Pili Kothi no Lohi tarshyo shaitan - 6 in Gujarati Moral Stories by SHAILESHKUMAR M PARMAR books and stories PDF | પીળી કોઠીનો લોહી તરસ્યો શયતાન - ૬.

Featured Books
Categories
Share

પીળી કોઠીનો લોહી તરસ્યો શયતાન - ૬.

૬. શેઠને ત્યાં પુત્ર રત્ન

“કેમ બેટા, આજે તુ બહુ ઉદાશ દેખાય છે?” પંડિત જગન્નાથ એક માસુમ તરુણને પૂછી રહ્યા હતા. તરુણની આંખોમા પાણી ઘસી આવ્યા. તેણે કહ્યુ, “પપ્પા મને આ ગામ છોડીને જવા કહે છે, શહેરની કોલેજમા તેમણે મારો દાખલો કરાવ્યો છે, અભ્યાસ કરવાનુ તો મને ગમે છે પણ તમને બધાને છોડીને જવાનુ મને નથી ગમતુ.”

વાત એમ હતી કે અમનપુરના શેઠ રસિકલાલ શાહ ઇચ્છતા હતા કે તેમનો એકનો એક પુત્ર સંજય વધુ અભ્યાસ કરે. સંજયે તેનો શાળાનો અભ્યાસ પૂર્ણ થતા જ પિતાના કામમાં મદદ કરવાનું શરૂ કરી દીધું હતું, આમ જ બે વર્ષ વહી ગયા હતા. શેઠ રસિકલાલ તો પોતાના ધંધાર્થે વારે વારે શહેર જતાં અને તેમણે અનુભવી લીધું હતું કે માત્ર ગામની શાળાનું શિક્ષણ સંજય માટે પૂરતું નથી અને નથી જ. તેથી તેમણે પ્રથમ સંજયની માતાને સમજાવવાનું શરૂ કર્યું અને ઘણી સમજાવટ પછી તેઓ તૈયાર થતાં તેમણે સંજયનો શહેરની કોલેજમા દાખલો કરાવ્યો હતો અને હવે સંજયે શહેર જવાનુ હતુ.

હવે થોડા વર્ષો સુધી એ જોવા નહિ મળે એ વિચાર માત્રથી પંડિત ઉદાશ થઇ ગયા, પણ એની ખાતર તેમણે પોતાનુ મન મનાવી લીધુ, કે હમણા પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને સંજય પાછો આવશે ત્યારે તો તેઓ ખૂબ જ ખુશ થઇ જશે.

તેમણે એ તરુણને સમજાવતા કહ્યુ, “બેટા! તને અભ્યાસ માટે જવાનુ કહ્યુ છે, તુ જા, અભ્યાસ કર કોલેજના વર્ષો તો હમણા ચપટી વગાડતા વહી જશે અને પછી તુ પાછો આવી જજે અને અમે તો હંમેશા તારી સાથે જ છીએ. તુ શા માટે ડરે છે? તુ જા અને અભ્યાસ કર.” પંડિતની સમજાવટથી એ ભોળા તરુણનો ચહેરો મલકી ઉઠયો, તે પંડિતના આશીર્વાદ લઇને ત્યાથી સરકી ગયો.

પંડિત જગન્નાથને શેઠનો દીકરો સંજય ખુબ જ પ્રિય હતો. આ આજ્ઞાંકારી તરુણ હંમેશા તેમની જ્ઞાનશાળામા આવતો અને જાતજાતના સવાલો કરીને પંડિતને ખુબ જ પરેશાન કરતો. પંડિતના અત્યાર સુધીના બધા જ વિદ્યાર્થીઓમા આ અલગ જ લાગતો હતો. હંમેશા તેને કઇને કઇ નવુ જાણવાની જીજ્ઞાસા રહેતી. પંડિત પોતે પણ તેનાથી ખુબ જ ખુશ હતા.

