TRIVENI - 1 in Gujarati Women Focused by Chintan Madhu books and stories PDF | ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧

Featured Books
  • નિતુ - પ્રકરણ 75

    નિતુ : ૭૫ (નવીન તુક્કા) નિતુએ નવીનની વાતને અવગણતા પોતાની કેબ...

  • ભાગવત રહસ્ય - 179

    ભાગવત રહસ્ય-૧૭૯   કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા...

  • ફરે તે ફરફરે - 67

    ફરે તે ફરફરે - ૬૭   હું  મારા ધરવાળા સાથે આંખ મિલા...

  • રાય કરણ ઘેલો - ભાગ 16

    ૧૬ પૃથ્વીદેવ   અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વ...

  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

Categories
Share

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧

અમદાવાદ, સરખેજ-ગાંધીનગર હાઇવે પર વાઇડ એંગલ સિનેમાની નજીકમાં જ વિસામો ખાતી નોવોટેલ હોટલ હતી. ચમચમતો સૂરજ બરોબર માથા પર આવી ચૂકેલો. હોટેલનો પ્રવેશદ્વાર પારદર્શક કાચનો બનેલો હતો. દાખલ થતાં જ બરોબર આંખોની સામે જ રિસેપ્શન કાઉન્ટર નજરે પડતું, જમણી તરફ ટેબલ ગોઠવેલા હતા, જેની પ્રદક્ષિણાનો માર્ગ ખુરશીઓ તેમજ સોફા દ્વારા રોકાયેલો હતો. ખુરશીઓ, ટેબલ, અને સોફાને સજાવવા માટે આછા કથ્થાઇ રંગથી શરૂ કરી ઘેરા કથ્થાઇ રંગનો ઉપયોગ કરવામાં આવેલો. કોફી બનાવવા માટેનું મશીન પણ ગોઠવેલ હતું. જ્યારે ડાબી તરફ પ્રતિક્ષા વિસ્તાર હતો. હોટલમાં રૂમ નોંધાવનારે, ઇચ્છિત રૂમ મળે નહિ ત્યાં સુધી આ જ વિસ્તારમાં પ્રતિક્ષા કરવાની રહેતી. તે વિસ્તારને બનાવતી ફરતી દિવાલના ટેકા પર પણ સોફા ગોઠવેલા હતા, જેની વચોવચ ટીપોઇ, અને તેની ઉપર કાચ ગોઠવેલો હતો. સંપૂર્ણ કાચ જોવો અશક્ય હતો, કેમ કે અમુક અંશો હોટલમાં આવતી મેગેઝીન, છાપાઓ, અને પાણીના પ્યાલા ધરાવતી પ્લેટથી આવરિત હતા. સામાન્ય રીતે, બહુવિસ્તરીત ઉદ્યોગોના ધણીઓ, આ હોટલમાં ધંધાકીય બાબતોની ચર્ચા માટે એકબીજાની મુલાકાતે આવતા. આથી જ, વાતાવરણ ખૂબ જ શાંત રહેતું. આમ તો અવાજ થવો જરૂરી હોય છે, પણ ઉદ્યોગોની ચર્ચા સમયે બોલતી બંધ થઇ જતી હશે, એટલે વાતાવરણ શાંત થઇ જતું હોય છે.

પારદર્શક કાચના દ્વારને અંદરની તરફ ધકેલી એક નારી પ્રવેશી. બન્ને હાથ વસ્તુઓથી સજ્જ હતા. એક હાથમાં રહેલા ઘણા બધા ડ્રોઇંગ પેપર એકબીજા સાથે અંદરોઅંદર લડી રહેલા. જેથી તેઓ નારીના હાથની પકડમાં રહી શકે. તેમાંથી અડધા તો સાવ લટકી જ ગયેલા, અને આખરે બધાએ એકસાથે આત્મહત્યા કરી, હાથમાંથી છટક્યા અને જમીન પર ઢોળાઇ ગયા. કાગળોના વરસાદને અટકાવવા જતા, તે જ હાથમાં લટકી રહેલું પર્સ પણ પડ્યું, અને તેને સાચવવા જતા બીજા હાથમાં રહેલો મોબાઇલ પણ પટકાયો. આ ગડમથલમાં કંઇ પણ ન સૂઝવાને કારણે એકસાથે પ્રવેશદ્વારની પાસે વિખરાયેલ પ્રત્યેક વસ્તુને સમેટવા જતા, તે પણ ફસડાઇ અને ચમકતા ભોંયતળીયા સાથે મિલાપ કર્યો. તુરત જ રિસેપ્શનિસ્ટ દ્વાર પાસે તેની મદદે પહોંચી.

