Andhari Aalam - 10 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | અંધારી આલમ - ભાગ 10

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અંધારી આલમ - ભાગ 10

૧૦. હાવરા એકસ્પ્રેસ

વિશાળગઢની અંધારી આલમના બેતાજ બાદશાહ નાગરાજનના ચહેરા પર છવાયેલા ચિંતાના હાવભાવ સ્પષ્ટ રીતે દેખાઈ આવતા હતા.

વિશાળ હોલ જેવી ઑફિસમાં મોજૂદ સિન્ડિકેટના પાંચેય મુખ્ય ભાગીદાર માથું નમાવીને પોતપોતાની ખુરશી પર બેઠા હતા.

ઑફિસના શાંત વાતાવરણમાં એરકંડીશન મશીનનો અવાજ ગુંજતો હતો.

નાગરાજન બંને હાથ પીઠ પાછળ વાળી ખૂબ જ બેચેનીપૂર્વક આમથી તેમ આંટા મારતો હતો. છેવટે આંટા મારવાનું બંધ કરીને એ પોતાની સિંહાસન જેવી ખુરશી પર બેસી ગયો.

ઑફિસમાં છવાયેલી ચુપકીદીનો ભંગ કરવાની જાણે કે હિંમત ન હોય એમ સૌ ચૂપ હતા.

' સર...!' અચાનક રીટા ખુરશી પરથી ઊભી થઈને બોલી,  'કમલ જોશી નામના આ રિપોર્ટરે પુરવાર કરી દીધું છે કે તે કેમેરા વિશે જાણતો હોવા છતાં પણ આપણને કશું જ જણાવવા નથી માગતો! મેં એની આંખોમાં જે ભાવ જોયા છે, એના પરથી હું કહી શકું કે એને પોતાના મૃત્યુનો જરા પણ ભય નથી. એ મરી જશે પણ કે કેમેરો ક્યાં છે, તે નહીં જ કહે !'

'મારે એનાં વખાણું નથી સાંભળવાં રીટા...!' નાગરાજને ધ્રુજતા અવાજે કહ્યું.

'હું એનાં વખાણ નથી કરતી સર... પરંતુ જે હકીકત છે, એ કહું છું.' રીટાનો અવાજ એકદમ શાંત હતો.

'સર...' સહસા રહેમાન ખુરશી પરથી ઊભો થઈને બોલ્યો, 'ખરેખર એ રિપોર્ટરનો દિકરો કેમેરા વિશે જાણતો હોય તો મને વધુ તક આપો.'

'કેવી તક...?' નાગરાજનની પ્રશ્નાર્થ નજર રહેમાનના ચહેરા પર જ સ્થિર થઈ ગઈ.  'ફરીથી એને ટોર્ચર કરવાની તક...! જો એ કેમેરા વિશે જાણતો હોય, તો એણે કહેવું જ પડશે.’

'અને જો એ નહીં કહે તો...?’ નાગરાજને વેધક નજરે તેની સામે જોતાં પૂછયું.

રહેમાનની બોલતી બંધ થઈ ગઈ. નાગરાજનના આ સવાલનો કોઈ જવાબ તેની પાસે નહોતો.

'બોલ...તું ચૂપ શા માટે ગઈ ગયો...?’ નાગરાજને કઠોર અવાજે પૂછ્યું, “ તને ફરીથી એક તક આપ્યા પછી પણ એ કેમેરા વિશે કંઈ નહીં જણાવે તો ?'

“એ જણાવશે...એણે કહેવું જ પડશે સર ! ' “હું એમ પૂછું છું કે એ નહીં જણાવે તો ? '

રહેમાન ચૂપ થઈ ગયો.

“સાંભળ...તને તક આપવામાં મને કોઈ વાંધો નથી. પરંતુ જો આ વખતે તું નિષ્ફળ જઈશ તો પછી હું તને માફ નહીં કરું..! મારી આ શરત મંજુર હોય તો હું જરૂર ટોર્ચર કરવાની તને તક આપું.'

'સોરી, સર...' કહીને રહેમાન નંખાઈ ગયેલા ચહેરે પોતાની ખુરશી પર બેસી ગયો.

'સર…' સહસા રતનલાલ ખુરશી પરથી ઊભો થતાં બોલ્યો. 'મારા દિમાગમાં એક ઉપાય છે ! '

'તો એને દિમાગમાં જ શા માટે રાખી મૂક્યો છે ? જલદીથી એને બહાર કાઢ!'

‘જો આપણે એ રિપોર્ટરને છોડી દઈએ તો ?'

'એટલે..?'

‘આપણે રિપોર્ટરને છોડીએ છીએ, એ વાતની ખબર માત્ર આપણને જ હશે! પોતે આપણી કેદમાંથી નાસી છૂટ્યો છે, એવા ભ્રમમાં તે હશે. અર્થાત્ આપણે જાણી જોઈને જ તેને નાસી છૂટવાની તક આપવાની છે.”

'હૂં...' નાગરાજનના ગળામાંથી હૂંકાર નીકળ્યો, 'પછી..?”

'આપણી પાસેથી નાસીને એ સીધો જ જેની પાસે કેમેરો પડયો છે, તે શુભેચ્છક પાસે જશે.’

'બરાબર છે... પરંતુ તે અહીંથી નાસીને સીધો જ પોતાના શુભેચ્છક પાસે જશે એની શી ખાતરી છે ? એ દિલ્હી જવા માટે સીધો રેલવે સ્ટેશને કે એરપોર્ટ નહીં પહોંચે એની શી ખાતરી છે ? સાંભળ રતનલાલ...એ શુભેચ્છક પાસે જઈને પોતાની સલામતીને જોખમમાં મૂકે એટલો મૂરખ તો હરગીઝ નથી. જો એમ હોત તો એ કેમેરાને સાથે જ લઈને રાજધાની એકસ્પ્રેસ દ્વારા દીલ્હી જવા માટે રવાના થયો હોત ! તારી યોજના સારી છે. પરંતુ એ આપણી સામે મોં ઉઘાડી નાખે એમ હું ઇચ્છુ છું.'

'રાઈટ...” રીટા બોલી, 'અને એનું મોં ઉઘડાવવા માટે તેને યાતનાઓ આપી શકાય તેમ નથી. યાતનાઓ આપવાથી કેમેરા વિશે ન જણાવવાનો એનો નિર્ણય મજબૂત બનશે.’