પંડિત મંગતરામે નૈનપુર છોડીને અમનપુરમા પોતાની જ્ઞાનશાળા સ્થાપી હતી અને આજે તેમના વારસદાર પંડિત જગન્નાથ આ વારસો સંભાળતા હતા. અમનપુરમા પંડિત જગન્નાથનુ નામ બહુ ઈજ્જતથી લેવામાં આવતુ હતુ. તેમના જેવો પ્રકાંડ પંડિત આખ પંથકમા શોધ્યે જડે તેમ નહોતો. ગામના ઘણા વડિલો તેમના પૌત્રો/પ્રપૌત્રોને પંડિત જગન્નાથે ત્યા જ શાસ્ત્રોના અભ્યાસ માટે મોકલવાનો આગ્રહ રાખતા. શાળાનુ ભણતર તો હતુ જ તે ઉપરાંત આ જ્ઞાનશાળા ધમધોકાર ચાલતી હતી અને તેથી જ પંડિતના નામ અને દામ બને થયા હતા.

શેઠ રસીકલાલ શાહનુ નામ પણ આ ગામમા ખુબ મોટુ હતુ. દુરદુરના ગામોમા તેમની શાખ હતી. તેમની દિલાવરી માટે પણ તે પ્રખ્યાત હતા. તેમના આંગણેથી આજ સુધી કોઇ નિરાશ થઇને ગયુ નહોતુ. દોમદોમ સાહાબી ધરાવતા શેઠને એક મોટુ દુ:ખ હતુ, તેમની આટલી સંપત્તીને સાચવનાર, તેમના કુળને આગળ વધારનાર કોઇ નહોતુ અને આ ચિંતા તેમને કોરી ખાતી હતી.

એક દિવસ તેમણે પોતાની ચિંતા પંડિત જગન્નાથને જણાવી. પંડિત થોડીવાર તેમની સામે જોઇ રહ્યા પછી આંખો બંધ કરીને ધ્યાનમા બેસી ગયા, ઘણી વાર પછી તેમણે આંખો ઉઘાડી અને શેઠને કહ્યુ, “શેઠ તમારા નસીબમા પુત્રરત્ન છે અને તે પણ પરાક્રમી, તમારી સાત પેઢીને તારવાની તાકાત ધરાવનાર, આખા પંથકમા તમારુ નામ ઉજાગર કરે તેવો. કાલે લોકો તમને તમારા પુત્રના નામે ઓળખશે, પણ આવુ પુત્રરત્ન પ્રાપ્ત કરવા માટે તમારે પુત્ર કામેચ્છા યજ્ઞ કરવો જ પડશે.”

શેઠ ઘડીભર તો ખુશ થઇ ગયા પણ વાણિયાબુદ્ધિ, તેમણે વિચાર્યુ આ બ્રાહમણ તેના પોતાના માટે યજ્ઞ કરવાનુ કહે છે. યજ્ઞ કરવાથી પોતાનો ખર્ચો તો થશે જ સાથે સાથે આ બ્રાહમણનુ પેટ પણ ભરાશે નહિ તો યજ્ઞ અને પુત્રને શો સબંધ? તેમણે શંકા કરી પુછ્યુ, “પંડિતજી યજ્ઞ કરવાથી પુત્ર પ્રાપ્તિ થશે જ તેની શુ ખાતરી?”

પંડિત વાણિયાની બુદ્ધિને પામી ગયા, તે આછુ આછુ હસી પડ્યા. તેમણે કહ્યુ, “શેઠ યજ્ઞ તો તમારે કરવો જ પડશે, અને તે પણ પુરા સાત દિવસ ચાલશે. તમારા પુણ્યનુ ખાતુ હજુ ઉપર આવેલુ નથી તે તમારે જ ઉપર લાવવુ પડશે, તેના માટે તમે રોજ અન્ન્દાન કરો, ભૂખ્યાને ભોજન આપો. હા, જ્યા સુધી મારી દક્ષિણાનો પ્રશ્ર છે તો હુ એ નહિ લઉ અને હુ એ પણ ખાતરી આપુ છુ કે યજ્ઞના બાર મહિનામા તમારે ત્યા જો પુત્ર ન આવે તો હુ મારી પંડિતાઈ છોડી દઇશ.”

