Andhari Aalam - 16 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | અંધારી આલમ - ભાગ 16

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

અંધારી આલમ - ભાગ 16

૧૬ : વિસ્ફોટ... !

નાગરાજનની ક્રોધથી સળગતી નજર જોસેફના ચહેરા પર મંડાયેલી હતી. એની સામે અર્ધચંદ્રાકાર ટેબલ પર દેવરાજે ગોલ્ડન ક્લબના કેશિયરને આપેલું કવર પડયું હતું.

કવરમાં એક પત્ર હતો. એમાં લખ્યું હતું.

અંધારી આલમના બેતાજ બાદશાહ નાગરાજન,

તમે લોકોએ મારા પિતા સમાન કાકા મોહનલાલનું ખૂન કર્યું છે, તેના વળતર રૂપે હું તમને આ પહેલો ઝાટકો આપું છું. ટૂંક સમયમાં જ બીજો ઝાટકો આપીશ અને તે આના કરતાં વધુ ભયંકર હશે.

લી. મોહિની.

નાગરાજન અત્યાર સુધીમાં ત્રણ વખત આ ચૂક્યો હતો.

'એ લોકો આપણને ટ્રેઈલર બતાવીને ગયા છે જોસેફ ..' નાગરાજન ધૂંધવાતા અવાજે બોલ્યો.

જોસેફ ચૂપ રહ્યો. “તારા મોંમાં મગ ભર્યા છે કે શું જોસેફ ? તું ચૂપ શા માટે છે..? આ પત્ર વાંચ્યો તેં..? એ કમબખ્તોને ગમે ત્યાંથી શોધી કાઢ જોસેફ... નહીં તો તેઓ આપણને બરબાદ કરી નાખશે.”

'સર... તેઓ જરૂર બીજી વાર ગોલ્ડન કલબ પર હુમલો કરશે!' જોસેફે કહ્યું, 'આ વખતે તેઓ કલબના પહેલાં અથવા તો એનાથી યે ઉપર પહોંચવાનો પ્રયાસ કરશે ! અને આ પ્રયાસ તેમની જિંદગીનો છેલ્લો પ્રયાસ હશે ! ભવિષ્યમાં ત્રીજો હુમલો કરવા માટે તેઓ જીવતાં નહીં રહે.”

'તેઓ બીજી વાર હુમલો કરશે એવું તું કયા આધારે કહે છે !'

'સર...આજે તો તેઓ માત્ર લડાઈની શરૂઆત કરવા માટે જ આવ્યા હતા. તેઓ ધારત તો કલબની ઈમારત તૂટી પડે એવા બોંબ પણ ફીટ કરી શકે તેમ હતા. પરંતુ તેમણે એવું કશું જ નથી કર્યું. આના પરથી જ કહું છું કે તેઓ જરૂર બીજી વખત હુમલો કરશે.’

'માત્ર વાતો કરવાથી જ તેઓ તારા કબજામાં નથી આવી જવાના ! તું હાથ-પગ અને બુદ્ધિનો ઉપયોગ કર ! ગમેતેમ કરીને એ કમજાતોને પકડ! જોઈએ તો સિન્ડિકેટની આખી ફોજ લઈ જા...પરંતુ તેઓને મારી પાસે હાજર કર ! વારૂ, પોલીસ તપાસ કરવા માટે આવી હતી, એની પાસે તેં શું ખુલાસો કર્યો છે!'

'કંઈ જ નહીં... મેં એક પેટી (એક લાખ રૂપિયા) આપી તપાસ કરવા માટે આવેલા ઇન્સ્પેકટરનું મોં બંધ કરી દીધું છે. ધડાકાઓ ગેસનો બાટલો ફાટ્યો હોવાને કારણે થયો હતો, એવું નોંધાવી દીધું છે.”

'વેરી ગુડ...!'

સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. નાગરાજનના સંકેતથી રીટાએ આગળ વધીને રિસીવર ઊંચક્યું.

ત્યારબાદ તે એકાદ મિનિટ સુધી સામે છેડેથી કહેવાતી વાતો સાંભળતી રહી. પછી માઉથપીસ પર હાથ મૂકીને નાગરાજન સામે જોઈ બોલી, 'સર, એનો જ ફોન છે.'

'કોનો...?”. : મોહિનીનો ! ’

'લાવ...મને રિસીવર આપ... હું તેની સાથે વાત કરું છું...!' રીટાએ ચૂપચાપ તેના હાથમાં રિસીવર મૂકી દીધું.

‘હલ્લો...કોણ બોલે છે...?'

'તારી સલાહકાર રીટાએ મારું નામ તને નથી જણાવ્યું નાગરાજન? ’ સામે છેડેથી મોહિનીનો કટાક્ષથી ભરપુર અવાજ તેને સંભળાયો, ' કે પછી તે કાનોમાં પૂમડાં ભરાવી રાખ્યાં છે ? હું મોહિની બોલું છું કમજાત...!'

'તું…તું મને ગાળ આપે છે...?' નાગરાજન ક્રોધથી તમતમતા અવાજે બોલ્યો.

'હા...એક વાર નહીં હજાર વાર ગાળ આપું છું...!'

'છોકરી…..તને તારા મોતનો ભય નથી લાગતો ?'

'ના...પણ તને જરૂર લાગે છે…! તારું મોત મારા હાથેથી લખાયેલું છે શયતાન...'

'તું……તું મને મારીશ...? તારી હેસિયત કીડી જેટલી છે ને તું તે મારા જેવા હાથીને મારવાની વાત કરે છે ?' નાગરાજને ઉપેક્ષાભર્યા અવાજે કહ્યું.

'હા...ક્યારેક કીડી પણ હાથી માટે ભારે પડી જાય છે ! અને ? તારી જાતને ભલે હાથી માનતો હો પરંતુ મારી નજરે તારું મહત્ત્વ ગંદી ગટરના કીડાથી વધુ નથી સમજ્યો...?'

'તે.. તે મને કીડો કહ્યો...?' નાગરાજનો ચહેરો કારમા રોષથી લાલઘુમ થઈ ગયો..