તે જ સમયે, ડાઇનીંગ વિસ્તારમાં જમણી તરફ ત્રણ વ્યક્તિઓ બેસી શકે તેવી ગોઠવણમાં એક જ સોફો ભરેલો હતો, અને તેની સામેના બે સોફા ખાલી હતા. સોફાને રોકનાર એક નારી હતી, જે લેપટોપ પર પૂર ઝડપે આંગળીઓ દોડાવી રહેલી. વારેઘડીયે ચશ્માની ફ્રેમને સરખી કરતી રહેતી, અને ચોક્કસ ક્ષણોના અંતરે ગરમાગરમ કોફીના ઘુંટડાની મજા માણતી. પરંતુ તેનો હાવભાવ બદલાતો નહોતો. અત્યંત ચોકસાઇ પૂર્વક ગણતરી કરી રહી હોય તેવું પ્રતીત થતું હતું. લેપટોપની સ્ક્રીન પર આંકડાઓની માયાજાળ રચાયેલી હતી. પ્રવેશદ્વારની ઘટનાએ તેનું ધ્યાન ખેંચ્યું. મદદ માટે તેણે સોફો છોડવાનું વિચાર્યું. ઉતાવળમાં તેનો પગ ટેબલના પાયા સાથે અથડાયો. જેના કારણે કોફીનો પ્યાલો ટેબલના મેદાન પર ટકી શક્યો નહીં, અને ડગમગીને લેપટોપ પર પડ્યો. કોફીની રેલાતી નદી અને ઉડતા છાંટાઓએ, લેપટોપના પર્વત સમાન કી-બોર્ડને ભીંજવી નાંખ્યું. લેપટોપની સ્ક્રીન અમાસની અંધારી રાત જેવી થઇ ગઇ. તીવ્ર વેગે હોટલના સફાઇ કર્મચારીઓ ટેબલની પાસે પહોંચી ગયા.

તે જ ઘડીએ, હોટલના બીજા માળે એક નારી લિફ્ટની પ્રતીક્ષામાં હતી. તેણે ભોંયતળીયા તરફ આવવા માટે લિફ્ટના વિસ્તારની પાસે દિવાલમાં શણગારેલ બટનને દબાવ્યું. થોડી જ ક્ષણોમાં લિફ્ટ બીજા માળે રોકાઇ, અને કેન્દ્રમાંથી હનુમાનજીની છાતીની માફક દરવાજા ચિરાઇ ગયા. અંદર કોઇ રામ-સીતા નહોતા. ના કોઇ એવો ભાવ હતો. એક લિફ્ટ-મેનના નામે ઓળખાતો સેવક હતો. નારીના કિનાય સાથે તેણે ભોંયતળીયા માટે બટન પર દબાણ આપ્યું, અને ઉઘડેલા દ્વાર બંધ થઇ ગયા. નીચે આવતાં જ ઝડપથી તે બહાર નીકળી, અને આ તીવ્રતામાં જ તે ફ્રુટ જ્યુસ પીરસવા જઇ રહેલા વેઇટર સાથે ટકરાઇ. વેઇટરનું સંતોલન રહ્યું નહી, અને જ્યુસનો પ્યાલો નારી તરફ જ ઢળ્યો. મોસંબીના જ્યુસથી સર્જાયેલા પૂરે તેના ડ્રેસને રંગી નાંખ્યો. વેઇટર માફી માંગવા લાગ્યો. પરંતુ તે જાણતી હતી કે ભૂલ તેની હતી. એટલામાં તો મેનેજર પણ આવી પહોંચ્યો. તેણે સ્ટાફ વતી માફી માંગી. માફી-ચર્ચા દરમ્યાન જ તે નારી અજાણતા તેની જગા પર થોડી થોડી ખસી રહેલી. જ્યુસનો પ્યાલો જે રથ પર સવાર હતો, તે રથરૂપી પ્લેટ જમીન પર પડેલ, અને તે નારીનો પગ તેના પર પડ્યો, અને પ્લેટ તૂટવાના અવાજ સાથે જ, તે હેબતાઇ અને ભોંય પર રેલાયેલ મોસંબીના તળાવમાં લપસી. તે જમીન પર પટકાઇ.

