યું.

ત્યારબાદ નાગપાલનું અભિવાદન કરીને તે વિદાય થઈ ગયો.

*******************

રાતના લગભગ સાડા બાર વાગ્યા હતા. અચાનક કોઈકનો પગરવ સાંભળીને પ્રતાપસિંહની ઊંઘ ઊડી ગઈ. એણે સૂતાં-સૂતાં જ આંખો ઉઘાડીને જોયું તો રઘુવીર ચૌધરી દરવાજામાંથી એકર આવતો દેખાયો.

'ચૌધરી સાહેબ તમે ?' રઘુવીર નજીક આવ્યો કે તરત જ એણે પૂછ્યું. 'હા... ઊંઘ નહોતી આવતી એટલે બહાર લટાર મારવા ગયો હતો.’ કહેતાં-કહેતાં અચાનક રઘુવીરનો ટોન બદલાઈ ગયો, ‘પણ તમારા ગાર્ડ્સ જોઈએ એટલા સજાગ નથી.’

'કેમ ?' પ્રતાપસિંહે આશ્ચર્યથી પૂછ્યું.

‘સાંભળો...' રઘુવીર એક એક શબ્દ પર ભાર મૂકતાં ગંભીર અવાજે - બોલ્યો, 'હું કંઈ અમસ્તો જ બહાર નહોતો ગયો. સૂતી વખતે અનાયાસે - જ મારી નજર બારી પર પડી તો મેં બારીની બીજી તરફ કોઈકને ટોર્ચ વડે સંકેત કરતાં જોયો હતો. ટોર્ચને ત્રણ વખત ચાલુ-બંધ કરવામાં આવી હતી. બહારના કોઈક શખ્સે ઇમારતમાં રહેતા કોઈક માણસને ટોર્ચના માધ્યમથી કંઈક સંકેત કર્યો હતો. આ વાત મગજમાં આવતાં જ હું અનુમાનના આધારે જે તરફથી સંકેત કરવામાં આવ્યો હતો, એ તરફ આગળ વધ્યો, પરંતુ હું તપાસ માટે નીકળ્યો છું એની કદાચ સંકેત કરનારને ગંધ આવી ગઈ. પરિણામે હું તેની નજીક પહોંચું ત્યાર પહેલાં જ તે મોટરસાઇકલ પર બેસીને નાસી છૂટ્યો. તેમ છતાં ય મેં આજુબાજુમાં પહોંચીને નિરીક્ષણ કર્યું, પરંતુ તે કોણ હતો અને એણે કોને સંકેત કર્યો હતો એ બાબતમાં કંઈ જાણવા ન મળ્યું. મિસ્ટર પ્રતાપ, અહીં કોઈક જબરદસ્ત ષડયંત્ર ચાલે છે અને આ ષડયંત્રમાં પુરાતત્ત્વ ખાતાનો જ કોઈક માણસ સંડોવાયેલો છે, પરંતુ આ ષડયંત્ર શું છે અને તેમાં કોણ સંડોવાયેલું છે, એ જાણવા માટે આંખ-કાન ઉઘાડા રાખવાની ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને રાતના સમયે તો ચોકીપહેરો ખૂબ જ મજબૂત કરવાની જરૂર છે.'

'રાત્રે બે ગાર્ડ્સ તો સતત ચોકી કરે જ છે.'

'બે ગાર્ડ્સથી કામ નહીં ચાલે. ચાર ગાર્ડ્સ તો ઓછામાં ઓછા જોઈશે અને એ પણ એવા કે જેની પાંપણ સુધ્ધાં ન ફરકે. એટલું જ નહીં, તેઓ બરાબર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે કે નહીં, એ ચેક કરવાની જવાબદારી પણ તમારી જ છે.'

'હું અવારનવાર ચેકિંગ કરું જ છું. દરેક વખતે મેં બંને ગાર્ડ્સને પૂરી સજાગતાથી ચોકી કરતા જોયા છે.' આટલું કહીને પ્રતાપસિંહે એક સિગારેટ પેટાવી અને બે ત્રણ કસ ખેંચ્યા બાદ રઘુવીર સામે જોતાં પૂછ્યું, ‘ખેર, શું માનો છો ? આ બનાવનો સંબંધ પણ મમતા તથા દિવ્યાના ખૂન સાથે હશે કે કેમ ?'

