Andhari Aalam - 6 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | અંધારી આલમ - ભાગ 6

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

અંધારી આલમ - ભાગ 6

૬. ધમાધમી

દીવાલની ઓથ પાછળ છૂપાયેલા કમલ જોશીએ કાન સરવા કર્યા. સીડી ચડવાનાં એકસામટાં કેટલાંય પગલાંઓને અવાજ ધીમે ધીમે ઉપર આવતો હતો.

એણે એક વાર ગોળાકાર સીડી પૂરી થતી હતી, એ ચોખંડા પ્લેટફોર્મ પર નજર દોડાવી. ઉપરના ભાગમાં સળગતા બલ્બનો પીળો પ્રકાશ ખાલી પ્લેટ ફોર્મ પર રેલાતો હતો. ખુલ્લી છતમાં ઠંડી વધારે લાગતી હતી. એણે ફરી એક વાર છતમાં ચારે તરફ દૃષ્ટિપાત કર્યો. દસેક ફૂટ દૂર એને સિમેન્ટ ભરેલી થેલીઓની થપ્પી દેખાઈ.

હરણફાળ ભરતો તે ત્યાં જઈને બંને હાથમાં એક પછી એક એમ ચાર-પાંચ થેલીઓ ઊંચકી લાવ્યો અને દીવાલ પાસે મૂકી દીધી.

ફરી એકવાર એણે નીચે નજર દોડાવી.

બરાબર એ જ પળે ગોળાકાર સીડીનું છેલ્લું પગથિયું પૂરું કરીને રહેમાને ચોખંડા પ્લેટફોર્મ પર પગ મૂક્યો. એની પાછળ બીજા પણ ચાર-પાંચ માણસો હતાં. કમલે સિમેન્ટની એક થેલી ઊંચકીને ઘા કરવાની મુદ્રામાં હવામાં તોળી રાખી, પચાસ કિલોની વજનદાર થેલીને અદ્ધર હાથે ઉંચકી રાખવાની એને કોઈ પ્રેકટીસ નહોતી. તેમ એ કોઈ જેમ્સ બોન્ડ નહોતો કે બદમાશો સામે સામી છાતીએ મેદાને જંગમાં ઊતરે. તે સીધો સાદો પણ એકદમ નિડર પત્રકાર હતો. પોતાના અખબારમાં દુનિયાને ચમકાવી મૂકે એવા સાચા સમાચાર મેળવવાનો એને શોખ હતો. આવનારી ઉપાધિ અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે એની પાસે કલેજુ અને હૈયામાં હામ હતી. ડરવાનું એ ક્યારેય શીખ્યો જ નહોતો.

પણ અત્યારે પરિસ્થિતિ જુદી જ હતી. આટલા બધા સશસ્ત્ર ગુંડાઓની ચુંગાલમાંથી સહીસલામત છટકી જવાનું એને અશક્ય લાગતું હતું.

અને હાથે કરીને સામી છાતીએ તેમનો સામનો કરવા માટે એની બુદ્ધિ તેને ના પાડતી હતી. કારણ કે એની પાસે કોઈની અમાનત હતી. —કેમેરો..! અને આ કેમેરાને તે યોગ્ય હાથમાં પહોંચાડવા માગતો હતો.

આ બદમાશો જરૂર કેમેરા માટે જ તેની પાછળ પડયા છે એ વાત તે સમજી ગયો હતો. અચાનક રાતના સન્નાટામાં રહેમાનનો ભારે, ઘોઘર અવાજ એના કાને પડ્યો.

'એ હીરોનો દિકરો ઉપર છતમાં જ ક્યાંક આડોઅવળો ભરાઈ બેઠો હશે, ચાલો, જલ્દી કરો...'

અવાજ પરથી કમલ સમજી ગયો કે બોલનાર માણસ ગુંડાનો આગેવાન છે. રહેમાન હવે સીધી સીડીનાં પગથિયાં પર પોતાના હાથી પગ મૂકતો ઉપર ચડતો હતો. અચાનક કમલ દીવાલની ઓટ છોડીને, ખુલ્લા દ્વારની વચ્ચે એ આવીને ઊભો રહ્યો.

'પધારો.. પધારો.. નામદાર...' કમલના મોંમાંથી રહેમાનને ઉદ્દેશીને શરારતભર્યો અવાજ નીકળ્યો.

કમલને ભૂતના ઓળાની જેમ અચાનક દ્વાર પર ફૂટી નીકળેલો જોઈને રહેમાન હેબતાયો.

બંને વચ્ચે હજુ દસથી બાર પગથિયાં જેટલું અંતર હતું. રહેમાને રિવોલ્વરવાળો હાથ સીધો કર્યો. હવે રિવોલ્વરની નળી કમલ જોશીની દિશામાં હતી.

'તું...” રહેમાન હેબત અને આશ્ચર્યના આઘાતમાંથી બહાર જ નીકળ્યો, ' તારી જાતને કોઈ...”

એનું વાક્ય અધૂરું રહ્યું.

કમલના હાથમાંથી જોશભેર છટકેલી સિમેન્ટ ભરેલી વજનદાર થેલી એની છાતી પર આવી પડી.

જાણે કોઈક મદમસ્ત હાથીએ કારમા રોષ અને ભયાનક આવેશથી પોતાની સૂંઢ વીંઝી હોય એવો ભીષણ પ્રહાર પગથિયાં પર ઊભા રહેલા રહેમાન પર ઝીંકાયો.

