Andhari Aalam - 14 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | અંધારી આલમ - ભાગ 14

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

અંધારી આલમ - ભાગ 14

૧૪ : દેવરાજનો દાવ

દેવરાજ કચ્છી તથા અજીત અત્યારે એક પબ્લિક ટેલિફોન બૂથમાં ઊભા હતા.

દેવરાજના હાથમાં ટેલિફોનનું રિસીવર જકડાયેલું હતું. એ ખૂબ જ પ્રભાવશાળી અવાજે નાગરાજન સાથે વાત કરતો હતો.

'મિસ્ટર નાગરાજન...! તમારી સલાહકાર રીટાએ પચાસ લાય તે રૂપિયાનું સોનું ચામડાની એક બેગમાં ભરીને લાવવાનું છે.'

'ઠીક છે...' સામે છેડેથી નાગરાજનનો નિરાશાભર્યો અવાજ તેને સંભળાયો, ‘સોનું લઈને રીટા જ આવશે.’

'મિસ્ટર નાગરાજન, અમે તમને અગાઉ પણ ચેતવણી આપી ચૂક્યા છીએ તે મુજબ સોનું સોંપ્યા પછી, અમને શોધવાનો તમારે કોઈ જાતનો પ્રયાસ નથી કરવાનો! જો તમે આવો કોઈ પ્રયાસ કરશો તો તમારી સિન્ડિકેટનો શું અંજામ આવશે એની તૈયારી તમે કરી લેજો.'

'તમારી આ ધમકી હું સાંભળી ચૂક્યો છું મિસ્ટર..!'

'ધમકી તો માત્ર પોકળ જ હોય છે મિસ્ટર નાગરાજન ! હું તમને ધમકી નથી આપતો ! ચેતવણી આપું છું. જો તમે આ ચેતવણીની અવગણના કરીને અમારી વિરુદ્ધ કોઈ પગલાં ભરશો તો..' દેવરાજે બાકીનું વાક્ય અધૂરું મૂકી દીધું.

'અમે તમારી વિરૂદ્ધ કોઈ જાતનાં પગલાં ભરવા નથી માંગતા. તમારે પણ સોનું મળી ગયા પછી ભવિષ્યમાં અમને હેરાન નથી કરવાના !'

'જરૂર... આ બાબતમાં હું તમને વચન આપું છું.'

'વારૂ, રીટાએ સોનું લઈને ક્યાં આવવાનું છે ?'

આ બાબતમાં અમે તમને બહુ તકલીફ આપવા નથી માંગતા. રીટાએ ચામડાની બેગમાં સોનું ભરીને કાલે રાત્રે બરાબર સાડા નવ વાગ્યે વિશાળગઢ રેલ્વે-સ્ટેશનની સામે આવેલા ગેલેકસી થિયેટરમાં આવવાનું છે.’

‘ગેલેક્સી થીયેટર...?'

'હા...હવે ધ્યાનથી સાંભળો...અમને ફસાવવા માટે તમે જરૂર તમારી સિન્ડિકેટના માણસોની જાળ ગેલેકસી થિયેટર પાસે પાથરશે તે અમે જાણીએ છીએ.’

“ના...મારો એવો કોઈ વિચાર નથી.”

'કદાચ હોય, તો પણ તે માંડી વાળજો. ખેર, જો તમે સોનું લેવા આવનાર માણસને પકડી લેશો તો પણ એનાથી અમને કોઈ ફર્ક નથી પડવાનો કારણ કે, એ માણસને પકડાયેલો જોઈને તરત જ પેલા ઓગણત્રીસ ફોટાઓ દિલ્હી પહોંચી જશે અને દિલ્હીમાં તમારી કોઈ જાતની લાગવગ નહીં ચાલે!'

'તમારી વાત બરાબર રીતે મારા મગજમાં ઊતરી ગઈ છે.'

'તો, કાલે રાત્રે બરાબર સાડા નવ વાગ્યે રીટાએ સોના સાથે ગેલેકસી થીયેટરની અપર સ્ટોલની બારી પાસે પહોંચવાનું છે. બાકીનું બધું અમે સંભાળી લેશું.'

'એટલે...?'

'એટલે એમ કે અમે તેની પાસેથી સોનું મેળવી લેશું.'

'બારી પાસેથી જ?'

'મિસ્ટર નાગરાજન... તમે તો જબરા પંચાતિયા માણસ લાગો છો ! રીટા પાસેથી સોનું કેવી રીતે મેળવવું, એ અમારા માથાનો દુઃખાવો છે.. આ દુઃખાવો તમે દવા લેશો તો પણ નથી જવાનો. તમે તો માત્ર તમને જેટલું કહેવામાં આવ્યું છે, એટલું જ કરો અને ખાસ વાત...બેગમાં અસલી સોનું જ હોવું જોઈએ...

'સોનું અસલી જ હશે, માટે નચિંત રહો...'

'વેરી ગુડ...'

‘સોનું તો તમને મળી જશે મિસ્ટર...પરંતુ તમે અમને રીલ ક્યારે સોંપશો ?'

‘એ અમે તમને રજીસ્ટર્ડ પોસ્ટ પાર્સલથી મોકલી આપીશું.'

‘તમે અમારી સાથે દગો તો નહીં કરોને?'

'મિસ્ટર નાગરાજન...!” દેવરાજનો અવાજ મક્કમ હતો.

'સોનું મળ્યા પછી અમારે તમને તથા તમારી સિન્ડિકેટને ભૂલી જવાની છે...બલ્કે ભૂલી જવામાં જ અમારું હિત છે, એની અમને ખબર છે.'

'ઓ. કે... કાલે રાત્રે સાડા નવ વાગ્યે રીટા સોનું લઈને તમારી પાસે પહોંચી જશે.’

‘મારી પાસે નહીં... ગેલેક્સી થિયેટરની અપર સ્ટોલની બારી પાસે...'

‘ભલે...ત્યાં પહોંચી જશે. તમે જેમ કહેશો તેમ જ થશે મારા પિતાશ્રી... !'

'નાગરાજન... તમે અંધારી આલમના બાદશાહ ઊઠીને અમને પિતાશ્રી કહો છો?'

'હા... તમે તમારી જાતને મારા પિતાશ્રી તરીકે પુરવાર કરી બતાવી છે એટલે કહેવું જ પડે ને?'

'થેંક્યું નાગરાજન... ગુડ બાય...'

