Andhari Aalam - 4 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | અંધારી આલમ - ભાગ 4

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

અંધારી આલમ - ભાગ 4

૪ : નાસભાગ

રાતની નિરવતામાં વિશાળગઢ સ્થિત આલિશાન રાજમાર્ગ લેડી વિલાસરાય રોડ પર સી. આઈ. ડી. વિભાગનો જવાંમર્દ જાસૂસ - રાજેશ એટલે કે બળદેવ પોતાની પાછળ પડેલી નાગરાજનના ગુંડાઓની ફોજથી બચવા માટે હતી એટલી તમામ શક્તિ એકઠી કરીને ખૂબ ઝડપથી દોડતો હતો. એણે પહેરેલો વજનદાર ભારે-ભરખમ ગરમ ઓવરકોટ દોડવામાં અંતરાયરૂપ થતો હતો.

સૂની સડક દોડવાના અવાજથી ગુંજતી હતી.

દોડતા દોડતા જ એણે ઓવરકોટના ગજવામાંથી કેમેરા સહિત બધી વસ્તુઓ બહાર કાઢીને પેન્ટના ખિસ્સામાં ભરી દીધી હતી. નાગરાજનના માણસો એનાથી બસો-એક વાર દૂરના અંતરે એની પાછળ દોડતા હતા. એ બધાના હાથમાં કાળના દૂત જેવી રિવોલ્વરો હતી.

'ધડામ ધડામ્...' અચાનક જ એક બદમાશની રિવોલ્વરમાંથી આગના તીવ્ર લીસોટા વેરતી બે ગોળીઓ ધમાકાનો ભિષણ શોર મચાવતી બળદેવની દિશામાં ધસીને તેની આજુબાજુમાંથી પસાર થઈ ગઈ.

બળદેવને ઠંડો પરસેવો વળી ગયો. દોડવાની વાત તો બાજુએ રહી, એનામાં હવે ડગલુંયે ભરવાની શક્તિ કે હામ નહતાં રહ્યાં.

ખોફ અને દહેશતથી તે હાંફતો હતો. હોઠના ખૂણામાંથી લાળ ઝરતી હતી. આમ છતાંય એ કોઈ પણ હિસાબે કેમેરાને દુશ્મનોના હાથમાં પડતો બચાવવા માગતો હતો.

ગોળીબારના શોરથી બંને તરફની ઈમારતોની બારીઓ ફટાફટ ઉઘડી. અને પછી વાસ્તવિકતાનો ખ્યાલ આવતાંની સાથે જ જાણે ઉઘડી જ ન હોય એમ તરત જ બંધ થઈ ગઈ.

ઉલગતો પાણો કોઈ જ પોતાના પગ પર લેવા માટે તૈયાર નહોતું. બળદેવ ઊર્ફે રાજેશ બે ઇમારતો વચ્ચે પડતી એક સાંકડી, નેળા

જેવી ગલીના ખૂણા પર પહોંચીને અટક્યો. એણે પીઠ ફેરવીને પાછળ નજર કરી.

નાગરાજનના માણસોને એણે પ્રત્યેક પળે નજીક ધસી આવતા જોયા. જીવ પર આવી જઈને તે ગંદકી અને કીચડથી ખદબદતી, દુર્ગંધ ફેલાવતી ગલીમાં દાખલ થઈને દોડવા લાગ્યો. દોડતાં દોડતાં જ એણે ઓવરકોટ કાઢીને ફેંકી દીધો.

એના બૂટ અને ઘૂંટણ સુધીનો ભાગ ગંદા કીચડથી ખરડાઈ ગયા હતા પણ એની એને પરવાહ નહોતી. એ ગલીના બીજે છેડે પહોંચવાની તૈયારીમાં હતો ત્યારે બરાબર એ જ ક્ષણે બદમાશો અંદર પ્રવેશ્યા.

ધડામ્...અવાજ સાથે એક વધુ ગોળી છૂટી.

