Andhari Aalam - 1 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | અંધારી આલમ - ભાગ 1

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

અંધારી આલમ - ભાગ 1

Kanu Bhagdev

 

૧: દેવરાજ કચ્છી

આશરે પીસતાળીસ વર્ષની વય ધરાવતો શેઠ રતનલાલ જાબી જેટલો શરીફ, ઈમાનદાર, ભલો અને પરગજુ દેખાતો હતો, અંદરખાનેથી તે એટલો જ ક્રૂર, ઘાતકી અને કાળા કલેજાનો કાતિલ હતો. પરંતુ હમેશા ચહેરાઓ જ માણસને છેતરે છે. દિવસના સમયે ધોતિયું-ઝભ્ભામાં સજ્જ થઈ, હાથમાં ફળોની ટોપલી લઈને હોસ્પિટલમાં દર્દીઓના ખબર-અંતર પૂછવા જતા આ માણસના હાથમાં રાત પડતાંની સાથે જ ફળોની ટોપલીને બદલે વિદેશી બનાવટની રિવોલ્વર આવી જતી હતી. ધોતિયું તથા ઝભ્ભાને સ્થાને મોભાદાર સફારી સૂટ આવી જતો. એના દિવસ દરમિયાનના પોશાક, વાણી તથા વર્તનમાં રાત પડતાં જ જબરૂં પરિવર્તન આવી જતું. દિવસના ભાગમાં જોવા મળતું એનું કોમળ અને નિખાલસ વર્તન રાતે કઠોરતા તથા ક્રૂરતામાં બદલાઈ જતું હતું. દેખાવ ખાતર એકસ્પોર્ટ—ઈમ્પોર્ટનું કામકાજ કરતા આ રતનલાલનું અસલી કામ રાતના અંધારામાં જ શરૂ થતું હતું.

વિશાળગઢમાં ચાલતા અનેક કાળા ધંધાઓ જેવા કે કોકેન, ચરસ, અફીણ, બ્રાઉન સુગર જેવા નશાકારક પદાર્થો, સોના-ચાંદીની ચોરી, જુગાર તથા વરલી-મટકાના આંકડાઓ, કોલગર્લ ના અડ્ડાઓ... આ બધા ધંધાઓનો તે અંધારી આલમનો બેતાજ બાદશાહ હતો.

શહેરમાં ગુંડાગીરી કરતાં બદમાશો એના હાથ નીચે જ, એના સંકેતથી જ કામ કરતા હતા.

'સામાજિક પ્રતિષ્ઠાની સાથે સાથે રતનલાલ ઉચ્ચ કક્ષાની લાગવગ પણ ધરાવતો હતો. એના હાથ છેક દિલ્હી સુધી પહોંચતા હતા.

પરંતુ આજે...?

આટ-આટલી વગ ધરાવતો રતનલાલ અત્યારે ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. એની નિરાશાનું કારણ એક જ હતું.

પોલીસે થોડા મહિનાઓ પહેલાં એક ખૂનના આરોપસર તેના સગા ભાઈની ધરપકડ કરી હતી અને તેનો કેસ પુરાવાઓ સાથે કોર્ટમાં રજૂ કરી દીધો હતો. નીચલી બંને કોર્ટે એના ભાઈને ફાંસીની સજા ફરમાવી હતી. રતનલાલે પોતાના ભાઈને છોડાવવા માટે પુષ્કળ ધમપછાડા કર્યા, પરંતુ એના દરેક પ્રયાસો નિષ્ફળ ગયા. જે ઇન્સ્પેકટરે એના ભાઈની ધરપકડ કરી હતી, તે ખૂબ જ ઈમાનદાર કર્તવ્યનિષ્ઠ અને પૈસાને કાંકરા સમજનારો હતો. એ ગુનેગારને કોઈનીયે શેહ-શરમ રાખ્યા વગર પકડીને તેને ઘટતા ફેજે પહોંચાડીને જ જંપતો. રતનલાલે એના પર સામ તથા દામની નીતિ અપનાવી જોઈ. પરંતુ એ ફરજનિષ્ઠ ઈન્સ્પેકટર પોતાના નિર્ણય પર અડગ હતો. એને સ્વધામ પહોંચાડવાના પ્રયાસમાં પણ રતનલાલને નિષ્ફળતાનું જ મોં જોવું પડયું હતું.