શેઠ એકદમ સ્તબ્ધ થઇ ગયા, તેમને પોતાના વિચાર પર શરમ આવી, તેમણે થોડા ટટ્ટાર થઇને કહ્યુ “પંડિતજી તમે યજ્ઞની તૈયારી કરો, તમે યજ્ઞ સાત દિવસ ચાલશે તેમ કહ્યુ છે તો હુ કહુ છુ કે સાત દિવસ સુધી આખા અમનપુરમા કોઇ બીજો ચુલો નહિ સળગે. સાતે સાત દિવસનુ ભાણુ આખા અમનપુરને મારા રસોડેથી પૂરુ પાડવામા આવશે. તમે મારા પુણ્યના ખાતાની ઉણપ કહો છો તો કદાચ તે આનાથી થોડી પુરાઇ જાય અને જો બાર મહિનામા મારે ત્યા પુત્ર આવ્યો તો હું તમને ન્યાલ કરી દઇશ.”

પંડિતનો ચહેરો મલકી ઉઠયો તેમણે કહ્યુ, “શેઠ તમારી દિલાવરીની પ્રશંસા તો સૌ કોઇ કરે છે, આજે હુ પણ કરુ છુ, પણ શેઠ હુ એકવાર કહી ચૂક્યો કે દક્ષિણા નહિ લઉ એટલે નહિ લઉ. બસ દક્ષિણા તરીકે મને તેના પર મારો પ્રેમકળશ ઢોળવાની રજા આપજો.”

યજ્ઞફળથી પુત્ર પ્રાપ્ત કરવાની વિદ્યા વર્ષોથી ચાલતી આવી છે. મહાભારતમા પણ દ્રૌપદી અને તેનો ભાઇ દૃષ્ટધૂમ્ન આ વિદ્યાના જ ઉદાહરણો છે. પરંતુ આ કાળમા કદાચ હુ એક જ એવો પંડિત હોઇશ કે જે આ વિદ્યા અજમાવી શકે. મારા પૂર્વજો પણ આ વિદ્યા અજમાવી શક્યા નથી. આ તક મને મળી છે. મારે દક્ષિણા નથી જોઇતી, એ ભલે તમારા પુત્ર તરીકે રહે પણ મારા માનસપુત્ર તરીકે પણ રહે એટલુ હુ આપની પાસે યાચુ છુ.

આખા અમનપુરમા ધૂમ મચી ગઇ હતી. સાત સાત દિવસ સુધી શેઠ રસિકલાલ શાહ અને તેમના પત્ની ઉપવાસી રહીને યજ્ઞમા બેઠા હતા, પંડિત જગન્નાથ યજ્ઞ કરાવતા હતા અને શેઠના મુનિમ આખા અમનપુરનુ રસોડુ સંભાળતા હતા. સાત દિવસ સુધી કોઇના ઘરે રાંધવામા નહોતુ આવ્યુ. સૌ કોઇ જાણે કે યજ્ઞમય બની ગયા હતા.

યજ્ઞની આહુતિ અને તૃપ્ત થયેલા ગામલોકોના આશીર્વાદ સાથે લઇને પંડિત જગન્નાથના મંત્રોચ્ચાર ઉપર સુધી પહોચી ગયા. શેઠ રસિકલાલ દ્વારે વિધાતા પગલા માંડી ગયા. યજ્ઞના પહેલા મહિને જ શેઠાણીને સારા દિવસો રહ્યા અને પુરા નવ માસે શેઠાણીએ સૂરજના કટકા જેવા એક પુત્રને જન્મ આપ્યો.

શેઠે ફરીથી છ દિવસ સુધી આખા ગામને ધુમાડાબંધ જમાડયુ. જાણે કોઇ મોટો ઉત્સવ ઉજવાયો હોય તેમ લાગતુ હતુ. છટ્ઠીના લેખ લખીને વિધાતા ચાલ્યા ગયા. શેઠે પંડિતને પોતાની ડેલીએ આમન્ત્ર્યા. પૂજા અર્ચના કરી તેમના ખોળામા પુત્ર મૂક્યો અને કહ્યુ, “પંડિતજી આ લો તમારો માનસપુત્ર, તેનુ નામકરણ તમે જ કરો.”