આ વખતે તે બચી ન શક્યો. ગોળી એની પીઠમાં જમણી તરફ વાગીને પાંસળી તોડતી આરપાર નીકળી ગઈ. લોહીને કૂવારો છૂટયો.

એની આંખો સામે અંધકારનો પડદો ખેંચાઈ આવ્યો પગ પાણીપાણી થવા લાગ્યા.

સમગ્ર ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો. ગળામાં જાણે શુળ ભોંકાતા હોય એવી વેદના તેને થવા લાગી. એના હોઠ પણ સૂકાતા હતા.

પીઠમાં જાણે કોઈએ ધગધગતો ડામ ચાંપી દીધો હોય એવી જાણે કાળી બળતરા થતી હતી. આંખો મીંચીને એણે ખૂબ જોરથી દાંત કચકચાવ્યા. રાજેશ નામના આ જવાંમર્દ જાસૂસમાં દેશદાઝ ઠાંસી ઠાંસીને ભરી હતી.

અચાનક એના કાનમાં પોતાની પાછળ દોડી આવતા બદમાશોનાં પગલાંનો અવાજ જોરથી ગુંજી ઊઠ્યો.

ઈશ્વરનું નામ લઈ ને એણે ફરીથી લથડતા પગે દોટ મૂકી.

એ ગલી વિલાસરાય રોડની પાછલી સડક પર પડતી હતી. ગલીની સામે સડકને બીજે છેડે પાંચેક ફૂટ ઊંચી કોઈક વિશાળ અને અદ્યતન બિલ્ડીંગની પાછલી દીવાલ એની નજરે ચડી.

એણે બંને હાથમાંથી મોજાં કાઢી નાખ્યા અને એકદમ ઊંચે ઉછળીને દીવાલની કિનાર પકડી લીધી.

ત્યારબાદ એ હાંફતો હાંફતો હાથના બળે પાળ પર પગ ટેકવવાનો પ્રયાસ કરવા લાગ્યો. એનાં વસ્ત્રો લોહીથી તરબતર થઈ ગયાં હતાં.

બળદેવ ઉર્ફે રાજેશની પાછળ નાગરાજનના પાંચેક બદમાશો પડયા હતા, તેમાંથી ઠીંગણા કદનો દેખાતો એક બદમાશ બાકીના ચારેયનો આગેવાન હતો. પોતાના શિકારને દીવાલ પર ચડવાનો પ્રયાસ કરતો જોઈને તેઓ એકદમ ચમક્યા. એના આ પારાવાર સાહસને જોઈને તેઓ ઘડીભર સ્તબ્ધ બની ગયા. પણ પછી તરત જ સાવચેત થઈ તે તેઓએ રિવોલ્વરમાંથી ગોળીઓ છોડવા માંડી.

બળદેવના સદ્ભાગ્યે તેને એક પણ ગોળી વાગી નહિ. મોતના ભયથી તેનામાં સમગ્ર શક્તિનો સંચાર થયો. જોતજોતામાં જ તે પાળ પર ચડીને બીજી તરફ કૂદી પડયો. ગેળીબારના અવાજથી ગલી થોડી પળો માટે કંપી ઊઠી.

એ પાંચેયે જોયું તો બહુમાળી ઈમારતોની પાછળના ભાગની કેટલીયે બારીઓ ઉઘડવા માંડી હતી.

તેમના આંધળુકીયા ફાયરીંગને કારણે જ આ નવી મુશ્કેલી ઊભી થઈ હતી અને આ મુશ્કેલી પ્રત્યે તેઓ વધુ સમય સુધી આંખ આડા કાન કરી શકે તેમ નહોતા.

પાંચેયના ચહેરાનો રંગ ઊડી ગયો. શરીર પરસેવે રેબઝેબ થઈ ગયા. આંખમાં પરાજયની સાથે સાથે ખોફ અને દહેશતના હાવભાવ છવાઈ ગયા.