સુપ્રિમ કોર્ટની બેચ વિશાળગઢમાં પણ હતી. એકના એક ભાઈને બચાવવા ખાતર એણે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી અને આવતી કાલે તેના ચુકાદાની તારીખ હતી. અલબત્ત, સુપ્રિમ કોર્ટના ચુકાદાની પણ તેને પોતાના વિસ્તૃત વર્તુળમાંથી જાણ થઈ ગઈ હતી. —અને એ ચુકાદો હતો ફાંસીનો !

એના ભાઈને ફાંસીની સજા અચૂક થવાની જ હતી ! સુપ્રિમ કોર્ટનો આ નિર્ણય કોઈ જ બદલી શકે તેમ નહોતું.

એના ભાઈ વિરુદ્ધના પુરાવાઓ એટલા બધા જડબેસલાક હતા કે રાષ્ટ્રપતિને દયાની અરજી કરવાથી પણ કોઈ લાભ નથી થવાનો એ વાત તે જાણતો હતો.

બેબાકળા તથા નિરાશ થઈ ગયેલા રતનલાલની નજર સામે અત્યારે ફક્ત બે જ વસ્તુઓ તરવરતી હતી.

પોતાના ભાઈનો ચહેરો તથા ફાંસીનો માંચડો...! ભાઈ વગરની દુનિયા તેને એકદમ વિરાન લાગતી હતી. એની મતિ મુંઝાઈ ગઈ હતી.

શું કરવું ને શું નહીં, એ તેને કંઈ જ નહોતું સમજાતું. એ કોઈ પણ ભોગે પોતાના ભાઈને છોડાવવા માંગતો હતો.

પરંતુ કઈ રીતે છોડાવવો એનો કોઈ જ માર્ગ તેને નહોતો સૂઝતો. અત્યારે પણ તે આ બાબતમાં જ વિચારતો હતો.

પછી વિચારતાં વિચારતાં અચાનક જ તેને એક માણસ યાદ આવ્યો.

વળતી જ પળે એની આંખોમાં આશાની ચમક પથરાઈ ગઈ. 'દેવરાજ કચ્છી કદાચ મારા ભાઈને બચાવી લેશે!' એ સ્વગત બબડ્યો.

દેવરાજ કચ્છી વિશે એણે ઘણું ઘણું સાંભળ્યું હતું.

આશરે અડતાળીસ વર્ષની વય ધરાવતો દેવરાજ ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વનો, વાચાળ અને વાકપટુતા ધરાવતો માણસ હતો.

એની વાકપટુતા તથા આંકડાની ઈન્દ્રજાળ જોઈ-સાંભળીને રસ્તે રઝળતો ભિખારી પણ ઘડીભર માટે પોતાની જાતને કરોડોપતિ માની બેસતો. આ ઉપરાંત  સરકારી કચેરીઓમાં કોઈ ટેન્ડર પાસ કરાવવું હોય કે ન્યાયાધીશોના નિર્ણય બદલવાના હોય તો એ કામ દેવરાજ કચ્છીનું!

એ કોણ હતો ને કયાંથી આવ્યો હતો તે કોઈ જ નહોતુ જાણતું. વિશાળગઢમાં તે છેલ્લા છ મહિનાથી જ સક્રિય થયો હતો. એ છ મહિના દરમિયાન એ પુષ્કળ ખ્યાતિ મેળવી ચૂક્યો હતો.

કોઈ શેઠને ત્યાં ઈન્કમટેક્સ કે સેલટેકસનો દરોડો પડતો ત્યાય તે દેવરાજ કચ્છીને યાદ કરતો અને દેવરાજ દરોડો પાડવા આવેલ ઑફિસરના કાનમાં કોણ જાણે કેવી ફૂંક મારતો કે એ બધા તે શેઠની માફી માગીને ચાલ્યા જતા. અલબત્ત, આવાં કામો માટે દેવરાજ પોતાની નક્કી કરેલી ફી પણ જરૂર લેતો હતો અને આવા “શેઠીયાઓ ” પણ રાજી-ખુશીથી હસતાં હસતાં તેને ફી આપવામાં જરાય આનાકાની નહોતા કરતા. બલ્કે દેવરાજ તરફથી ભવિષ્યમાં પણ આ જાતની મદદની આશા-અપેક્ષા રાખીને એની ફી કરતાં પણ વધુ રકમ આપવા તત્પર રહેતા.