'હા, અને જ્યાં સુધી મારામાં બોલવાની તાકાત હશે‌ ત્યાં સુધી કહેતી રહીશ...! થાકી જઈશ ત્યારે તારા જેવા પાગલ કૂતરાંને ગોળી ઝીંકી દઈશ."

'તું મને ગોળી ઝીંકીશ...? ’ નાગરાજનનો અવાજ ક્રોધના અતિરેકથી કંપતો હતો.

'હા...કાનમાં પૂમડાં ભરાવ્યાં હોય તો કાઢી નાખ...!'

‘તું શું મને ગોળી ઝીંકવાની હતી ? ગોળી તો અમે તારા બાપ મોહનલાલને ઝીંકી હતી ! આ વાત તું ભૂલી ગઈ?'

'ના... નથી ભૂલી કમજાત..!' સામે છેડેથી બરછીની ધાર જેવો તીખો અવાજ નાગરાજનના કાનમાં પીગળેલા સીસાની જેમ ઊતરી ગયો, “જો મારે એ વાતને ભૂલવી હોત તો ક્યારનીયે મેં આ શહેરને છેલ્લી સલામ ભરી દીધી હોત ! મારા બાપ પર તારા પાળેલાં કૂતરાઓએ જે ગોળી છોડી હતી, એ ગોળીઓનો જવાબ આપવા એ માટે જ હું અહીં રોકાઈ છું.”

‘તું..તું અંગૂઠા જેવડી છોકરી એ ગોળીઓનો જવાબ આપીશ ? '

‘હા...એ ગોળીઓનો જવાબ તને બારૂદથી મળશે...બોંબના ધડાકાથી મળશે...!’ સામે છેડેથી એક એક શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો, “કાલે તારી સિન્ડિકેટની ગોલ્ડન કલબમાં જે બોંબ ફૂટ્યા હતા, એના બારૂદની ગંધ તારા નાકમાંથી નીકળી ગઈ ? નાગરાજન એ તો હજુ મારા જવાબની શરૂઆત હતી ! સાંભળ...આવો જ બારૂદ હું તારી જિંદગીની આજુબાજુમાં એવી રીતે પાથરી દઇશ કે તું જ્યાં જઈશ, ત્યાં તને ધડાકાઓ સિવાય બીજું કશું જ નહીં મળે. સાંભળ...! તારી હાલત તો હું બદ કરતાં ય બદત્તર કરીશ.'

‘છોકરી ગાજ્યા મેઘ વરસતા નથી...! તું પણ ગાજે છે.. તારામાં હિંમત હોય તો કંઈક કરી બતાવ !'

'એમ?'

'હા..'

'તો તૈયાર રહેજે ! ગાજ્યા મેઘ વરસવાની તૈયારીમાં જ છે ! આ વખતે જે કંઈ થશે, તે ગઈ કાલ કરતાં વધુ ભયંકર થશે ! ત્યારે મે તારા માણસોના જીવ નહોતા લીધા. પરંતુ હવે જરૂર લેવાશે અને તારા માલ-મિલકતને પણ નુકસાન પહોંચાડીશ. બસ, આટલું કહેવા માટે જ મેં ફોન કર્યો છે. જેથી કરીને તને એવું ન થાય કે મેં પીઠ પાછળથી ઘા કર્યો છે. હું જે કંઈ કહું છું-કરું છું, તે ડંકાની ચોટ પર કરું છું.' નાગરાજને ક્રોધભેર જોરથી રિસીવરને ક્રેડલ તરફ ફેંક્યું પણ તે છળીને બીજી તરફ જઈ પડયું.

‘જોસેફ...!' એ જોસેફને ઉદ્દેશીને કાળઝાળ અવાજે બોલ્યો, 'સાંભળ્યું તેં...? એ કમજાતે મને હજાર વખત ગાળ આપી! આજે એ ફોન પર હતી. એટલે હું તેનું કંઈ જ ન બગાડી શક્યો...! એ કમજાતને કોઈ પણ ભોગે મારી પાસે હાજર કર જોસેફ! જ્યાં સુધી હું મારા આ અપમાનનો બદલો નહીં લઉં, ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે!'

જોસેફ કંઈ ન બોલ્યો.

'એણે ફરીથી હુમલો કરવાની ધમકી આપી છે જોસેફ...! તે વ્યવસ્થા કરી રાખી છે ને ?'

'હા...સર...!' જોસેફ મક્કમ અવાજે બોલ્યો, ‘એના સ્વાગતની તૈયારી થઈ ગઈ છે. આ વખતે તે ક્લબમાં પગ મૂકે એટલી જ વાર છે. ત્યાંથી પછી એની લાશ જ બહાર જશે.’

'વેરી ગુડ...રહેમાન પણ તારી સાથે રહેશે...! એક કરતાં બે ભલા….! તમે બંને જલદીથી મને શુભ સમાચાર આપે...”

' જરૂર...'

'સર....!' સહસા રહેમાન ઊભો થઈને બોલ્યો, ‘જોસેફને પણ સાવચેત રહેવાની જરૂર છે.'

'શા માટે...?'

'તેઓ એના પર પણ હુમલો કરી શકે તેમ છે.' ‘ના...’ નાગરાજનને બદલે જોસેફે જવાબ આપ્યો, ‘તેઓ મારા પર હુમલો નહીં કરે ! '

‘કેમ...?’ નાગરાજને પૂછયું.