એક કારમી ચીસ એના ગળામાંથી નીકળી. એ સાથે જ તેણે સમતુલા ગુમાવી. એના પગે પગથિયાંની કંપની છોડી દીધી. એના શરીરે પાછળના ભાગમાં એક જોરદાર આંચકો ખાધો. એનો ઊથલી પડેલો કદાવર દેહ પોતાના સાથીઓ પર જઈ પડયો. પરિણામે એ બધા પણ એકબીજામાં અટવાઈને કાળમીંઢ પથ્થરતાં નક્કર પગથિયાં પર ગબડતા ગબડતા ચોખંડા પ્લેટફોર્મ પર જઈ પડયા.

કોઈકના હાથ, તો કોઈકનું માથું, તો કોઈકના પગ ભંગાયા હતા. એક બદમાશની ગરદન મચકોડાઈ ગઈ હોવાને કારણે એના ગળામાંથી કારમી ચીસો નીકળતી હતી.

પણ આ બધામાં બે માથાંનો હોય એમ રહેમાન પોતાના માથે આવી પડેલા એક બદમાશના દેહને બંને હાથેથી એક તરફ હડસેલીને મોંમાંથી બેફામ ગાળો વરસાવતો, એકદમ ઊભો થઈ ગયો.

વકરેલા ગેંડાની જેમ એના નાકમાંથી છીંકોટા નીકળતા હતા. એણે છતના બારણા તરફ નજર કરી. કમલ જોશી પોતાના હાથમાં સિમેન્ટની બીજી થેલી ઊંચકી ઘા કરવાની તૈયારીમાં જ હતો. પળભર માટે રહેમાનની આંખોમાં દહેશત ઊપસી આવી. પણ પછી તરત જ તે સ્વસ્થ થઈ ગયો.

એની આગ વરસાવતી આંખો કમલ જોશીના ચહેરા પર સ્થિર થઈ. પછી એના ગળામાંથી રાની પશુ જેવો ઘુરકાટ નીકળ્યો.

'સાલ્લા કરમચંડાળ.' એની હાંસી ઉડાવતો હોય તેમ કમલ જોશી ઊંચા અવાજે બોલ્યો, ‘હવે સંભાળજે...આ થેલી હમણાં જ તારા પર આવી પડવાની છે.' કહેતાંની સાથે જ જાણે થેલીને રહેમાન પર ઘા કરતો હોય એ રીતે એણે બંને હાથને સહેજ આંચકો માર્યો.

એ ભારે ભરખમ થેલી હમણાં જ પોતાના માથા પર ઝીંકાશે એવા ભયથી કમલ જોશીનો ઘા ચુકવવા માટે રહેમાન ખૂબ સ્ફૂર્તિથી પ્લેટફોર્મના એકદમ સામેના ખૂણામાં દીવાલ સરસો પહોંચી ગયો. પણ અહીં જ એણે થાપ ખાધી.

થેલી હજુ કમલના હાથમાં જ અદ્ધર હવામાં તોળાયેલી હતી. એ જાણતો જ હતો કે પોતાનો ઘા ચુકવવા માટે આ બદમાશ એકદમ પાછળ ખસી જશે. એટલે એણે તેને ડરાવવા માટે થેલી ફેંકવાનું નાટક જ કર્યું હતું.

રહેમાનને દીવાલ સરસો ઊભેલો જોઈ એના ચહેરા પર હાસ્ય ફરકયું. અને પછી તરત જ એણે પૂરી તાકાતથી થેલીનો ઘા કર્યો. રહેમાન આ વખતે સાવચેત હોવા છતાંય ન બચી શક્યો. થેલી જોરથી એના માથા સાથે ટકરાઈને નીચે પડેલા બે-ત્રણ માણસોના દેહ પર જઈ પડી. રહેમાનના પગ જમીન પરથી ઊખડી ગયા. એના ગળામાંથી કાનના પડદા હચમચાવી મૂકતી ભયંકર ચીસો નીકળતી હતી.

તેઓ સૌ ઉંહકારા કરતા બેઠા થવાનો પ્રયાસ કરતા હતા. આ અંધાધૂધીને લાભ કમલે ઊઠાવ્યો. એ સડસડાટ કરતો નીચે ઊતરીને પ્લેટફોર્મ પર આવ્યો.

એક બદમાશે એનો પગ પકડવાનો પ્રયાસ કર્યો, જે એણે જબરદસ્ત આંચકો મારીને છોડાવ્યો અને પછી ખૂબ ત્વરાથી ગોળાકાર સીડી પર ઘુમરીઓ ખાતો નીચે ઊતરવા લાગ્યો.

'નાલાયકો...' સહસા એને કાને રહેમાનનો, પોતાના સાથીઓને ઉદ્દેશીને કહેવાને અવાજ અથડાયો, “ઊભા થાઓ અને એનો પીછો કરો... એ જો અહીંથી છટક્યો તો પછી હાથમાં નહીં આવે.'

કમલ પાંચેક ચક્કર વટાવ્યા પછી વધુ વાતો સાંભળવા માટે થોડી પળો અટક્યો.

'બોસ...' એક બદમાશ બોલ્યો, 'ફિકર કરવાની જરૂર નથી. નીચે કંપાઉન્ડમાં “કાગડો ” બીજા ચાર માણસો સાથે ચોકી કરતો ઊભો છે.’