કહેવાનું તાત્પર્ય એટલું કે દેવરાજ પણ ઉચ્ચ કક્ષાની વગ ધરાવતો હતો.

આમ તો રતનલાલ પોતે પણ ઉચ્ચ લાગવગ ધરાવતો હોવાને કારણે તેને ક્યારેય દેવરાજની મદદની જરૂર નહોતી પડી. પરંતુ ક્યારેક ચપટી ધૂળની પણ ખપ પડે છે, એ કહેવતનો અમલ કરીને એણે દેવરાજનો ટેલિફોન નંબર પોતાની અંગત ડાયરીમાં જરૂર લખી રાખ્યો હતો. આ નંબર “ભવિષ્યમાં ક્યારેક કામ લાગશે” એમ કહીને એના એક મિત્રએ જ તેને લખાવ્યો હતો. પરંતુ ક્યા મિત્રે ક્યારે લખાવ્યો હતો, એ તેને કંઈ યાદ નહોતું અને તેને યાદ રાખવાની કંઈ જરૂર ૫ણ નહોતી લાગી.

એણે તરત જ કબાટમાંથી ડાયરી કાઢી, એમાંથી દેવરાજનો નંબર જોઈ, આગળ વધી, ટેલિફોનનું રિસીવર ઊંચકીને એ નંબર ડાયલ કર્યો.  "હલ્લો...દેવરાજ કચ્છી સ્પીકીંગ!" થોડી પળો સુધી ઘંટડી - વાગ્યા બાદ સામે છેડેથી એક કોમળ અવાજ તેના કાને અથડાયો.

'મિસ્ટર દેવરાજ, હું રતનલાલ બોલું છું.' એણે કહ્યું.

'કોણ રતનલાલ ?' સામે છેડેથી પૂછવામાં આવ્યું.

‘રતન એકસ્પોર્ટ-ઈમ્પોર્ટવાળા રતનલાલ !'

'ઓહ...ફરમાવો સાહેબ...! આજે અચાનક જ શા માટે મારા જેવા ગરીબ માણસને યાદ કરવો પડ્યો? શું મારા જેવું કોઈ કામકાજ છે ?'

'હા, મિસ્ટર દેવરાજ !'

‘બોલો, શું કામ હતું ?'

‘એ હું આપને ફોન પર જણાવી શકું તેમ નથી. શું આપ મારા નિવાસસ્થાને આવી શકશો ?’

' જરૂર...પણ કામનો પ્રકાર શું છે એ તો કહો !'

‘સાંભળો...એ કામ મારું નથી પણ મારા ભાઈ વિશે છે.’

‘ઓહ...પરંતુ આપનો ભાઈ તો અત્યારે પોલીસના કબજામાં છે એવું મેં સાંભળ્યું છે.’ 'આપે બરાબર જ સાંભળ્યું છે અને એ બાબતમાં જ મારે આપની મદદની જરૂર છે.’ 'ઠીક છે... હું એકાદ કલાકમાં જ આપને ત્યાં પહોંચી જઈશ.’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

રતનલાલે પણ છૂટકારાનો શ્વાસ લેતાં રિસીવર મૂકી દીધું. ત્યારબાદ એણે એક નોકરને બોલાવ્યો.

‘સાંભળ...' એણે નોકરને ઉદ્દેશીને કહ્યું, ‘હમણાં એકાદ કલાક પછી એક સજ્જન મને મળવા માટે આવવાના છે. તેઓ આવે એટલે

તરત જ તેમને માનભેર મારા અંગત ખંડમાં મૂકી જજે.’

'ભલે સાહેબ...! શું તેઓ આપના પરિચિત છે ? ' નોકરે હકારમાં માથું હલાવતાં પૂછ્યું.