'તો પછી શું કરવું....?' જોસેફે કહ્યું, 'એને ટોર્ચર કરવાથી કેમેરા નથી મળી જવાનો !’

'બરાબર છે. આપણે એને વિશ્વાસમાં લેવો પડશે ! કેમેરા વિશે જાણવા માટે આ એક જ ઉપાય મને યોગ્ય લાગે છે.'

'પણ એને વિશ્વાસસાં લેવો કેવી રીતે ?'

'એ જવાબદારી મારા પર છોડી દો સર! કેમેરો મળ્યા પછી આપણે તેને છોડી મૂકીશું એ વાતની ખાતરી હું એને કરાવીશ.' રીટાનો અવાજ મક્કમ હતો.

'સર... મેં એને કેટલી યે વાર પૂછયું.. પ્લીઝ પણ કહ્યું. તેમ છતાંય એણે મને કેમેરા વિશે કંઈ ન જણાવ્યું તે ન જ જણાવ્યું.’ રહેમાન બોલ્યો.

'તારા પ્લીઝ કહેવાથી તું જીવતો છોડી દઈશ એ વાતની તેને પતરી થાય તેમ નહોતી.’

'રીટા...' નાગરાજને નિર્ણયાત્મક અવાજે કહ્યું, 'મને તારી યોગ્યતા પર ભરોસો છે. તું પ્રયાસ કરી જો...ગમે તેમ કરીને એને નવી લાઈન પર લઈ આવ ! આપણે કોઈ પણ ભોગે એ કેમેરો જોઈએ છે. ’

'એની પાસેથી કેમેરા વિશે જાણવા માટે હું મારાથી બનતા તમામ પ્રયાસો કરી છૂટીશ સર ! '

'અને...' સહસા નાગરાજનનો અવાજ એકદમ કઠોર બની ગયો, અને તેમ છતાંય જો એ કમજાત કેમેરા વિશે નહીં જણાવે તો હું પોતે જ તેને ટોર્ચર કરીશ.’

એ જ વખતે કાઉન્ટર જેવા અર્ધ ચંદ્રાકાર ટેબલ પર પડેલા ટેલિફોનોમાંથી કાળા રંગના ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

આ નાગરાજનનો અંગત ટેલિફોન હતો, ટેલિફોનની ડિરેક્ટરીમાં પણ એનો નંબર નોંધેલો નહોતો.

બીજા ટેલિફોનો પર આવતા કોલ રીટા રિસીવ કરતી. કાળા રંગના ફોન પર આવતા કોલ એક જ વ્યક્તિ રિસીવ કરતો. માત્ર નાગરાજન.

એણે હાથ લંબાવીને રિસીવર ઊંચક્યું. 'હલ્લો...નાગરાજન સ્પીકીંગ...!'

‘તમે નાગરાજન બોલો છો એની મને ખબર છે !' છેડેથી એક બરફ જેવો ઠંડો અને ભાવહીન સ્ત્રીસ્વર નાગરાજનના કાને અથડાયો.

‘કોણ છો તું...?' નાગરાજને રોષભર્યા અવાજે પૂછયું. મારા પરિચયના ચક્કરમાં પડવાની જરા પણ જરૂર નથી - નાગરાજન ! '

‘તો પછી તું શા માટે મારી સાથે વાત કરે છે ? ' 'એટલા માટે કે હું તમારી એક શુભેચ્છક છું અને તમારું ભલું થાય એમ ઇચ્છું છું.”

‘હું તને નથી ઓળખતો. હું રિસીવર મૂકું છું.

‘ભૂલેચૂકેય રિસીવર મૂકીશ નહીં. નાગરાજન !' આ વખતે સામે છેડેથી તેને એકવચનમાં સંબોધવામાં આવ્યો હતો અને તેના અવાજમાં એક જાતની કઠોરતા હતી, 'જો તું રિસીવર મૂકી દઈશ તો પછી તને બહુ મોટું નુકસાન થશે.’

'શટ અપ...' નાગરાજન ક્રોધાવેશથી બરાડ્યો, 'તું કોની સાથે વાત કરે છે, એની તને ખબર છે ?'

'હા...હું વિશાળગઢની અંધારી આલમમાં જેના નામનો ડંકો વાગે છે, એ નાગરાજન નામના નાગ સાથે વાત કરું છું.. હું એક એવા માણસ સાથે વાત કરું છું કે જે પોતાની સિન્ડિકેટની

સમગ્ર અંધારી આલમ પર હકૂમત ચલાવે છે અને ગુનાની તરવારથી ગમે તેનું માથું વાઢી શકે છે !'

'આ વાત જાણતી હોવા છતાં પણ તને મોતનો ભય નથી લાગતો ?'

'ના..'

'કેમ?'

'એટલા માટે કે મોત એક સનાતન સત્ય છે ! એ કોઈનીયે રાહ નથી જોતું ! ગમે ત્યારે ટપકી પડે છે ! જે માણસને મોતનો ભય લાગતો હોય, એણે મોત સાથે દોસ્તી કરી લેવી જોઈએ. તારાથી પણ ગભરાઈને કેટલાંય માણસોએ તારી સાથે દોસ્તી કરી અને દોસ્તી થયા પછી તેમના મનમાં સમાયેલો તારો ભય  આપોઆપ જ દૂર થઈ ગયો હશે. મોતની બાબતમાં પણ આવું જ છે નાગરાજન ! માણસ એની સાથે દોસ્તી કરી લે તો પછી તેને મોતનો જરા પણ ભય નથી લાગતો. મેં પણ મોત સાથે દોસ્તી કરી!'

'મારે તારું ભાષણ નથી સાંભળવું ! જે કહેવું હોય તે જલદીથી કહે!'

“તારો સમય ખૂબ જ કીમતી છે, એ હું જાણું છું...!' સામે છેડેથી આવતાં અવાજમાં ભરપૂર કટાક્ષ હતો, 'બીજાઓને ચિરનિદ્રામાં પોઢાડનાર અંધારી આલમનો બાદશાહ ગણાતો નાગરાજન આજે પોતાના આવનારા અંજામ વિશે વિચારીને ગભરાય છે એ વાતની મને ખૂબ જ નવાઈ લાગે છે.”