એ બદમાશનો અવાજ સાંભળીને કમલ થોડી વાર માટે નિરાશ થઈ ગયો કારણ કે નીચે કંપાઉન્ડમાં પહોંચી એણે પલાયન થઈ જવાનો વિચાર કર્યો હતો. પણ રહેમાનના બદમાશ સાથીના જવાબ પરથી તે સમજી ગયો કે હવે નીચે જવામાં સલામતી નથી.

સહસા એની નજર સીડીથી થોડે દૂર આવેલી એક રૂમની ઉઘાડી બારી પર પડી.

રેલિંગ કૂદીને એ બારીના પ્રોજેકશન પર આવ્યો અને અંદર નજર કરી. તે એક મોટા હોલ જેવો વિશાળ સ્ટોરરૂમ હતો. હોટલના રોજીંદા વપરાશની વસ્તુઓની પેટીઓના ખડકલા, ખાદ્ય સામગ્રીઓના ડબ્બાઓ, ભાંગેલા-તૂટેલા ફર્નીચરનો ઢગલો અને એવી જ બીજી ચીજ-વસ્તુઓ તેમાં ભરી હતી.

બારીનો ઉંબર પકડીને તે અંદર કૂદી પડયો. પછી એણે સાવચેતીથી રૂમના બારણા પાસે પહોંચીને તિરાડમાંથી બહાર નજર દોડાવી.

તેને કાંઈ જ ન દેખાયું. રાતના ત્રણ વાગ્યા હતા. બહારના ભાગમાં ઘેરી ચુપકીદી છવાયેલી હતી. સદ્ભાગ્યે એ બારણું બહારથી બંધ નહોતું. એણે બારણાને અંદરના ભાગમાં ખેંચ્યું તો તે ઊઘડી ગયું. ખૂબ જ આસ્તે કદમ બલ્કે બિલ્લી પગે એ બહાર નીકળ્યો. તે એક મોટી ચોરસાકાર લોબી હતી. લોબીની છતમાં અમુક સમાંતરે બે-ત્રણ બલ્બ સળગતા હતા.

એણે ચારે તરફ નજર કરી તો એ જ કમરાના દ્વારની બાજુમાં તેને એક સળીયા વગરની ઉઘાડી બારી દેખાઈ. કંઈક વિચારીને એણે દ્વારને બહારથી બંધ કર્યું. અને તેની સ્ટોપર તથા સાંકળ, બંને ચડાવી દીધા. પછી લોબીમાં જ આગળ વધીને તે પેલી ઉઘાડી બારીમાંથી કમરામાં પાછો પ્રવેશી ગયો અને એ બારીના બંને પટ ખેંચીને તેને અંદરથી જ બંધ કરી દીધી. "બારી બંધ થતાં જ અંધારૂં છવાઈ ગયું.

એણે ગજવામાંથી લાઈટર કાઢીને પેટાવ્યું. દીવાલમાં એક સ્થળે તેને સ્વીચબોર્ડ દેખાયું પણ લાઈટ ચાલુ કરવામાં જરા પણુ ડહાપણ નહોતું.

લાઈટરના પીળા પ્રકાશમાં તે મોટા મોટા ડ્રમની લાઈન પાછળ છૂપાઈ ગયો. સહસા નિરવ શાંતિમાં કેટલાય માણસોના પગલાંઓનો અવાજ એના કાને પડ્યો. વળતી જ પળે એણે લાઈટર બૂઝાવી નાખ્યું.

'તને બરાબર ખાતરી છે...' સહસા રાત્રિના સન્નાટામાં એક ઘેરો-ઘોઘરો અવાજ ડ્રમ પાછળ છૂપાયેલા કમલ જોશીના સરવા કાને અથડાયો, ‘કે તેં એને રેલિંગની બીજી તરફ ઊતરતો જોયો હતો?'

'હા, અને આછા અજવાળામાં મેં એને બારી પાસે પણ જોયો હતો બોસ...’ એક બીજો અવાજ સંભળાયો, ' જરૂર તે આ સ્ટોરરૂમમાં જ છૂપાયો હોવો જોઈએ.'

'તારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે...' ઘેરો, ઘોઘરો અવાજ ફરીથી સંભળાયો. કહેવાની જરૂર નથી કે તે અવાજ રહેમાનનો જ હતો, ‘તે અહીં, આ સ્ટોરરૂમમાં આવીને, આપણા હાથમાં ઝડપાઈ જવાની રાહ જોઈને બેસી રહ્યો હોય એવું તું માનતો લાગે છે.’

'સ.. સ..સોરી બોસ.'

'બોસના બચ્ચા...' રહેમાનનું વાક્ય અધૂરું રહ્યું. કારણ કે બોસનો બચ્ચો ઊર્ફે હોટલનો મેનેજર પોતાના એક માણસ સામે ક્રોધિત નજરે તાકી રહ્યો હતો.

'આ બારણું બહારથી કોણે બંધ કર્યું છે?' મેનેજર જોરથી બરાડયો, 'તને ખબર છે ને કે આ સ્ટોરને આપણે ક્યારેય બંધ નથી કરતા.'

'મને ખબર નથી...' હોટલનો નોકર ધ્રુજતા અવાજે બોલ્યો.

