Josh - 12 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | જોશ - ભાગ 12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જોશ - ભાગ 12

૧૨ : રજનીનું અપહરણ

સાંજ આથમી ગઈ હતી.

ધરતી પર ધીમે ધીમે અંધારું છવાતું જતું હતું. પ્રતાપસિંહ પોતાના રૂમની સામે વરંડામાં ઊભો હતો. એ જ વખતે પોલીસની જીપ કંપાઉન્ડમાં પ્રવેશીને ઊભી રહી. પછી તેમાંથી પોલીસની વર્દીમાં સજજ એક સબ. ઇન્સ્પેક્ટર નીચે ઊતરીને, તેની નજીક આવીને બોલ્યો, 'ગુડ ઇવનિંગ મિસ્ટર...!

'પ્રતાપસિંહ... ! મારું નામ પ્રતાપસિંહ છે અને હું અહીંનો સિક્યોરિટી ઓફિસર છું.'

'મારું નામ સબ. ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર દીક્ષિત છે અને મને વામનરાવ સાહેબે અહીં મોકલ્યો છે.'

'કેમ ? શા માટે ?' પ્રતાપસિંહે વેધક નજરે એની સામે જોતાં પૂછ્યું.

'ઇન્સ્પેક્ટર સાહેબને મિસ આરતીનું કંઈક કામ પડયું છે એટલે તેમને લેવા માટે મને મોકલ્યો છે.'

'ઠીક છે, ચાલો...' કહીને પ્રતાપસિંહ તેને રજનીના રૂમમાં લઈ ગયો. દીક્ષિતે જે વાત પ્રતાપસિંહને જણાવી હતી, એ જ રજનીને પણ કહી. કદાચ નાગપાલ અંકલ મળવા માંગતા હશે અને તેમણે જ વામનરાવના માધ્યમથી પોતાને બોલાવી હશે, એમ રજનીએ માન્યું.

એ તરત જ બહાર નીકળીને જીપની પાછલી સીટ પર બેસી ગઈ. સબ. ઇન્સ્પેક્ટર દીક્ષિતે જીપ સ્ટાર્ટ કરીને પૂરપાટ વેગે દોડાવી મૂકી. રજનીના દિમાગમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું હતું. થોડી વાર પછી અચાનક એક ઉજ્જડ સ્થળે જીપ ઊભી રહી ગઈ. એનું એન્જિન ઘરઘરાટી સાથે બંધ પડી ગયું હતું.

'શું થયું...?' રજનીએ ચમકીને પૂછ્યું. 'એન્જિન બગડી ગયું લાગે છે.' કહીને દીક્ષિત નીચે ઊતર્યો.

પછી તે બોનેટ ઉઘાડીને એન્જિન તપાસવા લાગ્યો. રજની આજુબાજુમાં નજર કરવા લાગી.

પછી અચાનક એ ચમકી ગઈ. એણે જોયું તો સડકની બંને બાજુથી, ચહેરા પરથી જ નામચીન ગુંડા જેવો દેખાતો એક માણસ ઝડપભેર જીપ તરફ આવતો હતો. જોખમનો આભાસ મળતાં જ રજનીએ જીપમાંથી નીચે ઊતરીને વિરુદ્ધ દિશામાં દોટ મૂકવાનો પ્રયાસ કર્યો.

એ જ વખતે વાતાવરણમાં ગોળી છૂટવાનો ધડાકો ગુંજી ઊઠ્યો. ગોળી રજનીના કાનને આંચ આપતી પસાર થઈ ગઈ.

'ખબરદાર...' વળતી જ પળે દીક્ષિતનો કઠોર અને ચેતવણીભર્યો અવાજ ગુંજ્યો, ‘હું નિશાન ચૂકી ગયો છું, એવા ભ્રમમાં રહીશ નહીં છોકરી. મારું નિશાન અચૂક હોય છે. તને ચેતવણી આપવા માટે જ મેં ગોળી છોડી હતી. જો કોઈ પણ ચાલબાજી રમવાનો પ્રયાસ કરીશ તો આ વખતે મારી રિવૉલ્વરમાંથી છૂટેલી ગોળી તારી ગરદનને વીંધી નાંખશે સમજી?'