'ઉસ્તાદ !' એક લાંબા-પાતળા, સુકલકડી દેહ ધરાવતા બદમાશે ઠીંગણા આગેવાનને ઉદ્દેશીને કહ્યું, ‘આ સાલ્લો તો આપણને પણ ભૂ પીવડાવી ગયો. હવે શું કરીશું ?’

'ગમે તે થાય...' ઠીંગણાના મોંમાંથી ઝેરીલા સાપના ફૂંફાડા જેવો અવાજ નીકળ્યો, 'આપણે તેને નથી છોડવાનો ! આપણે કોઈ પણ સંજોગોમાં... કોઈ પણ ભોગે તેને બોસ પાસે પહોંચાડવાનો છે.

'પણ ઉસ્તાદ...' એક અન્ય બદમાશ બોલ્યો, “ જો આપણે પણ તેની પાછળ દીવાલ કૂદીને ઈમારતમાં પહોંચીશું તો આપણી હાલત પાંજરામાં પૂરાયેલા ઉંદર જેવી થઈ જશે. ગોળીબારના અવાજથી આજુબાજુના લોકો જાગી ગયા લાગે છે.'

'છતાં પણ...'

"ઠીંગણાનું વાક્ય અધૂરું રહી ગયું.

અચાનક એક બદમાશે જોરથી બૂમ પાડી, ‘પોલીસ…પોલીસ આવી પહોંચી છે ઉસ્તાદ...! જુઓ, દૂરથી પોલીસના સાયરનનો અવાજ આવે છે.'

એની વાત સાચી હતી. હવે પોલીસની સાયરનનો અવાજ તેમને સ્પષ્ટ રીતે સંભળાતો હતો અને આ સાયરન પોલીસની જીપનું નહીં પણ પોતાના મોતનું ફરમાન હોય એવો ભાસ ઠીંગણાને થતો હતો.

થોડી પળો માટે એની હાલત કિંકર્તવ્યવિમૂઢ જેવી થઈ ગઈ. 'ઉસ્તાદ...!' એક બદમાશે તેનો ખભો પકડીને હચમચાવતા હ્યું, 'પોલીસ આવે છે...'

એ જ વખતે સામેથી પોલીસની જીપની હેડલાઈટનો તીવ્ર પ્રકાશ તેમના પર ફેંકાયો.

પાંચેયે તેનાથી બચવા માટે જે ગલીમાંથી આવ્યા હતા, તે ગલીમાં દોટ મૂકી.

ગલી વટાવ્યા પછી પાંચેય જુદી જુદી દિશાઓમાં નાસી છૂટયા. પોલીસની ચુંગાલમાંથી બચવા માટે તેમની પાસે આ એક જ સચોટ ઉપાય બચ્યો હતો. અને આ ઉપાયનો અમલ કરીને હાલ તુરત તેમણે પોતાની જાતને પોલીસની ચુંગાલમાં પડતી બચાવી પણ લીધી હતી.

જયપ્રકાશથી છૂટો પડીને રિપોર્ટર કમલ જોશી જ્યારે હોટલની હાર નીકળ્યો ત્યારે રાતના સાડા દસ વાગ્યા હતા.

થોડે દૂર પહોંચીને, તે એક ટેકસી પકડીને મુનલાઈટ હોટલ પાસે પહોંચી ગયો. હોટલની સામે એક ઈરાની રેસ્ટોરન્ટ હતું. સિગારેટ લેવાનું એ ત્યાં ગયો અને પેકેટ ખરીદીને ફરી હોટલના મુખ્ય દ્વારા આગળ વધ્યો.

હજુ તો તે બે-ત્રણ ડગલાં ચાલ્યો હતો ત્યાં જ અચાનક થાંભલા પાછળથી નીલકમલ હોટલમાં એણે બદમાશના પંજામાંથી બચાવેલી યુવતી બહાર નીકળી આવી.