બાકીનાઓ પણ પ્રશ્નાર્થ નજરે જોસેફ સામે તાકી રહ્યાં હતાં. 'સર...અત્યારે એ લોકોનું સમગ્ર ધ્યાન ગોલ્ડન કલબ તરફ જ કેન્દ્રિત થયેલું છે. તેઓ કલબ મારફત આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. હું ગમેતેમ તોયે સિન્ડિકેટનો સભ્ય છું...!. મારી સાથે સિન્ડિકેટની તાકાત છે... ! હું કંઈ ભાજી-મૂળો નથી કે તેઓ મને કાપીને ફેંકી દેશે! એ લોકોનો સામનો કરવા માટે હું બધી રીતે તૈયાર છું. મારા ગજવામાં ચોવીસેય કલાક રિવોલ્વર પડી રહે છે ! આ ઉપરાંત સિન્ડિકેટ તરફથી મને જે કાર મળી છે, તે પણ બુલેટપ્રુફ છે. મારી સાથે કાયમ બે અંગરક્ષકો રહે છે! રહેમાન...!” જોસેફે રહેમાન સામે જોયું, 'તારે મારી સલામતીની ફિકર કરવાની જરૂર નથી. તું કલબ પર જ ધ્યાન આપ! જો તેઓ બીજી વાર કલબ પર હુમલો કરવામાં સફળ થઈ જશે તો પછી સિન્ડિકેટની આબરૂ પર પાણી ફરી વળશે. આજે રાત્રે સાડા આઠ વાગ્યે ગોદામમાંથી, ક્લબમાં માલ પહોંચાડવાનો છે, એટલે હું કદાચ ત્યાં નહીં આવી શકું! કલબનું બધું કામ તારે જ સંભળાવું પડશે. તું હમણા જ ત્યાં પહોંચી જા.'

રહેમાને નાગરાજન સામે જોયું. નાગરાજને ધીમેથી હકારમાં માથું હલાવ્યું. રહેમાન વિદાય થઈ ગયો.

'જોસેફ...તું માલ ક્યા ગોદામમાંથી લાવવાનો છો ?’ રહેમાનના ગયા પછી નાગરાજને પૂછ્યું .

'દરિયા કિનારાવાળા ગોદામમાંથી...!'

'એટલે કે સુંદરનગર કોલોનીવાળા ત્રણ નંબરના બંગલામાંથી?'

'હા..'

'ઠીક છે...' નાગરાજને ધીમેથી માથું હલાવ્યું. પછી અચાનક ધ્યાન ગયું હોય એમ એણે ટેલિફોન સામે જોયું. અરે...આ ક્રેડલ બહાર કેવી રીતે રહી ગયું ?'

'સર… તમે જ તો મોહિનીની વાત સાંભળીને રિસીવરનો ઘા કર્યો હતો.'

'ઓહ...' કહીને નાગરાજને રિસીવરને યથા સ્થાને મૂકી દીધું.

દેવરાજના નિવાસસ્થાનના ડ્રોઈંગરૂમમાં અત્યારે દેવરાજ, અજીત, કમલ જોશી અને માઈકલ બેઠા હતા.

'રાત્રે હું તમને જણાવી ચૂક્યો છું, તેમ ગોલ્ડન ક્લબને નાબૂદ કરવાની યોજના મેં બનાવી લીધી છે. અલબત્ત, રાત્રે બહુ વિચાર કર્યા બાદ છેવટે હું એવા નિર્ણય પર આવ્યો છું કે ક્લબમાં હુમલો કરવા માટે આપણે તેમાં પગ પણ મૂકવાની જરૂર નથી. આપણે આપણું કામ બહારથી પણ કરી શકીએ તેમ છીએ.’ દેવરાજે ગંભીર અવાજે કહ્યું.

એની વાત સાંભળીને ત્રણેયના ચહેરા પર આશ્ચર્યના હાવભાવ છવાઈ ગયા.

'કેવી રીતે? ' કમલે અચરજભર્યા અવાજે પૂછ્યું, 'કઈ રીતે આમ બની શકે ? '

'જરૂર બની શકે તેમ છે કમલ !' દેવરાજે જવાબ આપ્યો, 'માઈકલના કહેવા પ્રમાણે ક્લબમાં માદક પદાર્થોનો જે જથ્થો છે, તે બહારથી જ લાવવામાં આવે છે ખરું ને ? '

"હા...' માઈકલે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું.

'તો હવે પછી કલબમાં માદક પદાર્થોનો જથ્થો કયારે અને ક્યાંથી પહોંચવાનો છે, એની તપાસ આપણે કરવાની છે.?'

'પરંતુ એનાથી શું વળશે?’

'એ હું, આ વાત જાણવા મળ્યા પછી કહીશ.'

'મિસ્ટર દેવરાજ, આ વાતનો પત્તો લગાવવાનું કામ સહેલું નથી.’ માઈકલ બોલ્યો.

'સહેલું નથી...તેમ અશક્ય પણ નથી. મોહિની આ કામ સહેલાઈથી કરી શકશે એમ હું માનું છું.”

‘કેવી રીતે ?”

“એ કલબના કોઈ ૫ણ માણસને પોતાના મોહપાશમાં ફસાવીને તે આ વાત જાણી શકે તેમ છે.’

'ઓહ...આ વાત પ્રત્યે તો અમારું ધ્યાન જ ન ગયું !!!' અજીત ભોંઠપ અનુભવતાં બોલ્યો. “પરંતુ મોહિની હજુ સુધી ફોન કરીને કેમ ન આવી ? '

'ભાઈ અજીત...' કમલે મજાકભર્યા અવાજે કહ્યું, ‘મોહિની કોઈ મામૂલી માણસ સાથે નહીં, પણ અંધારી આલમના બાદશાહ ગણાતા નાગરાજન સાથે વાત કરવા માટે ગઈ છે.’

સહસા બારણા પર ટકોરા પડયા.

‘મોહિની જ લાગે છે!' દેવરાજ બબડ્યો.

કમલે ઊભા થઈને બારણું ઉઘાડયું. દેવરાજનું અનુમાન સાચું હતું. બહાર મોહિની જ ઊભી હતી.

બારણું ઉઘડતાં જ એ વંટોળીયાની જેમ અંદર પ્રવેશી. એનો ચહેરો હજાર વોલ્ટના બલ્બની જેમ ચમકતો હતો. એ સોફા પર બેસી ગઈ.

દેવરાજે તેને પોતાની યોજનામાં કરેલા ફેરફાર વિશે જણાવ્યુ. 'જો તું કલબના કોઈક કર્મચારીને ફસાવે તો જ આપણને જાણવા મળી શકે તેમ છે.’

"મિસ્ટર દેવરાજ, ગોલ્ડન ક્લબમાં હવે ક્યારે ને ક્યાંથી માદક પદાર્થોનો જથ્થો પહોંચવાનો છે, એટલું જ માત્ર તમારે જાણવું છે ને?'