રજની સહેજ પણ ન ગભરાઈ. એણે ગભરાવાનો અભિનય જરૂર કર્યો. ‘તો... તો તું સબ. ઈન્સ્પેક્ટર દીક્ષિત નથી?' એણે કંપતા અવાજે પૂછ્યું. “ના... હું સબ-ઇન્સ્પેક્ટર દીક્ષિત નથી. તેમ પોલીસ સાથે પણ મારે કંઈ સ્નાનસૂતકનો સંબંધ નથી. મારું સાચું નામ દેવેન્દ્ર નહીં, પણ દામોદર છે!'

‘તો પછી મને આ રીતે શા માટે લાવવામાં આવી છે?'

'એની પણ ખબર પડી જશે, પરંતુ અહીં નહીં. ચાલ, જીપમાં બેસ.' રજની ધારત તો એકલી જ આ બંનેને પહોંચી વળત, પરંતુ એણે આ લોકો કોણ છે ને શું ઇચ્છે છે, એનો તાગ મેળવવાનું મનોમન નક્કી કરી લીધું હતું.

રજની એક ઊંડો શ્વાસ ખેંચીને જીપમાં બેસી ગઈ.

'રાણા...!' દીક્ષિત પોતાના સાથીદારોને સંબોધતાં બોલ્યો, 'આ છોકરીની બાજુમાં બેસી જા.' વાત પૂરી કર્યા બાદ એણે રિવૉલ્વર રાણાના હાથમાં મૂકી અને પોતે ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયો.

રાણા રજનીની બાજુમાં ગોઠવાઈ ગયો. દીક્ષિતે જીપ સ્ટાર્ટ કરીને પૂરપાટ વેગે દોડાવી મૂકી. એકાદ કિલોમીટર દૂર ગયા પછી અચાનક રાણાએ વીજળી જેવી સ્ફૂર્તિથી રજનીના માથાં પર પૂરી તાકાતથી રિવૉલ્વરની મૂઠનો ફટકો ઝીંકી દીધો.

પ્રહાર એટલો જોરદાર હતો કે રજનીની આંખો સામે લાલ-પીળાં ચકરડાં ઊપસી આવ્યાં. વળતી જ પળે એની ચેતના લુપ્ત થઈ ગઈ.

રજની જ્યારે ભાનમાં આવી, ત્યારે એણે પોતાની જાતને એક રૂમમાં જમીન પર પડેલી જોઈ. એના બંને હાથ-પગ પીઠ પાછળ વાળીને બાંધી દેવામાં આવ્યા હતા.

એણે સૂતાં સૂતાં જ આખા રૂમનું નિરીક્ષણ કર્યું. રૂમમાં સો વોલ્ટના બલ્બનું ભરપૂર અજવાળું પથરાયેલું હતું. રૂમના તમામ બારીદરવાજા તથા વેન્ટિલેશન બંધ હતા. એટલું જ નહીં, તેના પર પડદા પણ પડેલા હતા. એણે હાથ-પગનાં બંધનોમાંથી મુક્ત થવાનો પ્રયાસ કર્યો, પરંતુ એને સફળતા ન મળી. એટલે એણે પ્રયાસો પડતા મૂકી દીધા. સહસા પહેલા બહારના ભાગ તરફથી એક કરતાં વધુ માણસોનો પગરવ ગુંજ્યો અને પછી દરવાજો ઉઘાડીને દામોદર તથા રાણા અંદર પ્રવેશ્યા. બંને ખાલી હાથે જ હતા.

રાણાના સંકેતથી દામોદરે દરવાજો બંધ કર્યો. પછી રાણા રજનીની નજીક પહોંચીને ઊભો રહ્યો.

'તમે લોકો કોણ છો ને મને શા માટે અહીં કેદ કરી છે?' રજનીએ પૂછ્યું. 'તારું નામ શું છે?' એના સવાલનો જવાબ આપ્યા વગર જ રાણાએ પૂછ્યું.

'મારું નામ આરતી છે.' રજનીએ જવાબ આપતાં કહ્યું, 'હું વિશાળગઢ ખાતે નારંગ હૉસ્પિટલમાં નોકરી કરું છું. મમતા મૅડમની દેખરેખ રાખવા માટે મને અહીં લાવવામાં આવી હતી.' કહીને એણે નારંગ હોસ્પિટલનું સરનામું પણ જણાવી દીધું. તું ખોટું તો નથી બોલતી ને?'

