મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
વહી ગયેલી વાર્તા આપ મારી આગળની પોસ્ટ માં જોઈ શકો છો.
હવે આગળ.....
૨. આવેલી આફત
દાદીમાના કહેવા પ્રમાણે વર્ષો પહેલા અહીં ઠાકુર વિક્રમસિંહનું રાજ હતુ. તે ખુબ જ પરોપકારી રાજા હતો. લોકો તેમના રાજમા સુખી હતા. આ રાજાએ જ પીળીકોઠીનુ સર્જન કર્યુ હતુ. અચાનક રાજાની ની વધુ સત્તાની લાલસા જાગી ઊઠી, તેમણે તેમનુ સૈન્ય વધારી દીધુ. આજુબાજુના વિસ્તાર પર ચઢાઈ કરીને રાજ્યની સીમા વધારવી શરૂ કરી.
પોતાના રાજ્યનો વધુ વિસ્તાર કરવા અને બીજા રાજાઓ પર વિજય મેળવવાની લાલસામા રાજા એક તાંત્રિકના શરણમા ગયો હતો. તાંત્રિક મેલીવિધ્યાનો જાણકાર હતો પરંતુ સાથે સાથે સ્વાર્થી અને કપટી પણ હતો. તે અમર થવા ઇચ્છતો હતો. તેણે પોતાના કામ માટે રાજાને પોતાના વશમા કરી લીધો. આ તાંત્રિક્ની સંગતમા રાજા જુલ્મી બની ગયો. તાંત્રિક તેના શિષ્યો સાથે રાતા ડુંગરની ગુફામા રહેતો જયારે રાજા શરાબ, સુંદરીની સોબતમા પીળી કોઠીમા તાંત્રિક તેના કામ માટે નરબલી ચઢાવતા અને આ વ્યવસ્થા રાજા કરી આપવા લાગ્યા. આખુ રાજ્ય ત્રાહિમામ પોકારી ઉઠ્યુ હતુ.
રાજા વિક્રમસિંહના પત્ની મહારાની કનકબા એક સિંહણ હતા, એક સતી હતા. તેમનો પ્રજાપ્રેમ જગજાહેર હતો. તેમનાથી પ્રજાની આ વ્યથા સહેવાતી નહોતી. રાજા વિક્રમસિંહ શરાબ, સુંદરી અને જુલ્મોમાથી ઉંચા નહોતા આવતા. હકીકત તો એ હતી કે રાજા મહારાણી પાસે મીંદડી બની જતા અને આથી જ તે મહારાણી સમક્ષ જતા પણ નહોતા. તેમનાથી મહારાણીની સામે ઉભુ રહેવાતુ જ નહોતુ. ક્યાંથી ઉભુ રહેવાય? મહારાણી કનકબા પાસે તેમના પૂજાપાઠનુ તપ હતુ, જયારે રાજા વિક્રમસિંહ તાંત્રિકની મેલી વિધ્યાનો પડછાયો હતો.
મહારાણી કનકબાએ પ્રજાને રાજા વિક્રમસિંહના ત્રાસમાથી છોડાવવાનો નિર્ણય લીધો. કોઈપણ હિસાબે તે પોતાની પ્રજાને સુખચેન આપવા ઇચ્છતા હતા. ભલે આમ કરવા જતા તેમના એકમાત્ર પુત્રના માથેથી પિતાનુ છત્ર પણ ખૂંચવાઇ જાય. પ્રજાના સુખ માટે તેમની બધી જ તૈયારી હતી. તેમણે પતિને સમજાવવાની બધી જ કોશિષ કરી જોઈ, તેમનાથી થઈ શકે એટલા બધા જ પ્રયત્નો તેમણે કર્યા. આ પ્રયત્નના જ ભાગરૂપે તેઓ પીળી કોઠી છોડીને નજીક આવેલા મહેમાનોને રહેવાના આરામભવનમા રહેવા લાગ્યા પરંતુ તેમના બધા જ પ્રયત્નો નિષ્ફળ થયા. આખરે તેમને એક સત્ય હકીકત સમજાઈ, અને તે હકીકત એ હતી કે જ્યાં સુધી આ દ્રુષ્ટ તાંત્રિક જીવીત છે ત્યાં સુધી પ્રજાએ ત્રાસ ઉઠાવવો પડશે. તેમણે તાંત્રિકનું મારણ શોધવાનુ શરૂ કરી દીધુ.
