Pili kothi no lohi tarshyo shayatan - 3 in Gujarati Moral Stories by SHAILESHKUMAR M PARMAR books and stories PDF | પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૩

Featured Books
Categories
Share

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૩

મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર.

વહી ગયેલી વાર્તા આપ મારી આગળની પોસ્ટ માં જોઈ શકો છો.

હવે આગળ.....

૩. તાંત્રિક્ને અધીરાઇ આવી

તાંત્રિક એકદમ શાંત થઈ ગયો હતો, તે શાંત નહોતો તે તેની પૂજામા લાગેલો હતો. તેનુ અશક્ત શરીર તેને સાથ આપતુ નહોતુ છતા તેણે તેના બધા જ શિષ્યો દૂરના અલગ અલગ કાર્યો સોપીને પોતાનાથી અલગ કરી દીધા કેમકે દેવીની પ્રસાદી ભૂલથી પણ તેના કોઇ શિષ્યને મળી જાય તો તે પણ ઘણો શક્તિશાળી બની જાય તેથી તેણે બધા જ શિષ્યોને મોકલી દીધા હતા. ફક્ત રાજા વિક્રમસિંહને બાકી રાખ્યા હતા, તેમની તો ખાસ જરૂર હતી આ પૂજામાં. બસ હવે તો માત્ર ચાર જ દિવસ બાકી હતા, તેના અમર થવામા, રાજા વિક્રમસિંહના શરીરમા પ્રવેશીને આ રાજ્યનો રાજા થવામા.

રાજા તાંત્રિક્ને વધુ સત્તા મેળવવા અને સાથે સાથે તાંત્રિક્ની જેમ જ શક્તિશાળી બનવા માટે વધુ ને વધુ પ્રશ્નો પૂછતો રહેતો. પહેલા બધા શિષ્યો હાજર હોવાથી તેઓ જવાબ આપી દેતા પરંતુ તાંત્રિકે બધા શિષ્યોને કોઈ ને કોઈ કામ આપીને ઘણે દૂર મોકલી દીધા હતા અને તે બધા એકાદ માસ પછી જ પરત આવવાના હતા તેથી રાજાના બધા જ સવાલોના જવાબ તાંત્રિકે આપવા પડતાં હતા જેનાથી તાંત્રિક્ની એકાગ્રતા જળવાતી ન હતી, હવે તે રાજાથી કંટાળ્યો હતો. તેણે વિચાર્યુ કે રાજા વિક્રમસિંહની તેને હવે કોઇ જરૂર નથી, તો શા માટે તેને સહન કરવો? હવે તો તે અમર થઇ જ જવાનો છે, અને તેણે રાજા વિક્રમસિંહને મારવાનો જ છે તો ચાર દિવસ તેને સહન કરીને મારવો તેના કરતા તેને આજે મારી નાખીને તેના શરીરની સ્ફૂર્તિનો ઉપયોગ કરી લઉ જેથી મારૂ કામ, મારી સાધના સારી રીતના પૂર્ણ થાય.

તાંત્રિકે પોતાનો આ વિચાર અમલ માં મૂકવા માટે રાજાને કહ્યું કે આજે સંધ્યા કાળે રોહિણી નદીના તટે સંધ્યાસ્નાન સમયે તમને હું પરકાયા પ્રવેશની વિધ્યા શીખવીશ. નિર્ધારિત સમયે રાજા અને તાંત્રિક રોહિણી નદીના તટે સંધ્યાસ્નાન માટે ગયા. સ્નાન વગેરે પરવારતા સુધી તો રાજા ખૂબ જ અધીરો થઈ ગયો. તેણે તાંત્રિક્ને ઘણી વખત પૂછી લીધું સમય થઈ ગયો હવે શીખવાડો. તાંત્રિક મનોમન રાજાની અધીરાઇ પર હસી રહ્યો હતો. તેને ખબર હતી કે રાજા કઈક શીખવા માટે નહીં પરંતુ તેના મૃત્યુ માટે ઉતાવળો થઈ રહ્યો હતો.

તાંત્રિકે રાજા વિક્રમસિંહને કહ્યુ, “હે રાજા, એક પોપટને મારી લાવો. રાજા તો હતો જ શિકારી, ગણત્રીની પળોમા એક મરેલો પોપટને લઇને હાજર થયો. આજે તે ખૂબ જ ખુશ હતો. કેમ ન હોય? આજે તેને કઈંક ન માની શકાય તેવુ શિખવા મળી રહયુ હતુ. તે ઘણો ઉત્સાહમા હતો પરંતુ તેને ખબર નહોતી કે તેનુ જીવન હવે સમાપ્ત થઇ રહ્યું હતુ.