'કમજાત..'નાગરાજન દાંત કચકચાવતાં ગર્જી ઊઠયો, 'નાગરાજન કોઈનાથીયે નથી ગભરાતો...! તું મોતથી ગભરાવાની વાત કરે છે ? અરે, ઉલટું મોત મારાથી ગભરાય છે ! અને સાંભળ…હું તારી આ ગેરવર્તણૂકની સજા તને જરૂર આપીશ.. તારો પરિચય નહીં આપે તો પણ હું તને પાતાળમાંથી શોધી કાઢીશ.”

'એમ...?'

'મારા જેવી મામૂલી છોકરી ખાતર આટલી તકલીફ બહુ પડે, એ નાગરાજન જેવા અંડર વર્લ્ડના બાદશાહ માટે શોભે એવી વાત છે ખરી? ના... ક્યારેય નહીં નાગરાજન !'

'તું કહેવા શું માગે છે છોકરી...?' કહેતાં કહેતાં નાગરાજનનો સ્વર તરડાયો.

'સાંભળ...રસ્તા પર ચાલતી વખતે જો કોઈ કીડી પગ નીચે કચડાઈને મરી જાય તો એમાં ચાલનારનો એટલો વાંક નથી હોતો કે જેટલો જાણી જોઈને જ પગ નીચે કીડીને મસળી નાખવામાં હોય છે. તું જાણી જોઈને જ મને કીડીની જેમ મસળવાના પ્રયાસ  કરીશ નાગરાજન ! તું તારા અંડર વર્લ્ડની ઈમારતને ઊંચે પહોંચાડવા માટે તારી મરજી પડે એટલી લાશોને પથ્થરની જેમ ગોઠવ. એનાથી મને કોઈ ફર્ક નથી પડતો. પરંતુ જ્યારે કોઈ ખાસ માણસને પથ્થરની જગ્યાએ ચણવામાં આવે છે, ત્યારે એક મોટી ભયંકર ભૂલનો જન્મ થાય છે! અને આ ભૂલમાં તારા જેવા અંડર વર્લ્ડને જડ-મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાની તાકાત હોય છે!'

“આ તેં શું બકવાસ માંડ્યો છે?’ નાગરાજને ધ્રૂજતા અવાજે પૂછયું.

'નાગરાજન...!' જાણે લોખંડ સાથે કાનસ ઘસાતી હોય એવો કર્કશ અવાજ નાગરાજનને સંભળાયો, ‘કમલ જોશી નામનો રિપોર્ટર આવો જ એક ખાસ માણસ છે.' સામે છેડેથી કહેવાયેલી વાત સાંભળીને નાગરાજન ખુરશી પ૨થી ઊભો થઈ ગયો.

અને રિસીવર છટકવાનો ભય લાગતો હોય એમ એના પર તેની પકડ વધુ મજબૂત બની ગઈ.

'તું.. તું.. કોની વાત કરે છે?'

'હું શેની વાત કરું છું, એ તું બરાબર સમજે છે નાગરાજન ! અને ન સમજવાનો ડોળ કરે છે ! નાહક જ વાતને રબ્બરની જેમ લાંબી કરે છે ! પરંતુ રબ્બરને જો તેની હદ કરતાં વધુ ખેંચવામાં આવે તો એ તૂટી જાય છે એટલું ખાસ યાદ રાખ. સાંભળ, હું એ કમલ જોશીની વાત કરું છું કે જેને અત્યારે તેં ગોંધી રાખ્યો છે.”

'હા, તો?'

'તું એને છોડી દે એમ હું ઈચ્છું છું.'

'એમ...?' નાગરાજનના અવાજમાં કટાક્ષ હતો. 'હા...' સામે છેડેથી આવતો અવાજ ભાવહીન, ગંભીર અને શાંત હતો.

'માત્ર તારા કહેવાથી જ અમે તેને છોડી દેશું એમ તું માને છે?'

'ના..'

'છતાંય તું આવું ઇચ્છે છે ?'

'નાગરાજન...!' સામે છેડેથી આવતાં અવાજમાંથી પોલાદી સખ્તાઈ નીતરતી હતી, 'મારી ઈચ્છા માત્ર ઇચ્છા જ નહીં, એક પડકાર છે...! અને આ પડકાર બીજા કોઈને માટે નહીં પણ અંધારી આલમમાં અત્યારે જેની હકૂમત ચાલે છે તેને માટે, અર્થાત્ તારે માટે છે ! હા, નાગરાજન મારી ઈચ્છા તારે માટે એક પડકાર છે. તારે કોઈ પણ સંજોગોમાં એ રિપોર્ટરને છોડવો જ પડશે ! નહીં છોડે તો એનું પરિણામ તારે માટે ખૂબ જ ભયંકર આવશે એ તું યાદ રાખજે.'

' છોકરી...' નાગરાજન જોરથી બરાડયો, ‘તું પાગલ તો નથી થઈ ગઈ ને...?'

'ના...'

'તું મને...અંડર વર્લ્ડના બાદશાહ નાગરાજનને પડકાર ફેંકે છે?'

'હા.‌'

'એમ...' નાગરાજનના જડબાં ક્રોધથી ભીડાયા.

'નાગરાજન... માણસની ઇચ્છાશક્તિ દૃઢ હોય... મન અને હૈયામાં હામ હોય તો એ તારાં કરતાં દસ ગણી તાકાત ધરાવનાર નાગરાજનને પણ પડકાર ફેંકી શકે છે. અને કહેવાની જરૂર નથી કે આ બધું મારામાં છે. તને પડકાર ફેંકવાની મારામાં તાકાત છે ! એવી તાકાત કે જે તારી સિન્ડિકેટની અંધારી દુનિયાના વહાણને ઘડીના છઠ્ઠા ભાગમાં તણખલાની માફક વેરવિખેર કરી નાખશે.'

'તારી પાસે જ તો કેમેરો નથી ને?' સહસા યાદ આવ્યું હોય એમ ચમકીને નાગરાજને પૂછ્યું.

'ડૂબી મર નાગરાજન, ડૂબી મર...! તારા જેવા માણસને આ વિચાર બહુ મોડો આવ્યો, એ તારે માટે ખરેખર જ જ મરવા જેવી વાત છે ! તારે પહેલાંથી જ મારી તાકાત વિશે સમજી જવું જોઈતું હતું. ખેર, વાંધો નહીં, ડૂબી મરવા માટે હજુ પણ તને કેટલીયે તક આપવામાં આવશે સાંભળ.. તું કમલ જોશી પાસેથી જે કેમેરો મેળવવા માંગે છે, એ મારી પાસે છે અને બરાબર કાન ખોલીને સાંભળ, તું કમલને ગમે તેટલી યાતનાઓ આપીશ તો પણ એ તને કેમેરા વિશે એક અક્ષર પણ નહીં જણાવે. એ રિપોર્ટરને મન કદાચ મારું કંઈ મહત્ત્વ નથી. પરંતુ તે મારા મન-મંદિરનો ભગવાન છે ! હું એને ખૂબ જ ચાહું છું. જો મારા આ ભગવાની

કબર તે ખોદી તો તારી કબર ખોદાઈ જશે એટલું યાદ રાખજે !'