મહારાણીની શોધ બધે ફરતા ફરતા નૈનપુર પર જ અટકી. આ જ નૈનપુર કે જ્યાંથી તાંત્રિક તેની મેલીવિદ્યાનું આહવાન કરતો હતો, અહીં જ રાજા વિક્રમસિંહ પ્રજા પર જુલ્મો કરતા હતા અને અહીં જ મહારાણીની શોધ પણ અટકી હતી. આ શોધનુ નામ હતુ મંગતરામ. પંડિત મંગતરામ.
પંડિત મંગતરામ ધાર્મિક ક્રિયાકાંડમાં, શાસ્ત્રોક્ત વિધિઓમા અને ખાસ કરીને મંત્રવિદ્યામા નિપૂર્ણ હતા. તેઓ એક તપસ્વીનુ જીવન જીવતા હતા. તેમને તો તેમના પૂજાપાઠમાથી, હોમ-હવનમાથી જ ફૂરસદ નહોતી. તેમનો એક નાનકડો પરિવાર હતો, પત્ની શારદાદેવી અને એક પુત્ર રત્ન સાથે તેઓ ખુશ હતા. મહારાણી કનકબા સ્વયં પંડિત મંગતરામની ઝૂપડી પર ગયા અને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પ્રથમ તો પંડિતે સ્પષ્ટ ના પાડી દીધી પરંતુ મહારાણીની પ્રાર્થનાનો તેઓ અસ્વીકાર ન કરી શક્યા.
પંડિત તેમની શક્તિઓથી તાંત્રિક વિશે માહિતી એકઠી કરવા માંડી અને જે ફળ સામે આવ્યુ તે તો ખુદ પંડિત માટે પણ ભયજનક હતુ. આ માહિતી પ્રમાણે તો રાજા, મહારાણી અને રાજકુંવર સહિત આખે આખુ રાજ્ય એક મોટી મુસીબતના આરે ઊભેલુ હતુ. જો તાંત્રિક તેના કામમા સફળ થાય તો આ રાજ્યને કોઈ બચાવી શકે નહિ.
તાંત્રિક એક વૃદ્ધ વ્યક્તિ હતો, તેનુ શરીર તેને સાથ આપતુ નહોતુ. અપાર શક્તિઓનો આ સ્વામી અમર રહેવાની વિધિ જાણી ચૂક્યો હતો. પરકાયા પ્રવેશની વિદ્યા તે જાણતો હતો. કોઈ બળવાન, જુવાન શરીર તેને મળી જાય તો તે આ વૃદ્ધ શરીર છોડીને એ નવશરીરમા અમર થવા માંગતો હતો. આવુ બળવાન શરીર તેણે રાજાનુ જોયુ હતુ. તાંત્રિકે પોતાની શક્તિઓ રાજાના શરીરમા એકઠી કરવા માંડી હતી. તે રાજાના શરીરમા પ્રવેશીને કાળીવિદ્યાની દેવીને દર અમાસે એક નરબલી ચઢાવતો અને વધેલો પ્રસાદ પણ આરોગતો.