'સારું...પગાર લેવા આવ ત્યારે મને યાદ કરાવજે.' મેનેજર ધૂંધવાઈને ફરીથી બરાડ્યો, “તને તો ફક્ત ક્યારે ને કેટલા દિવસ પછી રજા છે તથા કયો વાર આવે છે એની જ ખબર હોય છે ખરું ને ? ઠીક...હવે આમ મારી સામે જોવાની જરૂર નથી. ચાલ, જલ્દીથી બારણું ઉઘાડ...આપણે અંદર તપાસ કરવાની છે.”

અવાજ પરથી તેઓ ચારથી પાંચ માણસો છે એવું અનુમાન કમલે કર્યું હતું. તે એક ડ્રમની લાઈન પાછળ ઉભડક પગે છૂપાઈને બેઠો હતો. પછી બેઠાં બેઠાં જ એણે અંધકારમાં પોતાના બંને હાથ ફંફોળ્યા. એનું નસીબ જોર કરતું હતું. એક મોટો તોતિંગ હથોડો એના હાથમાં આવ્યો. એની આંખો બંધ બારણા તરફ જ હતી. અંધારું હોવાથી કંઈ દેખાતું નહોતું.

પછી અચાનક બારણું ઊઘડ્યું. શક્તિશાળી ટોર્ચનો લખલખાટ અને તીવ્ર પ્રકાશ અંદર ધસી આવ્યો. એણે બે ડ્રમની વચ્ચેની ખુલ્લી તિરાડ જેવા ખુલ્લા ભાગમાંથી નજર દોડાવી.

તેઓ કુલ ચાર જણ હતા. સૌથી આગળ રહેમાન હતો.

ચારેયના હાથમાં કાળના દૂત જેવી રિવોલ્વરો ચમકતી હતી. થોડી પળો સુધી એ ચારેય બારણા પાસે જ ઊભા રહીને નજર ફેરવવા લાગ્યા.

પછી તેઓ અસ્ત-વ્યસ્ત સરસામાનને પોતાના પગેથી આમ-તેમ રૂમમાં ઊછાળતા ડ્રમની હારમાળા તરફ આગળ વધ્યા. કમલ જોશીના હાથની આંગળીઓ ખૂબ સખ્તાઈથી હથોડાના હાથા પર જકડાઈ ગઈ.

તેઓ ડ્રમની બીજી તરફ ચાલતા ચાલતા, ડ્રમની પાછળની જગ્યામાં પણ નજર કરતા હતા. કમલ જોશીની છાતી થડકી ઊઠી. પછી કંઈક નિર્ણય કરીને, અંધકારમાંથી ભૂત ફૂટી નીકળે તેમ એકદમ અણધાર્યો, અચાનક જ ઊભો થઈ ગયો.

બદમાશો અને કમલ જોશીની વચ્ચે પડેલા ડ્રમની ઊંચાઈ ચારેક ફૂટની હતી તેથી તેઓ પરસ્પરને જોઈ શક્યા.

કમલ જોશીને અચાનક જ પોતાની સામે જોઈને તેઓ થોડી પળો માટે ખૂબ જ ડઘાઈ ગયા. અને આ તક કમલે આબાદ ઝડપી લીધી. વિજળી વેગે એના હાથમાંથી હથોડો છૂટ્યો અને સામે ઊભેલા એક બદમાશના હાથમાં જકડાયેલી શક્તિશાળી બેટરીના ભૂક્કા બોલાવતો કોઈક અગોચર ખૂણામાં ગૂમ થઈ ગયો. સ્ટોર રૂમમાં ફરીથી અંધકાર છવાઈ ગયો.

હથોડો ફેંક્યા પછી કમલ જોશી તરત જ એકદમ નીચે બેસી ગયો અને અંધકારમાં જ ઉભડક પગે ડ્રમની લાઈનમાં બારણા તરફ આગળ વધીને ત્યાં પડેલી લાકડાની બે મોટી પેટીઓ પાછળ છૂપાઈ ગયો.

ફરીથી એણે હાથ ફંફોળ્યા. આ વખતે પણ નસીબે તેને સાથ આપ્યો. એના ફંફોળાતા હાથને સોડા વોટરના ખોખાનો સ્પર્શ થયો એણે હાથ ફંફોળવાનું ચાલુ રાખ્યું. એના હાથમાં સોડાની બોટલ આવી. એ આખું ખોખું બોટલથી ભરેલું હતું.

એણે બંને હાથમાં એક એક બોટલ ઊંચકી લીધી અને પછી અનુમાનના આધારે બદમાશ ઊભા હતા તેની વિરુદ્ધ દિશામાં ખૂબ જોરથી એક બોટલનો ઘા કર્યો.

બોટલ હવાને કાપતી-ચીરતી સીધી સામે છેડે આવેલી દીવાલ સાથે જોરથી ટકરાઈ. વળતી જ પળે તે ફૂટી. વાતાવરણમાં જાણે બંદૂકની ગોળી છૂટી હોય એવો ભીષણ ધમાકાનો અવાજ ગૂંજી ઊઠ્યો.

‘સાવધાન...” મેનેજરનો ભયથી થરથરતો અવાજ આવ્યો, 'એ નાલાયક પાસે બંદૂક લાગે છે.’

'બંદૂકના દિકરા...' રહેમાન જોરથી ગર્જી ઊઠ્યો, ‘અહીં તારો બાપ એને બંદૂક આપી ગયો હોય? માળા મૂરખ, એટલુંય નથી સમજતો કે આ અવાજ ગોળીનો નહીં પણ સોડા- વોટરની બોટલનો છે અને...' એની વાત અધૂરી રહી.