'તો સાંભળો આ જથ્થો આજે રાત્રે સાડા આઠ વાગ્યે દરિયા કિનારે આવેલી સુંદરનગર કોલોનીના ત્રણ નંબરમાં બંગલામાંથી રવાના થવાનો છે.’

'શું...?' દેવરાજે નર્યા-નિતર્યા અચરજથી મોહિની સામે તાકી રહેતાં પૂછ્યું, 'પણ આ વાતની તને કેવી રીતે ખબર પડી ?' ‘જોગાનુજોગ જ!’

'એટલે...?'

'સાંભળો...નાગરાજન સાથે વાત કર્યા પછી હું રિસીવર મૂકવા જતી હતી, ત્યાં જ મને ફરીથી તેનો અવાજ સંભળાયો. કદાચ રિસીવરનો ઘા કર્યો હશે પરિણામે તે ક્રેડલ પર નહીં, ટેલિફોનના ઈન્સ્ટ્રુમેન્ટની બાજુમાં ટેબલ પર પડયું હશે. મેં ફોન નહોતો કાપ્યો એટલે મને તેમની વચ્ચે થતી વાત સંભળાતી હતી. કલબની સલામતી માટે એણે રહેમાનને પણ કામે લગાડ્યો. ત્યારબાદ તેમની વાતચીત દરમિયાન જ આજે રાતે સુંદરનગર કોલોનીના ત્રણ નંબરના બંગલામાંથી માદક પદાર્થોનો જથ્થો કલબમાં પહોંચાડવાનો ઉલ્લેખ થયો હતો.’

'આપણા નસીબ ખરેખર જોર કરે છે મોહિની ! તારી આ માહિતીથી મોટી મુશ્કેલીનો અંત આવી ગયો છે.' કહીને દેવરાજે ઘડિયાળમાં સમય જોયો, સાંજના પાંચ વાગ્યા હતા. ત્યારબાદ એણે માઈકલ સામે જોતાં કહ્યું, ‘માઈકલ, તું તાબડતોબ બોટની વ્યવસ્થા કર ! આપણે આજે જ યોજનાને અંજામ આપીશું...!'

માઈકલે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

*******

માઈકલે બોટનું એન્જિન બંધ કરી દીધું.

‘શું થયું ?' બોટમાં બેઠેલા દેવરાજે ચમકીને પૂછયું. કમલ જોશી પણ તેની બાજુમાં બેઠો હતો. 'કિનારો સામે જ છે મિસ્ટર દેવરાજ ! માદક પદાર્થોની પેટીઓ ત્યાં બનેલી જેટી પરથી જ મોટરબોટમાં ચડાવવામા આવશે. જુઓ. ત્યાં મોટરબોટ ઊભી જ છે!' માઈકલના ઇશારા પર બંનેએ એ તરફ જોયું તો જેટી પાસે એક મોટરબોટ ઊભી હતી.

પરંતુ અત્યારે જેટી કે મોટરબોટ પર કોઈ જાતની હિલચાલ નહોતી દેખાતી.

અર્થાત્ મોટરબોટમાં માદક પદાર્થોની પેટી પહોંચાડવા માટે હજુ વાર હતી.

દેવરાજે કાંડા ઘડિયાળમાં સમય જોયો, સાંજના સાડા સાત વાગ્યા હતા. સૂરજ પશ્ચિમ દિશામાં ઢળી ગયો હતો અને થોડી વારમાં જ અંધકાર છવાઈ જવાનો હતો. જેટીની બીજી તરફ દૂર એક વિશાળ બંગલો દેખાતો હતો.

'મિસ્ટર દેવરાજ... ત્રણ નંબરનો બંગલો એ જ છે!'

'ઓહ... તો માદક પદાર્થોનો સ્ટોક હજુ એ બંગલામાં હશે ખરું ને?'

'હા..'

'તો તો પછી આપણે જે કામ માટે અહીં આવ્યા છીએ એ કામ બંગલામાં દાખલ થઈને પણ કરી શકીએ તેમ છીએ.' વાત પૂરી કરીને દેવરાજે કમલ જોશી સામે જોયું. અહીં રોકાઈને રાહ જોવા કરતાં તો આપણે બંગલામાં પ્રવેશવાનો પ્રયાસ કરીએ એ જ વધુ યોગ્ય રહેશે.”

'માઈકલ...તું બોટને આગળ ધપાવ અને એક લાંબું ચક્કર મારીને અમને કિનારે ઊતારી દે.'

માઈકલે બોટને આગળ ધપાવી, એક લાંબું ચક્કર મારીને બોટ કિનારા પાસે ઊભી રાખી દીધી. અલબત્ત, આ વખતે એણે એન્જિન બંધ નહોતું કર્યું.

દેવરાજ અને કમલ જોશી પાણીમાં ઊતરીને તરતાં તરતાં કિનારા પર પહોંચી ગયા.

દેવરાજે બરાબર અડધા કલાક પછી માઈકલને ફરીથી આવવાની સૂચના આપી દીધી હતી.

માઈકલ બોટ લઈને ચાલ્યો ગયો હતો. દેવરાજે જ તેને જવાનું કહ્યું હતું. બંગલામાં મોઝુદ કોઈ માણસની નજરે ચડે અને તેને શંકા ઉપજે એમ તે નહોતો ઇચ્છતો.

થોડી વારમાં જ એ બંને કિનારે પહોંચી ગયા. બંને એકદમ પલળી ગયા હતા. તેઓ નાળીયેરના વૃક્ષોના ઝૂંડમાં લપાતા-છૂપાતા બંગલાના પાછળના ભાગ તરફ આગળ વધ્યા.

'મિસ્ટર દેવરાજ !' કમલના અવાજમાં ચિંતાનો સૂર હતો, ટાઈમબોંબ પલળી તો નથી ગયાને ?

'તું બેફિકર રહે.. ! મેં એને પોલીથીનની બેગમાં મૂકલો છે.' દેવરાજે જવાબ આપ્યો.

દેવરાજનો ખુલાસો સાંભળીને કમલના ચહેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયા. બંને બંગલાની પાછળની દીવાલ પાસે પહોંચ્યા. દીવાલ લગભગ સાતેક ફૂટ ઊંચી હતી.