પંડિત મંગતરામ તાંત્રિક્ની બધી જ ગતિવિધિઓથી વાકેફ થઈ ગયા. તાંત્રિક્ની તપશ્રર્યા જો સફળ થઇ જાય, એ અમર થઇ જાય તો તાંત્રિક રાજાને મારીને રાજાનુ શરીર ધારણ કરી લઈને આખા રાજ્યનો રાજા બની જાય. આ દ્રુષ્ટ તાંત્રિક જો રાજ્યના રાજસિંહાસન પર બેસે તો તો મહાઅનર્થ સર્જાઈ જાય. અત્યારે તો તાંત્રિક રાજાના મારફત બધા કાર્યો કરાવે છે એમા જ પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે તો અમર થઈને રાજા બની બેઠેલા તાંત્રિકનુ કોઈ કાઈ બગાડી શકવાને શક્તિમાન ન હોય તો શું શું થઇ શકે તેની કલ્પના માત્રથી પંડિતને પણ કંપારી વછૂટી ગઈ હતી.
તાંત્રિકની શક્તિઓ પંડિત જાણી ચૂક્યા હતા અને તેઓ એ પણ સમજી ગયા હતા કે આ તાંત્રિક્ને હણવાનું કાર્ય તેમનાથી થઈ શકે તેમ નહતું. આના માટે તો તેમણે પોતે પણ ખૂબ જ આકરી તપશ્ર્યા કરવી પડે અને એટલો સમય તેમની પાસે નહોતો. તાંત્રિકનુ હવે પછીની અમાસનુ માનવબલી છેલ્લુ હતુ, આના પછી તો તે અમર થઈ જશે. ઘણી દ્વિધા અનુભવ્યા બાદ તેમણે મહારાણી સમક્ષ પોતાની તાંત્રિક સામે લડીને જીતવાની અશક્તિ પ્રગટ કરી.
મહારાણી ખૂબ જ ઉદાસ થઈ ગયા. પ્રજાને તાંત્રિકના ત્રાસમાથી છોડાવવાની એક માત્ર આશા પણ નષ્ટ પામી હતી. તેમનાથી પ્રજાનુ દુ:ખ જોવાતુ નહોતુ પરંતુ તેનો કોઈ ઉપાય મળતો નહોતો. તેમણે કહું “પંડિતજી આતો હજી શરૂઆત છે, મારાથી પ્રજાનુ દુ:ખ સહન નહિ થાય, આ તાંત્રિક મારા પતિનુ રૂપ લઈને મને પણ અભડાવશે તેના કરતા હું સમાધિ લઈ લઉ જેથી મારે આવા દિવસો જોવા ન પડે.”
પંડિત મહારાણી સમક્ષ જોઇ રહયા, એક ઊંડો શ્વાસ લઇને તેમણે કહ્યુ “હા મહારાણી બા હવે તો મૃત્યુ એ જ આ સંપૂર્ણ સમસ્યાનો ઉપાય છે પરંતુ એ તમારૂ નહિ મારૂ મૃત્યુ. મારા મૃત્યુથી જો આખુ રાજ્ય આ મુસીબતમાંથી ઉગરી જતુ હોય તો હૂઁ આ મૃત્યુને વધાવવા તૈયાર છુ.”
મહારાણી ચોંકી ઉંઠ્યા, તેમણે પૂછ્યુ, “આપનુ મૃત્યુ ? પંડિતજી માત્ર આપ જ આ તાંત્રિક સાથે લડી શકો તેમ છો અને જો આપ જ મૃત્યને વહાલુ કરો તો પછી શું થશે ?”
પંડિત પાસે બધા જ જવાબ હતા, તેમણે મહારાણીને સમજાવ્યા કે જો અમાસની રાત્રે તાંત્રિક બલિ તરીકે કોઈ બીજાનો બલિ ચડાવવાના બદલે મારો બલિ ચડાવે અને મારૂ રક્ત આ તાંત્રિક અને તેની દેવી પીએ તો તેમને બ્રહ્મહત્યાનુ પાપ લાગશે, જેથી તે અમર નહિ થઈ શકે, હું પોતે પણ મારા મંત્રકવચથી રક્ષાએલો હોઈશ જેથી તેમનો નાશ થઈ જ જશે અને એ સાથે જ રાજા તાંત્રિક્ની અસરમાંથી મુક્ત થઈ જશે.