'તું.. તું મને ધમકી આપે છે.. ?'

માત્ર ધમકી જ નહિ, સાથે જ... આ એક સચ્ચાઈથી ભરપૂર એવી હકીકત છે, જેનો ઇચ્છા હોવા છતાં પણ તારાથી ઇનકાર થઈ શકે તેમ નથી.'

'સાંભળ...' નાગરાજનનો અવાજ એકદમ નરમ થઈ ગયો, 'અમે એ રિપોર્ટરને અમે મારી નાખવા નથી માંગતા !”

'એ તો હવે તમે ગમે તેટલા ધમપછાડા કરશો તો પણ પરી નહી મારી શકો ! ખેર, એ રિપોર્ટરને તમે મારે હવાલે કરી દે.”

"એટલે...?'

"નાગરાજન... હું એ રિપોર્ટરનાં જીવને એટલો કીમતી માનું છું કે જેની સામે તારી સિન્ડિકેટનું અસ્તિત્વ પણ મને ફિકકું લાગે છે. હું રિપોર્ટરનાં બદલામાં કંપનીનાં જીવનો સોદો કરવા માંગુ છું. મારે કમલ જોશીની જરૂર છે અને તને કેમેરાની !'

'મને મંજુર છે... મારે કેમેરો જોઈએ છે! કેમેરા માટે હું આ તો શું એના જેવા દસ રિપોર્ટરોને પણ છોડી શકું તેમ છું.'

'છોડી દેશું એમ નહીં... તારે એને મારે હવાલે કરવો પડશે.”

'ભલે.'

'તો સાંભળ... એને મારે હવાલે કેવી રીતે કરવો, એ હવે તને સમજાવું છું. આવતી કાલે બુધવાર છે. દર બુધવારે રાત્રે સાડા બાર વાગ્યે વિશાળગઢથી કલકત્તા જવા માટે હાવરા એકસ્પ્રેસ ટ્રેન ઉપડે છે. એ ટ્રેનમાં તારે કમલને પહોંચાડવાનો છે. જો તું કોઈ વાતની ચાલબાજી રમવાનો પ્રયાસ કરીશ તો તારા અંડર વર્લ્ડનું જહાજ મધદરિયે પહોંચીને ડૂબી જશે. કોઈ કરતાં કોઈ તને ડૂબતાં નહીં બચાવી શકે.’

'એ તો ઠીક છે, પણ મારે કમલને કેવી રીતે ને ક્યાં પહોંચાડવાનો છે ?'

'હા... તારો આ સવાલ મુદ્દાનો છે! સાંભળ... ! એકસ્પ્રેસના એન્જિન પછીના પહેલા ત્રણ ડબ્બા ફસ્ટ ક્લાસ છે, એમાંથી બીજા ડબ્બામાં મારો માણસ બેઠો હશે.’

'પણ એ માણસને ઓળખેવો કેવી રીતે ? '

“તારો ચમચો બહુ સહેલાઈથી એને ઓળખી શકશે !'

'કેવી રીતે..?'

'એટલા માટે કે એ ત્યાં ટિકિટ-ચેકરના રૂપમાં હશે.'

‘સમજ્યો...' નાગરાજનનાં ભવાં સંકોચાયાં, ‘આગળ બોલ.'

'તારે તારા વિલીયમ નામના ચમચાને મોકલવાનો છે. આ કેમેરાના બદલામાં કમલને તેના હવાલે કરી દેવાનો છે!'

'ભલે બીજું કંઈ...?'

'ના...'

'એક મિનિટ...'

'બોલ...'

‘આ કામ ચાલુ ટ્રેને જ કરવાનું છે કે પછી...?'

‘કેમ પૂછવું પડયું...?'

‘અમસ્તો જ પૂછું છું...”

“મને ફસાવવા માટે કોઈ જાળ પાથરવાનો તો તારો વિચાર નથી ને?'

'ના...'

'ઠીક છે. સાંભળ હાવરા એકસપ્રેસ બરાબર સાડા બાર વાગે ઊપડે છે. ટ્રેન ઉપડયા પછી વીસ મિનિટ બાદ તારા વિલીયમ નામના કૂકડાએ કમલને સાથે લઈને ફર્સ્ટ ક્લાસના બે નંબરના ડબ્બાની ટિકિટ-ચેકરની કેબિનમાં પહોંચી જવાનું છે.’

'અર્થાત આ કામ ચાલુ ટ્રેને જ થશે એમ ને?'

'એ તો સ્પષ્ટ જ છે.'

'ભલે...વિલીયમ પહોંચી જશે.....'

એ તો પહોંચવું જ પડશે. વિલિયમને તો શું એના પૂજ્ય પિતાશ્રીને પણ પહોંચવું પડશે અને સાંભળ... હમણાં તે જે સવાલો પૂછ્યા છે, એનાથી કોણ જાણે કેમ મને તારો ઈરાદ્દો સારો નથી લાગતો ! પહેલાં મેં ટ્રેનમાં જ કમલના બદલામાં કેમેરા સોંપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે મેં એ નિર્ણય બદલી નાખ્યો છે.'

તો શું વિલીયમે હાવરા એકસપ્રેસમાં નથી આવવાનું?'

'જરૂર વિલીયમે આવવાનું છે પણ માત્ર કેમેરો લેવા જ.'

'અને કમલનું શું કરવાનું છે?’

ટ્રેન ઉપડતાં પહેલાં જ તારે એને છોડી મૂકવો પડશે.’

'શુ?'