'ના, એનું નામ દેવરાજ કચ્છી છે. એ સિવાય બીજું ગમે તે આવે, તેને હું હાજર નથી એમ કહીને ટાળી દેજે. તારે માત્ર દેવરાજને જ મારી પાસે લઈ આવવાનો છે સમજ્યો ? ’

'હવે તું જઈ શકે છે.'

નોકર ધીમેથી માથું હલાવીને ચાલ્યો ગયો.

એના ગયા પછી રતનલાલ પોતાના ખંડમાં પહોંચ્યો.

જ્યારે કોઈના સાથે ખાસ ચર્ચા કરવાની હોય ત્યારે જ તે આ રૂમનો ઉપયોગ કરતો હતો.

ત્રીસ બાય ત્રીસના વિશાળ હોલ જેવો આ ખંડ આધુનિક સાધનોથી સજ્જ હતો. ખંડની બરાબર વચ્ચેના ભાગમાં કીમતી સોફાસેટ હતો. જમીન પર ઈરાની ગાલીચો પાથરેલો હતો, જેના પર ચાલતી વખતે તેમાં એડી સુધી પગ ખૂંચી જતા હતા. છત પર બ્લ્યૂ પ્રકાશ વેરતાં કીમતી ઝુમ્મરો લટકતાં હતાં. એક ખૂણાની કેબિનેટમાં ટેપરેકોર્ડર, કલર ટી.વી. તેમજ વી.સી.આર. વ્યવસ્થિત રીતે ગોઠવેલાં હતાં. શરાબ પીવા માટે બીજા ખૂણમાં એક બાર હતું. તેની પાછળ આવેલા કાચના શો-કેસમાં લગભગ વીસેક જાતની વિદેશી શરાબની બોટલો હારબંધ ગોઠવેલી હતી. બોટલોવાળા શો-કેસમાં બાજુમાં જ કાચના એક સ્ટેન્ડ પર બેલ્જીયમ કટના ગ્લાસ પડયા હતા. રતનલાલે ગજવામાંથી સિગારેટનું પેકેટ કાઢીને તેમાંથી એક સિગારેટ સળગાવી. પછી એ ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

ચોથી સિગારેટ પૂરી કર્યા પછી એ પાંચમી સિંગારેટ પેટાવતો હતો એ વખતે નોકર આશરે પીસતાળીસ વર્ષની વય ધરાવતાં એક માણસ સાથે અંદર આવ્યો.

'સાહેબ...' એ બોલ્યો, “મિસ્ટર દેવરાજ આવી ગયા છે.” રતનલાલે ઝડપથી સિગારેટને એશ-ટ્રેમાં પધરાવી. પછી એ ઊભો થઈને ઝડપથી આગંતુક તરફ આગળ વધ્યો.

'આવો, મિસ્ટર દેવરાજ !' એણે તેની સામે હાથ લંબાવતાં કહ્યું, 'હું આપની જ રાહ જોતો હતો.’

આપને મળીને ઘણો આનંદ થયો મિસ્ટર રતનલાલ !' દેવરાજ એની સાથે હસ્તધૂનન કરતાં બોલ્યો.

રતનલાલે નોકરને બહાર જવાનો સંકેત કર્યો. એ ચાલ્યો ગયો. ત્યારબાદ બંને સામસામે સોફા પર બેસી ગયા.

'હા, તો મિસ્ટર રતનલાલ!' દેવરાજે મુદ્દાની વાત પર આવતાં કહ્યું, ‘બોલો, મને શા માટે યાદ કરવો પડયો છે ? '

‘એ હું આપને પછી જણાવીશ. પહેલાં તો આપ શું પીશો એ કહો. અહીં લગભગ વીસેક જાતની વિદેશી શરાબ મોઝુદ છે. બોલો, કઈ બ્રાન્ડ માફક આવશે ?'

'એકેય નહીં'...!' દેવરાજનો અવાજ એકદમ શાંત હતો. એનો જવાબ સાંભળીને પળભર માટે રતનલાલના ચહેરાનો રંગ બદલાયો. કારણ કે આજ સુધી કોઈએ તેની વાતનો નકારાત્મક જવાબ નહોતો આપ્યો. બલકે એની સાથે બેસીને પીવામાં લોકો ગૌરવ અનુભવતા હતા.