પંડિતે કહ્યુ “આખા મહાભારતમા ફક્ત અને ફક્ત સંજય જ એક એવો વ્યક્તિ હતો કે જેની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી. શેઠ આપનો આ સંજય પણ આ સંસારને એક નવી દ્રષ્ટિ આપશે.”

શેઠાણીને સારા દિવસો રહ્યાને થોડા દિવસો બાદ જ અમનપુરના જમીનદાર ઠાકુર ત્રિભોવનસિંહ પંડિતને ત્યા પહોચી ગયા. પંડિતે તેમને જણાવ્યુ કે તેમના નસીબમા તો લક્ષ્મી છે, અને એક નાની વિધી પણ કરી આપી.

ત્રિભોવનસિંહ તો જાણે ખુશીથી ફુલાતા નહોતા. લક્ષ્મી તેમના ઘરે પધારશે તે સાંભળીને તેઓ ખૂબ જ ખુશ થઇ ગયા હતા. સંજય ના જન્મના વર્ષની અંદર જ ત્રિભોવનસિંહને ત્યા એક કન્યારત્નનુ આગમન થયુ. ત્રિભોવનસિંહે તેનુ નામ લક્ષ્મી જ રાખી દીધુ.

સમય સરતો ગયો, હસતા રમતા સંજય – લક્ષ્મી મોટા થઇ ગયા. પંડિત સંજયને પુત્ર તરીકે અને લક્ષ્મીને પુત્રી તરીકે રાખતા. આ બંનેએ ગામની શાળાનુ ભણતર પુરુ કરી લીધુ હતુ અને હવે આ બંને વધુ અભ્યાસાર્થે શહેર જઇ રહ્યા હતા.

જમીનદાર ત્રિભોવનસિંહને લક્ષ્મીને શહેર મોકલવામા કોઇ જ વાંધો નહોતો. લક્ષ્મીની સાથે સંજય જતો હતો, તે ઘણો જ સંસ્કારી હતો અને રોજના અખાડામા મહેનત કરીને તેણે શરીરને પણ ઘણુ કસીલુ બનાવ્યુ હતુ. વળી સંજય પણ લક્ષ્મીને ખુબ જ ચાહતો હતો, તે કદી લક્ષ્મીની ઇચ્છાને અવગણતો નહિ અને લક્ષ્મી પણ સંજયને રાખડી બાંધતી હતી.

પંડિતે તિલક કરીને બંનેના માથે હાથ મુક્યો. પંડિતના આશીર્વાદ લઇને સંજય અને લક્ષ્મી શહેરમા આવ્યા.

શહેરમા શેઠ રસીકલાલનુ મોટુ કહી શકાય તેવુ ઘર હતુ. ધંધાર્થે તેમને વારંવાર શહેરમા આવવુ પડતુ અને હોટલમા રહેવુ તેમને ફાવતુ નહોતુ તેથી રહેવાની તકલીફ રહેતી હતી, આ તકલીફથી છૂટવા તેમણે શહેરમા એક ઘર જ બનાવી લીધી હતુ અને આજે આ ઘર સંજય-લક્ષ્મીને કામ આવ્યુ હતુ.

બંને ભાઇબહેને કોલેજ અભ્યાસ શરૂ કરી દીધો અને પોતાની પ્રતિભાથી તેમના વર્ગમા આગવુ સ્થાન પણ પ્રાપ્ત કરી લીધુ. સંજયનુ કસાયેલુ શરીર અને તેને આવડતા લડાઇના દાવપેચ અંહી તેને ખુબ મદદ કરી ગયા. સૌ કોઇ તેનાથી સંભાળીને રહેતા હતા.