તાંત્રિકે રાજાને આ અમૂલ્ય વિદ્યા શીખવાડી અને પોતે મરેલા પોપટના શરીરમા પ્રવેશ કર્યો અને ત્યાથી જ રાજાને આદેશ આપ્યો, “હે રાજા હવે તુ મારી શીખવાડેલી વિદ્યાથી મારા શરીરમા પ્રવેશ કર જેથી તુ બરાબર શીખી શક્યો છે તેની મને ખાતરી થાય.”

રાજા વિક્રમસિંહ ઉત્સાહમા હતા, તેમણે તાંત્રિકના શરીરમા પ્રવેશ કર્યો. પોતાનુ શરીર છોડીને તાંત્રિકના શરીરમાં પ્રવેશેલ રાજા માની નહોતો શકતો કે તેણે તાંત્રિક્ના શરીરમા પ્રવેશ કર્યો છે અને સામે તેનુ પોતાનુ શરીર સૂતેલુ છે. એટલામા તાંત્રિકે પોપટનું શરીર છોડીને રાજા વિક્રમસિંહના શરીરમા પ્રવેશ કર્યો અને રાજાની તલવાર ઉપાડી. તાંત્રિક્ના નિર્બળ શરીરમા પ્રવેશેલા રાજા કઈ સમજે તે પહેલા તો રાજાના બળવાન શરીરમા પ્રવેશેલ તાંત્રિકે એક ઘા કર્યો. લોહીની ધારા વછૂટી, વૃદ્ધ અને અશક્ત શરીર માં પ્રવેશેલ રાજા વિક્રમસિંહ ત્યાં જ રામશરણ થઈ ગયા.

રાજા વિક્રમસિંહના શરીરમા પ્રવેશેલ તાંત્રિક પોતે હવે આ મજબૂત શરીરનો માલિક બની ગયો હતો. તેણે પોતાના જૂના શરીર ને નદી કિનારે જ છોડી દીધુ અને પોતાની ગુફામા ચાલ્યો ગયો. તે વિક્રમસિંહનો રાજવી પોશાક કાઢીને પોતાના તાંત્રિક પરિધાનમા સજ્જ થયો અને પોતાની સાધનામા લીન થઇ ગયો.

અમાસને બે દિવસની વાર હતી અને અચાનક મહારાણી કનકબા પંડિત પાસે દોડી આવ્યા. તેમના ચહેરા પર ખુશી છલકતી હતી, તેઓ કહેવા લાગ્યા, “આપણુ દુ:ખ હવે દૂર થઇ ગયુ છે, તાંત્રિક મૃત્યુ પામ્યો છે. પંડિતજી હવે તમારે બલિદાન આપવુ નહિ પડે. આ રાજ્ય હવે આ શયતાનના પંજામાથી મુક્ત થઇ ચૂક્યુ છે.”

હકીકત એ બની હતી કે નૈનપુરના લોકોએ તાંત્રિકનુ હણાયેલુ શરીર રોહિણી નદીના કાંઠે પડેલુ જોયુ અને અટલે જ આજે તેમના હર્ષની કોઈ સીમા નહોતી. પ્રજા વત્સલ મહારાણી પ્રજા પરથી દૂર થઇ ગયેલી આપત્તિથી ઘણા ખુશ હતા.

પંડિત મંગતરામની સમજમાં કઇં ન આવ્યુ. તેમને ખબર હતી કે તાંત્રિક શરીરથી નિર્બળ જરૂર હતો પરંતુ તેની વિદ્યાથી તે અતિ બળવાન હતો. આથી તાંત્રિક્ની હત્યા થાય તે તો શક્ય જ નહોતુ. ગિરિશિખરોને પણ પળમા ધૂળ ચાટતા કરી દેવાની તાકાત ધરાવતા તાંત્રિક્ની હત્યા એ પણ નદીકિનારે, કોઈ કાળે શક્ય જ નહોતુ. તેમણે મહારાણી સામે પ્રશ્રસૂચક દ્રષ્ટિથી જોયુ અને ચૂપચાપ ધ્યાનમા બેસી ગયા. તેઓ જાણવા માગતા હતા કે હકીકત શું છે.

મહારાણી પંડિતની સામે જ બેઠા. આજે તે ખુબ જ ખુશ પ્રશન્નવદને તે પંડિતને નિહાળી રહયા. પંડિતના ચહેરા પર કોઇ જ ભાવ નહોતા. મહારાણી પંડિતના આ અકળ મૌનથી હેરાન થઇ ગયા. આટલી ખુશીના સમાચાર પોતે આપ્યા છતા પંડિતના ચહેરા પર કોઇ જ ભાવ ઉપસતા નથી.

