Triveni - 3 in Gujarati Women Focused by Chintan Madhu books and stories PDF | ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - 3

Featured Books
  • નિતુ - પ્રકરણ 75

    નિતુ : ૭૫ (નવીન તુક્કા) નિતુએ નવીનની વાતને અવગણતા પોતાની કેબ...

  • ભાગવત રહસ્ય - 179

    ભાગવત રહસ્ય-૧૭૯   કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા...

  • ફરે તે ફરફરે - 67

    ફરે તે ફરફરે - ૬૭   હું  મારા ધરવાળા સાથે આંખ મિલા...

  • રાય કરણ ઘેલો - ભાગ 16

    ૧૬ પૃથ્વીદેવ   અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વ...

  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

Categories
Share

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - 3

નિશા વિષે વાત કરીએ

૧૯૮૫, સપ્ટેમ્બર

ગુજરાતમાં માધવસિંહ સોલંકીના કાર્યકાળ દરમ્યાન અનામતની ટકાવારી વધારવા બાબતે રમખાણો ફાટી નીકળ્યા હતા. ફેબ્રુઆરીથી જુલાઇ અંત સુધી વિદ્યાર્થીઓ, અને વિવિધ સંગઠનો દ્વારા નાની-મોટી ચળવળો ચાલી. આખરે ઓગસ્ટના પ્રારંભ સાથે પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડવા લાગી. પોલીસકર્મીઓ સતત છ મહિનાઓની કવાયતમાંથી મુક્ત થઇ રહ્યા હતા. કિશોર આ જ કર્મીઓમાંથી એક હતો. કિશોરના ઘરે પારણું બંધાવાનું હતું. તેની પત્ની સાત મહિના ગર્ભવતી હતી. જેમાંથી છ મહિના કિશોરે હડતાળોમાં, રમખાણોમાં, નિયત્રંણોમાં વિતાવ્યા. હવે, સમય આવી પહોંચ્યો હતો, ઘરે પહોંચવાનો-પત્ની સાથે બાળજન્મનો અવસર વિતાવવાનો. તેના ફરજ બજાવવાની જગા એટલે વિસાવદર તાલુકાનું એક પોલીસ સ્ટેશન.

જંગલના રાજાઓના વસવાટ ગીર અભ્યારણથી પચીસેક માઇલના અંતરે પોપટડી નદીના કાંઠે વસેલો જુનાગઢનો એક તાલુકો એટલે વિસાવદર. તે મધ્યમ પ્રકારની કાળી માટી ધરાવતો પ્રદેશ હતો. કિશોરનું રહેવાનું પોલીસ ક્વાર્ટરમાં હતું. ત્રણ માળના પીળા રંગની દીવાલો ધરાવતા ક્વાર્ટર, એક જ જેવા ઢાંચાઓ ધરાવતા હતા. પ્રવેશતાં જ બે મકાન સામસામે મોંઢું રાખેલા દરવાજા સાથે દેખા આપે. એક મકાનની દીવાલને અડોઅડ જ નિસરણી બીજા માળે બીજા બે મકાનોના દરવાજા પાસે લઇ જાય, ફરી નિસરણી ત્રીજા માળે, બે મકાનોના દ્વાર પારે લઇ જાય, અને આખરે ધાબામાં દાખલ થાય. આમ, ત્રણ માળના ક્વાર્ટરની હારમાળાઓ સર્જાય. કતારમાં ગોઠવાયેલા ક્વાર્ટર એટલે લાઇન, અને પોલીસ રહેતી હોવાથી પોલીસ લાઇન.

કિશોરની હાજરીથી કવાર્ટરનું વાતાવરણ આનંદમય બન્યું હતું. પ્રત્યેક સ્ત્રીના જીવનમાં નવ મહિનાનું મહત્વ ભિન્ન જ હોય છે, અને દરેક નારી એવું ઇચ્છે કે આ સમયગાળો પતિ સાથે વિતે; યાદગાર બને. એવી જ કંઇક ઇચ્છા કિશોરની પત્નીની પણ હતી. જે પૂરી થઇ હતી. આખરી બે માસ તો કિશોર તેની પત્ની સાથે વિતાવવાનો હતો. કિશોર પાસે અઢળક વાતો રહેતી, અને એ પણ પાછી જાણવા જેવી. એટલે તેની હાજરીમાં સમય ક્યાં પસાર થઇ જાય તે ખબર જ ન પડે.

આનંદથી છલાકાતા દિવસો તીવ્ર વેગે પસાર થઇ ગયા. શિશુજન્મનો સમય નજીક હતો. કિશોરની સાસુ પોતાની દીકરીની માવજત અર્થે આવી પહોંચી હતી. ચોક્કસ સમયના અંતરે દાઇયણ તપાસ કરી જતી, પરંતુ હવે તો તેને હાજર રહેવાનો સમય આવી ગયો હતો.