દેવરાજે રિસીવરને હૂક પર ટાંગી દીધું. 'દેવરાજ...!' અજીતે સ્મિત ફરકાવતાં પૂછ્યું, 'તે શા માટે થેંક્યું કહ્યું ?'

'નાગરાજન નામના નાગે આપણને બાપ માની લીધા છે..!' દેવરાજે જવાબ આપ્યો, 'ચાલ હવે....'

બંને બૂથમાંથી બહાર નીકળ્યા. ત્યારબાદ તેઓ ગુમાનસિંહ રોડ તરફ પગપાળા જ આગળ વધ્યા. ગુમાનસિંહ રોડ પર જ એક ત્રણ માળની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર અજીતનો બે રૂમવાળો નાનકડો ફ્લેટ હતો.

રાતના આઠ વાગ્યા હતા. સડક પર ચિક્કાર ભીડ હતી. દસેક મિનિટમાં જ તેઓ અજીતના ફ્લેટ પાસે પહોંચી ગયા. અજીત ગજવામાંથી ચાવી કાઢીને પહેલાં તાળું અને ત્યારબાદ બારણું ઉઘાડ્યું. બંને ફ્લેટમાં દાખલ થયા. અજીતે બારણાંની બાજુમાં રહેલી એક સ્વીચ દબાવીને ટ્યુબલાઈટ ચાલુ કરી.

ત્યારબાદ તેઓ એ રૂમમાં જ એક સોફા પર બેસી ગયા. સોફાની સામે સ્ટૂલ પર પેપરવેઈટની નીચે ગેલેક્સી થિયેટરની એક ટિકિટ પડી હતી.

'આ ટિકિટ “ડી” રોની દસ નંબરની સીટની છે!' દેવરાજે સ્ટૂલ પરથી ટિકિટ ઊંચકતાં કહ્યું, 'રીટા આ સીટ પર સોનું ભરેલી ચામડાની બેગ મૂકી દેશે... એને સિન્ડિકેટના માણસોને લઈને અંદર જવાનો સમય નહીં મળે. થિયેટરના હોલમાં અંધારુ હશે. ફિલ્મ શરૂ થઈ ગઈ હશે. રીટા થિયેટરના હૉલમાં દાખલ થશે. એટલે હું ટોર્ચ ચમકાવીને તેને “ડી” રોની દસ નંબરની સીટ પર પહોંચાડી દઈશ ! તે સોનું ભરેલી બેગને ત્યાં મૂકીને પાછી ચાલી જશે! એ બહાર ન નીકળી જાય ત્યાં સુધી હું બેગ પર નજર રાખીશ. એ બેગ મૂકે કે તરત જ તારે તારું કામ શરૂ કરી દેવાનું છે. તારે એ વખતે “ઈ” રોમાંથી “ ડી” રોની દસ નંબરની સીટ પર પહોંચીને એ કબજે કરી લેવાની છે.. ત્યારબાદ તારે શું કરવાનું છે, એની તો તને ખબર જ છે.'

‘હા... એ બેગ કબજે કરીને મારે મારી સીટ પર પહોંચવાનું છે.' અજીત સહમતિસૂચક ઢબે માથું હલાવતાં બોલ્યો, ‘એ સીટનુ રેકઝીન ફાડીને આપણે તેમાં પોલાણ બનાવી ચૂક્યા છીએ. અલબત્ત તો અત્યારે એ રેકઝીનની નીચેનું સ્પંજ યથાવત રીતે જ પડ્યું છે અને રેકઝીન પણ વ્યવસ્થિત રીતે ચોંટાડેલું છે. મારે એ રેકઝીન ઉખેડી, તેની અંદરનું સ્પંજ કાઢીને તેના પોલાણમાં સોનું ભરેલી બેગને મૂકી, બેગ પર મારી સાથે લાવેલું પાતળું સ્પજ ગોઠવીને રેકઝીનને ફરીથી ચોંટાડી દેવાનું છે ખરું ને?'

'હા... અને આ કામ કરવામાં તને જરા પણ મુશ્કેલી નહીં પડે કારણ કે “ સી ” તથા “ડી” રોની એકથી દસ નંબરની ટિકિટોનું બુકીંગ આપણે અગાઉથી જ કરાવી લીધું છે એટલે ત્યાં કોઈની યે હાજરી નહીં હોય! માત્ર તું એકલો જ હોઈશ.”

'દેવરાજ...!' અજીતના અવાજમાં પ્રશંસાનો સૂર હતો, ‘તારી બનાવેલી દરેક યોજના સફળ થાય છે. એ સોનાને આપણે સીટમાં છૂપાવીને પરમ દિવસે કબજે કરી લેશું. પરંતુ એક વાતની મને ખૂબ જ નવાઈ લાગે છે !’

'કઈ વાતની... ? '

એ જ કે તે માત્ર થોડા કલાકોમાં જ ગેલેક્સી થિયેટરમાં.. આટલી જલ્દી નોકરી મેળવવાનો ચમત્કાર તે કેવી રીતે કર્યો?'

"કેવી રીતે નહીં, શા માટે કર્યો એમ પૂછ અજીત...! સાંભળ, ફિલ્મ છૂટયા પછી પણ સોનું ભરેલી બેગવાળી સીટ પર નજર મારી શકાય એટલા માટે જ મેં નોકરી મેળવી છે.'

'એ તો બરાબર છે...પરંતુ આટલી જલદી તને નોકરી મળી કેવી રીતે?' અજીતના અવાજમાં અચરજનો સૂર હતો.

'અજીત...!’ દેવરાજે પોતાના લમણા પર આંગળી ટપટપાવતા કહ્યું, “આ શહેરમાં ક્યારે, ક્યાં, કેવી રીતે કઈ વસ્તુ મેળવવી એવી અસંખ્ય યોજનાઓ મારા દિમાગમાં ભરી છે. મારે માટે આ બધી મામૂલી વાતો છે! આવાં કામો તો હું ચપટી વગાડતાં જ કરી નાખું છું.'

'વાહ...દેવરાજ... ખરેખર જ તું ખૂબ જ ચાલાક અને કુશાગ્ર બુદ્ધિશાળી છો... !'

'અને તું એક નંબરનો નાલાયક છો અજીત...!' સહસા એક નવો અવાજ આવ્યો.

બંનેએ ચમકીને અવાજની દિશામાં જોયું.