કમલ જડવત્ બનીને તેને તાકી રહ્યો.

જયપ્રકાશના કહેવા મુજબ એ યુવતી એક ધંધાદારી કે ગર્લ હતી. એ યુવતી આગળ વધીને નાટકીય ઢબે કમલને વળગી પડી. કમલ તેની આ હરકતથી એકદમ ડઘાઈ ગયો.

‘હું...હું તમને ચાહું છું.' યુવતી ભાવાવેશમાં આવી જઈ ને કહેવા લાગી ‘મારું નામ મોહિની છે. હું.. હું એક કે ગર્લ છું. પરંતુ આજે..આજે તમે મને ખાનદાન કુટુંબની માની મારી મદદ કરી હતી એટલે હું ખૂબ ખુશ છું. હું તમને એ વખતથી ચાહવા લાગી છું. આજે હું તમને મારે વિશે બધું જણાવી દેવા માગુ છું.'

“મારે કંઈ જ નથી જાણવું.' કમલ રૂક્ષ અવાજે બોલ્યો. 'પ્લીઝ...” યુવતી એટલે કે મોહિનીએ કરગરતા અવાજે કહ્યું,

'મારી વાત તો સાંભળો...’

‘મેં કહ્યું તો ખરું કે મને તારે વિશે જાણવામાં કંઈ રસ નથી.” આ વખતે કમલના અવાજમાં સહેજ કઠોરતા હતી,  'તું જઈ શકે છે.'

‘મિસ્ટર...” સહસા મોહિનીનો વિનંતીભર્યો અવાજ ક્રોધમાં પલટાઈ ગયો, ‘તમે કોઈની લાગણી નથી સમજતા.. તમે.... નાલાયક માણસ છો. સામા માણસના હૃદયની લાગણીને ન સમજી શકે એવા લોકો પ્રત્યે મને સખત નફરત છે અને આવા માણસોની જિંદગીને હું જંગલી જાનવર કરતાં પણ બદતર માનું છું. કંઈ વાંધો નહીં ... તમે ભૂલેચૂકેય મને ખાનદાન કુટુંબની માની છે એ માટે હું તમારી આભારી છું..!' છેલ્લી વાત કહેતી વખતે એના અવાજમાંથી તૂટી ગયેલા હૃદયનો સૂર રેલાયો હતો.

ત્યાર પછી તે સડસડાટ એક તરફ ચાલી ગઈ.

થોડી પળો એની પીઠ પાછળ તાકી રહ્યા બાદ તે હોટલમાં પ્રવેશીને લીફટ મારફત આઠમા માળે આવેલી પોતાની રૂમમાં પહોંચી ગયો.

દિવાલ પર હાથ ફંફોળીને એણે સ્વીચ ઓન કરી. તે પલંગ પર આડો પડીને પોતાની કાર્યવાહીનો કાર્યક્રમ મનોમન ગોઠવવા લાગ્યો.

અચાનક જ તેને મોહિની નામની કોલગર્લ યાદ આવી ગઈ. રહી રહીને એનો માસૂમ ચહેરો નજર સામે તરવરવા લાગ્યો.

પોતે તેને અન્યાય કરી બેઠો છે એવું હવે તેને લાગતું હતું. મોહિનીની આંસુથી તરબતર આંખોમાં સચ્ચાઈ હતી એવું પણ હવે તેને લાગ્યું. ગમે તેમ કરીને હવે પોતે આવતી કાલે તેની મુલાકાત લઈને તેની માફી માગી લેશે એવો વિચાર કર્યા પછી તેણે થોડી રાહત અનુભવી. તે ઊભો થઈને પાણી પીવા જતો હતો ત્યાં જ એકાએક એના કાને દૂર ગોળીઓ છૂટવાનો અવાજ અથડાયો. પાણી પીને એ તરત જ બારી પાસે ગયો અને બહાર નજર દોડાવી. હોટલની ઈમારતની પાછલી સડક પર એને ચાર-પાંચ જેટલા માનવ ઓળાઓ દેખાયા. પછી સહસા એની નજર હોટલની બાઉન્ડરી તરફ ગઈ. પાળ ચડીને એણે એક માણસને કમ્પાઉન્ડમાં કૂદી પડતો જોયો. પળભરમાં જ કમલ સમજી ગયો કે કૂદી પડનાર માણસ પોતની પાછળ પડેલા બદમાશોનાં પંજામાંથી છટકવા માંગતો હતો.