માત્ર પંડિતજીના કહેવાથી અખાડે જવાનુ શરૂ કરનાર સંજયને એટલો બધો રસ પડ્યો હતો કે આ વાણિયાનો છોકરો એક સારો લડવૈયો બની ગયો હતો. ગામના ધોરણે લડાતી કુસ્તીઓમા તે ઘણા સારા અને જાણીતા પહેલવાનોને હરાવી ચૂક્યો હતો.

કોલેજમા આ બંને ભાઇ-બહેનનુ નામ ઘણા માનથી લેવાતુ હતુ. બંને અંહી ખુબ જ ખુશ હતા. બસ, કોઇ વાર ગામની યાદ આવી જતી તો ઉદાસ થઇ જતા. તેમને કોઇ રોકનાર કે ટોકનાર નહોતુ પરંતુ તેમના સંસ્કારથી તેઓ ખુબ જ શાંતિથી રહેતા હતા. અંહીયા તેમને કોઇ જ તકલીફ નહોતી. પરંતુ તેમને ખબર નહોતી કે તેમની તકલીફો અહીથી જ શરૂ થવાની હતી.

હજુ તો પ્રથમ સત્ર પુરુ નહોતુ થયુ ત્યા એક દિવસ ક્લાસ પૂર્ણ કરીને બહાર નીકળેલા સંજય – લક્ષ્મીએ ચાર – પાંચ મવાલી જેવા લાગતા છોકરાઓને એક નિર્દોષ યુવાનને પરેશાન કરતા જોયા અને આશ્ચર્યની વાત તો એને એ લાગી કે એ યુવાન પણ જાણે કે આ લોકોનો માત્ર ત્રાસ સહન કરવા માટે જ સર્જાયેલો હોય તેમ વર્તતો હતો.

લક્ષ્મી તરત જ ત્યા પહોચી ગઇ. લક્ષ્મીને જતી જોઈને સંજય પણ ત્યા આવી લાગ્યો. સંજયને હાજરી માત્ર કાફી હતી. તેનો ગુસ્સો જોઈને પેલા છોકરાઓ ત્યાંથી ચાલ્યા ગયા.

આ ધ્રૂજતા યુવકને જોઈને પ્રથમવાર સંજયને થયુ કે શુ કોઇ આટલી હદે ડરપોક હોઇ શકે? પેલા છોકરાઓ આને આટલી ખરાબ રીતના મારી રહ્યા હતા અને આ સામે વિરોધ કરવાના બદલે માર ખાતો હતો, રડતો હતો જાણે કે કોઇ ૫-૭ વર્ષનુ છોકરુ હોય તેમ હાથ જોડીને વિનંતી કરતો હતો.

સંજયને આ યુવક પર ખુબ દયા આવી સાથે સાથે આવા નમાલા પર ગુસ્સો પણ આવ્યો. તેણે એ યુવકને પુછ્યુ “શુ નામ છે તારુ?” “ ની....ની...ર....વ” ધ્રૂજતા ધ્રૂજતા એ યુવકે જવાબ આપ્યો. “બસ, ફક્ત નીરવ, આગળ પાછળ કશુ નથી?” સંજયના અવાજમા તેનો ગુસ્સો છલકતો હતો.

લક્ષ્મીને પ્રથમવાર સંજયનુ વર્તન ન ગમ્યુ. એક ડરી ગયેલા યુવક પર સંજયનુ વર્તન તેને જોહુકમી ભરેલુ લાગ્યુ. તેણે નીરવને આશ્વાશન આપતા કહ્યુ, “ભલે નીરવ હવે તારે ડરવાની કોઇ જ જરૂર નથી. હવે તુ અમારો મિત્ર છે, મારૂ નામ લક્ષ્મી છે અને આ મારો ભાઇ સંજય. હવે કોઇ પણ વ્યક્તિ તારુ નામ લે તો તુ અમને કહી શકે છે. હવે તુ સલામત છે, બિલકુલ ડરીશ નહિ.”