બીજા રૂમના ઉંબર પર કમલ જોશીનો હાથ પકડીને મોહિની ઊભી હતી. મોહિનીના ચહેરા પર ક્રોધમિશ્રિત નફરતના હાવભાવ છવાયેલા હતા. એની આંખો લાલઘુમ હતી અને દેહ ક્રોધના અતિરેકથી કંપતો હતો.

'મ... મોહિની તું?' અજીતે થોથવાતા અવાજે કહ્યું .

'હા... હું'...' મોહિની કાળઝાળ અવાજે બોલી, 'તેં મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.'

'આ તું શું કહે છે મોહિની... ? તારે માટે તો હું ગમે તે કરી શકું છું.'

'તું મારો વિશ્વાસઘાત પણ કરી શકે છે ! '

'તમે...તમે લોકો અહીં કેવી રીતે આવ્યા...?'

'પાછળના રૂમની બાલ્કનીમાંથી... !'

‘મેં..મેં તારો વિશ્વાસઘાત નથી કર્યો મોહિની..! હું તારો શુભેચ્છક છું...!'

‘આ મોહિનીએ...!' મોહિનીએ જમણા હાથનો પંજો છાતી પર મૂકતાં કહ્યું, 'તારા જેવા કેટલાય કૂતરાઓ પાળી રાખ્યા છે અજીત...! આ કૂતરાઓ મારા એક જ સંકેતથી અંધારા કૂવામાં કૂદી પડે છે... પરંતુ તું એમાંનો નહોતો. એટલા માટે નહીં કે હું તને મારો હિતેચ્છું સમજતી હતી. પરંતુ તું હિતશત્રુ નીકળ્યો. મદદ કરવાને બહાને તેં મારી પીઠ પર જ પ્રહાર કર્યો! તે જ વિશ્વાસઘાત કર્યો છે... મારે કમલને છોડાવવાના બદલામાં જે કેમેરા નાગરાજનની સિન્ડિકેટને સોંપવાનો હતો, એની ડુપ્લીકેટ રીલ તેં બનાવી છે...'

‘બેસ મોહિની...! નિરાંતે બેસીને તારે જે કહેવું હોય તે કહે.'

‘હું અહીં બેસવા માટે નથી આવી નાલાયકો...!' મોહિની ચીસ જેવા અવાજે બોલી, ‘હું તમને લોકોને માત્ર એટલું છે કહેવા આવી છું કે તમારા બ્લેક મેઈલીન્ગે મને સિન્ડિકેટની નજરે દગાબાજ પૂરવાર કરી દીધી છે. સિન્ડિકેટના શયતાનોએ મારા પિતા સમાન કાકાને મારી નાખ્યા છે.”

'શું...?' અજીતે ચમકીને પૂછ્યું.

'હા..'

'આ.. આવું કેવી રીતે બન્યું...?'

જે થવાનું હતું તે થઇ ગયું અજીત.. હવે અફસોસ કે કાકા જીવતાં થઈ શકે તેમ નથી.'

'મોહિની...!' સહસા દેવરાજ વાતનો દોર પોતાના હાથમાં લેતા ગંભીર અવાજે બોલ્યો, “ અમને ખોટાં માનીશ નહીં..!'

'તો શું માનું?'

'હિતેચ્છુ.. હા અમે આજે પણ તારા હિતેચ્છું જ છીએ. અમે સિન્ડિકેટને બ્લેકમેઈલ કરવા માંગીએ છીએ, એ વાત સાચી. તને જણાવ્યા વગર અમે રીલની ડુપ્લીકેટ કોપી બનાવી એ પણ સાચું છે. પરંતુ આમ કરવા પાછળનો અમારો હેતુ તને દગો આપવાનો જરા પણ નહોતો એની તું ખાતરી રાખ ! સિન્ડિકેટના માણસો તારા સુધી પહોંચી જશે એવું અમે નહોતું ધાર્યું. સિન્ડિકેટને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાના હેતુથી જ અમે તેને બ્લેકમેઈલ કરવા માગીએ છીએ.'

'બરાબર છે...!' સહસા કમલ જોશી બોલી ઊઠ્યો, “પરંતુ તમારા આ હેતુએ મોહિનીના કાકાનો જીવ લઈ લીધો છે...'

'કમલ...?'

'હું તમને નથી ઓળખતો મિસ્ટર...' કમલ કડવા અવાજે બોલ્યો.

'પરંતુ હું તને ઓળખું છું…!' દેવરાજનો અવાજ શાંત હતો, 'તારે વિશે મને મોહિનીએ બધું જ જણાવી દીધું છે. કેમેરાને દુશ્મનના હાથમાં પડતો બચાવવા માટે તેં જે રાજરમત દાખવી છે, એ ખરેખર કાબિલે તારીફ છે. આવું કહીને મસ્કો નથી મારતો...હું તારા સાચા જ વખાણ કરું છું અને મોહિની..’ એણે મોહિની સામે જોયું, ‘જોગાનુજોગ સિન્ડિકેટ સાથે અથડામણ શરૂ થઈ ચૂકી છે, એમાં તારે કંઈક ને કંઈક તો જરૂર ગુમાવવું જ પડત ! કેમેરો મળ્યા પછી તેઓ તને માફ કરી દેત એમ તું માને છે ? ના... કદાપી નહીં. જે રીતે તેઓ તારા સુધી પહોંચ્યા છે. એ જ રીતે તે તેમને ઈમાનદારીથી કેમેરો દીધો હોત, અર્થાત્ તેની ડુપ્લીકેટ કોપી ન બનાવડાવી હોત તો પણ પહોંચી જાત. તમારાં નસીબ એટલાં સારાં કે તમે એ સમયે ફ્લેટમાં હાજર નહોતાં. નહીં તો તેઓ તમને પણ ન છોડત.

‘હવે તો હું તેમને નહીં છોડું મિસ્ટર દેવરાજ !' મોહિની મક્કમ અવાજે બોલી, “મારા કાકાના કમોતનું વેર લીધા પછી જ મને ચેન પડશે !'