'ના... તમને મારી વાત પર ભરોસો ન બેસતો હોય તો નારંગ હૉસ્પિટલને જઈને મારે વિશે પૂછી શકો છો.’

“હું માનું છું ત્યાં સુધી આ છોકરી સાચું કહે છે.' દામોદર બોલ્યો. 'તારી માન્યતા સાચી હોઈ શકે છે પણ બૉસની નથી. એટલા માટે જ તો તેમણે આ છોકરીની વાસ્તવિકતાનો પત્તો લગાવવાનું કામ આપણને સોંપ્યું છે.'

'જુઓ...' રજની બોલી, ‘મેં તમને મારે વિશે બધું જ જણાવી દીધું છે. હવે તો મને અહીંથી જવા દો.'

“ના... પહેલાં તો અમે ખાતરી કરીશું. જો તારી વાત સાચી હોય તો તને છોડી મૂકીશું, પણ જો અમને ખબર પડશે કે તું આરતી નહીં, પણ કોઈક બીજી છો તો પછી એ સંજોગોમાં અહીંથી તારી લાશ જ બહાર જશે સમજી ?'

“હું આરતી નહીં, પણ બીજી કોઈક છું એવી શંકા તમારા બોસને કેવી રીતે ઊપજી, એ મને નથી સમજાતું.' રજની બોલી.

‘જો તું આરતી છો અને મમતાની દેખરેખ માટે જ તને રાખવામાં આવી હતી તો પછી મમતાના મોત પછી ઈમારતમાં તારી હાજરીની શું જરૂર છે? તારે તો અત્યાર સુધીમાં પાછા ચાલી જવું જોઈતું હતું અને સાંભળ, અમારા બોસની શંકા ક્યારેય ખોટી નથી પડતી સમજી?'

'અત્યાર સુધી ભલે ન પડી હોય, પણ આ વખતે પડશે. હવે રહી વાત અત્યાર સુધી મારા ઈમારતમાં રહેવાનો. તો આ સવાલનો જવાબ તો ઇન્સ્પેક્ટર વામનરાવ જ આપી શકે તેમ છે.'

'વામનરાવે તને પણ કંઈક તો કહ્યું જ હશે ને?' રાણાએ પૂછ્યું.

'વામનરાવને મારા પર શંકા છે એટલે જ્યાં સુધી ખૂની ન પકડાય, ત્યાં સુધી એણે એ ઈમારત છોડીને ક્યાંય પણ જવાની મને મનાઈ ફરમાવી છે.'

'અમે આંખો મીંચીને તારી વાત પર ભરોસો કરી શકીએ તેમ નથી. અમે પહેલાં તો તું જ આરતી છો કે નહીં, એની ખાતરી કરીશું. અને એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લો. તું આઝાદ થઈને અહીંથી છટકવાનો પ્રયાસ કરીશ નહીં. કદાચ તું અહીંથી છટકીશ તોપણ બહુ દૂર નહીં જઈ શકે. કોઈક અજાણી દિશામાંથી ગોળી છૂટીને તારી ખોપરીના ભુક્કા બોલાવી દેશે.'

‘તમે જે રીતે મને બાંધી છે, એમાં તો હું અહીંથી નાસી જવાની કલ્પના પણ કરી શકું તેમ નથી. કમ સે કમ મારા પગનાં બંધનો તો ખોલી નાંખો. હું ક્યાંય નહીં નાસી જઉં એની ખાતરી રાખો.' રજનીના અવાજમાં વિનંતી અને લાચારીનો મિશ્રિત સૂર હતો.

રાણાના સંકેતથી દામોદરે આગળ વધીને રજનીના પગનાં બંધનો ખોલી નાંખ્યાં.

ત્યારબાદ ફરીથી ધમકી ઉચ્ચારીને તેઓ વિદાય થઈ ગયા. રજની તેમની પાછળ બંધ થઈ ગયેલા દરવાજા સામે જોતી વિચારમાં ડૂબી ગઈ.

પરંતુ પુષ્કળ વિચાર્યા પછી પણ એને મગજમાં ઘોળાતા સવાલના કોઈ જવાબ ન મળ્યા.

છેવટે વિચારવાનું બંધ કરીને એણે પોતાના હાથના બંધનો ખોલવાનો પ્રયાસ શરૂ કર્યો.