અચાનક પંડિતના ભવા ખેંચાયા, “નહિ” ની ચીસ સાથે તેમણે આંખો ખોલી નાખી. તે એકદમ વિહવળ થઇ ગયા. મહારાણી પૂછી રહયા પંડિતજી શું છે ? તમે આટલા વ્યગ્ર કેમ છો ? પંડિત બોલવાના હોશમા નહોતા. તેઓ એ ન સમજી શક્યા કે તે આ સમાચાર મહારાણીને કઇ રીતના આપે. તેઓ અશ્રુભીની આંખે મહારાણી સામે જોઇ રહયા. ઘણીવાર તેઓ સ્વસ્થ થયા. તેમણે ભારે હૈયે મહારાણીને સત્યથી વાકેફ કર્યા.

આનંદના આકાશેથી મહારાણી કનકબા દુ:ખની ખાઈમા જઇ પડ્યા. તાંત્રિકે તેમનો સુહાગ ઉજાડી નાખ્યો હતો. મહારાણી હવે ઘણી કફોડી પરિસ્થિતીમા મુકાઇ ગયા હતા. હવે તેઓ એક સુહાગણ તરીકે મરી શકે તેમ નહોતા કે એક વિધવા તરીકે જીવી શકે તેમ પણ નહોતા. થોડીવાર આઘાતમા રહીને તેઓ સ્વસ્થ થયા. તેમણે પોતાના આંસુ લુછયા અને પંડિતજીને કહ્યુ, “પંડિતજી હવે તો આ પિશાચને કોઇ પણ ભોગે હણવો જ પડશે.”

આ લડાઈમાં રાજા વિક્રમસિંહનો ભોગ લેવાયો હતો, અને હવે રાજા વિક્રમસિંહનું જ શરીર ધરાવતા તાંત્રિક્ને હણવાનો હતો છતા મહારાણી લડવા માટે તૈયાર હતા. પંડિતને લાગ્યુ કે તેમનુ બલિદાન વ્યર્થ નહિ જાય, આ લડાઈ તેઓ જરૂર જીતી જશે.

આજે અમાસ હતી. તાંત્રિક માટે તેની સુવર્ણઘડીઑ ગણવાનો આખરી દિવસ. બસ, આજની માત્ર એક રાત્રિ અને તેની સાધના સંપૂર્ણ. એ અમર થઇ જશે, તેને હરાવવાની શક્તિ આખી પ્રથ્વી પર કોઇની પાસે નહિ હોય. આ વિશ્વનો અને સાથે સાથે મહારાણીનો પણ તે એકલો માલિક બની જશે. બસ, આજનો એક માત્ર બલિ ચઢાવવાનો બાકી હતો.

તેને વિક્રમસિંહની યાદ આવી ગઇ. અત્યારે જો તે હયાત હોત તો ફટાફટ બલિની વ્યવસ્થા કરી દેત, તેની સાધનામા કોઇ ખલેલ ન પહોંચત. હવે તો બલિ શોધવા માટે તેણે પોતે જ ઉઠવુ પડસે. તેને અફસોસ થયો કે રાજાને વહેલો મારીને ખરેખર ભૂલ થઇ છે પણ હવે કાઇં થઇ શકે તેમ નહોતુ. તે પોતાની સાધના અધુરી મૂકીને તેની ગુફાની બહાર નીકળ્યો. આજે ઘણા વખતે તે પોતે બલિની શોધમા નીકળ્યો હતો અને આજનો તેનો બલિ તો ખાસ હતો. તેનો આગ્રહ હતો કે કોઇ પણ હિસાબે તેનો આજનો બલિ જુવાનીઓ જ હોવો જોઈએ અને જો કોઇ કુમારીકા મળી જાય તો તો દેવી અતિપ્રશન્ન થઇ જશે.

---------0000000000000-------

હવેવધુ આવતા સોમવારે......

મિત્રો આપ સૌનો પ્રેમ જ મને વધુ ને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરતો રહેશે. આ નવલકથા પૂરી થયે બૃહન્નલા -1 ની સવારી આવશે. અને બીજી ઘણી બધી અર્ધ લખાયેલી છે. એ બધી જ હું આપ સમક્ષ જરૂરથી લઈ આવીશ, બસ તમે વધુ ને વધુ શેર, ફોલો અને ટિપ્પણી કરો. જે કોઈ પણ આ નવલકથાને છાપવામાં / છપાવવામાં રસ ધરાવતા હોય તે મારો સંપર્ક કરી શકે છે.

આભાર

આપનો

“જાંબુ” (શૈલેષકુમાર મોતીલાલ પરમાર),

મો. 09898104295 / 09428409469

E-mail – shailstn@gmail.com

ISBN 9780463875544.

મિત્રો, આ નવલકથા https://jaambustoryworld.blogspot.com પર ગુજરાતી અને હિન્દી માં પણ વાંચી શકાય છે.