‘જો તારે ખરેખર જ તેમની સાથે બદલો લેવો હોય તો શાંતિથી બેસીને મારી વાત સાંભળ...! આ દેવરાજ કચ્છી તેમની સાથે બદલો લેવામાં પુરી મદદ કરશે એવું વચન આપે છે. મોહિની તથા કમલ આગળ વધીને તેમની સામે એક

સોફા પર બેસી ગયાં. દેવરાજના ચહેરા પર સચ્ચાઈ ભરેલી દઢતાની લાગણી છવાયેલી હતી. જ્યારે અજીતનો ચહેરો હજાર વોલ્ટના બલ્બની જેમ ચમકતો હતો. મનોમન એણે ફરીથી એક વખત દેવરાજની બુદ્ધિને દાદ આપી. નાગરાજન અત્યારે ક્રોધથી સળગતી નજરે અર્ધચંદ્રકારો ટેબલ પર પડેલા મોહિનીના ફોટા સામે તાકી રહ્યો હતો. સિન્ડિકેટના બાકીના સભ્યો પણ પોતપોતાની ખુરશી પર મોઝુદ હતા.

'એક મામૂલી કોલગર્લે સિન્ડિકેટને નાકે દમ લાવી દીધો છે.' નાગરાજન બોલ્યો, 'રતનલાલ...હું તારા કામથી ખૂબ જ ખુશ‌ છું. તું તારી કાબેલિયત પુરવાર કરી ચૂક્યો છો. જે રીતે તું કેમેરાના મૂળ સુધી પહોંચ્યો, એને માટે સિન્ડિકેટ તરફથી હું તને શાબાશી આપું છું.'

'થેંક્યું સર...!' રતનલાલે સ્મિત ફરકાવતાં કહ્યું. નાગરાજને ટેબલ પરથી મોહિનીનો ફોટો ઊંચકીને ધ્યાનથી નિરીક્ષણ કર્યું. અ ફોટો રતનલાલને મોહિનીના ફ્લેટની તલાશી દરમિયાન મળ્યો હતો. થોડી પળો સુધી નિરીક્ષણ કર્યા બાદ નાગરાજને ફોટાને પુન: ટેબલ પર મૂકી દીધો. પછી ખુરશી પરથી ઊભા થઈને, ઑફિસની જમીન પર ગાલીચાને જાણે કચડી નાખવા માંગતો હોય એમ તે આંટા મારવા લાગ્યો.

'આ છોકરીનો ફોટો આ૫ણને મળ્યો, તે પણ આપણે માટે મહત્વનું છે. આ ફોટાને આધારે આપણે તેને સહેલાઈથી શોધી શકીશું. એણે આ૫ણને ધમકી આપી હતી ને?'

'એ કમજાત હજુ સિન્ડિકેટની તાકાતથી પરિચિત નથી એક વખત તે આપણા હાથમાં આવે એટલી જ વાર છે. એની હેકડી તો હું જ કાઢી નાખીશ! એના ગ્રુપને એવી સજા આપીશ ભવિષ્યમાં કોઈ સિન્ડિકેટ સામે ઊંચી આંખ કરીને પણ નહીં જુએ.”

'પરંતુ સર...!' અચાનક રીટા બોલી, ‘એનું ગ્રુપ પોતાની સલામતીની પૂરતી વ્યવસ્થા કર્યા પછી જ આપણી સાથે અથડામણમાં ઉતરશે.'

'હું જાણુ છું.' નાગરાજને કહ્યું, ‘તેમની પાસે જે રીલ તથા ઓગણત્રીસ ફોટાઓ છે, તે સરકારના હાથમાં પહોંચતાંની સાથે જ સિન્ડિીકેટનો વરલી-મટકાનો બિઝનેસ ખતમ થઈ જશે. એટલું જ નહીં, આ વ્યવસાય સાથે સંકળાયેલા દુનિથાભરનાં આપણાં તમામ માણસો જેલના સળીયા પાછળ હશે. હું વરલી-મટકાનો બિઝનેસ બંધ થાય તે સહન કરી શકું તેમ છું ... પરંતુ હંમેશને માટે એ ગ્રપને મારા માથા પર રહેવા દેવાનું સહન કરી શકું તેમ નથી.'

' પણ સર..!' સહસા રતનલાલ બોલી ઊઠયો, 'વરલી મટકાના બિઝનેસ સાથે સંકળાયેલા એ ઓગણત્રીસ ફોટામાં તેઓ મને પણ જેલનાં સળીયા પાછળ ધકેલી શકે તેમ છે. આ બિઝનેસ હું સંભાળું છું! જો એ ફોટાઓ સરકારના હાથમાં જશે તો પહેલા જ હું તથા આ બિઝનેસ કરતાં હજારો માણસો પકડાઈ જશે. આ બિઝનેસમાંથી સિન્ડિકેટને દરરોજ લાખો રૂપિયાની આવક છે ! બલ્કે સિન્ડિકેટની આવકનું મોટામાં મોટું સાધન આ વરલી મટકાનો બિઝનેસ જ છે, એમ કહું તો પણ અતિશયોક્તિ ન ગણાય! અને હવે તો આપણા આ બિઝનેસના આંકડાઓ દેશ બહાર નેપાળ અને ભૂતાનમાં પણ ખુલવા લાગ્યા છે. આ બંધ થવાથી સિન્ડિકેટને આર્થિક રીતે બહુ મોટું નુકસાન થશે.'

'તારી વાત સાચી છે રતનલાલ ! પરંતુ તેમ છતાં  વરલી મટકાનો બિઝનેસ બંધ નહીં થાય !’ નાગરાજને અર્થપૂર્ણ અવાજે કહ્યું.

‘એટલે...? હું સમજ્યો નહીં સર...?' રતનલાલે અચરજ ભર્યા અવાજે પૂછ્યું.

'સમજાવું છું, સાંભળ…સરકાર સિન્ડિકેટના વરલી મટકાના બિઝનેસને જડ-મૂળમાંથી ઉખેડીને ફેંકી દેશે. પરંતુ બિઝનેસનું આપણે જે જમીનમાં વાવેતર કર્યું હતું. એ જમીનનો નાશ નહીં કરી શકે. આપણે નવેસરથી આ જ જમીન પર વરલી-મટકાના બિઝનેસનું વાવેતર કરીશું.”

'પરંતુ સર..જે હજારો લોકોનાં નામ એ ઓગણત્રીસ ફોટામાં છે તેમનું શું થશે ? એ બધાને તો જેલમાં સબડવું જ પડશે ને?'

'સિન્ડિકેટ એ લોકોને જેલમાંથી છોડાવવાની પૂરેપૂરી વ્યવસ્થા કરશે અને એ બધા વતી કેસ લડવાનો તમામ ખર્ચ સિન્ડિકેટ ભોગવશે. હું તારી કદી પણ ધરપકડ નહીં થવા દઉં રતનલાલ !'