આ માટે એને પોતાના નખની નીચે છૂપાવેલી બ્લેડ ખૂબ જ ઉપયોગી નીવડી.

હાથના પંજાને વાળીને એ ધીમે ધીમે બ્લેડને દોરી સાથે ઘસવા લાગી. અડધો કલાક પછી એની મહેનત સફળ થઈ.

બ્લેડની તીક્ષ્ણ ધાર વડે દોરી કપાઈ ગઈ. અલબત્ત, ક્યારેક બ્લેડ આડી- અવળી થતાં એના હાથમાં પણ થોડી ઈજા પહોંચી હતી, પરંતુ એ ઈજા તેને માટે સાવ મામૂલી હતી.

રાણા અને દામોદર ફરીથી અહીં આવશે, એની તેને ખાતરી હતી એટલે ધબકતા હૃદયે તેમના આવવાની રાહ જોવા લાગી. રૂમમાં ફર્નિચરના નામ પર ફક્ત લોખંડના પાઈપવાળી એક ફોલ્ડિંગ ખુરશી સિવાય બીજું કશું જ નહોતું.

સહસા એના કાને મોટર-સાઈકલના એન્જિનનો અવાજ અથડાયો. અવાજ ધીમે ધીમે નજીક આવીને બંધ થઈ ગયો.

ત્યારબાદ શાંત વાતાવરણમાં કોઈકનાં પગલાંનો અવાજ ગુંજી ઊઠયો. રજની ખુરશી ઊંચકીને દરવાજાની બાજુમાં દીવાલ સરસી ઊભી રહી ગઈ.

થોડી પળો બાદ દરવાજાના પટને ધકેલીને જે શખ્સ અંદર પ્રવેશ્યો, તે દામોદર હતો.

એણે રૂમમાં આમતેમ નજર દોડાવી. પછી રજનીને ન જોતાં એની આંખોમાં દુનિયાભરનું અચરજ ઊતરી આવ્યું. બરાબર એ જ પળે પાછળથી ખુરશીનો પ્રહાર એના માથા પર ઝીંકાયો. દામોદરના મોંમાંથી દબાતી-ઘૂંટાતી ચીસ નીકળી ગઈ. એ ધડામ કરતો જમીન પર ઊથલી પડયો.

એના હાથમાંથી રિવૉલ્વર છટકીને દૂર જઈ પડી. રજનીએ સ્ફૂર્તિથી આગળ વધીને રિવોલ્વર ઊંચકી લીધી અને પછી દામોદર સામે જોયું. દામોદરનું માથું ફાટી ગયું હતું અને તેમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ અણધાર્યા હુમલાથી તે એકદમ હેબતાઈ ગયો હતો.

'ચાલ, ઊભો થા.' રજનીએ એની સામે રિવૉલ્વરની નળી લહેરાવતાં કઠોર અવાજે કહ્યું.

દામોદર માંડ માંડ ઊભો થયો.

'સાંભળ...' રજની ફરીથી બોલી, ‘મેં જે રીતે રિવૉલ્વર પકડી છે, એનાં પરથી જ તને ખબર પડી ગઈ હોવી જોઈએ કે મને તેનો ઉપયોગ કરતાં પણ આવડે છે.'

‘રિવૉલ્વર મને આપી દે, નહીં તો એનું પરિણામ ખૂબ જ ભયંકર આવશે.' દામોદરે કઠોર અવાજે કહ્યું.

'પહેલાં મારી વાતનો જવાબ આપ કે અત્યારે આ મકાનમાં કુલ કેટલા માણસો છે ?'

'મારા સિવાય બીજું કોઈ નથી.’

‘તમે લોકો કોણ છો અને શા માટે મારું અપહરણ કર્યું છે?'

'મને ખબર નથી.'

'લેક્ચર બંધ કરીને મારા સવાલોના જવાબ આપ.' રજની હિંસક અવાજે બોલી.

‘અમે લોકો તો માત્ર પૈસા માટે કામ કરીએ છીએ. તારા સવાલોના જવાબ તો રૂસ્તમ જ આપી શકે તેમ છે.'

'કેમ ? રૂસ્તમ શા માટે?' રજનીએ પૂછ્યું.

રૂસ્તમનો ઉલ્લેખ તે વામનરાવના મોંએથી સાંભળી ચૂકી હતી.