એક વધુ બોટલ તેઓ ઊભા હતા ત્યાં આવીને પડી. જમીન પર પડતાંની સાથે જ એ પણ જોરદાર અવાજ સાથે ફૂટી. બોટલના તૂટેલા કાચનો એક ટૂકડો રહેમાનના ગાલને ચીરીને ક્યાંક અદૃશ્ય થઈ ગયો. રહેમાનની આંખોમાં લોહી ઊતરી આવ્યું. એણે રિવોલ્વરમાંથી ગોળી છોડી. પળ બે પળ માટે વિજળીના ચમકારાથી જે પ્રકાશ થાય, એવું અજવાળું પાથરતી બે ગોળીઓ આગનો લીસોટા ખેંચતી કમલ જોશીના માથા પરથી પસાર થઈ. દીવાલમાં ટકરાઈને તેનું પ્લાસ્ટર - ઉખેડતી અંદર ખૂંચી ગઈ.

અંધારૂ હોવાથી રહેમાનનું નિશાન ખાલી ગયું હતું. 'મેનેજર...' એ જોરથી બરાડયો, ' સ્વીચ બોર્ડ કયાં છે? જાજા લાઈટ કર...અંધારૂ હોવાથી એ પોતાની જાતને સિંહ માની બેઠો છે.'

મેનેજર રહેમાનને મનોમન ખાટી-મીઠી ચોપડાવતો સ્વીચ બોર્ડ તરફ આગળ વધ્યો. રહેમાનના ચિરાઈ ગયેલા ગાલના ઝખમમાં તીખી પીડા થતી હતી અને તેના ગળામાંથી ઉંહકારા નીકળતા હતા. એનો લોહી-લુહાણ ચહેરો ખૂબ ભયંકર લાગતો હતો.

ક્રોધથી આંધળાભીંત બનીને એણે ઉપરા ઉપરી બે વધુ ગોળીઓ છોડી. ક્રોધાવેશમાં એને દિન-દશાનું ભાન નહોતું. પરિણામે બેમાંથી એક ગોળી સીધી બંધ દ્વાર સાથે અથડાઈ અને બીજી ગોળી સ્વીચ ચાલુ કરવા જઈ રહેલા મેનેજરનો ડાબો કાન વીંધીને અલોપ થઈ ગઈ.

જાણે કાન પર કોઈકે સળગતો અંગારો ચાંપ્યો હોય એવો ભાસ મેનેજરને થયો. એણે કાન પર હાથ ફેરવ્યો તો માંસનો લોચો એના હાથમાં આવ્યો. એની જિંદગીમાં પહેલી જ વાર આવો ખોફનાક પ્રસંગ આવ્યો હતો.

એના રૂંધાતા કંઠમાંથી એક કાળજગરી ચીસ નીકળી પડી.. પછી તે સ્વીચ બોર્ડથી બે-ત્રણ ફૂટ દૂર જમીન પર જ ઢળી પડ્યો. એની ચીસનો અવાજ રહેમાને સાંભળ્યો. દુનિયાભરનો રોષ એનામાં ઊભરાયો.

જે વાત એણે એકદમ સહેલી અને સટ માની હતી, હકીકતમાં તે ખૂબ જ કઠીન પૂરવાર થઈ હતી.

એણે માન્યું હતું કે મુંબઈથી ફિલ્મી હીરો બનવા આવેલ માણસને પોતે આંખના પલકારામાં પકડીને તેની પાસેથી બળદેવ વિશે બાતમી કઢાવી લેશે અને બળદેવે તેને કેમેરો સોંપ્યો હશે તો એ પણ મેળવી લેશે. પરંતુ એણે જેને મગતરૂ માન્યો હતો એ તો દિપડા જેવો ચપળ અને શિયાળ જેવો લુચ્ચો નીકળ્યો. અચાનક એ વિચારધારામાંથી બહાર નીકળ્યો.

એના બે સાથીઓ અંધકારમાં જ ડાફોરીયા મારતા કમલ જોશીને શોધવા જતાં કંઈક વસ્તુ સાથે ભટકાયા.

'સાલ્લા આંધળા...દેખાતું નથી? જોઈને ચાલતો હો તો...’ બેમાંથી એકનો ક્રોધિત અવાજ હોલમાં ફરી વળ્યો.

આવી વિકટ સ્થિતિમાં પણ કમલને હસવું આવ્યું. એટલા માટે કે અંધારું એટલું ગાઢ હતું કે આંખો ઉઘાડીને ચાલનારને પણ કંઈ જ દેખાય તેમ નહોતું.

નીચે ગબડી પડેલો બદમાશ બબડતો બબડતો ઊભો થઈ ગયો. પછી એણે ચારે તરફ નજર ફેરવી પણ કંઈ જ દેખાયું નહીં. એની આંખો સામે અંધારાના થર બાઝતા હતા. અનુમાનના આધારે તે દ્વાર તરફ આગળ વધ્યો.

છાતી સામે એકદમ સીધાલાંબા થયેલા એના બંને હાથ બારણા પર જઈ પડયા. ફંફોળાતા હાથમાં હેન્ડલ આવતાં જ એણે આંચકો મારીને બારણું ઊઘાડી નાખ્યું. બીજી જ પળે લોબીમાં સળગતા બલ્બનું અજવાળું અંદર ધસી આવ્યું. કમલ જોશીએ જોયું એકબે બદમાશો નીચે ગબડી પડયા હતા

 

મેનેજર બેભાન હતો. રહેમાન આંખો ચોળતો હતો. સમય ગુમાવ્યા વગર એ ઊભડક પગે જ બારણા પાસે પહોંચ્યો. ઊભા થતા પહેલાં એણે ફરી એક વાર હોલમાં નજર કરી. અહીં અંદરની સ્થિતિ પૂર્વવત હતી.