'ના મને મારી ધરપકડની જરા પણ ચિંતા નથી સર ! પરંતુ વરલી મટકાના જે બિઝનેસે સિન્ડિકેટની ઈમારતને આટલી મજબૂત બનાવી છે, એ ઈમારતને ધરાશાયી થતી હું જોઈ શકું તેમ નથી. ભારતમાં જે હજારો માણસોએ પોતાની શાખ જમાવીને સિન્ડિકેટને આટલી મજબૂત બનાવવામાં સહકાર આપ્યો છે, એનું ભવિષ્ય જેલમાં પૂરાઈને અંધકારમાં ડૂબી જાય એમ હું નથી ઇચ્છતો.’ રતનલાલ બોલ્યો.

'તો પછી સિન્ડિકેટના મોં પર જે તમાચો મારવામાં આવે છે એને હું ચૂપચાપ મૂંગા મોંએ સહન કરી લઉં એમ તું ઇચ્છે છે? એક મામૂલી કોલગર્લ પોતાની ટોળકી સાથે સિન્ડિકેટની જે મજાક ઉડાવે છે, તેને સહન કરી લઉં ? રતનલાલ, જો આ વાતની ખબર આમ જનતાને પડી જશે તો સિન્ડિકેટનું કોઈ અસ્તિત્વ જ નહીં રહે ! કોઈ પણ માણસ સિન્ડિકેટની સામે ગ્રુપ બનાવીને મેદાનમાં પડશે ! સિન્ડિકેટનું નામ એક ભ્રમ છે અને આ ભ્રમ જ સિન્ડિકેટની તાકાત છે ! આ ભ્રમ એ છે કે સિન્ડિકેટ સાથે કોઈ જ ટક્કર લઈ શકે તેમ નથી ! આ ભ્રમ જો તૂટી જશે તો સામાન્ય માણસ પણ સિન્ડિકેટની વિરુદ્ધ સરકારને મદદ કરવા લાગશે! આ સંજોગોમાં સિન્ડિકેટ અસ્તવ્યસ્ત થઈને મામલી બદમાશોની ટોળી જ માત્ર બની જશે. વરલી-મટકાનો બિઝનેસ સિન્ડિકેટની આજીવિકા સમાન છે એ હું જાણું છું. પરંતુ આપણે સિન્ડિકેટને જીવીત રાખવા હૃદયનું ઓપરેશન કરાવવું જ પડશે. સરકાર આપણા ધંધા બંધ કરાવી દેશે. પરંતુ તેમ છતાંય આપણી તાકાત એટલી જ રહેશે. ત્યાં સુધીમાં જે ગ્રુપ એ ફોટાઓ ઉપર પહોંચાડવા માગે છે, તેં ગ્રુપને આપણે ખતમ કરી ચૂક્યા હોઈશુ. માટે અત્યારે વરલી-મટકાના બિઝનેસ કરતાં એ ગ્રુપનું મહત્વ વધારે છે. એ ગ્રુપનો નાશ કરવામાં આપણે કદાચ વરલી-મટકાના બિઝનેસનો ભોગ આપવો પડે તો એનો મને જરા પણ અફસોસ નથી. માત્ર એક જ વાતનો અફસોસ છે...! આજે સામાન્ય લોકો આ અને અંડર વર્લ્ડના બાદશાહ ગણાતા નાગરાજનને જાણે એ આમ માણસ હોય એ રીતે તેની સાથે વાત કરે છે ! એ કમજાતોના નાના નાના ટૂકડા કરીને માછલીઓને ખવડાવી દઈશ.”

'સર...! રતનલાલ બોલ્યો, ‘લાઠી પણ ન તૂટે અને સાપ પણ મરી જાય એવો એક ઉપાય મને સૂઝે છે!'

'શુ?'

'આપણે પચાસ લાખ રૂપિયાનું સોનું તેમને આપી દઈએ.'

'સોનું આપવાની સાથે સાથે આપણે એ કમજાતોને પણ કબજે કરવાના છે !'

‘પરંતુ સર...એ સંજોગોમાં પોલીસ આપણા વરલી-મટકાના બિઝનેસ સાથે સંકળાયેલા તમામ માણસોને પકડી લેશે.’

'રતનલાલ...!' નાગરાજન કઠોર અવાજે બોલ્યો, ‘પોલીસ તારી ધરપકડ કરવા આવશે, એવો જ ભય તને લાગે છે ખરું ને? તારી ધરપકડ થશે એવા વિચારથી જ તું ગભરાઈ ગયો બરાબર ને ? '

“ના...એવી કોઈ વાત નથી સર !'

'એવી જ વાત છે...! સિન્ડિકેટ તારી સલામતી માટે કોઈક ને કોઈક વ્યવસ્થા જરૂર કરશે એવું મેં જણાવ્યું તેમ છતાંય તને ધરપકડનો ભય લાગે છે ? નાગરાજન પરથી તને ભરોસો ઊઠી ગયો છે?'

'ના, સર...!' રતનલાલે ગંભીર અવાજે કહ્યું, 'એવું કંઈ નથી. હું મારી ધરપકડથી નથી ગભરાતો. માત્ર હું જ શા માટે...? અપરાધની સીડી ચડીને મેં સિન્ડિકેટમાં જે સ્થાન મેળવ્યું છે, એ સ્થાન મેળવ્યા પછી કોઈ માણસ ધરપકડથી ન જ ગભરાય ! કમ સે કમ હું તો નથી જ ગભરાતો! વરલી-મટકાનો બિઝનેસ ચાલુ રહે અને એ ગ્રુપ પણ ખતમ થઈ જાય એમ હું ઇચ્છું છું.”

'એ તો થઈ જશે... પરંતુ એ કમજાતોએ પેલા ઓગણત્રીસ પુરાવાઓ સરકારને પહોંચાડવાનો બંદોબસ્ત કર્યો છે, એનું શું કરીશું?'

'સર...એક વાત મને સૂઝે છે ! '

'શુ...?'

'સર...આ બધું એ લોકેએ સિન્ડિકેટને ધમકી આપવા ખાતર કર્યું હોય એવું બની શકે છે. જો એ ગ્રુપ આપણા કબજામાં આવે તો આપણે તેમની પાસેથી ડુપ્લીકેટ રીલ તથા ફોટાઓ કઢાવી લેશું.’