પરંતુ દેવરાજે અત્યારે તેની સાથે શરાબ પીવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. અત્યારે તેની મદદની જરૂર હોવાથી રતનલાલ મનોમન સમસમીને રહી ગયો.

'મિસ્ટર દેવરાજ, હું શરાબમાં ઝેર ભેળવીને પીવડાવી દઈશ એવો ભય આપને લાગે છે!”

ભોંઠપ છુપાવવા માટે એણે સ્મિત ફરકાવવાનો પ્રયાસ કરતાં પૂછ્યુ.

'ના, જરા પણ નહીં.' દેવરાજ પૂર્વવત્ અવાજે બોલ્યો. તો પછી આપ મારી સાથે પીવાની શા માટે ના પાડો છો ?'

'મિસ્ટર રતનલાલ,' દેવરાજે ગંભીર અવાજે કહ્યું, 'આપને તે ખોટુ લાગે તો માફ કરજો. પણ દરેક માણસના પોત-પોતાના સિદ્ધાંતો હોય છે. મારા પણ અમુક સિદ્ધાંતો છે અને એ સિદ્ધાંતો મુજબ જ હું કામ કરું છું.'

'બીજાને ત્યાં ક્યારેય શરાબ ન પીવો એ વાત પણ આપના સિદ્ધાંતમાં સામેલ છે ?'

'ના..'

'તો પછી ?'

'કલાયન્ટનું કામ પૂરું થયા પછી જ હું એની રૂચિ પ્રમાણે ખાઉં-પીઉં છું. દાખલા તરીકે મારો કોઈ કલાયન્ટ ચા-કોફી પીતો હોય તો તેની સાથે ચા-કોફી પીઉં છું અને જો કોઈ કલાયન્ટ શરાબ પીતો હોય તો તેની સાથે શરાબ પણ પીઉં છું. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આપની સાથે પણ હું આપનું કામ પૂરું થયા પછી જ શરાબ પીશ. અત્યારે આપણાં બંનેનો સમય કીમતી છે એટલે આપણે નકામી વાતોમાં સમય વેડફવા કરતાં મુદ્દાની વાત કરીએ તો વધુ યોગ્ય રહેશે.”

'જરૂર...' રતનલાલ બોલ્યો, 'મિસ્ટર દેવરાજ, પોલીસે એક ખૂનના આરોપસર મારા ભાઈની ધરપકડ કરી છે. એને છોડાવવા માટે મેં મારી રીતે પુષ્કળ પ્રયાસો કર્યા છે અને આવતી કાલે એના ચુકાદાની તારીખ છે. જોકે આવનારા ચુકાદાની મને અત્યારથી જ

ખબર પડી ગઈ છે. સાંભળો મારા ભાઈની વિરુદ્ધ એવા જડબેસલાક પૂરાવાઓ છે કે તેને ફ્રાંસીથી ઓછી સજા નહીં થાય અને મારે ભાઈ ફ્રાંસીના માંચડે લટકે એમ હું નથી ઇચ્છતો. એને છોડાવવા માટે હું કોઈ પણ જાતનો ભોગ આપવા માટે તૈયાર છું.'

'તો આપ આપના ભાઈને સુપ્રિમ કોર્ટમાંથી નિર્દોષ છોડાવવા માંગો છો ખરું ને?' જાણે કશુંક શોધતો હોય એ રીતે દેવરાજે તેના ચહેરા સામે તાકી રહેતાં પૂછ્યું.

“હા...પરંતુ એના નિર્દોષ છૂટવાની શક્યતાઓ બહુ ઓછી બલ્કે નહીંવત્ જ છે.' રતનલાલના અવાજમાં નિરાશાનો સૂર હતો, ‘મેં આપનું ખૂબ જ નામ સાંભળ્યું છે અને આપની પાસેથી મને મારા ભાઈના બચાવ માટે ઘણી આશાઓ છે.’