નિરવે તો કાયમ માટે પોતાની મદદ કરવા માટે ફક્ત પોતાની માને જ દોડતા જોઈ હતી. આજે પ્રથમવાર કોઈ બીજું તેની મદદ માટે આવ્યું હતું. નહીં... આવી હતી. મદદ તો જવા દો નિરવે કદી કોઈ છોકરી સાથે વાત પણ કરી ન હતી. અને આજે આ એક પરી તેની સાથે વાત કરતી હતી, તેની ચિંતા કરતી હતી, તેની મદદ માટે બીજા લોકોની સામે થઈ હતી. કોલેજ માં આવીને નિરવે ઘણી બધી છોકરીઓ જોઈ હતી. જાણે ફેશન કરવા માટે જ આવતી, ટાપટીપ કરીને આવતી, અને તેમાથી કોઈ પણ તેની મદદ કરવા માટે આગળ આવી ન હતી.

સંજયને લક્ષ્મીની આ વાત વાહિયાત લાગી. જેને પોતે ઓળખતા જ નથી, જે પોતાના બચાવ માટે પ્રતિકાર પણ ન કરી શકતો હોય તેવા નમાલા યુવકને પોતાના આશરે રાખવો તેને ગમ્યુ નહિ. પરંતુ લક્ષ્મીની વાત તે કદી ટાળતો નહોતો. તેણે પણ હા, કહીને કહ્યુ, “નીરવ તુ ગમે ત્યારે મારી પાસે આવી શકે છે. તુ હવે મારો મિત્ર છે. ડરીશ નહિ.”

નીરવને ત્યા જ છોડીને આ બંને ઘરે આવ્યા. આવતાવેંત જ સંજય લક્ષ્મી પર ઉકળી ઉઠયો. “લક્ષ્મી તને કાઇં ભાન છે કે નહિ, આટલા નમાલા યુવકની દેખરેખ હુ કઇ રીતના રાખી શકુ? આ ભલે આપણી સાથે અભ્યાસ કરતો હોય પણ ઉમરમા તો તે આપણા કરતા મોટો લાગે છે. આવી ફાલતુ લડાઇઓ આપણે શા માટે વહોરવી જોઇએ? આપણે કોઇની મદદ કરી શકીએ, એથી તો મને પણ ખુશી થશે, પરંતુ આના ભગવાન બનીને આપણે જીવી ન શકીએ. હંમેશને માટે તેની મદદ કરતા રહો તે આપણાથી નહિ થાય. આપણો અભ્યાસ પૂર્ણ થતા આપણે પાછા ગામ ચાલ્યા જઇશુ પછી આનુ શું? ફરીથી આ ડરપોકની જીંદગી આવી જ થઈ જશે. મને આની સાથે વધારે દોસ્તી રાખવાનુ પસંદ નથી. ફક્ત અને ફક્ત તારા કહેવાથી જ મેં તેને મદદ કરવાનુ કહ્યુ છે, તને ખબર છે કે હુ તારો બોલ કદી ઉથાપુ નહિ, પણ આ કાયરની વધુ મિત્રતા કરીશ નહિ.”

લક્ષ્મી ચૂપચાપ સાંભળી રહી, તેણે ધીરેથી એટલુ જ કહ્યુ, “ભલે ભાઇ હવેથી નીરવની વાતમા નહિ પડીએ.”

---------0000000000000-------

મિત્રો આપ સૌનો પ્રેમ જ મને વધુ ને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરતો રહેશે. આ નવલકથા પૂરી થયે બૃહન્નલા -1 ની સવારી આવશે. અને બીજી ઘણી બધી અર્ધ લખાયેલી છે. એ બધી જ હું આપ સમક્ષ જરૂરથી લઈ આવીશ, બસ તમે વધુ ને વધુ શેર, ફોલો અને ટિપ્પણી કરો. જે કોઈ પણ આ નવલકથાને છાપવામાં / છપાવવામાં રસ ધરાવતા હોય તે મારો સંપર્ક કરી શકે છે.

આભાર
આપનો

“જાંબુ” (શૈલેષકુમાર મોતીલાલ પરમાર),
મો. 09898104295 / 09428409469
E-mail – shailstn@gmail.com
ISBN 9780463875544.