'કેવી રીતે...?'

‘ટોર્ચર કરીને..'

'ટોર્ચર કરવાથી આપણને રીલ તથા ફોટાઓ મળી જશે?'

'સર...હું મોતથી જરા પણ નથી ગભરાતો એવું કહેનાર કેટલાય માણસોને મેં મોતને સામે જોઈને ધ્રુજી જતાં જોયા છે. મોતથી નથી ડરતો એવી વાત કરવી અને મોતનો સામનો કરવો આ બંને વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. અત્યારે આ ગ્રુપના જે માણસો મોતથી નહી ડરવાનાં બણગાં ફૂંકે છે, તેઓ મોતને સામે જોઈને કંપી ઊઠશે. એ ગ્રુપનો એક માણસ નહીં તૂટે તો બીજો, બીજો નહીં તો ત્રીજો..ને ત્રીજો નહીં તો ચોથો તૂટશે ! એ ગ્રુપ સાથે મોહિની નામની આ છોકરી ભળેલી છે. એ કમજાતોની નજર સામે જ્યારે મોહિનીને ટોર્ચર કરવામાં આવશે, ત્યારે તેમનાથી સહન નહીં થાય ! રિપોર્ટરને બચાવવા ખાતર મોહિનીએ જે હિંમત દાખવી છે, તેના પરથી પુરવાર થાય છે કે તેને એ રિપોર્ટર સાથે ગાઢ સંબંધ છે. મોહિનીને અપાતી યાતનાઓ જોઈને રિપોર્ટરનું મોં ઉઘડી જશે. અને તેમ છતાંય જો એ મોં નહીં ઉઘાડે તો પછી આપણે તેના કુટુંબીજનોનું અપહરણ કરાવીશું. મોતથી ન ગભરાતાં માણસો તેનાથી ગભરાશે ! સિન્ડિકેટ તેમની સામે એક પછી એક આંચકાઓ આપશે તો તેઓ સરકારને સોંપવાની રીલ તથા ફોટાઓ આપણે હવાલે કરી દેશે. વરલી-મટકાનો બિઝનેસ બંધ કરવા કરતાં તો આપણે એ ગ્રુપને કબજે કરીને તેમને તોડવાનો પ્રયાસ કરવો જોઈએ.

‘જો એમ થઈ જાય તો આ નાગરાજન રતનલાલને રતનલાલ શેઠ કહીને બોલાવશે!'

‘થેંકયૂ સર...!' રતનલાલે સ્મિત ફરકાવતાં કહ્યું, 'હવે હું આપને એક વિનંતી કરવા માગું છું.'

'બોલ...'

‘આપણે એ ગ્રુપને ફસાવવા માટે પચાસ લાખના સોના રૂપી જાળ પાથરવાની છે!'

‘તેઓ ખૂબ જ ચાલાક છે રતનલાલ ! તેઓ આ જાળમાં ફસાવાને બદલે જાળને સાથે જ લઈને ઊડી જશે! તેઓ ફરીથી એક વખત સિન્ડિકેટના માણસોને થાપ આપીને છટકી જશે.’

'આપ મારા પર ભરોસો રાખો સર.. ! હું એ ગ્રુપ સુધી પહોંચી જઈશ. અત્યારે આપણી પાસે માત્ર મોહિનીનો ફોટો જ નહીં, તેનો એક પરિચિત ટેકસી ડ્રાઈવર પણ છે ! આપણે ગમે તેમ કરીને વિશાળગઢમાંથી મોહિનીને શોધી કાઢીશું. મોહિની હાથમાં આવતાં જ એનું ગ્રુપ પણ આપણા કબજામાં આવી જશે.’

'મિસ્ટર રતનલાલ...! હમણાં થોડી વાર પહેલાં મોહિનીએ સિન્ડિકેટ સાથે કોઈ જાતની દગાબાજી નથી કરી એવું તમને મોહનલાલે કહ્યું હોવાનું જણાવ્યું હતું.’

'હા... પરંતુ એ ડોકરો ખોટું બોલતો હતો.'

'એટલા માટે જ તમે એને મારી નાખ્યો હતો ખરુંને ?’ રીટાના અવાજમાં ભરપુર કટાક્ષ હતો, 'જો એ ખોટું બોલતો હોત તો પોતે એ કેમેરા વિશે જાણે છે, એવું કબૂલ જ શા માટે કરત?'

'મોહનલાલ ખોટું નહોતો બોલતો સર...! ' સહસા ગુપ્તા બોલી ઊઠ્યો, ‘એણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે મોહિની, અહીં સિન્ડિકેટના માણસો કેમેરા બાબત પૂછપરછ કરવા માટે આવ્યા છે. તેમને બ્લેક મેઈલ કરવામાં આવે છે. તેઓ તને જ બ્લેકમેઇલર માને છે... તેમને તારા પર ખોટી શંકા છે! આને અર્થ એ થયો સર, કે મોહિની ખોટી નહોતી.'

‘પોતે કેમેરાની ડુપ્લીકેટ રીલ બનાવી છે, એ વાત મોહિનીએ મોહનલાલથી છૂપી રાખી હોય તે બનવાજોગ છે.’

'મિસ્ટર રતનલાલ ! તમે તો ગધેડાને તાવ આવે એવી વાત કરે છો.'

'કેમ...?'

‘જે માણસથી મોહિનીએ કેમેરા બાબત કોઈ વાત ન છૂપાવી ...એ કેમેરાના બદલામાં એણે રિપોર્ટર કમલ જોશીને સિન્ડિકેટની કેદમાંથી મુક્ત કરાવ્યો, તે હકીકત પણ જણાવી દીધી, તો પછી આ વાત છૂપાવવાની તેને શું જરૂર હતી ? મોહનલાલે એને બચાવવા ખાતર પોતાનો જીવ આપી દીધો. મોહિનીને તેના પ્રત્યે ખૂબ જ લાગણી હશે.. ના, મિસ્ટર રતનલાલ મોહિનીએ કેમેરાની ક્યાંય કોપી નથી બનાવડાવી એની મને પૂરી ખાતરી છે. જો બનાવી હોત તો મોહનલાલ પણ એ બાબતમાં જરૂર જાણતો હોત !!'

‘કેમેરો મોહિની પાસે હતો.'

'બરાબર છે... પરંતુ એ કેમેરો કોઈક ત્રીજા માણસ પાસે પણ પહોંચી શકે તેમ હતો.'