'નાગરાજન... તું અંધારી આલમનો બાદશાહ કેવી રીતે બની ગયો એ જ મને તો નથી સમજાતું.’ સામે છેડેથી આવતા વાક્યમાં હળાહળ કટાક્ષ ભર્યો હતો, ‘તારા જેવો માણસ આટલો મૂર્ખ હશે એવી કલ્પના મેં નહોતી કરી. ખેર, અત્યારનો જમાનો એવો  છે કે કોઈના પર ભરોસો કરી શકાય તેમ નથી અને એમાંય નાગરાજન જેવા નાગ પર તો ક્યારેય ભરોસો ન કરાય, એ વાત હું બરાબર સમજું છું. ઝેરીલો સર્પ પણ પોતાને છંછેડનાર માણસને છોડી દે છે. પરંતુ તું નથી છોડતો એની મને ખબર છે.

મને તારા પર જરા પણ ભરોસો નથી અને એટલે જ હું કમલને આ પહેલાં છોડી મૂકવાનું કહું છું.

'પણ...'

'સાંભળ...હાવરા એકસપ્રેસ બાર ને ત્રીસ મિનિટે વિશાળગઢથી ઊપડે છે. એની દસ  મિનિટ પહેલાં એટલે કે બાર ને વીસે જો મારા માણસો કમલને રેલવે સ્ટેશનની કેન્ટીનમા બેઠેલો નહીં જુએ તો એ કેમેરો તારે માટે સપનું તથા તારી બરબાદીનુ કારણ બની જશે એટલું યાદ રાખજે ! એ સંજોગોમાં કેમેરા પણ તારા વિલીયમ નામના કૂકડાના હાથમાં નહીં આવે....”

'ભલે... તું....'

પરંતુ સામે છેડેથી સંબંધ કપાઈ ગયો હતો. નાગરાજન થોડી પળો સુધી એમ ને એમ રિસીવર પકડીને ઊભો રહ્યો.

પછી એ રિસીવર મૂકીને પાછો ખુરશી પર બેસી ગયો. એ ઑફિસમાં મોઝુદ પાંચેય પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહ્યા હતા.

નાગરાજને ટેલિફોન પર થયેલી વાતચીતની વિગતો એ સૌને જણાવી દીધી. 'સર...' એની વાત સાંભળ્યા પછી રહેમાન બોલ્યો, ‘વિદાય કરવા હું જઉં તો?

‘ના... એણે માત્ર વિલીયમને જ મોકલવાનું કહ્યું છે. '

‘હું મેકઅપ કરીને જઈશ.’

'અક્કલના ઊંટ !...' નાગરાજન વીફરેલા અવાજે બોલ્યો. 'વિલીયમનું મોં ચાર ઈંચનું છે ને તારું નવ ઈંચનું ! તારા અને તેના ચહેરામાં પપૈયા અને તરબૂચ જેટલો તફાવત છે. તું તરબૂચ જેવા ચહેરાને કાપકૂપ કરીને પપૈયા જેવડું બનાવી શકીશ? એ છોકરીની વાત પરથી તે આપણને ઓળખતી હોય એવું લાગે છે.’

'સર.' સહસા ગુપ્તાએ પોતાની ખુરશી પરથી  થઈને કહ્યું.

નાગરાજનની પ્રશ્નાર્થ નજર ગુપ્તાના ચહેરા પર સ્થિર થઈ.

ગુપ્તા બોલ્યો, ' લાઠી પણ ન તૂટે અને સાપ મરી જાય, એટલે કે આપણે કમલને સોંપવો ન પડે ને કેમેરો પણ આપણને મળી એવો એક ઉપાય મને સૂઝે છે!'

'જલદી બોલ...' નાગરાજને વ્યાકુળ અવાજે કહ્યું.

'સાંભળો...એ છોકરીએ બાર ને વીસ મિનિટે કમલ જોશીને રેલવે સ્ટેશનની કેન્ટીનમાં પહોંચાડવાની સૂચના આપી છે. એની સૂચનાનો અમલ કરીને આપણે કમલ જોશીને રેલવે-સ્ટેશનની કેન્ટીનમાં પહોંચાડી દેશું. અલબત્ત, આ કમલ અસલી નહીં હોય...! મેં કમલને જોયો છે. એના જેવો જ દેખાવ ધરાવતો એક માનવી આપણી ગેંગમાં છે !’ ‘કોણ...?’ નાગરાજને ઉત્સુક અવાજે પૂછ્યું.

‘જમશેદ... જમશેદના શરીરનો બાંધો, ઊંચાઈ, ચહેરો વિગેરે આબેહૂબ કમલને મળતો આવે છે. બંનેના ચહેરામાં એક જ ફર્ક છે. કમલના ચહેરામાં કપાળ પર જમણા ભાગે તલ છે, જ્યારે જમશેદના ચહેરા પર નથી પરંતુ આ કમીને આપણે નકલી તલ ચોંટાડીને પૂરી કરી શકીએ તેમ છીએ. વિલીયમ જમશેદને કમલના રૂપમાં રેલવે કેન્ટીનમાં પહોંચાડીને ચાલ્યો જશે. એ છોકરીના માણસો ડુપ્લીકેટ કમલને લઈને ચાલ્યા જશે. ઉપરાંત જમશેદની એક ખાસિયત પણ આપણને લાભદાયી નીવડી શકે તેમ છે.’

'કઈ?'

'એ કોઈ પણ માણસના અવાજની નકલ કરવામાં નિષ્ણાત છે! એ સહેલાઈથી કમલના અવાજની નકલ કરી શકશે એમ હું માનું છું.'

'વારૂ... એને કેન્ટીનમાં પહોંચાડયા પછી...?'

' પછી શું...? એ છોકરીના માણસો નકલી કમલ ઉર્ફે જમશેદને લઈને ચાલ્યા જશે. તે કમલ નહીં પણ જમશેદ છે, એ વાતની તો તેમને ગંધ સુધ્ધાં નહીં આવે અને કદાચ આવશે પણ બહુ મોડી આવશે. ત્યાં સુધીમાં તો વિલિયમ ફર્સ્ટ ક્લાસ કપાર્ટમેન્ટમાં ટિકિટ-ચેકર પાસેથી કેમેરા મેળવી ચૂકયો હશે."

'તારી યોજના સારી છે પરંતુ એમાં ઘણું જોખમ છે !' નાગરાજન વિચારવશ અવાજે બોલ્યો.

'શું?'

'આમ કરવાથી જમશેદને પોતાનો જીવ ગુમાવવો પડશે. આ લોકો કોઈ કાળે તેને જીવતો નહીં મૂકે ! ’

‘હા...…પરંતુ કેમેરો મેળવવા માટે આટલો ભોગ તો આપણે આપવો જ પડશે.'