પેલા બંને બદમાશો ઊઘાડા બારણાની બહાર નીકળીને લોબીમાં જ ક્યાંક અદૃશ્ય થઈ ગયા હતા. એ છૂપાવાના સ્થળેથી ઊભો થયો અને જોરથી બારણા તરફ કુદ્યો. વળતી જ પળે તે દ્વારમાંથી સડસડાટ કરતો બહાર નીકળ્યો. લોહીયાળ આંખે રહેમાને તેને નાસતો જોયો.

' પકડો... પકડો...' હતી એટલી તમામ શક્તિ એકઠી કરીને એણે ખૂબ જોરથી બૂમ પાડી.

એનો ઊંચો અવાજ લોબીમાં પહોંચી ગયેલા બંને બદમાશોના કાને અથડાયો. બંનેએ ઝડપથી પીઠ ફેરવી.

એ જ પળે વંટોળિયાની જેમ ધસી આવતા કમલને એમણે જોયો. તેઓ કંઈ સમજી શકે એ પહેલાં જ કમલ તેમની એકદમ નજીક પહોંચી ગયો. બેમાંથી એકની પાસે રિવોલ્વર હતી. અચાનક જાણે સંમોહન તૂટ્યું હોય એમ એનો રિવોલ્વરવાળો હાથ સીધો થયો.

પરંતુ એ ગોળી છોડે તે પહેલાં જ એના હાથ પર કમલનો હાથ પડયો અને ત્યારબાદ શું થયું, કેવી રીતે થયું તે એને સમજાય એ પહેલાં તો તેના પેટ પર કમલની લાત ઝીંકાઈ. એ સાથે જ કમલે ખૂબ જોરથી એનો હાથ મરડયો અને પીડાથી ચીસો પાડતા એના દેહને બીજા બદમાશ પર ધકેલી દીધો. બંને એકબીજા સાથે અટવાઈને નીચે પટકાયા. કમલે જોરથી લીફટ તરફ દોટ મૂકી. સદ્ભાગ્યે ઓટોમેટીક લીફટ ઉપર જ હતી. બારણું ઉઘાડીને એ અંદર પ્રવેશ્યો. યંત્રવત્ રીતે એણે બંને જાળી બંધ કરી અને પછી પેનલ પર સ્થિત ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દબાવ્યું. લીફટ સડસડાટ કરતી નીચે ઊતરવા લાગી. જોતજોતામાં જ તે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી પહોંચી. બારણું ઉઘાડીને કમલ બહાર નીકળ્યો. આ વખતે નસીબે તેને યારી ન આપી.

કંપાઉન્ડમાં ફાયર એસ્કેપની સીડી પાસે રહેમાનનો એક માણસ કે જે અંધારી આલમમાં "કાગડા"ના ઉપનામથી ઓળખાતો હતો, તે પોતાના બે-ત્રણ માણસો સાથે રિસેપ્શન પર કોઈકને ફોન કરવા આવ્યો હતો.

લીફટ રિસેપ્શનથી પચાસેક ફૂટ દૂર હતી. કાગડાના બીજા સાથીદારો સાવચેતીથી ચારે તરફ નજર દેડાવતા હતા. અચાનક લીફટનું બારણું ઉઘડવાનો અવાજ સાંભળીને કાગડાની નજર એ તરફ ગઈ.

એ જ પળે કમલ જોશીએ લીફટમાંથી બહાર પગ મૂક્યો હતો. બીજા બદમાશોએ પણ કમલને જોયો. 'કાગડા...' એક બદમાશે જોરથી બૂમ પાડી. 'આ રહ્યો...એ હીરો.."

કમલ ચમક્યો. કાગડાના નામનો ઉલ્લેખ તે ઉપર કોઈક બદમાશના મોંએથી તે

સાંભળી ચૂક્યો હતો. એ વધુ વિચારે તે પહેલાં જ કાગડાનો રિવોલ્વરવાળો હાથ તેણે પોતાની સામે લંબાતો જોયો. પછીની પળે ભીષણ શોર મચાવતી ગોળી છૂટી.

એ ગોળી કમલના કાન પાસેથી અંદરની દીવાલ સાથે અથડાઈ. સૂસવાટો બોલાવતી લીફટમાં

કમલ ભયના કારણે પગથી માથા સુધી થરથરી ગયો. નજીકથી પસાર થઈ ગયેલી ગોળીનો ગરમાવો હજુ પણ તે અનુભવતો હતો.

આંખના પલકારામાં તે લીફટની બાજુમાં આવેલી લોબીમાં કૂદ્યો અને પછી એણે તીર વેગે એકદમ આંધળી દોટ મૂકી. દોડતો દોડતો તે હોટલના કીચનમાં દાખલ થઈ ગયો. તેની પાછળ કાગડો અને તેના માણસો પણ હતા.

સવાર થવાની તૈયારી હતી. કીચન ખાલીખમ હતું. તે પાછલું બારણું ઉઘાડીને એકદમ બહાર નીકળી ગયો. એ એક અંધારી ગલી હતી.