'એ ત્રીજો માણસ પણ છેવટે તો મોહિનીનો કોઈક પરિચિત જ હશે ને?’

‘બસ તો પછી... આપણે એ ત્રીજા માણસ સુધી પહોંચવાનું છે... અને એ ત્રીજા માણસ સુધી પહોંચવા માટે પહેલાં આપણે મોહિની અને રિપોર્ટર સુધી પહોંચવું પડશે. મોહિનીએ કેમેરો કોને સોંપ્યો હતો, એ વાત આપણને તેની પાસેથી જાણવા મળી શકે તેમ છે.'

' સર...' સહસા રહેમાન બોલ્યો, ‘મને તો આ બધો બખેડો એ છોકરીએ જ ઊભો કર્યો હોય એવું લાગે છે.’

નાગરાજને કંઈ જવાબ ન આપ્યો.

'સર...' રતનલાલે કહ્યું, 'એ લોકોને સોનું સોંપતી વખતે, તેઓ સાવચેત બની જાય એવી કોઈ જાતની હિલચાલ આપણે નથી કરવાની ! આપણે તો હાર કબૂલી લીધી હોય એ રીતે જ તેમને સોનું સોંપવાનું છે. આપણને પરાજિત થયેલા જોઈને તેઓ બેદરકાર બની જશે. અને આ બેદરકારીનો લાભ ઊઠાવીને જ આપણે તેમના પર પંજો ઉગામવાનો છે.’

'ઓહ...તો સોનું સોંપતી વખતે તેમની ચારે તરફ સિન્ડિકેટના માણસોની જાળ પાથરવાની છે, એમ તું કહેવા માગે છે? '

'ના...'

'તો પછી... ?'

'સોનું મેળવ્યા પછી તેઓ પોતાના મથકે તો જશે જ ને?'

'યસ... તેઓ સોનુ લઈને રવાના થાય, ત્યારે આપણા કોઈક માણસે સાવચેતીથી તેમનો પીછો કરીને તેમનું મથક જોઈ આવવાનું છે. ત્યાર પછી આપણે તેમને, તેમના મથકેથી જ કાપી લેશું.”

'તારી યોજના ખરેખર સારી છે રતનલાલ... આપણે એમ જ કરીશું...અલબત્ત, ગેલેકસી થિયેટરની આજુબાજુમાં પણ થોડા માણસોને જરૂર ગોઠવીશું.' કહીને નાગરાજને પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોયો. પછી રહેમાનને ઉદ્દેશીને બોલ્યો, “ રહેમાન... આઠ વાગ્યા છે...તું અત્યારે જ ચાર-પાંચ હોંશિયાર માણસોને લઈને ગેલેકસી થિયેટરે પહોંચી જા અને ત્યાં આવતા માણસો પર નજર રાખ !'

'યસ સર...” કહીને રહેમાન ચાલ્યો ગયો.

'અને રીટા તું પણ...' નાગરાજનનું વાક્ય અધૂરૂ રહી ગયું. સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. એણે રિસીવર ઉંચક્યું. 'હલ્લો... નાગરાજન સ્પીકીંગ... ! ’

'મિસ્ટર નાગરાજન...હું પચાસ લાખના સોનાનો ભાવિ માલિક બોલું છું.' સામે છેડેથી એક સ્વસ્થ, શાંત અને ગંભીર અવાજ તેને સંભળાયો.

' મિસ્ટર...તમે બેફિકર રહો..!' નાગરાજન બોલ્યો, ‘બરાબર સાડા નવ વાગ્યે રીટા પચાસ લાખના સોના સાથે ગેલેકસી થિયેટરની અપર સ્ટોલની બારી પાસે પહોંચી જશે. તમારી સૂચના મને યાદ જ છે ! '

'એ તો, પહોંચી જશે. પણ...’

'પણ શું...?'

'મેં મારી યોજનામાં થોડો ફેરફાર કર્યો છે.'

‘એટલે...?'

'એટલે એમ કે હવે રીટાએ સોનું લઈને ગેલેકસી થિયેટર નથી આવવાનું !'

'તો શું તમારે સોનાને બદલે રોકડા રૂપિયા જોઈએ છે? જુઓ મિસ્ટર... તમે મને સોનાનું કહ્યું હતું, એટલે મેં એની વ્યવસ્થા કરી છે... તમારે રોકડા રૂપિયા જોઈતા હોય તો મુદત આપવી પડશે. અત્યારે તાબડતોબ હું કોઈ સંજોગોમાં રૂપિયાની વ્યવસ્થા કરી શકુ તેમ નથી.'

'અમારે સોનું નથી જોઈતું એવું મેં ક્યાં કહ્યું છે?'

'તો...!'

‘મેં તો એમ કહ્યું હતું કે સોનું લઈને રીટાએ ગેલેકસી થિયેટરે નથી આવવાનું!'

‘તો શું બીજે ક્યાંય આવવાનું છે ?'

'હા..'

'ક્યાં...?'

'રેલવે-સ્ટેશને...'

‘રેલવે-સ્ટેશન પર કઈ જગ્યાએ...?'

'બાર અને તેર નંબરના પ્લેટફોર્મની વચ્ચે જે પૂલ છે, એ પૂલ પર... !'

'ભલે.. પહોંચી જશે...'

'પહેલાં મારી વાત પૂરી સાંભળી લો...’

'બોલો...'

'સાંભળ... બાર અને તેર નંબરના પ્લેટફોર્મ પરથી મોટે -ભાગે માલગાડીની જ આવ-જા થાય છે. બંને પ્લેટફોર્મને જોડતો જે પુલ છે એ પૂલ પર રીટાએ સોનું ભરેલી બેગ લઈને આવવાનું છે.આજે રાત્રે...'

'કેટલા વાગ્યે ..?'