'કમલ હું અંદર જઉં છું ! હું આવું ત્યાં સુધી તું અહીં જ ઊભો રહેજે.'

‘પરંતુ તમે એકલા...'

'તારે ગભરાવાની જરૂર નથી. હું મારું કામ બરાબર જ કરીશ.' દેવરાજ વચ્ચેથી જ એની વાતને કાપીને બોલ્યો.

'આપણે સાથે જઈશું તો બંને મુશ્કેલીમાં મૂકાઈ જશું. એકે તો બહાર રહેવું જ પડશે.’

'ઠીક છે... તમને યોગ્ય લાગે તેમ કરો !'

દેવરાજ એક જ કુદકે દીવાલ પર ચડીને બીજી તરફ ઊતરી ગયો.

બંગલાના પાછળના ભાગમાં કોઈ જ નહોતું. બહારની જેમ બંગલાના કંપાઉન્ડમાં પણ નાળિયેરીના વૃક્ષો હતાં. વૃક્ષોની આડ લઈને તે ઈમારત પાસે પહોંચ્યો.

હજુ સુધી તેને બંગલામાં કોઈ જાતનો સળવળાટ નહોતો દેખાતો. મોહિનીએ આપેલી બાતમી ખોટી તો નહીં હોય ને ! એવો વિચાર પણ તેને આવ્યો.

કંઈક વિચારીને તે એક બારી પાસે પહોંચ્યો. જોગાનુજોગ બારી ઉઘાડી હતી અને તેમાં ગ્રીલ ફીટ કરેલી નહોતી.

એ બારીના ઉંબર પર ચડીને બીજી તરફ ઊતરી ગયો. એક નાનકડો રૂમ હતો. એ આગળ વધી, રૂમનું બારણું ઉઘાડી બહાર નીકળ્યો. તે એક લાંબી લોબી હતી અને ત્યાં એક જ હરોળમાં દસ રૂમ હતા. એ દબાતે પગલે જરા પણ અવાજ ન થાય તેની સાવચેતી રાખતો આગળ વધ્યો.

બીજા રૂમ પાસે પહોંચતાં જ તેના પગ થંભી ગયા. રૂમનું બારણું બંધ હતું અને અંદરથી કોઈકની વાતચીત કરવાનો અવાજ તેને સંભળાયો. એણે બારણાની બાજુમાં આવેલી બારીની તિરાડમાંથી રૂમમાં નજર કરી. અંદર સાત-આઠ માણસો બીયરના ઘૂંટડા ભરતાં પત્તાં રમતા હતા.

'હવે રમવાનું બંધ કરો... એક માણસ બોલ્યો, 'માલને ક્લબમાં પહોંચાડવાનો સમય થઈ ગયો છે.”

'ક્યાં થયો છે ? હજુ પંદર મિનિટની વાર છે ? ' બીજાએ પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોતાં કહ્યું.

'છતાય...'

'આ બાજી તો પૂરી થઈ જવા દે...!'

'ઠીક છે... જલદી કરો...'

'પોતે સાચા ઠેકાણે આવ્યો છે અને મોહિનીને મળેલી બાતમી સાચી જ હતી, એ વાતની દેવરાજને ખાતરી થઈ ગઈ. એ તરત જ ત્યાંથી આગળ વધી ગયો. હવે એને પાંચ-સાત મિનિટમાં જ પોતાનું કામ પૂરું કરવાનું હતું.

તે એક પછી એક રૂમમાં નજર કરતો જતો હતો. આઠમા રૂમમાં તેને પંદરેક જેટલી લોખંડની પેટીઓ દેખાઈ.

એ તરત જ અંદર પ્રવેશી ગયો. એકેય પેટી પર તાળું નહોતું. આગળ વધીને એણે એક પેટી ઉધાડી તો એમાં એલ.એસ.ની કેપસ્યૂલોના પેકીંગ દેખાયા. એણે ગજવામાંથી એક બોંબ કાઢી, થોડા પેકેટો ખસેડીને તેની નીચે મૂકી દીધો. અને બોંબની ઉપર ફરીથી એણે પેકેટો ગોઠવી દીધા. ત્યારબાદ એણે માદક પદાર્થો ભરેલી બીજી ચાર પેટીમાં પણ બોંબ મૂકી દીધા. એનું કામ પૂરું થઈ ગયું હતું.

પછી, તે જે માર્ગથી ઈમારતમાં દાખલ થયો હતો, એ માર્ગેથી બહાર નીકળી ગયો. એનું કામ કોઈ પણ જાતના વિઘ્ન વગર સહેલાઈથી  થઈ ગયું હતું.

પોતાનું કામ આટલી સરળતાથી પતી જશે એવી કલ્પના પણ એણે નહોતી કરી. બે મિનિટ પછી તે દીવાલ કૂદીને બીજી તરફ રાહ જોઈ રહેલા કમલ જોશી પાસે પહોંચી ગયો.

કમલ જોશીની પ્રશ્નાર્થ નજરનો જવાબ એણે હકારાત્મક ઢબે માથું હલાવીને આપ્યો. ત્યારબાદ બંને કિનારે પહોંચીને માઈકલના આગમનની રાહ જોવા લાગ્યો. નક્કી થયેલા સમયે માઈકલ આવી પહોંચ્યો. બંને મોટરબોટમાં બેસી ગયા. માઈકલે બોટ સ્ટાર્ટ કરીને દોડાવી મૂકી. રાત્રે બરાબર સાડા નવ વાગ્યે ગોલ્ડન નાઈટ કલબના કાઉન્ટર પર પડેલા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

કાઉન્ટર પર એ વખતે ડેવિડ નામના એક યુવાનની ડ્યૂટી હતી. ગઈ કાલે થયેલા બોંબ વિસ્ફોટને કારણે આજે ક્લબમાં ગણ્યા ગાંઠયા ગ્રાહકો જ હાજર હતા.

‘હલ્લો ..' એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું.

'રહેમાનને ફોન આપ...!' સામે છેડેથી એક અપરિચિત અવાજ તેને સંભળાયો.

'તમે કોણ બોલો છો?'

'હું રહેમાનની મા બોલું છું કમજાત ...! મારું નામ મોહિની છે. મારી ધમકી વિશે તું નથી જાણતો?'