'સર...મને એક વાત સૂઝે છે ! ' સહસા રતનલાલ બોલી ઊઠયો.

' ચાલ...બાકી રહી ગયું હોય તો તું પણ કહી નાખ!'

નાગરાજને રતનલાલ સામે જોતાં કહ્યું.

'આ નકલી કમલની લમણાઝીંક કરવા કરતાં આપણે અસલી કમલને જ રેલવે-સ્ટેશનની કેન્ટીનમાં પહોંચાડી દઈ એ તો ?'

‘તો આપણે માટે ગધેડી ને ફાળીયું બંને જાય એવો ઘાટ થશે.’ નાગરાજનનો અવાજ ગંભીર હતો.

'એટલે...?'

'એટલે એમ કે અસલી કમલ કબજામાં આવતાં જ એ છોકરી આપણને કેમેરો નહીં આપે.' નાગરાજન રોષભર્યા અવાજે બોલ્યો, 'મુર્ખાઓ, ક્યારેક તો અક્કલનો ઉપયોગ કરતાં શીખો ! વાત- ચીત પરથી એ છોકરી મને ખૂબ જ ભારાડી અને જબરી લાગી છે.'

રતનલાલનો ચહેરો ઊતરી ગયો. નાગરાજનની વાત પણ સાચી હતી. અસલી કમલને સોંપવાનું જોખમ કોઈ કાળે ઊઠાવી શકાય તેમ નહોતું.

'મારી યોજના આપને બરાબર લાગે છે સર...?' ગુપ્તાએ નાગરાજન સામે જોતાં પૂછ્યું .

"હા...' નાગરાજને જવાબ આપતાં કહ્યું, 'તું જમશેદને તૈયાર કર ! ”

'જી...'

'અને સાંભળ...’

ગુપ્તાએ પ્રશ્ચાર્થ નજરે નાગરાજન સામે જોયું.

એના પર જીવનું જોખમ પણ આવી શકે છે એ વાત તારે એને નથી જણાવવાની !' !”

‘ભલે...!” ગુપ્તાએ સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

'સર...!” અચાનક રહેમાન બોલ્યો, ‘મને એક ઉપાય સૂઝે છે...અને આ ઉપાય એવો છે કે આપણે જમશેદને સહી-સલામત રીતે બચાવી શકીશું.’

'કેવો ઉપાય છે તારી પાસે...?’

“એ છોકરીના માણસો નકલી કમલ અર્થાત્ જમશેદને લઈને ચાલ્યા જાય, ત્યારે તેમનો પીછો કરીને હું જમશેદને બચાવી લઈશ.” ‘તારી યોજના તો ઉત્તમ છે... પરંતુ એમાં ઘણું જોખમ છે. એ લોકો કંઈ એમ ને એમ તો નહીં જ આવ્યા હોય! જરૂર હથિયારોથી સજ્જ થઈને જ આવ્યા હશે. તેમનો પીછો કરી જમશેદને બચાવવા જતાં તારા જીવ પર જોખમ આવી પડે છે અને આવું થાય એમ હું નથી ઇચ્છતો. જમશેદ કરતાં મારે મન તારું મહત્વ વધારે છે. એના કરતાં તો જમશેદના ભોગે જો કેમેરો આપણા હાથમાં આવતો હોય તો આ સોદો નુકસાનકારક નથી એમ હું માનું છું.'

છેવટે જમશેદને કમલના રૂપમાં મોકલવાનું નક્કી કરી મિટિંગ બરખાસ્ત થઈ.

વિશાળગઢનું આલિશાન રેલવે-સ્ટેશન...! સ્ટેશનની આધુનિક અને ભવ્ય કેન્ટીન...!

કેન્ટીનના એક ટેબલ પર કમલ જોશીના વેશમાં સજ્જ થયેલો જમશેદ બેઠો બેઠો સિગારેટના કશ ખેંચતો હતો.

અત્યારે એણે કમલનાં જ વસ્ત્રો પહેર્યા હતાં. પહેલી નજરે જોઈને એ કમલ નથી એવું કોઈ જ કહી શકે તેમ નહોતું. જે નક્કી થયા મુજબ રહેમાન તેને કેન્ટીનમાં મૂકીને ચાલ્યો ગયો હતો.

જમશેદે સિગારેટને એશ-ટ્રેમાં મસળીને કાંટાઘડિયાળમાં સમય જોયો. બાર વાગીને ઉપર પચીસ મિનિટ થઈ હતી.

બે નંબરના પ્લેટફોર્મ પર ઊભેલી હાવરા એકસ્પ્રેસ ટ્રેન રવાના થવાની તૈયારીમાં જ હતી. હજુ સુધી એને લેવા માટે કોઈ નહોતું આવ્યું. એણે એક બીજી સિગારેટ સળગાવીને કેન્ટીનમાં નજર દોડાવી. સહસા બે માણસો તેના ટેબલ પાસે આવીને ઊભા રહ્યા. કમલ ઊર્ફે જમશેદે માથું ઊંચું કરીને પ્રશ્નાર્થ નજરે એ બંને સામે જોયું.

'તમારું નામ જ કમલ જોશી છે મિસ્ટર...? ' બેમાંથી એકે શિષ્ટાચારભર્યા અવાજે પૂછ્યું.

જમશેદે હકારમાં માથું હલાવ્યું. 'તમારે અમારી સાથે આવવાનું છે.”

જમશેદે સ્વીકારાત્મક ઢબે માથું હલાવ્યું અને ઊભો થયા પછી તે બંને સાથે કેન્ટીનમાંથી બહાર નીકળ્યો.

કેન્ટીનથી થોડે દૂર પ્લેટફોર્મ પર થાંભલા પાસે પીઠ ટેકવીને ઊભેલી મોહિનીએ, કેન્ટીનમાંથી પોતાનાં બંને માણસો, સાથે બહાર નીકળેલા કમલનુ (જમશેદનું) નિરીક્ષણ કર્યુ.

વળતી જ પળે એના ચહેરા પર રહસ્યમય સ્મિતે ફરકી ગયું. બરાબર એ જ વખતે હાવરા એકપ્રેસની વ્હીસલ ગુંજી ઊઠી. મોહિની ઝડપભેર આગળ વધીને સ્ટેશનની બહાર નીકળી ગઈ. બીજી તરફ હાવરા એકપ્રેસના થર્ડ ક્લાસના ડબ્બામાં વિલીયમ મોજૂદ હતો. એનો દેખાવ એકદમ ગરીબ માણસ જેવો હતો. જોગાનુજોગ તે ડબ્બામાં બહુ ભીડ નહોતી.