‘હું...' દેવરાજના ગળામાંથી હુંકાર નીકળ્યો, ‘હું ગર્વ નથી કરતો પણ આપે સાચા માણસને જ યાદ કર્યો છે. આપે મને પહેલાંથી જ યાદ કર્યો હોત તો આટલું હેરાન ન થવું પડત. ખેર, આવતી કાલે બપોરે આપ આપના ભાઈ સાથે ડાયનીંગ ટેબલ પર આરામથી બેઠાં બેઠાં લંચનો સ્વાદ માણતા હશો એની ખાતરી રાખજો.'

'એટલે...?' રતનલાલે ચમકીને તેની સામે જોતાં પૂછ્યું.

‘એટલે એમ કે આપનો ભાઈ આવતી કાલે સુપ્રિમ કોર્ટમાંથી નિર્દોષ છૂટી જશે બસ ને ? '

'ખરેખર...?' આનંદના અતિરેકથી રતનલાલનો અવાજ ધ્રુજતો હતો.

'હા...પણ એને માટે આપે મારી ફી ચુકવવી પડશે.’ આપ જે કહેશો તે આપવા માટે હું તૈયાર છું. પણ મહેરબાની કરીને મારા ભાઈને બચાવી લો.”

'ખરેખર હું જેટલી રકમ માંગુ તેટલી આપશો ?'

'હા, આપ માંગો તો ખરા.’

'તો સાંભળો...આપે મને દસ લાખ રૂપિયા આપવા પડશે. અને મારી આ ફીની રકમ હું હું હંમેશા અગાઉથી લઉં છું.'

દેવરાજની વાત સાંભળીને રતનલાલ કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો. થોડી પળો સુધી વિચાર્યા બાદ જાણે કોઈક મક્કમ નિર્ણય પર આવ્યો હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાઈ ગયા.

'મિસ્ટર દેવરાજ...! આજે પહેલી જ વાર આપણો પરિચય થયો છે. આપણે બંને એકબીજા માટે અજાણ્યા છીએ. આપને અગાઉથી ફીની રકમ આપવામાં મને કોઈ વાંધો નથી. પરંતુ જો આપની ફી આપ્યા પછી પણ મારો ભાઈ નિર્દોષ નહીં છૂટે તો ? આપ જોઈએ તો હજુ પણ રકમની માંગણી વધારી શકો છો. પરંતુ મારો ભાઈ કોઈ પણ સંજોગોમાં છૂટી જશે એની ખાતરી આપે મને કરાવવી પડશે.'

'એમ?'

'હા.'

“વારૂ, કાલે જે ન્યાયાધીશ સાહેબ ચુકાદો આપવાના છે, એનાં નામ તથા ટેલિફોન નંબરની આપને ખબર છે ? '

'હા, પરંતુ એનાથી કશુંયે વળે તેમ નથી. હું એને ખરીદવાનો પ્રયાસ પણ કરી ચૂક્યો છું.

'મિસ્ટર રતનલાલ, ચુકાદો બદલવા માટે એને કેમ રાજી કરવો એ મારા માથાનો દુ:ખાવો છે. આપ મને માત્ર એનું નામ તથા ટેલિફોન નંબર જ જણાવો.'

‘તો સાંભળો, એનું નામ વિષ્ણુપ્રસાદ છે અને તેનો ટેલિફોન નંબર...એક મિનિટ, મારી ડાયરીમાં લખેલો છે. જોઈ આપું...' ત્યારબાદ રતનલાલે ડાયરીમાં જોઈને વડા ન્યાયાધીશ વિષ્ણુપ્રસાદનો ટેલિફોન નંબર તેને જણાવી દીધો.

‘વેરી ગુડ...હવે અહીં જે ફોન છે, તેનું બીજું કોઈ એકસ્ટેન્શન છે ખરું ?'

'હા, આ રૂમમાં જ, તેનું એકસ્ટેન્શન છે.”

'તો આપ એકસ્ટેન્શનવાળા ફોનનું રિસીવર હું કહું ત્યારે ઊંચકીને અમારી વાતો સાંભળજો.’

રતનલાલ ઊભો થઈને એક ખૂણામાં પડેલા એકસ્ટેન્શન ફોન તરફ આગળ વધી ગયો.