ડેવિડના મોંમાંથી સિસકારો નીકળી ગયો.

'તું...તુ...' એણે થોથવાતા અવાજે કહ્યું. 'હા..હવે વાતોમાં સમય વેડફયા વગર જલદીથી તારા બોસ રહેમાનને બોલાવ !'

'પરંતુ તેઓ ક્લબમાં હાજર નથી...'

'એ બહાર હશે...અથવા તો પછી પાછળના ભાગમાં સલામતીની વ્યવસ્થા કરતો હશે. કોઈકને મોકલ અથવા તો પછી તું જ એને કહે કે જો તે બે મિનિટમાં મારી સાથે વાત નહીં કરે, તેનું સત્યાનાશ નીકળી જશે અને પેલો જોસેફ ક્યાં મૂઓ છે ? '

‘તેઓ એક જરૂરી કામસર નાગરાજન સાહેબ પાસે ગયા છે.'

'ઠીક છે.. તો રહેમાનને જ બોલાવ...’

'બોલાવુ છું...'

ડેવિડ રિસીવરને કાઉન્ટર પર મૂકીને બહાર દોડી ગયો. બે મિનિટ પછી રહેમાન દાંત કચકચાવતો કાઉન્ટર પાસે આવ્યો. એનો ચહેરો ક્રોધથી લાલઘુમ થઈ ગયો હતો. રહેમાનની પાછળ પાછળ ડેવિડ પણ આવી પહોંચ્યો હતો.

“કોણ, મોહિની બોલે છે?” રહેમાને રિસીવર ઊંચકીને મોટા અવાજે પૂછયું.

'હા...તારા કાળને ન ઓળખ્યો ? ’

'તારું મોત કૂતરાની માફક થશે છોકરી...!’ રહેમાન કાળઝાળ અવાજે બોલ્યો, 'તું અહીં ન આવી...? સવારે તો તું મોટા ધડાકા કરવાના બણગાં ફૂંકતી હતી. હવે ક્યાં ગુમ થઈ ગઈ ? અમને બરબાદ કરવાના તારા ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે કે શું...?'

'અક્કલના ઊંટ...! મારા ઉત્સાહ પર જરા પણ પાણી નથી ફરી વળ્યુ. અલબત્ત, તારી અક્કલ જરૂર ઘાસ ચરવા ગઈ લાગે છે. તને ધડાકા સાંભળવાનો બહુ શોખ છે ને...? ટૂંક સમયમાં આ શોખ પૂરો થઈ જશે...! થોડી મિનિટોમાં જ ગોલ્ડન ક્લબ પર અંગારાનો વરસાદ વરસશે ! '

“એટલે...?” રહેમાન હેબતાયો, 'તું કહેવા શું માંગે છે છોકરી...?'

‘તારી ઘડિયાળમાં જો રહેમાન...અત્યારે કેટલા વાગ્યા છે?' સામે છેડેથી ભાવહીન સ્વર તેને સંભળાયો.

'આ તું શું બકે છે ? ’ રહેમાન કાળઝાળ રોષથી બરાડ્યો.

'તારી ઘડિયાળમાં સમય જો કમજાત... ! નહીં તો તને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ જોવાનો સમય પણ નહીં મળે સમજ્યો ?'

રહેમાને પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો. નવ વાગીને પાંત્રીસ મિનિટ થઈ હતી.

' સમય જોયો... ?'

“હા...નવ વાગીને ઉપર પાંત્રીસ મિનિટ થઈ છે.” રહેમાન ધૂંધવાતા અવાજે બોલ્યો, 'પણ...’

‘ઓહ... તો હજુ પાંચ મિનિટની વાર છે...! રહેમાન...!" જાણે લોખંડ સાથે કાનસ ઘસાતી હોય એવો કર્કશ સ્વર તેને સંભળાયો, 'તારી પાસે હવે માત્ર પાંચ જ મિનિટનો સમય છે... કલબમાં મોઝુદ બધા માણસોને બહાર મોકલી દે નહીં તો એના મોતની જવાબદારી તારા પર આવી પડશે.’

'આ તું શું બકે છે...? ' રહેમાન એટલા જોરથી બરાડયો કે જો ક્લબમાં બેઠેલા ગ્રાહકો ચમકીને તેની સામે જોવા લાગ્યા.

'હું બકતી નથી, પણ તને ચેતવણી આપું છું. બરાબર નવ ને ચાલીસ મિનિટે કલબમાં ધડાકા થશે..! બોંબના ધડાકા...’

"બ...બોંબ...?' રહેમાન એકદમ ડઘાઈ ગયો. એણે પોતાના સૂકાયેલા હોઠ પર જીભ ફેરવી.

'હા...બોંબ...!’ સામે છેડેથી આવતા અવાજમાં ક્રુરતાનો સૂર હતો, ' મેં તારા બોસ નાગરાજનને વચન આપ્યું હતું કે મારા બાપ પર એણે ગોળીઓ છોડી છે, એને જવાબ હું બોંબથી આપીશ અને કલબ પર આ બીજો હુમલો કરીને હું મારા વચનનું પાલન કરું છું.'

'તું……તું બકે છે.. ખોટું બોલે છે...' રહેમાન પૂર્વવત્ અવાજે બરાડયો, ‘તું ક્લબની નજીક ફરકી પણ નથી તો પછી તે અહીં કેવી રીતે બોંબ મૂક્યા હોય ?'

'આ કામ મેં નહીં પણ મારા ભૂતે કર્યું છે મૂરખ માણસ ! તને મારી વાત પર ભરોસો નથી બેસતો ને ?'

'ના.. જરાય નહીં....!'