'અગિયાર વાગ્યે...' સહસા સામે છેડેથી આવતો અવાજ કઠોર બની ગયો, 'અને સાંભળ. સોનું ભરેલી બેગ લઈને રીટાએ જ આવવાનું છે... તેની સાથે કે આગળ-પાછળ - બીજા કોઈ ચમચાઓને મોકલશો નહીં. મારા માણસો એ પ્લેટફોર્મ ઉપરાંત આખા સ્ટેશનમાં મોઝુદ હશે. એ બધા મારા દરેક ચમચાઓને સારી રીતે ઓળખે છે. તેમ છતાંય જો તમે તમારા ચમચાઓને મોકલશો, તો તેમની હાલત જમશેદ જેવી થશે... એ લોકોના અંજામ માટે અમને દોષ આપશો નહીં. અમે બને ત્યાં સુધી શાંતિથી, કોઈનું લોહી ન રેડાય એ રીતે કામ કરવા ગણીએ છીએ. રીટા પાસેથી સોનું લઈને અમે અમારે રસ્તે પડીશું. પરંતુ આનો અર્થ એવો હરગીઝ ઘટાવશો નહીં કે અમે કાયર છીએ...!'

'ભલે...રીટા એકલી જ આવશે...!' નાગરાજને નંખાઈ ગયેલા અવાજે કહ્યું.

‘એ એકલી આવે એમાં જ તમારું તથા તમારી સિન્ડિકેટનું કલ્યાણ છે. તેમ છતાંય તમારે તમારા ચમચાઓને મોકલવા હોય તો મોકલજો. પરંતુ એ સંજોગોમાં પરિણામની જવાબદારી તમારી રહેશે...'

સામે છેડેથી સંબંધ કપાઈ ગયો. નાગરાજને રિસીવર મૂકી દીધું. એના ચહેરા પર ચિંતાના હાવભાવ છવાઈ ગયા હતા. 'શું વાત છે સર...?' રતનલાલે એના ચિંતાતુર ચહેરા સામે તાકી રહેતાં પૂછ્યું.

'એ કમજાતે પોતાની યોજના બદલી નાખી છે !' નાગરાજન રોષભર્યા અવાજે બોલ્યો. 'શું... ? ' રીટાએ અચરજભર્યા અવાજે પૂછયું.

'હા.' કહીને નાગરાજને તેમને ટેલિફોન પર થયેલી વાતની વિગતો જણાવી દીધી.

'હવે શું થશે સર...?' રહેમાન તો ચાલ્યો ગયો છે.'

'રહેમાનનું હવે કંઈ કામ પણ નથી.'

‘સર... તો શું એ લોકોનો પીછો નથી કરવાનો...?' રતનલાલે પૂછ્યું.

“ના... નાહક જ આપણા માણસો પર જીવનું જોખમ આવી પડે એમ હું નથી ઇચ્છતો!'

‘તો શું મારે એકલીએ જ જવાનું છે ?'

રીટા એક ઊંડો શ્વાસ લઈને રહી ગઈ. એ જ રાત્રે બરાબર અગિયારમાં પાંચ મિનિટે _

રીટા એક કારમાં બેસીને વિશાળગઢના આલિશાન રેલ્વે-સ્ટેશનમાં પહોંચી ગઈ.

આજે બુધવાર હોવાથી રાજધાની એકસ્પ્રેસ ટ્રેનમાં જનાર મુસાફરોની ચિક્કાર ભીડ હતી.

એ મુખ્ય હોલમાંથી બાર નંબરના પ્લેટફોર્મ તરફ રવાના થઈ ગઈ. પાંચ મિનિટ પછી તે બાર નંબરના પ્લેટફોર્મનાં પગથિયા ચડતી હતી.

આ બંને પ્લેટફોર્મ પર મોટે ભાગે માલગાડી જ આવ-જા કરતી હોવાથી ત્યાં કોઈ જ મુસાફર નહોતો. પગથિયાં ચડીને તે બાર અને તેર નંબરના પ્લેટફોર્મના પૂલ પર પહોંચી ગઈ.

હાથમાં સોનું ભરેલી વજનદાર સૂટકેસ હોવાને કારણે તેને ખૂબ જ તકલીફ પડતી હતી.

અચાનક પુલની બરાબર વચ્ચેના ભાગમાં રહેલા લોખંડના સળિયા પાછળથી એક માનવી બહાર નીકળ્યો, એને દેખાવ એકદમ રહસ્યમય હતો. એણે ઘૂંટણ સુધીનો ઓવરકોટ પહેર્યો હતો. એના માથા પર હેટ હતી. આંખો પર રાત હોવા છતાં પણ ચશ્મા હતા. રીટાએ તેને ઓળખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે એને ઓળખી ન શકી. પેલો માનવી ઝડપભેર તેની નજીક પહોંચી ગયો.

'તારું નામ જ રીટા છે ને?' એણે ઘોઘરા અવાજે પૂછ્યું. રીટાએ હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

'લાવ...બેગ મને આપી દે...'

'મિસ્ટર...તમે કોણ છો...?'

‘હું એ જ છું કે જેની પાસે તમારી સિન્ડિકેટના ઓગણત્રીસ ફોટાઓ છે !'

એની વાત સાંભળીને તે સાચો જ માણસ છે, એવી રીટાને ખાતરી થઈ ગઈ.

એ જ વખતે એની નજર દૂરથી આવતી માલગાડી પર પડી. ગાડીના વેગન ઉઘાડા હતા. અમુક વેગનમાં કોલસા ભર્યા હતા, અમુક ખાલી હતા.

રીટાએ ચૂપચાપ તેને સોનું ભરેલી બેગ આપી દીધી. બેગ લઈને એ માનવી પુલની રેલિંગ પાસે ગયો. એની નજર દૂરથી એકદમ ધીમી ગતિએ આવતી માલગાડી પર જ હતી.

માલગાડી નજીક આવીને પુલ નીચેથી પસાર થવા લાગી. રહસ્યમય માનવી એક હાથમાં બેગ તથા બીજા હાથેથી ફોટા પકડીને પુલની બીજી તરફ લટકવા લાગ્યો.

પછી એક ખાલી વેગન આવતાં જ એણે રેલિંગ છોડી દીધી. વળતી જ પળે એનો દેહ ખાલી વેગનમાં જઈ પડયો. રીટા નર્યા-નિતર્યા અચરજથી આ દૃશ્યને તાકી રહી. બે મિનિટ પછી પ્લેટફોર્મ ખાલી થઈ ગયું હતું. માલગાડીનો ક્યાંય પત્તો નહોતો.

રીટા એક ઊંડો શ્વાસ લઈને પગથિયાં તરફ આગળ વધી ગઈ. કહેવાની જરૂર નથી કે સોનું ભરેલી બેગ સાથે માલગાડીમાં ઝંપલાવનાર રહસ્યમય માનવી બીજું કોઈ નહીં પણ દેવરાજ કચ્છી જ હતો.