'તારું નામ શું છે ભાઈ...?' સહસા એની બાજુમાં બેઠેલાં એક આશરે સાંઠ વર્ષની ઉંમર ધરાવતા માણસે પોતાના ગજવામાંથી સિગારેટનું પેકેટ તથા લાઈટર કાઢતાં તેને ઉદ્દેશીને પૂછયું.

“જી...મારું નામ ગૌતમ ઉપાધ્યાય છે!” વિલીયમે ખોટો જવાબ આપતાં કહ્યું.

'ક્યાં જવું છે?'

'પાછો કલકત્તા જઉં છું.'

'કેમ...?'

'અહીં ક્યાંય નોકરી ન મળી એટલે !'

'આ કળીયુગમાં શોધવાથી ભગવાન મળી જાય છે. પરંતુ નોકરી નથી મળતી ! ' એ વૃદ્ધે એક સિગારેટ સળગાવીને પેકેટ તથા લાઈટર તેની સામે લંબાવતાં સહાનુભૂતિભર્યા અવાજે કહ્યું, ‘લે...સિગારેટ પી...' એણે સ્મિત ફરકાવીને એના પેકેટમાંથી એક સિગારેટ કાઢીને સળગાવી.

'અરે કાકા, આજના જમાનાની વાત જ જવા દો !' સામે બેઠેલો એક સૂટેડ-બૂટેડ યુવાન મુસાફર મોં મચકોડતાં બોલ્યો - જમાનો તો એવો છે.”

“ જેની લાઠી તેની ભેંસની કહેવતને સાચી પાડે તેવો જમાનો છે."

વિલીયમ સમય પસાર કરવાના હેતુથી તેમની વાત સાંભળવા લાગ્યો.

'આજે માણસની નજર સામે ખૂન થઈ જાય છે... અસંખ્ય માણસોની હાજરીમાં બેંક લૂંટવાના બનાવો બને છે. આવા બનાવો નજરે જોયા હોવા છતાં પણ કોઈ લૂટારાઓ વિરુદ્ધ બયાન આપવા તૈયાર નથી થતું.' વકીલ જેવા દેખાતા એક માણસે કહ્યું. એના ચહેરા પર વિષાદના હાવભાવ ફરકતા હતા.

એ માણસ જુબાનીને કારણે કદાચ કોઈક કેસ હારી ગયો હોય એવું અનુમાન વિલીયમે કર્યું.

'આપની વાત સાચી છે.' એક અન્ય માણસ બોલી ઊઠ્યો. 'આજના જમાનામાં કોઈનીયે પાસે પોલીસ અને કોર્ટના બખેડામાં ફસાવાની ફુરસદ નથી.'

“હું સરકારી વકીલ છું. કોર્ટકચેરીના બખેડામાં ફસાવાની કોઈ પાસે ફુરસદ નથી એની મને ખબર છે. પરંતુ તેમ છતાં એક આદર્શ નાગરિક હોવાને નાતે પોલીસ અને કાયદાને મદદ કરવાની આપણી સૌની ફરજ છે ! ભરી બજારે એક ગુંડાએ ખૂન કર્યું પરંતુ કોઈ એની વિરૂદ્ધ જુબાની આપવા માટે તૈયાર ન થયું. અને એ છૂટી ગયો. કોર્ટને, તેને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવો પડયો એ કમજાત કાયદાની ઠેકડી ઉડાવતો હોય એમ મૂછને વળ ચડાવતો ચાલ્યો ગયો.’

‘તમે એકદમ સાચું કહો છો વકીલ સાહેબ!' એક ખાદી ધારી નેતા જેવો દેખાતો આધેડ બોલા ઊઠયો, “હવે વિરોધ પક્ષ એમ જ કહેશે કે એ ગુંડાની પીઠ પાછળ નેતાઓનો હાથ છે. આમાં નેતાઓનો શું વાંક?"

ખાદીધારી કોંગ્રેસ પક્ષનો નેતા છે અને કદાચ આ વખતની ચૂંટણીમાં ભાગ લેવા માટે તેને ટિકિટ નથી મળી એવું વિલિયમને લાગ્યું. કદાચ આ કારણસર જ તે થર્ડ કલાસના ડબ્બામાં મુસાફરી કરતો હતો.

'લે હવે રાખો રાખો..' બારી પાસે ઊભેલા એક યુવાને હૈયાવરાળ ઠાલવી, 'વિરોધપક્ષની વાત ખોટી નથી. આજકાલના નેતાઓ જ આવા કેસમાં વચ્ચે ડફાકિયા મારીને આવા ગુંડા તત્ત્વોને સમર્થન આપે છે. આવા સ્વાર્થી નેતાઓને કારણે જ આજે ગુંડાઓનું જોર વધી ગયું છે. અંગૂઠાછાપ માણસો પણ લાગવગ અને પૈસાના જોરે સંસદ સભ્ય બની બેઠા છે. હવે આ નાગરાજનનો જ દાખલો લો... એ કમજાત વિશાળગઢમાં ફાવે તેમ ગુનાઓ આચરે છે પરંતુ તેની પાસે પૈસા અને સ્વાર્થી નેતાઓનું પીઠબળ હોવાથી કોઈ તેને કંઈ જ કહી શકતું નથી. પોલીસ તથા જનતા ચૂપચાપ એના જુલમો સહન કર્યો રાખે છે. ઈચ્છા હોવા છતાં પણ તેઓ કશું જ કરી શકે તેમ નથી. મારું ચાલે તો સૌથી પહેલાં નાગરાજનને પીઠબળ આપતાં નેતાઓની, અને પછી નાગરાજનની પોતાની છાતીમાં પૂરી એક ડઝન રિવોલ્વરો ખાલી કરી નાખું.'

નાગરાજનની વિરુદ્ધ આવા શબ્દો બોલનાર યુવાનનું ગળું દબાવી દેવાની તીવ્ર લાલસા વિલીયમની નસેનસમાં જોરજોરથી ઉછાળા મારવા લાગી.

એણે ક્રોધભરી નજરે એ યુવાન સામે જોયું. પરંતુ યુવાનનું ધ્યાન બીજી તરફ હતું.