‘તે કલબની આગળ-પાછળ એવી વ્યવસ્થા કરી છે કે કોઈ અજાણ્યો માણસ ત્યાં ફરકી પણ ન શકે, એટલા માટે જ તું આમ માને છે. પરંતુ રહેમાન, તેમ છતાંય મેં કલબમાં બોંબ છૂપાવ્યા છે. ગ્રાઉન્ડફ્લોર પર નહીં પણ પહેલા માળે, કે જ્યાં માદક પદાર્થોનો જથ્થો પડયો રહે છે ! ત્રણ મિનિટ પછી નહીં કલબ રહે કે નહીં નાગરાજનનો માદક પદાર્થોનો જથ્થો... ! હવે સમય વેડફવાની મૂર્ખાઈ ન કર ! માત્ર અઢી મિનિટ જ બાકી રહી છે. કલબમાં લાશોનો ઢગલો કરીને, મેં ખરેખર જ બોંબ મૂકયા છે કે નહીં, એની ખાતરી તું કરવા માંગે છે? હવે હું ફોન બંધ કરું છું. જેથી કરીને તું નિરાંતે ધડાકા સાંભળી શકે ! ' કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

રહેમાને રિસીવર પટકીને હોલમાં નજર દોડાવી. બોબ ફૂટવાની શંકાથી ત્યાં નાસભાગ મચી ગઈ હતી. રહેમાને ફોન પર જે વાતચીત કરી, તે કદાચ એ લોકોએ સાંભળી લીધી હતી. એક મિનિટમાં જ હૉલ ખાલી થઈ ગયો.

'સર... બહાર નાસી જવું છે... ?’ ડેવિડે ભયભીત અવાજે પૂછયું. એનો જીવ બૂટમાં ચોંટયો હતો.

'હા...ચાલ...' કહીને રહેમાન દરવાજા તરફ આગળ વધ્યો જ્યારે ડેવિડ તો મંજૂરી મળતાં જ દોડીને નાસી છૂટયો હતો, નવ વાગીને ઓગણચાલીસ મિનિટ થઈ હતી. કલબની ઈમારતથી બસો એક વાર દૂર, કલબમાં મોજૂદ

ગ્રાહકોની ભીડ એકઠી થઈ હતી.

રહેમાન ઝડપભેર તેમની પાસે પહોંચ્યો. પછી અચાનક જ તેને એક વાત યાદ આવી. કલબના પહેલા માળ પર માદક પદાર્થોના ગોડાઉનમાં તેના પાંચ માણસો રહી ગયા હતા. ઉતાવળને કારણે તેમને સાવચેત કરવાનું એને યાદ નહોતું આવ્યું. અલબત્ત, મોહિનીની ધમકી સાચી પડશે એ વાત પર હજુ પણ તેને ભરોસો નહોતો બેસતો. ક્યાંક મોહિનીએ માત્ર ગભરાવવા ખાતર જ...! એની વિચારધારા તૂટી ગઈ.

કલબની ઈમારતમાં જોરદાર ધડાકો થયો.

ત્યારબાદ બીજો.. ત્રીજો.. ચોથો...! દરેક ધડાકાની સાથે ઈમારતનો કોઈક ભાગ તૂટી પડતો હતો. ચારે તરફ દેમાર દેકારો છવાઈ ગયો. લોકો મન ફાવે ત્યાં નાસવા લાગ્યા.

રહેમાન ક્રોધ અને લાચારીથી ખંડેરમાં ફેરવાઈ ગયેલી કલબને તાકી રહ્યો.

*********

નાગરાજનની હિંસક પશુ જેવી આંખોના પીળા ડોળા ગુનેગારની જેમ માથું નમાવીને ઊભેલા રહેમાન તથા જોસેફ પર સ્થિર થયેલા હતા.

'રહેમાન...!' એ કાળઝાળ અવાજે બોલ્યો, ‘એ કમજાતોએ સિન્ડિકેટને બરબાદ કરી નાખી! ક્લબમાં કેટલો સ્ટોક હતો. એની તને ખબર છે ?'

'હા.. દસ કરોડનો...!'

'દસ કરોડ...!” નાગરાજન જાણે પોતાનો સગો બાપ મૃત્યુ પામ્યો હોય એમ છાતી કૂટતાં બોલ્યો, “દસ કરોડના માલનું નુકસાન અને આપણે માણસો કેટલા મર્યા ?'

'પાંચ...!'

'અને ક્લબની શાનદાર ઈમારત ખંડેરમાં ફેરવાઈ ગઈ એ અલગ ! આખી કલબ બોંબ વિસ્ફોટમાં બરબાદ થઈ ગઈ...! પાંચ માણસો મૃત્યુ પામ્યા અને ક્લબમાં મોઝુદ રોકડ રકમનો નાશ થયો, તે નફામાં ! એ કમજાતે આપણને આટલું મોટું નુકસાન પહોંચાડયું ...! રહેમાન... કલબની સલામતીનું કામ મેં તને સોંપ્યું હતું. ક્લબમાં તારી રજા વગર કાગડો પણ નહીં ફરકે એવાં બણગાં તે ફૂંક્યાં હતા. પરંતુ કાગડાને બદલે એ કમજાત પોતે ત્યાં જઈને પહેલા માળ પર માદક પદાર્થોના ગોદામમાં ચાર બોંબ મૂકી આવી. શું આ જ તારી સલામતીની વ્યવસ્થા હતી?'

'સર....એ અંદર કેવી રીતે દાખલ થઈ, તેની મને પણ ખૂબ જ નવાઈ લાગે છે!' રહેમાન નખાઈ ગયેલા અવાજે બોલ્યો, “અને એ પણ ગ્રાઉન્ડ ફ્લોર નહીં, પહેલા માળ પર આવેલા માદક પદાર્થોના ગોદામમાં...! કલબના આગળના દરવાજેથી તો મેં માત્ર કાયમી અને જાણીતા ગ્રાહકોને જ ક્લબમાં દાખલ થવા દીધા હતા! અને તેમ છતાંય એ ચુડેલ અથવા તો તેનો કોઈક સાથીદાર ત્યાં પહોંચી ગયો.”

'મને પણ આ જ વાતનું આશ્ચર્ય થાય છે સર !'

'તારા આશ્ચર્ય પામવાથી સિન્ડિકેટને જે દસ કરોડનું નુકસાન પહોંચ્યું છે, એ ભરપાઈ નથી થઈ જવાનું રહેમાન ! જે પાંચ માણસો માર્યા ગયા છે, તેઓ જીવતા નથી થઈ જવાના ! કલબની ઈમારત ફરીથી નથી ઊભી થઈ જવાની !'