દેવરાજે આગળ વધી, ટેલિફોનનું રિસીવર ઊંચકીને વડા ન્યાયાધીશ વિષ્ણુપ્રસાદનો નંબર મેળવ્યો. સામે છેડેથી જવાબ મળતાં જ એણે રતનલાલને એકસ્ટેન્શન ફોનનું રિસીવર ઉંચકવાને સંકેત કર્યો.

‘હલો... નમસ્તે વિષ્ણુસાહેબ...!' એણે નરમ અવાજે કહ્યું. ‘નમસ્તે !” સામે છેડેથી આવતા અવાજમાં એક જાતની કઠોરતા હતી.

'સાહેબ, હું આપની સાથે ખૂબ જ જરૂરી વાત કરવા માંગુ છું.'

'તો કાલે ઑફિસમાં આવજો.'

'મારી વાતને સમજવાનો પ્રયાસ કરો સાહેબ ! હું જે વાત કરવા માંગુ છું તેમાં આપનું જ હિત છે.'

'એટલે?'

' સાહેબ...!' જાણે કોઈ પત્ર વાંચતો હોય એમ પોતાની હથેળી સામે નજર કરતાં દેવરાજે કહ્યું, 'મને ખૂબ જ આધારભૂત રીતે જાણવા મળ્યું છે કે આવતી કાલે આપનું ખૂન થઈ જવાનું છે.” કહીને એણે અર્થસૂચક નજરે રતનલાલ સામે જોયું.

રતનલાલના રહેરા પર નર્યા-નીતર્યા અચરજના હાવભાવ છવાયેલા હતા.

'શું? શું કહ્યું તમે?'

'હું સાચું કહું છું સાહેબ ! જો આપ મને પાંચ મિનિટની મુલાકાત આપો તો હું આપને વિગવાર સમજાવી શકું.'

'ઓકે... તમે મારા બંગલે આવો અને હા, બંગલામાં તમારી તલાશી લીધા પછી જ તમને દાખલ થવા દેવામાં આવશે.'

'ભલે અમે કુલ બે જણ આવીશું'.' કહીને દેવરાજે સંબંધ વિચ્છેદ કરી નાખ્યો.

રતનલાલે પણ એકસ્ટેન્શન ફોનનું રિસીવર મૂકી દીધું.

'આ બધું શું છે મિસ્ટર દેવરાજ ?'

'કંઈ નહીં...આ તો ન્યાયાધીશ પાસે પહોંચવા માટે મારી ચાલ હતી.'

'તો આપે મારા ભાઈને છોડાવવાની યોજના વિચાર લીધી છે?'

'અત્યારે તે કંઈ નથી વિચાર્યું. પહેલાં ત્યાં પહોંચીએ તો ખરા,’ બંને રતનલાલની કારમાં બેસીને વડા ન્યાયાધીશ વિષ્ણુપ્રસાદના બંગલે પહોંચી ગયા.

ત્યાં એ બંનેની તલાશી લઈને તેમને ડ્રોઈંગરૂમમાં બેસાડવામાં આવ્યા.

'મિસ્ટર રતનલાલ !' સહસા દેવરાજ બોલ્યો, 'મારે વિષ્ણુ સાહેબને મારી જાળમાં ફસાવવા માટે કેટલીયે જાતનાં નાટકો કરવાં પડશે. જો આપ મારી સાથે હશો તો તેઓ કદાચ મારી જાળમાં નહીં ફસાય એવો ભય મને સતાવે છે. અલબત્ત, મારી આ જાળ આગામી ચોવીસ કલાક પછી જ ઉઘાડી પડી જશે. પરંતુ ત્યાં સુધીમાં આપનો ભાઈ નિર્દોષ છૂટી ગયો હશે.’ ‘આપને જેમ યોગ્ય લાગે તેમ કરો.'

ત્યારબાદ દેવરાજ નોકરના સંકેતથી અંદરના ભાગમાં ચાલ્યો ગયો.

રતનલાલ ડ્રોઇંગરૂમમાં બેસીને તેના પાછા ફરવાની રાહ જોવા લાગ્યો.