વાંચકો સમજી ગયા હશે કે એ માનવી બીજો કોઈ નહીં બળદેવ ઉર્ફે રાજેશ જ હતો.

બળદેવ લથડતા પગે ઈમારતની બાજુમાં આવેલી ફાયર એસ્કેપની સીડી તરફ દોડ્યો.

કમલ જોશીનું મગજ ઝપાટાબંધ સક્રિય થયું.

પોતાનો ભાવિ કાર્યક્રમ અને મોહિનીને તે સાવ ભૂલી ગયો તેની આંખો સજાગ બનીને લોહીથી ખરડાયેલા માનવી તરફ ચોંટી રહી.

બળદેવ ખૂબ જ મુશ્કેલીથી, પારાવાર યાતના ભોગવતો સીડીના પગથિયાં ચડતો હતો.

બીજી તરફ પોલીસ સાયરન સાંભળીને પેલા ગુંડાઓ ત્યાંથી નાસી છૂટયા છે એ પણ એણે જોયું.

બળદેવની હાલત બદ કરતાંય બદતર હતી.

એ સીડી નથી ચડી શકતો તે પણ કમલ સમજી ગયો હતો. ઘાયલ માણસ, જે કોઈ હોય તે, પણ એને બચાવવાનું કમલ જોશીએ નક્કી કરી લીધું હતું. એના દેહમાં ઉત્સાહનો સંચાર થયો. નીચે બળદેવ પોતાના ઘાયલ શરીરને જેમ તેમ કરીને ઘસડતો ઘસડતો ધીમે ધીમે ઉપર ચડતો હતો.

સીડી ગોળ ગોળ ઘુમરાવો લેતી, કમલ જોશીના રૂમની બારી પાસેથી પસાર થતી ઉપરના ભાગમાં ચાલી જતી હતી.

કમલ બારી પર થઈને સીડીનાં પગથિયાં પર ઊતરી ગયો અને નીચેથી આવતા બળદેવને ટેકો આપી, તેને મદદ કરતો ઉપર જવા લાગ્યો.

બે-ત્રણ મિનિટમાં જ તેઓ ઉપર બારી પાસે પહોંચી ગયા. મહા પ્રયાસે એણે બળદેવને બારી ટપાવી.

ત્યારબાદ તેઓ રૂમમાં હતા. બળદેવને એક ખુરશી પર બેસાડીને કમલે બારી બંધ કરી દીધી.

'પ...પાણી...' બળદેવે કંપતા અવાજે કહ્યું. કમલે સ્ફૂર્તિથી પાણીનો ગ્લાસ ભરી લાવીને તેના હોઠો પર મૂક્યો.

બળદેવે બે-ત્રણ ઘૂંટડા ભર્યાં.

ત્યારબાદ તે પોતાના ઉખડી ગયેલા શ્વાસ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યો.

એની હાલત પરથી તેના શ્વાસની દોરી કોઈ પણ પળે તૂટી જશે એવું કમલને લાગતું હતું. એની પાંસળીમાંથી હજુ પણ લોહી વહેતું હતું. અલબત્ત, તેની ગતિ જરૂર ધીમી પડી ગઈ હતી. લોહીની સાથે સાથે તેના ધબકારા પણ ધીમા પડતા જતા હતા.

પાણી પીધા પછી એનામાં થોડી સ્ફૂતિં આવી.