પછી પોતાનું મૂળ કામ યાદ આવતાં જ તેનો ક્રોધ સોડા વોટરના ઊભરાની જેમ શમી ગયો.

ટ્રેન હવે પૂરી રફતારથી પોતાની મંઝિલ તરફ ધસમસતી હતી. બરાબર એક વાગ્યે દેવગઢ આવતું હતું. હાવરા એકસ્પ્રેસ દેવગઢ ઊભી રહેતી હતી.

વિલિયમને બાર ને પચાસ મિનિટે ફર્સ્ટ કલાસના કંપાર્ટમેન્ટથી ટિકિટ-ચેકર પાસે પહોંચવાનું હતું.

એણે ઘડિયાળમાં સમય જોયો. બાર વાગીને ઉપર બેતાળીસ મિનિટ થઈ હતી.

એ ઊભો થઈને આગળ વધી ગયો. એક પછી એક ડબ્બાઓ વટાવતો પાંચેક મિનિટમાં જ તે ફર્સ્ટ કલાસના બીજા ડબ્બામાં પહોંચી ગયો.

એણે હેન્ડ પર્સમાંથી જર્મનીની બનાવટની નાનકડી રિવોલ્વર કાઢીને પેન્ટના ગજવામાં મૂકી. પછી એ ટિકિટ-ચેકરની કેબિન પાસે પહોંચ્યો. કેબિનનું બારણું બંધ હતું. એણે બારણા પર ટકોરા માર્યા.

'યસ, કમ ઈન..' અંદરથી અવાજ આવ્યો.

તે બારણાને ધક્કો મારીને અંદર દાખલ થઈ ગયો.

અંદર બેંચ પર ટિકિટ ચેકરનાં વેશમાં સજ્જ થયેલો એક માનવી બેઠો હતો. એના હાથમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા માણસોના નામની યાદી હતી. એણે માથું ઊંચુ કરીને વિલીયમ સામે જોયું.

‘જુઓ મિસ્ટર...' એ બોલ્યો, ' તમે ટિકિટ માટે આવ્યા હો તો માફ કરજો. અત્યારે કોઈ સીટ ખાલી નથી.’

'હું ટિકીટ માટે નથી આવ્યો!' વિલીયમે પગ વડે ધક્કો મારીને બારણું બંધ કરતાં કહ્યું.

‘તો શા માટે આવ્યા છો?'

'હું તો બીજી જ વસ્તુ માટે આવ્યો છું. આ વસ્તુ તમારે મને આપવાની છે. '

'કઈ વસ્તુ...!' ટિકિટ-ચેકરે મુંઝવણભરી નજરે તેની સામે જોયું.

'કેમેરો..'

'કેમેરો... ?' ટિકિટ-ચેકરના અવાજમાં અચરજનો સૂર હતો.

'હા..'

‘તમે ખોટી જગ્યાએ આવ્યા છો મિસ્ટર ! કેમેરો જોઈતો હોય તો દેવગઢ ઊતરી જજો. ત્યાંની બજારમાં તમને ઘણાં મોડલના કેમેરા મળી જશે...જાઓ...બહાર જાઓ... મને મારું કામ કરવા દો...'

'મિસ્ટર સીધી રીતે કેમેરો આપવો છે કે પછી...?' કહી, ગજવામાંથી રિવોલ્વર કાઢીને વિલીયમે તેની છાતી સામે તાકી. પછી કઠોર અવાજે બોલ્યો, ‘કે પછી ટ્રેગર દબાવવા માટે મારી આંગળીને તકલીફ આપવી પડશે....?'

'આ તમે શું બકો છો મિસ્ટર...?' ટિકિટ-ચેકર ઉત્તેજીત અવાજે બોલ્યો, 'મારી પાસે કેમેરો ક્યાંથી હોય ? હું કંઈ કેમેરાનો વેપારી નથી...! સાધારણ ટિકિટ-ચેકર છું.'

વળતી જ પળે વિલીયમના હાથમાં જકડાયેલી રિવોલ્વરની મૂઠનો પ્રહાર ખૂબ જોરથી એના જડબા પર ઝીંકાયો.

ટિકિટ-ચેકરના મોંમાંથી ચીસ નીકળી ગઈ. એનું જડબું ચીરાઈ ગયું અને તેમાંથી લોહીની ધાર વહેવા લાગી.

‘બોલ... કેમેરો ક્યાં છે ? ' વિલીયમે કાળઝાળ અવાજે પૂછ્યું. “હું…હું કોઈ કેમેરા વિશે નથી જાણતો.' ટિકિટ-ચેકરે કંપતા અવાજે જવાબ આપ્યો.

'તને પેલી છોકરીએ કેમેરો નથી આપ્યો ?” “ભાઈસા'બ તમે કઈ છોકરીની વાત કરો છો ?'

'તો તારે કેમેરો નથી જ આપવો એમ ને?'

'મારી પાસે કોઈ કેમેરો નથી તો હું કયાંથી આપું...! જો હવે તમે એક મિનિટમાં જ અહીંથી બહાર નહીં જાઓ તો મારે દેવગઢમાં પોલીસમાં ફરિયાદ કરવી પડશે.”

'એમ...'

'હા..'

“તો, લે...” કહીને વિલીયમે ખૂબ જોરથી એના માથા રિવોલ્વરની મૂઠનો પ્રહાર કર્યો.

વળતી જ પળે ટિકિટ-ચેકર બેભાન થઈ ને ઢળી પડયો. ત્યારબાદ વિલીયમે ઝપાટાબંધ કેબિનની તથા ટિકિટ-ચેકરના ગજવાની તલાશી લીધી. પરંતુ ક્યાંય તેને કેમેરો ન મળ્યો.

સહસા ટ્રેનની ગતિ ધીમી પડવા લાગી. દેવગઢ આવવાની તૈયારીમાં જ હતું. વિલીયમે રિવોલ્વરને પુનઃ હેન્ડપર્સમાં મૂકી દીધી. પછી  બહાર નીકળીને દરવાજા પાસે પહોંચ્યો.

ત્યારબાદ દેવગઢનું સ્ટેશન આવતાં જ એ ચાલુ ટ્રેને પ્લેટફોર્મ પર ઊતરી ગયો.

તે બે મિનિટ પછી અન્ય મુસાફરોની સાથે સ્ટેશનમાંથી બહાર નીકળી ગયો હતો. કેમેરો ન મળવાને કારણે એના ચહેરા પર નિરાશા છવાયેલી હતી..