બરાબર પચીસ મિનિટ પછી દેવરાજ ડ્રોઇંગરૂમમાં પાછો ફર્યો ત્યારે એકલો નહોતો.

એની સાથે આશરે પંચાવન વર્ષની વય ધરાવતો એક અન્ય માણસ પણ હતો.

એના દેખાવ પરથી તે જ વિષ્ણુપ્રસાદ છે એવું રતનલાલે અનુમાન કર્યું. દેવરાજના કપાળ પરથી પરસેવાની ધાર નીતરતી હતી.

'મિસ્ટર રતનલાલ...!' વિષ્ણુપ્રસાદે તેની સામે હાથ લંબાવતાં કહ્યું, 'ભલા માણસ, તમારે મને વાત તો કરવી જોઈએ ને કે કાલે મારે તમારા ભાઈના ભાવિનો નિર્ણય કરવાનો છે. તમ તમારે આરામથી સો મણની રજાઈમાં જઈને સૂઈ જાઓ. દેવરાજે મને બધું જ સમજાવી દીધું છે. આવતી કાલે તમારો ભાઈ નિર્દોષ છૂટી જશે માટે કશીયે ફિકર કરશો નહીં.”

એની વાત સાંભળીને રતનલાલની આંખોમાં આનંદનાં આંસુ ચમકી ઊઠયાં. ત્યારબાદ તેનો આભાર માનીને બંને બહાર નીકળી ગયા.

રતનલાલે ઘેર પહોંચીને દેવરાજને દસ લાખ રૂપિયા આપી દીધા જે લઈને દેવરાજ ચાલ્યો ગયો.

અને ખરેખર જ સૌના આશ્ચાર્ય વચ્ચે બીજે દિવસે રતનલાલનો ભાઈ સુપ્રિમ કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયો.

બપોરે બંને આરામથી ભોજન કરતા હતા કે અચાનક જ ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

રતનલાલે નેપકીનથી હાથ લૂછી નાંખ્યા.

પછી તે ઊભો થઈને ટેલિફોન પાસે પહોંચ્યો.

'હલ્લો...રતનલાલ સ્પીકીંગ !' એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું.

'મિસ્ટર રતનલાલ, હું દેવરાજ બોલું છું'. સામે છેડેથી દેવરાજનો પરિચિત અવાજ તેના કાને અથડાયો.

'અરે..આપ...!' રતનલાલે આશ્ચર્યથી પૂછયું. 'હા….પરંતુ આપ તો પાછા દેખાયા જ નહીં ? '

'મિસ્ટર રતનલાલ, આપનું કામ તો પતી ગયું છે. હવે મારી શું જરૂર છે ? હા, મારે આપની સાથે બેસીને શરાબનો એક પેગ પીવાનો છે, એ હું ગમે ત્યારે આવીને પી જઈશ. મારે લાયક બીજુ કોઈ કામકાજ હોય તો યાદ કરજો.’

'જરૂર... મિસ્ટર દેવરાજ, એક સવાલનો જવાબ આપશો ?' રતનલાલે ખમચાતા અવાજે પૂછ્યું.

'પૂછો... આપનો સવાલ યોગ્ય હશે તો જરૂર જવાબ આપીશ.'

'મેં આટઆટલા પ્રયાસો કર્યા છતાંય વિષ્ણુપ્રસાદ ન માન્યો. અને આપે માત્ર પચ્ચીસ મિનિટમાં જ તેને કેવી રીતે મનાવી લીધો?'

'મિસ્ટર રતનલાલ, આ મારી બીઝનેસ સીક્રસી છે અને એ હું કોઈનેય જણાવી શકું તેમ નથી, માફ કરજો.' કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

રતનલાલ રિસીવર મૂકીને ડાયનીંગ ટેબલ પર પહોંચી ગયો. ઉપરોક્ત પ્રસંગને એક વર્ષ વીતી ગયું.

આ એક વર્ષ દરમિયાન રતનલાલ પણ દેવરાજને સાવ ભૂલી ગયો કારણ કે ઉપરોક્ત પ્રસંગ પછી બીજીવાર દેવરાજ સાથે તેની મુલાકાત નહોતી થઈ.