'પણ...?'

'શું.. પણ...?'

રહેમાનને કોઈ જવાબ ન સૂઝ્યો.

“તારી કોઈ જાતની દલીલ નથી ચાલવાની ! જરૂર તે ક્યાંક બેદરકારી દાખવી હશે રહેમાન ! અને એટલા માટે જ તો તે તારી આંખોમાં ધૂળ નાખીને ક્લબમાં દાખલ થઈ, ગાર્ડને થાપ આપી, પહેલા માળ પર જઈને બોંબ ફીટ કરી આવી અને તેને એની ગંધ સુધ્ધાં ન આવી. રહેમાન... આવડું મોટું નુકસાન કોણ જાણે ક્યારે ભરપાઈ થશે !’

રહેમાન પાસે ચૂપ રહેવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. શું બોલવું એ તેને કંઈ નહોતું સૂઝતું.

—અને જાણે તેને આ મુંઝવણમાંથી છૂટકારો અપાવવો હોય એમ સહસા નાગરાજનના પર્સનલ ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. રહેમાને મનોમન છૂટકારાનો શ્વાસ લીધો.

‘હલ્લો...નાગરાજને રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું. 'નાગરાજન સ્પીકીંગ...!’

'મને ખબર છે કમજાત... !' સામે છેડેથી મોહિનીનો અવાજ તેને સંભળાયો.

'તું....મોહિનીની બચ્ચી...!' નાગરાજન એના અવાજને ઓળખીને જોરથી બરાડયો.

'હજુ મારા લગ્ન નથી થયાં નાગરાજન એટલે અત્યારે મોહિનીની બચ્ચી નહીં, પણ મોહિની પોતે જ તારી સાથે વાત કરે છે સમજ્યો ? ખેર રહેમાને તને ગોલ્ડન કલબની બરબાદીનો જશ આપ્યો કે નહીં ? '

'હા.. આપ્યો...'

'મારો જવાબ તને ગમ્યો...? ગેાળીની સામે બોંબ...?'

'સાલ્લી... કમજાત...' નાગરાજ ક્રોધભર્યા અવાજે ગર્જી ઊઠયો.

'ના...નાગરાજન ના...! ક્રોધ તબિયત માટે નુકસાનકારક નીવડે છે ! ક્રોધથી દિમાગનાં બારણાં બંધ થઈ જાય છે ! તારા જેવા માણસને ક્રોધ શોભતો નથી...! ખેર, હવે તને ડૂબી મરવાનું મન થાય છે કે નહીં ? કે હજુ પણ બીજા ચમત્કાર જોવાનો છો??

'નીચ...નાલાયક...કમજાત...પાજી...!'

'અરે...આ બધાં વિશેષણો તો તને જ લાગુ પડે છે ! ’ સામે છેડેથી આવતો અવાજ એકદમ શાંત હતો, 'તારો બકવાસ પૂરો થઈ ગયો હોય તો ધ્યાનથી સાંભળ...! સૌથી પહેલાં તો ગોલ્ડન ક્લબ કઈ રીતે બરબાદ થઈ, એ હું તને જણાવું છું. ક્લબમાં કોઈ જ અજાણ્યો માણસ નથી પ્રવેશ્યો એવું તને રહેમાને જણાવ્યું છે ને?'

'હા..'

'તો રહેમાનની વાત પર શંકા ન કર ! એણે તને સાચું જ જણાવ્યું છે.'

'એટલે...?'

' એટલે એમ કે હું અથવા તો મારો કોઈ સાથીદાર ક્લબમાં દાખલ નથી થયા!'

'તુ બકે છે...'

'તારે જેમ માનવું હોય, તેમ માન. પરંતુ હું સાચું જ કહું છું. સાંભળ, બોંબ વાસ્તવમાં માદક પદાર્થોની એ પેટીમાં હતા. જે રાત્રે સાડા આઠ વાગ્યે સુંદરનગરના ત્રણ નંબરના બંગલામાંથી કલબમાં પહોંચાડવામાં આવી હતી. આ બોંબ મારા જ એક સાથીદાર એ બંગલામાં જઈને પેટીઓમાં છૂપાવી દીધા હતા.'

'તને...તને એ અડ્ડાની પણ ખબર છે ? નાગરાજને હેબતાઈને પૂછયું. એના ચહેરા પર નર્યુ અચરજ છવાયું હતું.

‘હા. અને થોડી વારમાં એ બંગલો ખંડેરમાં ફેરવાઈ ગયાના સમાચાર પણ તને મળી જશે ! તે મારા બાપ સમા કાકાને ત્રણ ગોળીઓ મારી હતી. એ ત્રણેત્રણ ગોળીનો જવાબ મેં તને આ રૂપમાં દીધો છે. પહેલી ગોળીના જવાબમાં તારી પાસેથી પચાસ લાખ રૂપિયાનું સોનું કઢાવ્યું... બીજી ગોળીના જવાબમાં ગોલ્ડન કલબનો નાશ કર્યો અને ત્રીજી ગોળીના જવાબમાં સુંદરનગરનો અડ્ડો બરબાદ કર્યો અને હવે વ્યાજ રૂપે લટકામાં તને મોત મળશે... મારી તાકાત તે જોઈ લીધી છે.. મોત આસ્તે કદમ તારા તરફ આગળ વધી રહ્યું છે... તારા મોતનું સ્વાગત કરવા માટે તૈયાર રહેજે.'

'સાલ્લી કમજાત...' નાગરાજનના મોંમાંથી ગાળોનો વરસાદ વરસી ગયો.

ક્રોધના અતિરેકથી એ જાણે કે પાગલ થઈ ગયો હતો.

'તારે જેટલી ગાળો આપવી હોય તેટલી આપી લે...! કારણ કે તારી જિંદગીના હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે... મૃત્યુ પહેલાંના, જે થોડા ધબકારા બાકી રહ્યા છે, એની ગણતરી અત્યારથી જ શરૂ કરી દે નાગરાજન...! ગુડ બાય...'

સામે છેડેથી સંબંધ કપાઈ ગયો. નાગરાજને જોરથી રિસીવરને ક્રેડલ તરફ ફેકયું'.