‘જરૂર હોઈ શકે છે.’ રઘુવીર બોલ્યો, 'કદાચ ન પણ હોય... બંને વાત છે.'

'એટલે ?'

‘મિસ્ટર પ્રતાપ, એક જાસૂસ બધી શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ કર્યા પછી જ કોઈક પરિણામ તારવી શકે છે.' રઘુવીર બોલ્યો, “જયાં સુધી આ બાબતમાં કોઈ નવી વાત જાણવા ન મળે ત્યાં સુધી આ બંને બનાવો એકબીજા સાથે સંકળાયેલા હશે કે નહીં, એ બાબતમાં ખાતરીપૂર્વક કશુંય કહી શકાય તેમ નથી.’

'ઠીક છે ચૌધરી સાહેબ! હવે તમે આરામ કરો ને હું જરા લટાર મારી આવું. કદાચ મને કંઈક નવું જાણવા મળી જાય, એ બનવાજોગ છે.!

'ચોક્કસ... તમે ખુશીથી જઈ આવો.'

પ્રતાપસિંહ બહાર નીકળીને મુખ્ય ફાટક તરફ આગળ વધી ગયો જ્યારે રઘુવીર પલંગ પર આડો પડીને વિચારમાં ડૂબી ગયો.

તે આ બનાવને મમતા તથા દિવ્યાના ખૂન સાથે સાંકળવાનો પ્રયાસ કરતો હતો.

છેવટે વિચારતાં-વિચારતાં જ ક્યારે ઊંઘ આવી ગઈ એની તેને ખબર ન પડી.

********************

સાંજનો સમય હતો.

પુરાતત્ત્વ ખાતાની ઈમારતથી થોડે દૂર આવેલ વસતિના એકા કાચા મકાનના રૂમમાં બેઠેલી ટીના પોતાના ભવિષ્ય વિશે વિચારતી હતી. સૌની જેમ ભાવિના ગર્ભમાં શું છુપાયું છે એની તેને પણ ખબર નહોતી. પોતે જે સુખી સંસારનાં સપનાં જોયાં છે. જે કલ્પનાઓ કરી છે. પોતાના દિલમાં જે અરમાનો છે, તે પૂરાં થશે કે કેમ?

પછી અચાનક કોઈકે દરવાજો ખટખટાવતાં એ કલ્પનાની દુનિયામાંથી બહાર નીકળી.

કોઈક અજાણી આશંકાથી એના ધબકારા એકદમ વધી ગયા. એણે આગળ વધીને દરવાજો ઉઘાડ્યો. પછી બહાર ઊભેલા વામનરાવ પર નજર પડતાં જ એનું કાળજું કંપી ઊઠ્યું.

''બોલો સાહેબ... !' એણે પોતાના ગભરાટ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં કહ્યું.

'તારું નામ જ ટીના છે ?' વામનરાવે રૂક્ષ અવાજે પૂછ્યું.

'જી, હાં...’ ટીનાએ હકારમાં માથું હલાવ્યું.

“હું તને થોડી પૂછપરછ કરવા માંગું છું.’ 'અંદર આવો સાહેબ !' કહીને ટીના દરવાજા પરથી એક તરફ ખસી.

વામનરાવ અંદર પ્રવેશીને ત્યાં પડેલી લાકડાની એક ખુરશી પર બેસી ગયો.

'ફરમાવો સાહેબ... શું પૂછવું છે આપને ?'

'હું તારા પતિ રૂસ્તમ વિશે જાણવા માંગું છું.'

‘એને વિશે શું જાણવું છે? શું એનાથી કોઈ ખોટું કામ થઈ ગયું છે. કે આપ આ બધી પૂછપરછ કરો છો?' ટીના હવે એકદમ સ્વસ્થ થઈ ગઈ હતી.

'જો ટીના... !' વામનરાવ વેધક નજરે એની સામે તાકી રહેતાં બોલ્યો, 'રૂસ્તમ અમુક માણસો માટે ગેરકાયદેસર કામ કરે છે એવી પોલીસને શંકા છે. પોતે ગેરકાયદેસર કામમાં સંડોવાઈ ગયો છે, તેની ખુદ રૂસ્તમને પણ કદાચ ખબર ન હોય, એ બનવાજોગ છે. જો એવું હોય તો મને સાચેસાચું જણાવી દો. રૂસ્તમને કશુંય નહીં થાય. ઉપરાંત અપરાધીઓને પકડાવવા માટે મદદરૂપ થવા બદલ તને ઇનામ પણ મળશે.'