કમલે ગ્લાસને એક તરફ મૂકી દીધો. એનાં વસ્ત્રો પણ બળદેવના લેહીથી ખરડાઈ ગયાં હતાં. પોતાના પત્રકાર મનને ઇચ્છા હોવા છતાં પણ તે દબાવી શક્યો નહોતો.

'દોસ્ત...” એણે ધીમા પણ સ્પષ્ટ અવાજે કહ્યું, 'તું કોણ છો અને તારી આવી હાલત...'

'સાંભળો...' બળદેવ વચ્ચેથી જ એની વાતને કાપીને પીડાથી ધ્રુજતા અવાજે બોલ્યો, ' તમે.. તમે કોણ છો ?'

'હું.. હું એક અખબારનો રિપોર્ટર છું.' કમલે બળદેવનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું, 'હું મુંબઈનો રહેવાસી છું... આ શહેરમાં પહેલી જ વાર મારા અખબાર માટે અંધારી આલમ વિશે મસાલો એકઠો કરવા માટે આવ્યો છું.”

'તમે, તમે રિપોર્ટર છે...?' કમલનો પરિચય જાણી બળદેવના હોઠ પર ફિકકું સ્મિત ફરકી ગયું.

જાણે મરતાં પહેલાં પોતાની અંતિમ ઈચ્છા પૂરી થઈ હોય એવો ભાવ કમલે એ સ્મિતમાં જોયો.

'હા...” એણે ઝડપથી હકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો. 'રિપોર્ટર...” બળદેવ કહેતો ગયો. ‘ રિપોર્ટર તો જુલ્મો- વિરૂદ્ધ અન્યાયની વિરૂદ્ધ પોતાની કલમથી લડે છે ખરું ને ? એની સમગ્ર તાકાત કલમમાં જ હોય છે ને ?'

“હા, દોસ્ત...અમારી કલમનો ધરમ અને ફરજ જ અન્યાયની સામે બાથ ભીડવાનો હોય છે.”

‘તમે માત્ર કલમથી જ લડી શકો છો કે પછી...આહ... આહ...' પીડાને કારણે બળદેવના મોંમાંથી ઉંહકારો નીકળી ગયો.

'દોસ્ત...રિપોર્ટરનું કામ કલમથી લખવાનું હોય છે... મળેલા રિપોર્ટના તાણાવાણા ગુંથવાનું કામ કરે છે અને સાચો રિપોર્ટ એક નહીં પણ અનેક રૂપમાં જીવે છે. એ અર્જુન પણ છે, કૃષ્ણ પણ છે, દુર્યોધન પણ છે, કંસ પણ છે, અને અને એકલવ્ય પણ છે. આ બધાના ગુણો તેનામાં હોય છે. સમય આવ્યે તે આ બધાના રૂપો ધારણ કરી શકે છે.'

“હું...હું તમારામાં કૃષ્ણનું રૂપ જોવા માંગુ છું... કૃષ્ણનું રૂપ અન્યાયની વિરૂદ્ધ લડવાનું પ્રતિક છે, એ તો તમે જાણતા જ હશો.

'હા, જાણું છું... પણ તું કહેવા શું માગે છે દોસ્ત ?' કમલે ભાવુક અવાજે પૂછયું. 'દોસ્ત...” બળદેવ ઉર્ફે રાજેશ ગળગળા અવાજે બોલ્યો.

'તું ભારતમાં ઉછરતા અપરાધના નાસૂરને જડમૂળમાંથી ઉખેડી શકે છે એની મને ખાતરી થઈ ગઈ છે.. પરંતુ આ કામ તારે કલમનાં જોરે નથી કરવાનું ... ઉપરાંત તારે મને એક વચન પણ આપવું પડશે.' બળદેવે આ વખતે કમલને એક વચનમાં સંબોધ્યો હતો.

'વચન...? શાનું વચન...' કમલે આશ્ચર્યસહ પૂછયું.