હોટલના ડાઇનીંગ વિસ્તાર પર રહેલ શાંતિના આવરણમાં ગાબડું પડી ચૂકેલું. ત્રણેવ નારીઓની મદદે હોટલનો સ્ટાફ પહોંચી ચૂક્યો હતો. ત્રણેવ હેબતાઇ ગયેલી. ઘટનાથી અચંબિત હતી. થોડો સમય પસાર થયો. વાતાવરણ ફરીથી શાંતિ તરફ ગતિ કરવા લાગ્યું. પ્રવેશદ્વાર પાસે હવે કોઇ નહોતું. ટેબલની આસપાસનો વિસ્તાર કે જ્યાં કોફી ઢોળાઇ હતી તે, અને ટેબલ; બધું સાફ થઇ ચૂકેલું. ચમકતા ભોંયતળીયા પર વરસેલો મોસંબીનો જ્યુસ અદ્રશ્ય થઇ ચૂકેલો. બધું જ સ્વચ્છ અને ચમકતું હતું. સર્વ સામાન્ય હતું. વાતાવરણ ફરી હોટલના નિયત્રંણમાં હતું. ત્રણેવ નારીઓ ત્રણ સોફાથી રક્ષાયેલા ટેબલ પાસે જ સોફા પર બિરાજમાન હતી. તેઓ હોટલમાં નવા ઓદ્યોગીક સાહસ બાબતે મળવાના હતા. અલબત્ત, મળી ચૂકેલા, કેમ કે સામસામે જ બિરાજમાન હતા. એકબીજાને ઓળખાણ પણ આપી દીધેલી. સાથે સાથે કોફીનો ઓર્ડર પણ આપેલો.

પ્રવેશદ્વાર પાસે જે નારી ફસડાઇ, અને તેના કારણે ડ્રોઇંગ પેપર ફાટ્યા. તે દરેકમાં બનાવેલ ડિઝાઇન હવે ડિઝાઇન રહી નહોતી; તેનું નામ હતું, “કાજલ”.

ટેબલ પર કોફીના મારથી જેના લેપટોપની સ્ક્રીન ગઇ, અને તેને પણ પગમાં ટેબલ સાથે અથડાવવાને કારણે ઇજા પહોંચી, તેનું હતી, “નિશા”.

મોસંબીના જ્યુસે જેનો ડ્રેસ રંગ્યો, અને લપસવાને કારણે ભોંયતળીયા પર પટકાઇ; તેને પણ ચહેરા પર થોડો સોજો આવી ગયેલો, તે હતી, “વૃંદા”.

એકબીજાના મુખારવિંદને નિહાળી રહેલી ત્રણેવ નારીઓ પાસે ચર્ચા માટે કંઇ નહોતું. ડ્રોઇંગ પેપર અને લેપટોપે સાથ છોડી દીધો હતો. પરંતુ તેમના મન, હ્રદય અને સાહસે સાથ નહોતો છોડ્યો. ઉદ્યોગ કરવા માટે મનની મક્કમતા અને નાણાંના રોકાણ માટે સાહસ જરૂરી હોય છે. આ ત્રણેવ નારીઓ પાસે મક્કમતા અને સાહસ બન્ને હતા. ફક્ત તેને લાગુ પાડવાની જ પ્રતીક્ષા હતી, અને હવે તેઓ તૈયાર હતા.

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