સવારના ત્રણ વાગી ગયા હતા. દોડતા દોડતા એ હવે ખૂબ જ હાંફી ગયો હતો. એની પાછળ જમદૂત જેવા બદમાશો ધસી આવતા હતા. વચ્ચે વચ્ચે ગોળીઓ પણ છોડતા હતા.

એમનું નિશાન ચૂકવવા માટે તે સર્પાકારે આડો-અવળો દોડતો હતો.

એના ગ્રહો અવારનવાર તેની સાથે સંતાકુકડી રમતા હતા. અહીં એના કોઈક ઉચ્ચ ગ્રહે એની તરફેણ કરી. એ જે અંધારી - સાંકડી ગલીમાં દોડતો હતો, એમાંથી બહાર નીકળ્યા પછી એની સામે ઊભી - આડી – સીધી એમ એકબીજીને ક્રોસ કરતી ગલીઓની જાણે કે જાળ હતી.

તે એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી... જમણી, ડાબી વળાંકવાળી ગલીઓમાં આડો-અવળો દોડતો હતો. એના મોંમાંથી લાળ ટપકતી હતી. પગમાં શક્તિ નહોતી રહી.

એની પાછળ કાળના દૂત જેવા બદમાશો પીછો કરતા હતા. આ હોટલનો પાછલો ભાગ હતો.

પાછળ દોડતા બદમાશોની નજર એના પર જ હતી. ગલીઓની ભૂલ ભૂલામણી ભરેલી જાળ એને થાપ ખવડાવી જે ગલીઓને તે વટાવી ગયો હતો, ત્યાં જ પાછી લઈ આવતી હતી. એની ચારે તરફ આકાશને આંબવા મથતી આલીશાન ઈમારતી હતી. સહી-સલામત છટકી જવા માટે એની બેચેન આંખો ચારે તરફ ફરતી હતી.

આ સ્થળ મુનલાઈટ હોટલની આસપાસ જ હતું અને એટલા વિસ્તારમાં જ તે ઘુમરીઓ ખાતો ફરતો હતો.

પાછળ પડેલા ગુંડાઓ દેશદ્રોહી હતા, દેશના દુશ્મનો જ - પણ અસલમાં તેઓ કોણ હતા ને સમાજમાં તેમની શું હેસિયત કે એ વિશે તે અજાણ જ હતો. એટલું ચોક્કસ હતું કે તેઓ દેશના કાયદા-કાનૂનને ઘોળીને પી ગયા હતા. કારણકે ગોળીઓ છોડવામાં તેઓ લગીરે અચકાતા નહોતા. આ બધી ધમાલ કેમેરા માટે હતી અને કેમેરો તે જીવના જોખમે પણ બચાવવા માગતો હતો.

દોડતાં દોડતાં જ્યારે એની શક્તિના એક એક કણ ખર્ચાઈ ગયા ત્યારે તે ઊભો રહી ગયો. એની નજર એક સાંકડી સડકની બીજી તરફ આવેલી એક વિશાળ બહુમાળી ઈમારત પર સ્થિર થઈ.

હજુ અંધારું હતું. લોકોની આવ-જા શરૂ નહોતી થઈ. એની નજર ઈમારતના ગ્રાઉન્ડ ફલોર પર આવેલા એક ફ્લેટની બારી પર ગઈ.

બારીના કાચમાં ટ્યુબલાઈટનો પ્રકાશ ચમકતો હતો. એ ફ્લેટમાં રહેનારાઓમાંથી કોઈક જાગી ગયું હતું અથવા તો પહેલાંથી જ જાગતું હતું. પોતે ક્યાં છે એની કમલને ખબર નહોતી અને ગુંડાઓ ક્યારે કઈ દિશામાંથી આવીને તેને ઘેરી વળે એ કાંઈ કહેવાય તેમ નહોતું. એમની ચુંગાલમાંથી છટકવાના વિચારથી, કોઈક અજ્ઞાત પ્રેરણાથી પ્રેરાઈને તે ફ્લેટના દ્વાર પાસે જઈ ઊભો રહ્યો. પછી એની આંગળી યંત્રવત્ ડોરબેલની સ્વીચ પર દબાઈ. ફલેટના અંદરના કોઈક ભાગમાં ઘંટડીનો અવાજ રણક્યો.

હાંફી રહેલા કમલની વ્યાકુળ આંખો સડક પર દૂર દૂર સુધી ફરતી હતી. અહીં કદાચ આશ્રય નહીં મળે તો ? આ વિચાર એના દેહ, હૃદયમાં નિરાશા ભરી દેતો હતો.

સહસા અંદરથી દ્વાર તરફ આવવાનો કોઈકનો પગરવ સંભળાય. પછી કોઈક વ્યુ ફાઈન્ડર ગ્લાસમાંથી નજર કરે છે એવો તેને ભાસ થયો.

એ ખૂબ જ હતાશ અને બેબાકળો બની ગયો.

કોઈક ફ્લેટનું બારણું ઉઘાડીને પોતાને અંદર આવવા દેશે. એવો પોતાનો વિચાર જ બેવકૂફીભર્યો હતો એવું તેને લાગ્યું.

એનાં વસ્ત્રો ગંદાં ધૂળવાળાં અને અસ્તવ્યસ્ત હતાં. માથાના વાળ જીંથરા જેવા થઈ ગયા હતા. પહેલી નજરે કોઈ એને ચોર ડાકુ માની લે, એવો એનો દેખાવ અને દીદાર હતા. પછી દ્વાર પાસેથી પગલાંનો અવાજ દૂર થતો ગયો.