'સાહેબ, આ તમે કેવી વાત કરો છો ને મારી પાસેથી શું ઇચ્છો છો, એ જ મને તો કંઈ નથી સમજાતું.’ ટીનાએ મૂંઝવણભર્યા અવાજે કહ્યું.

'વાત એમ છે ટીના કે તું તારા પતિ રૂસ્તમ વિશે જે કંઈ જાણતી હો, એ સાચેસાચું કહી નાંખ.' વામનરાવ બોલ્યો, 'નહીં તો તે કોઈક એવી મુશ્કેલીમાં ફસાઈ જશે કે જિંદગીભર કાયદાની ચુંગાલમાંથી બહાર નહીં નીકળી શકે.'

'સાહેબ, સાચું કહું તો રૂસ્તમ કોઈ ખોટું કામ કરે છે, એની મને પણ ખબર નથી.'

'એ કામ ક્યાં કરે છે ?'

'શહેરમાં !'

'શહેરમાં ક્યાં?'

'સાહેબ, રૂસ્તમ કોઈક દારૂના અડ્ડામાં કામ કરે છે એટલું જ હું જાવું છું. જો કોઈ માણસ દારૂ પીને ધમાલ કરે અથવા તો પૈસા ન ચૂકવે તો તેને સંભાળવાનું કામ રૂસ્તમ સંભાળે છે. અને આ કોઈ ગેરકાયદેસર ધંધો નથી. રૂસ્તમે મને એમ પણ જણાવ્યું છે કે અડ્ડાના માલિક પાસે દારૂ વેચવાનું તથા ત્યાં આવેલા ગ્રાહકોને પિવડાવવાનું લાઇસન્સ પણ છે.'

‘જો રૂસ્તમ કોઈ ગેરકાયદેસર કામ નથી કરતો તો તને શહેરમાં જ શા માટે નથી રાખતો ? એણે શહેરથી દૂર આ વસતિમાં તને શા માટે રાખી છે ?'

'સાહેબ... મેં આ વિશે પણ રૂસ્તમને પૂછ્યું હતું, તો એણે જવાબ આપ્યો હતો કે તેના અડ્ડામાં હલકી કક્ષાના માણસો દારૂ પીવા આવે છે અને પોતે ગમે ત્યારે તેમની સાથે અથડામણમાં ઊતરવું પડે છે. એટલે મારી સલામતી માટે જ એણે મને અહીં રાખી છે.'

‘તો પછી તું એને બીજું કોઈક સારું કામ કરવા માટે કેમ નથી સમજાવતી ? 'સાહેબ, એ ભણેલો નથી, ઉપરાંત લીવરની બીમારીને કારણે મહેનત- મજૂરી જેવું કામ પણ એનાથી થઈ શકે તેમ નથી. ઘરનો ધંધો શરૂ કરવા માટે એની પાસે મૂડી નથી. આવી પરિસ્થિતિમાં એ બીજું કરે પણ શું? ઓપરેશનથી એની બીમારી દૂર થઈ જાય તેમ છે, પણ પૈસા તો હોવા જોઈએને?'

'રૂસ્તમ કોના અડ્ડામાં કામ કરે છે એની તને કંઈ ખબર છે ?'

'ના... સાહેબ !' ટીના માસૂમ અને ભોળાભટાક અવાજે બોલી, ‘મેં પણ એને ક્યારેય પૂછ્યું નથી કે નથી એણે ક્યારેય સામેથી મને કંઈ જણાવ્યું.'

'ઠીક છે...!' વામનરાવે ગંભીર અવાજે કહ્યું, ‘જો રૂસ્તમ ખરેખર કોઈ ગેરકાયદેસર કામ કરતા લોકો સાથે ભળેલો ન હોય તો એને મારી પાસે મોકલજે. હું તેને કોઈ સારી જગ્યાએ નોકરી અપાવી દઈશ. એના લીવરના ઓપરેશનની વ્યવસ્થા પણ થઈ જશે.’

'ભલે સાહેબ !' ટીનાએ ધીમેથી માથું હલાવ્યું.

વામનરાવે ધ્યાનથી ટીનાના ચહેરાના હાવભાવનું નિરીક્ષણ કર્યું.