'એટલા માટે કે રૂસ્તમના માધ્યમથી જ અમને આદેશ મળે છે.' દામોદર ધીમેથી બોલ્યો, 'અમને પૈસા પણ એ જ આપે છે.'

‘બૉસ કોણ છે, એની રૂસ્તમને ખબર છે ?'

'કદાચ ખબર હશે.'

‘ તમે લોકો શું કામ કરો છો?'

‘માલને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું.'

'કેવો માલ ?'

'એની તો મને ખબર નથી. અમને સામાન પેક કરેલો આપવામાં આવે છે અને કોઈ પેકિંગ ખોલીને નથી જોઈ શકતું.'

‘તમારો બૉસ કોણ છો, એ જાણવાનો પ્રયાસ તમે નથી કર્યો?'

'ના... અમારે કરવો નથી. અગાઉ એક જણે રૂસ્તમનો પીછો કરીને બૉસ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. એ બૉસ સુધી તો ન પહોંચી શક્યો પણ ઈશ્વરના દરબારમાં જરૂર પહોંચી ગયો.’

'રૂસ્તમ ક્યાં કામ કરે છે?'

'દારૂના એક અડ્ડામાં...'

'એનો અડ્ડો ક્યાં છે ?'

'ખબર નથી !'

'સાચુ બોલ...!'

‘હું સાચું જ કહું છું. અમે રૂસ્તમને નથી મળી શકતા.' અમારું કામ હોય ત્યારે રૂસ્તમ પોતે જ અમને ગમે ત્યાંથી શોધી લે છે.'

‘તમે લોકોએ મારે વિશે પૂછપરછ કરી હતી?'

‘શું જાણવા મળ્યું તમને?'

'એ જ કે તારું નામ આરતી છે. તું નારંગ હૉસ્પિટલમાં નોકરી કરે છે તથા તને મમતાની દેખરેખ માટે રાખવામાં આવી હતી.' દામોદરે કહ્યું, 'અને આ માહિતી જ્યારે રૂસ્તમના માધ્યમથી બૉસ પાસે પહોંચી એટલે બૉસે તને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. અલબત્ત, તને કઈ ઇમારતમાં કેદ કરવામાં આવી હતી, એ તું ન જાણી શકે એ રીતે તને મુક્ત કરવાની હતી, પરંતુ તારી આ હરકત પરથી તું જે દેખાય છે, એ વાસ્તવમાં નથી લાગતી.’

'તારી વાત સાચી છે. હવે તું દીવાલ સામો મોં ફેરવીને ઊભો રહે અને તારા હાથ પણ ઊંચા કર.' રજનીના અવાજમાં આદેશનો સૂર હતો. દામોદર બંને હાથ ઊંચા કરી, રજની તરફ પીઠ ફેરવીને ઊભો રહી ગયો.

રજની ધીમે ધીમે પાછળ ખસવા લાગી.

એ દરવાજામાંથી બહાર નીકળવા જતી હતી ત્યાં જ અચાનક એક રિવૉલ્વરની નળી તેની પીઠને સ્પર્શવા લાગી સાથે જ એક કઠોર અને ચેતવણીસભર અવાજ એને સંભળાયો, ‘બહુ થયું હવે... અંદર પાછી ચાલ. અને એ પહેલાં તારી રિવૉલ્વર ફેંકી દો.'

આ અવાજ રાણાનો હતો.

પોતે આ ઇમારતમાં અત્યારે એકલો જ છે એવું જૂઠાણું દામોદરે ચલાવ્યું હતું, એ વાત રજની તરત જ સમજી ગઈ. પરંતુ હવે કશું જ થઈ શકે તેમ નહોતું.

એણે રિવૉલ્વર જમીન પર ફેંકી. જે દામોદરે આગળ વધીને ઊંચકી લીધી.

ત્યારબાદ એણે ગજવામાંથી રૂમાલ કાઢીને માથામાંથી વહેતું લોહી સાફ કર્યું. એનો ચહેરો કઠોર થઈ ગયો હતો. જડબા ગુસ્સાથી ભીંસાઈ ગયા હતા. અને આંખોમાં લોહી ઊતરી આવ્યું હતું. 'રાણા... !! એણે કહ્યું, 'તું દરવાજા પાસે જ રહેજે જેથી આ ચૂડેલ ભાગી ન શકે. હું એની અક્કલ ઠેકાણે લાવું છું.’ રાણાએ રજનીને દામોદર તરફ ધકેલી. દામોદરે રિવૉલ્વર ગજવામાં મૂકી અને પછી રજનીનો એક હાથ પકડીને તેના ગાલ પર સણસણતો તમાચો ઝીંકી દીધો.