જે કોઈ બારણાં પાસે આવ્યું હતું, એ આઈ ગ્લાસમાંથી જોઈને જ પાછું ચાલી ગયું હતું.

એનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો હતો.

વસ્ત્રો તાર-તાર હતાં અને રહી રહીને તે સર્વાંગે કંપતો હતો. પળભર તો એને નજીકમાં કોઈ પોલીસ ચોકી હોય તો જવાનો વિચાર આવ્યો. પણ વળતી જ પળે તેને પેલા ગુપ્તચરની વોર્નિંગ યાદ આવી. એણે તેને કોઈનો પણ વિશ્વાસ ન કરવાની ભલામણ કરી હતી. પોલીસ પાસે જવાથી તો ઊલટું ફસાઈ પડવાનો ભય હતો. ગુપ્તચરના કહેવા પ્રમાણે તો પોલીસ પણ ગુંડાઓના હાથમાં કઠપૂતળીની જેમ નાચતી હતી.

સહસા એના નિરાશ ચહેરા પર દઢતાની રેખાઓ છવાઈ. નહીં...નહીં... એ વિચારતો હતો. પોતે હરગીઝ હિંમત નહીં હારે. જો પોતે હિંમત હારશે તો કાંઠે આવીને ડૂબવા જેવું થશે. ગમે તેમ કરીને પણ પોતે કોઈક સલામત, સુરક્ષાભર્યું આશ્રય-સ્થાન શોધવું જ પડશે. કાળા માથાનો માનવી શું નથી કરી શકતો....?

થોડા પૈસા હોવા છતાં પણ આવી લઘર-વધર હાલતમાં વગર સામાને કોઈ હોટલમાં પણ તેને કોઈ બૂક કરે તેમ નહોતું.

બાપડો કમલ જોશી...

પોતાના અખબાર માટે વિશાળગઢની અંધારી આલમ વિશે -માહિતી મેળવવા આવ્યો હતો અને પછી અણધાર્યો જ મોટી મુશ્કેલીમાં આવી પડયો હતો.

હવે અહીં ઊભા રહેવાનો કોઈ અર્થ નહોતો.

એણે જવા માટે પગ ઉપાડયો અને પછી એકદમ થીજી ગયો. અંદરથી ફરી એક વાર દ્વાર પાસે આવવાના કોઈકના પગલાંનો અવાજ સંભળાયો. એ આશાભર્યા ચહેરે અને ઉત્સુક નજરે બંધ દ્વાર સામે, જાણે પોતાના તકદીરનું દ્વાર હોય અને એના ઉઘડવાની રાહ જોતો હોય તે રીતે તાકી રહ્યો. અને પછી સાચેસાચ બારણું ઉઘડ્યું.

બારણું ઉઘાડનાર એક વૃદ્ધ માનવી હતો, તે નાઈટ સૂટમાં સજ્જ હતો. એની આંખો પર નંબરવાળા ચશ્મા હતા અને કાચ પાછળ ડોકિયાં કરતી એની નજર ખૂબ બારીકાઈથી કમલનું અવલોકન કરતી હતી.

ઇચ્છા હોવા છતાં પણ કમલ કશુંય ન બોલી શક્યો. એ બસ, ખૂબ જ આશાભરી આંખે, કરૂણ હાવભાવભરી, જાણે યાચના કરતો હોય એમ તેની સામે તાકી રહ્યો.

પછી જાણે કોઈ નાના બાળકના ચહેરા પર હાસ્ય ફરકે એવું ભોળું ભટાક, હળવું હાસ્ય – આછેરું પણ મોહક સ્મિત એ વૃદ્ધના ચહેરા પર ફરક્યું.

'મારી પાછળ આવ...' એના ગળામાંથી નંખાઈ ગયેલો અશક્ત અવાજ નીકળ્યો.

પછી એણે કમલને સંકેત કર્યો. કમલ યંત્રવત્ રીતે જ અંદર પ્રવેશ્યો. વૃદ્ધે પીઠ ફેરવીને બારણું પૂર્વવત્ રીતે બંધ કરી દીધું. પછી તે કમલને બાથરૂમ પાસે લઈ ગયો.

'તું ફ્રેશ થઈ જા. હું તારા માટે કપડાં લાવું છું.'

કહીને કમલના જવાબની રાહ જોયા વગર વૃદ્ધ અંદરના ભાગમાં ચાલ્યો ગયો.

કમલે બૂટ-મોજાં કાઢી નાંખ્યા. મનોમન તે ખૂબ જ આશ્ચર્ય અનુભવતો હતો. એની નજર પ્રવેશદ્વારની બાજુમાં પડેલા શુ-સ્ટેન્ડ પર પડી સ્ટેન્ડમાં સાત-આઠ લેડીઝ ચપ્પલો અને સેન્ડલની જોડી પડી હતી. થોડી વાર પછી વૃદ્ધ જ્યારે પાછો આવ્યો ત્યારે એના હાથમાં પટ્ટાવાળો એક નાઈટ-ડ્રેસ અને ટુવાલ હતા.

કશુંયે બોલ્યા વગર કમલે યંત્રવત્ એના હાથમાંથી કપડા લીધાં અને પછી બાથરૂમમાં ચાલ્યો ગયો.