‘દોસ્ત, હું તો મૃત્યુને આરે ઊભો છું એટલે જે કંઈ માંગીશ તે મારે માટે તો નહીં જ માંગુ એ તો સ્પષ્ટ જ છે...બોલ, તું વચન આપવા માટે તૈયાર છે ?'

'હા...' કમલે મક્કમ અવાજે આટલું કહીને તેના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો.

બળદેવના ચહેરા પર સ્મિત ફરકી ગયું.

હવે એના ચહેરા પર સંતોષના હાવભાવ છવાઈ ગયા હતા. વળતી જ પળે એણે ગજવામાંથી કેમેરો બહાર કાઢયો.

‘દોસ્ત...’ એણે એ કેમેરો કમલના હાથમાં મુકતાં કહ્યું, 'જો તું ધારે તો આ કેમેરા વડે દેશદ્રોહીઓ પાસેથી લાખો રૂપિયા મેળવી શકે તેમ છે. પરંતુ તું એક નિડર અને કર્તવ્યનિષ્ઠ પત્રકાર છો. તારા પર મુકેલો મારો ભરોસો અને તેં આપેલું વચન મને કહે છે કે પૈસા ખાતર તું કદી યે તારું ઈમાન વેચીને બેઈમાન નહીં બને. આ કેમેરામાં ફોટાઓની રીલ છે, તેને મેળવવા માટે મેં મારા જીવની બાજી લગાવી દીધી છે. આ ફોટાઓ પાડવા માટે જ અત્યારે મારી આવી હાલત થઈ છે. આ રીલ તારે ભારતના રાષ્ટ્રપતિને સોંપવાની છે. આજની તારીખમાં હું પોલીસના મોટા ઑફિસરો કે ખુદ મારા ચીફ પર ભરોસો કરી શકું તેમ નથી.’

‘એવું તે શું છે આ રીલમાં...'

'દોસ્ત...આપણા દેશની પવિત્ર ધરતી પર અપરાધ રૂપી ગંદકીનો જે લાવારસ વહે છે, એ લાવારસની તસ્વીર છે . આ રીલમાં ..! આહ... મારી પાસે વધુ સમય નથી...'

પણ... તું કોણ છે એ તો કહે...'

'હું... હું, સી. આઈ. ડી. વિભાગનો એક જાસૂસ છું..'

'શું...!” કમલે ચમકીને પૂછયું.

'હા...સી. આઈ. ડી. વિભાગના ચીફ ઇન્સ્પેકટર મેજર નાગપાલ સાહેબે જ મને આ મિશન સોંપ્યું હતું.'

'તો પછી આ રીલ હું નાગપાલને જ પહોંચાડી દઉં તો ?

'ના, દોસ્ત...અત્યારે હું જે વાતાવરણમાં અંતિમ શ્વાસ ખેચું છું, એ વાતાવરણમાં મને ખુદ મારી જાત પર પણ ભરોસો નથી તો પછી નાગપાલ સાહેબની વાત જ ક્યાં રહી. સાંભળ, મે તને મારો પરિચય આપ્યો છે એ વાત પણ તું ભૂલેચૂકેય કોઈને કહીશ નહીં. આ કેમેરાને તારે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અથવા તે પછી ગૃહમંત્રી, આ ત્રણમાંથી એકના હાથમાં સોંપવાનો છે.

મેં તને કહ્યું તેમ અત્યારે હું કોઈના પર ભરોસો મૂકી શકું તેમ નથી.”

‘તારું નામ શું છે દોસ્ત ?'

“સોરી...એ હું તને જણાવી શકું તેમ નથી. મેં તને જેટલો પરિચય આપ્યો છે, તે પૂરતો છે. અમારા જેવા એજન્ટોના કોઈ નામ નથી હોતાં.'

'છતા પણ...'