‘તો તારું નામ આરતી છે એમ ને?' એણે કર્કશ અવાજે પૂછ્યું.

વળતી જ પળે દામોદરે એના બીજા ગાલ પર પણ તમાચો ઝીંક્યો.

‘તું નારંગ હોસ્પિટલમાં નોકરી કરે છે ખરું ને ?'

'હા...' રજની પીડા પચાવીને મક્કમ અવાજે બોલી.

'બકવાસ બંધ કર તારો.' દામોદરે એના હાથને પીઠ પાછળ વાળીને મરડતા ક્રૂર અવાજે કહ્યું, 'તારું નામ બીજું ગમે તે હશે પણ આરતી તો નથી જ. અમે તપાસ કરી લીધી છે. જોકે આરતી નામની એક નર્સ નારંગ હૉસ્પિટલમાં જરૂર નોકરી કરે છે, પરંતુ તે લાંબા સમયથી રજા પર છે. ઉપરાંત એ આરતીનો ફોટો પણ અમે જોઈ ચૂક્યા છીએ. એટલે તું કમ સે કમ નારંગ હોસ્પિટલવાળી આરતી તો નથી જ એની અમને ખાતરી થઈ ગઈ છે.'

દામોદરની વાત સાંભળીને રજની એકદમ ચમકી ગઈ. અલબત્ત, પોતે સી.આઈ.ડી. ની એજન્ટ છે, તેની આ લોકોને હજુ સુધી ખબર નથી પડી, એ જાણીને એણે મનોમન થોડી રાહત અનુભવી.

‘બોલ કોણ છો તું?'

પરંતુ રજનીએ કંઈ જવાબ ન આપ્યો.

ત્યારબાદ તેને ખુરશી સાથે બાંધીને ટોર્ચર કરવામાં આવી. છેવટે માર ખાઈ ખાઈને તે બેભાન થઈ ગઈ એટલે બંને એને એ જ હાલતમાંથી પડતી મૂકીને રૂમમાંથી બહાર નીકળી ગયા.

******************

વામનરાવ અત્યારે પ્રોફેસર વિનાયકની સામે બેઠો હતો.

“કેમ છો પ્રોફેસર સાહેબ ?'

'પત્ની વગર માણસની જિંદગીનો કોઈ અર્થ નથી ઇન્સ્પેક્ટર સાહેબ.' વિનાયક પીડાભર્યું સ્મિત ફરકાવતાં બોલ્યો, 'અત્યારથી જ હું મમતાની આટલી કમી અનુભવું છું, તો તેના વગર આખી જિંદગી કેવી રીતે વિતાવી શકીશ ?’

'સમયરૂપી મલમ ગમે તેવા ઝખમોને રુઝાવી નાંખે છે પ્રોફેસર સાહેબ !'

'બરાબર છે, પણ તેમ છતાંય એ જખમનાં નિશાન તો રહી જ જાય છે.' આટલું કહ્યા બાદ અચાનક કંઈક યાદ આવ્યું હોય, એમ વિનાયકે પૂછ્યું, 'અરે હા, કાલે અચાનક તમે આરતીને શા માટે બોલાવી હતી? શું એ હવે અહીં પાછી નહીં આવે ?'

'આ તમે શું કહો છો પ્રોફેસર સાહેબ?' વામનરાવે ચમકીને પૂછ્યું,

‘મેં કંઈ એને નથી બોલાવી. મારે એને બોલાવવાની જરૂર પણ શું હતી?’

હવે ચમકવાનો વારો પ્રોફેસર વિનાયકનો હતો. એણે ગઈકાલે સાંજે સબ. ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર દીક્ષિત આવીને રજનીને લઈ ગયો હોવાની વાત વામનરાવને જણાવી દીધી.

'પ્રોફેસર સાહેબ, આનો અર્થ એવો થયો કે આરતીનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેનો જીવ જોખમમાં છે.'

વળતી જ પળે વામનરાવ પોતાનો મોબાઇલ કાઢીને નાગપાલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવા લાગ્યો.