ટીનાની માસૂમિયત જોઈને તે એવા પરિણામ પર પહોંચ્યો હતો કે કાં તો એ બિલકુલ સાચું કહે છે અથવા તો પછી અજાણ હોવાનો ડોળ કરે છે. આ કારણસર જ એણે ચાલાકી વાપરીને જાણે ટીનાની વાતને સાચી માની લીધી હોય એવું દર્શાવ્યું હતું. બાકી વાસ્તવમાં તેને ટીનાની વાતથી સંતોષ નહોતો થયો.

'ઠીક છે... !' એ ઊભો થતાં બોલ્યો, ‘મારું નામ ઇન્સ્પેક્ટર વામનરાવ છે અને હું વિશાળગઢ પોલીસ હેડક્વાર્ટરમાં બેસું છું. રૂસ્તમ આવે એટલે તેને તાત્કાલિક મારો સંપર્ક સાધવાનું જણાવી દેજે.'

ટીનાએ હકારમાં માથું હલાવ્યું.

વામનરાવે બહાર નીકળી, જીપમાં બેસી, જીપ સ્ટાર્ટ કરીને આગળ ધપાવી.

થોડે દૂર ગયા પછી અચાનક એક શખસે ભૂતના ઓળની જેમ સામે આવી, હાથ ઊંચો કરીને તેની જીપ ઊભી રખાવી.

પછી તે લાંબી લાંબી ડાફો ભરતો જીપ પાસે આવી પહોંચ્યો.

'ટીના પર નજર રાખ.' વામનરાવ એ શખ્સને ઉદ્દેશીને બોલ્યો, ‘જરૂર પડે તો તું આ કામમાં બાતમીદારની મદદ પણ લઈ શકે છે. રૂસ્તમ અહીં આવે ત્યારે એનો પીછો કરીને બધી વિગતો જાણ્યા બાદ મને જાણ કરજે.' 'ઓ.કે. સર... !' કહીને એ શખ્સ આવ્યો હતો એ જ રીતે પાછો ચાલ્યો ગયો. વામનરાવે જીપ સ્ટાર્ટ કરીને આગળ ધપાવી.

થોડીવાર પછી એની જીપ પુરાતત્ત્વ ખાતાની વિશાળ ઇમારતના કંપાઉન્ડમાં પ્રવેશી ત્યારે અગાઉથી જ ત્યાં પ્રતાપસિંહ તથા રઘુવીર ચૌધરી વાતો કરતા ઊભા હતા.

વામનરાવની જીપ જોતાં જ તેઓ ચૂપ થઈને એની સામે જોવા લાગ્યા. વામનરાવે એ બંનેની નજીક પહોંચીને જીપ ઊભી રાખી અને પછી નીચે ઊતરીને તેઓનું અભિવાદન કર્યું.

'તમારી તપાસ ક્યાં સુધી પહોંચી ઇન્સ્પેક્ટર સાહેબ?' એના અભિવાદનનો જવાબ આપ્યા બાદ પ્રતાપસિંહે પૂછ્યું, 'ખૂની વિશે કંઈ નવું જાણવા મળ્યું ?'

'આપણે અંદર જઈને નિરાંતે વાતો કરીએ.’ વામનરાવ બોલ્યો. 'ઠીક છે, ચાલો...'

પ્રતાપસિંહ તેને પોતાના રૂમમાં લઈ ગયો.

‘અહીં તો કોઈ ખાસ બનાવ નથી બન્યો ને?' વામનરાવે પૂછયું. જવાબમાં પ્રતાપસિંહે પ્રશ્નાર્થ દૃષ્ટિએ રઘુવીર સામે જોયું તો એ તરત જ એની નજરનો અર્થ પારખી ગયો. એણે ગજવામાંથી સિગારેટનું પેકેટ તથા લાઇટર કાઢ્યાં અને પછી એક સિગારેટ પેટાવતાં બોલ્યો, ‘ઇન્સ્પેક્ટર સાહેબ, રાત્રે અહીં એક એવો બનાવ બન્યો છે કે જેણે આ કેસને વધુ ગૂંચવી નાંખ્યો છે.' આટલું કહીને એણે રાત્રે ટોર્ચના સંકેતવાળા બનાવની વિગતો જણાવી દીધી.

‘તમે અત્યારે દિવસના અજવાળામાં જઈને એ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું ?'

'હા...” રઘુવીરે સિગારેટનો કસ ખેંચીને એશ-ટ્રેમાં રાખ ખંખેરતાં કહ્યું.