'ના, દોસ્ત ! મને લાચાર ન કર ! હા... રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અથવા તો ગૃહમંત્રી સુધી પહોંચવા માટે હું તને મારો કોડવર્ડ જરૂર આપું છું. આ કોડવર્ડની મદદથી તું સહેલાઈથી તેમના સુધી પહોંચી શકીશ.'

'દોસ્ત...!' કમલ મક્કમ અવાજે બોલ્યો, 'હું ગમે તેવી આફતનો સામનો કરવા માટે તૈયાર છું. તું મને તારે કોડવર્ડ જણાવી દે.'

બળદેવ ઉર્ફે રાજેશે પોતાના શર્ટના કોલરમાં ટાંકેલા બટનને મોંમાં દબાવીને ખેંચ્યું. દોરો તૂટી જવાને કારણે બટન કોલરમાંથી છૂટું પડી ગયું'.

'દોસ્ત...' બળદેવે મોંમાંથી બટન કાઢીને તેની સામે લંબાવતાં કહ્યું, 'આ બટનના પાછળના ભાગમાં ધ્યાનથી વાંચજે. અત્યારે આને તારા ગજવામાં મૂકી દે. ટયુબ લાઈટની સામે એકસ-રેની જેમ આ બટનને રાખીને તું એમાં લખેલો મારો કોડવર્ડ જાણી શકીશ.’

કમલે એના હાથમાંથી બટન લઈને સાવચેતીથી ગજવામાં મૂકી દીધું.

'દોસ્ત...આ કેમેરાને તારા જીવ કરતાં પણ વધુ કીમતી માનજે...!' કહેતાં કહેતાં રાજેશ નામના એ દેશભક્તની આંખોમાં યાચનાભર્યા આંસુ ધસી આવ્યા, ‘આ કેમેરો મારા દેશની આન અને શાન છે.’

'દોસ્ત...!' કમલ બોલી ઊઠ્યો, “હું ભારતની આન, બાન અને શાનના સોગંદ ખાઈને કહું છું કે જ્યાં સુધી મારા હૃદયના ધબકારા ચાલુ છે, ત્યાં સુધી હું તારી આ અમાનત દુશ્મનોના હાથમાં નહીં પહોંચવા દઉં. હું મારા પ્રાણના ભોગે પણ તેની રક્ષા કરીશ. આ વાત તને એક મરતાં, શહીદ થતા દેશભક્તને મારું વચન છે.’

'બસ, દોસ્ત...! હું તારા મોંએથી આ જ શબ્દો સાંભળવા માગતો હતો. હું હવે હું શાંતિથી મરી શકીશ.' કહેતાં કહેતાં એની આંખો મીંચાવા લાગી.

એણે એક વખત અશ્રુભરી આંખો આભારવશ નજરે કમલ સામે જોયું.

કમલની આંખોમાં પણ આ દેશભક્ત પ્રત્યે આંસુ ધસી આવ્યાં હતાં.

સહસા રાજેશના દેહને એક આંચકો લાગ્યો. એના મોંમાંથી લોહીનો કોગળો નીકળી ગયો.

આંખો બીડાઈ ગઈ.

ત્યારબાદ એક વધુ આંચકો ખાઈને તેની ગરદન એક નમી ગઈ. રાજેશ નામનો આ જવાંમર્દ દેશભક્ત દેશને માટે શહીદ ગયો હતો. કમલે એના દેહને જમીન પર સૂવડાવી દીધો. એની આંખોમાંથી શ્રધ્ધાંજલિ રૂપે બે આંસુ નીકળીને રાજેશના મૃતદેહ પર ટપકી પડ્યા.

પછી કમલ જોશીએ કેમેરાનું શું કર્યું ?

નાગરાજને કેમેરો પાછો મેળવવા માટે ક્યાં અને કેવા પગલાં ભર્યા.

મોહિની અને કમલની ફરીથી મુલાકાત થઈ શકી?

થઈ, તો કેવા સંજોગોમાં ?