કિશોરની પત્નીની પીડા અસહ્ય હતી. સાસુએ તેમની દીકરીનો જમણો હાથ પકડી રાખેલો અને બીજો હાથ માથા પર ફેરવી સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહી હતી. કોઇ પણ પ્રકારની આપદા આવી પડે, પણ માતાનો હાથ માથા પર ફરે - એટલે તે આપદા અડધી થઇ જાય, અથવા તો નહિવત બની જાય. અજબનો વિશ્વાસ ભરી દે-માતાનો સ્પર્શ, અજબની શક્તિ સંચારે-માતાનો સ્પર્શ, રક્તના કણેકણમાં વહેતો હોય છે-માતાનો સ્પર્શ. એટલે જ તો મા શબ્દની ઉંમર જ નથી થતી. તે હંમેશ માટે યુવાન જ રહે છે. દાઇયણ પણ આવી ચૂકેલી. કિશોર અને તેના મિત્રો ક્વાર્ટરની બહાર પ્રતીક્ષામાં હતા. પીડાને કારણે ઉપજતા રૂદનનો અવાજ આવી રહેલો. સ્ત્રીના પીડાનો અવાજ બાળ રૂદનમાં પરિણમ્યો. જન્મ થઇ ગયો. થોડીક્ષણોમાં જ દાઇયણે પુત્રીજન્મના સમાચાર આપ્યા.

રમખાણોમાંથી ઘરે આવેલા કિશોરને પુત્રની આશા હતી. વર્તમાન વાતાવરણે તેને પુત્રની લાલસા રાખવા માટે મજબૂર કરેલો. ભવિષ્યમાં રમખાણો થાય તો એક છોકરી કેવી રીતે પરિસ્થિતિ સામે ટકે? ભીડમાં નારીનું શું થાય? શોષણનો ભોગ બને તો? વિચારોએ કિશોરના મનને દીકરા તરફના માર્ગે દોડાવ્યો હતો. તેની આંખો ભીની થઇ ગઇ. એટલામાં જ સાસુ બહાર આવી.

‘શું થયું? કુમાર... કેમ આંખો છલકાઇ?’, સાસુએ હાથ લુછતા લુછતા કિશોર સામે જોયું.

‘મને દીકરો અવતરે તેવી ઇચ્છા હતી.’, કિશોરે હથેળીઓ વડે આંખોમાંથી છટકીને ગાલ પર જમાવટ કરી રહેલા આંસુઓને દૂર કર્યા. સ્વસ્થ થવાનો પ્રયાસ કર્યો.

સાસુએ કિશોરના ખભા પર હાથ મૂક્યો, ‘જુઓ કુમાર... તમને એક સમાચાર કહું, જે મેં બે દિ પહેલાંના જ છાપામાં વાંચ્યા હતા, એટલે જુઓને ૨૧ તારીખનું છાપું. ૨૦ સપ્ટેમ્બરના રોજ સ્ત્રીના નામથી જ યુનિવર્સિટી બની છે, “ઈંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી”. જો એક નારીના નામથી શિક્ષણ સંસ્થાન સ્થપાતું હોય, જે ઇશારો છે દીકરીના જન્મને તહેવારની જેમ વધાવી લેવાનો. તમને પણ હું એટલું જ કહીશ... કે આ સોનાની લગડી જેવી તમારી દીકરી જ તમને ગર્વ, માન, અભિમાન અપાવશે, અને મારા માટે તો આ હંમેશા “સોનું” જ રહેશે.’

‘તમારી બધી વાત સાચી, પણ આજનો જમાનો દીકરી માટે નથી. છેલ્લા છ મહિનામાં મેં જે જોયું છે, અનુભવ્યું છે, તેના પરથી જ મારો લોભ દીકરો બન્યો છે. કદાચ હું ખોટો પણ હોઇ શકું.’, કિશોરે તેના મનની વ્યથા જણાવી.

‘ખોટા હોઇ શકો એવું નથી... જમાઇરાજ, પણ તમે વિચારો છો, તે ખોટું છે.’, સાસુએ કિશોરના ખભા પર હળવું દબાણ આપ્યું, ‘તમે વિચારોને છોડો, આ પ્રસંગને માણો. પિતા બનવાની ખુશીને આત્મસાત થાવ. પછી શું દીકરો અને શું દીકરી? બધું ભૂલી જશો.’

પાંચ દિવસ સુધી તે બાળકી સોનુ નામથી જ ઓળખાઇ, અને પ્રિયજનોના મુખે તે જ નામ વસી ગયું. છઠ્ઠા દિવસે નામકરણ હતું.

‘જમાઇરાજ...! કોઇ નામ વિચાર્યું છે?’, સાસુ ખોળામાં સૂવડાવેલી સોનુને હળવા હાથે થપથપાવી રહેલી.

‘હા...! મેં નિશા વિચાર્યું છે.’, કિશોરે ધીમા અવાજે જવાબ આપ્યો.

‘નિશા...એટલે અંધકાર, રાત્રી... તમે હજી પણ દીકરીના જન્મથી નાખુશ છો.’, કિશોરની પત્નીનો રસોડામાંથી અવાજ આવ્યો.

‘ના, ના, એવું નથી... નિશા એટલે રાત્રી, એક જ અર્થ નથી થતો. તેના જન્મ વખતે એટલે કે સવારના સાત કલાકે સૂરજનો અગ્નિરથ અંધકારને ચીરીને અજવાળું પાથરવા માટે આગળ વધવા લાગ્યો હતો. અંધકાર દૂર થતા જ અજવાળા સાથે ફેલાતી ખુમારી એટલે મારી દીકરીનું નામ, અને એ જ ખુમારીનો અર્થ છે “નિશા”...’

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