'તો ત્યાંના નિરીક્ષણ પછી તમને શું લાગે છે?'

'ઇન્સ્પેક્ટર સાહેબ ! એ તરફ જે લોકોના ફલેટની બારીઓ ઊઘડે છે તેઓ છે ફાધર જોસેફ, મિસ્ટર પ્રતાપસિંહ, મિસ્ટર શશીકાંત અને મિસ્ટર પ્રભાકર !'

‘અર્થાત્ આ લોકો શંકાની પરિધિમાં આવે છે ખરું ને?'

'હા... પણ તેઓ માત્ર શંકાની પરિધિમાં આવે છે. બાકી તો અત્યાર સુધી તેમની વિરુદ્ધ કોઈ પુરાવો નથી મળ્યો એટલે તેઓ ગુનેગાર છે જ, એમ ખાતરીપૂર્વક ન કહી શકાય !'

'તમે આ બનાવના અનુસંધાનમાં શું પગલાં ભર્યાં છે મિસ્ટર પ્રતાપસિંહ ?' વામનરાવે પ્રશ્નાર્થ નજરે પ્રતાપસિંહ સામે જોતાં પૂછ્યું.

“મેં ગાર્ડ્સને સાવચેત કરી દીધા છે!' પ્રતાપસિંહે જવાબ આપતાં કહ્યું, “હવે તેઓ પહેલાં કરતાં વધુ ચોકસાઈ અને પૂરેપૂરી સજાગતાથી ફરજ બજાવે છે. આ ઉપરાંત મેં એક બીજું કામ પણ કર્યું છે !'

'કયું કામ ?'

‘મેં રાતના સમયે ચોકી કરવા માટે ગાર્ડ્સની સંખ્યા વધારી દીધી છે.' એનો જવાબ સાંભળીને વામનરાવ વિચારમાં પડી ગયો.

“હમણાં તમારે ગાર્ડ્સની સંખ્યા વધારવાની જરૂર નથી. થોડી પળો સુધી કશુંક વિચાર્યા બાદ છેવટે એ બોલ્યો. 'કેમ?'

“એટલા માટે કે ગાર્ડ્સે પોતાનું કામ પહેલાં કરતાં વધુ સજાગતાથી કરવાનું છે, પરંતુ દેખાવ જાણે બેદરકાર હોય એવો કરવાનો છે. તેમની આ બાહ્ય બેદરકારી જોઈને જ અપરાધી કોઈક અપરાધ કરવા માટે પોતાની જગ્યાએથી બહાર નીકળશે અને આપણે એને પકડી શકીશું. મારી વાત બરાબર છે ને ચૌધરી સાહેબ ?' વાત પૂરી કરીને વામનરાવે અભિપ્રાય માંગતી નજરે રઘુવીર સામે જોયું.

વામનરાવની દલીલથી રઘુવીર પણ ખૂબ જ પ્રભાવિત થયો હતો. 'ઇન્સ્પેક્ટર સાહેબ સાચું કહે છે !' તે પ્રતાપસિંહ સામે જોઈને વામનરાવની વાતને સમર્થન આપતાં બોલ્યો.

‘તમે શું કહેવા માંગો છો, એ મને સમજાઈ ગયું છે ઇન્સ્પેક્ટર સાહેબ !' પ્રતાપસિંહે કહ્યું, 'તમારી સૂચના પ્રમાણે જ બધું થશે.'

'ચાલો... !' વામનરાવ ઊભો થતાં બોલ્યો, 'મારે અહીં કામ કરતા અમુક લોકો વિશે માહિતી મેળવવા માટે હજુ પ્રોફેસર સાહેબને પણ મળવાનું છે.'

'મમતા મર્ડર કેસના અનુસંધાનમાં ?' રઘુવીરે પૂછ્યું.

'ઇન્સ્પેક્ટર સાહેબ, જો તમને વાંધો ન હોય તો હું પણ સાથે આવું. કોણ જાણે કેમ દિવ્યા તથા મમતાના ખૂન એક જ સાંકળની બે કડી હોય એવું મને લાગે છે.' રઘુવીરે કહ્યું.

'મને એમાં શું વાંધો હોય ? તમે ખુશીથી મારી સાથે આવી શકો છો.’ વામનરાવ સ્મિત ફરકાવતાં બોલ્યો.

બંને બહાર નીકળીને પ્રોફેસર વિનાયકના રૂમ તરફ આગળ વધી ગયા.