“પરંતુ શું આના સિવાય બીજો કોઇ જ રસ્તો નથી ?” મહારાણી પૂછી રહયા.
જવાબમાં પંડિતે કહ્યુ, “ના મહારાણી બા, હવે તો બસ એક જ અઠવાડિયુ બાકી છે તાંત્રિકના આ છેલ્લા બલિને. આવતી અમાસે તાંત્રિક તેનો છેલ્લો બલિ ચઢાવશે અને અમર થઈ જશે. આટલા ઓછા સમયમા હું મારા સિવાય બીજા કોઇને મંત્રકવચ પહેરાવી શકવાને શક્તિમાન નથી. એટલે આ બલિદાન તો મારે આપવુ જ પડશે નહિ તો પાછળથી હું પણ આ સમસ્યા માટે કાઇ જ નહિ કરી શકુ. મારા દેશ માટે મારે મારી ફરજ બજાવવી જ જોઈએ. મારા પુત્ર હજી નાનો છે પરંતુ મારી પત્નીને મેં મારી બધી જ વિદ્યા શિખવાડેલી છે, મારા મૃત્યુ બાદ આપને જરૂરી મદદ કરવા માટે એ શક્તિમાન છે.
“આ માટે તમારે તમારા પત્નીને સમજાવવા પડશેને?” મહારાણીએ પૂછ્યુ હતુ.
“દેશ માટે કુરબાની આપવાનુ સૌભાગ્ય તો ઘણા ઓછા લોકોના નસીબમા હોય છે, મહારાણી” કહેતા પંડિત મંગતરામના પત્ની શારદાદેવી ત્યાં આવી પહોંચ્યા. “પંડિતે મને બધી વાત કરી છે અને હું મારા પતિ પર ગર્વ અનુભવુ છુ કે તેઓ દેશ માટે બલિદાન આપવા જઇ રહયા છે. તેમના બલિદાન સાથે હું પણ સતી થઈશ કેમકે એક સ્ત્રી માટે તેના પતિ પાછળ સતી થવુ એ પણ અહોભગ્યની વાત છે.”
મહારાણી ગદગદ થઇ ગયા, તેમણે કહ્યુ, “દેવી આપના પતિ બલિદાન આપવા તૈયાર થયા છે, એમના બલિદાનની આ દેશને જરૂરી છે. આપની પાસે પણ હું કઇંક બલિદાનની માંગણી કરુ છુ, શું તે મને આપી શકશો?”
“ આ શું બોલ્યા મહારાણી બા ! અમે તો આપના જેવા માટે મદદ કરવા જ સર્જાયેલા છીએ. આપ હુકમ કરો, હું જીવ આપતા પણ નહિ ખચકાઉ.” જુસ્સાભેર શારદાદેવી બોલી ઉઠ્યા.
મહારાણીએ કહ્યું, “દેવી મારે આપના મૃત્યુ કરતા આપની જીંદગી જોઈએ છે. આપના મૃત્યુથી ફક્ત આપને જ ફાયદો થશે. આપના માટે સ્વર્ગના દરવાજા ખૂલી જશે જ્યારે આપની જીંદગીથી મને આપણા આ દેશને ફાયદો થશે. હું આપને વિનંતી કરુ છુ કે આ દેશને આપની જીંદગી આપી દો.” પંડિતની આંખોમા હર્ષાશ્રુ છલકાઇ ઉંઠ્યા.
દેવી પંડિત તો સ્વર્ગે જશે, પછી આપના પુત્રને બધી વિદ્યા કોણ શીખવાડશે ? તાંત્રિક સામે લડવા માટે પંડિતને જે તપશ્ર્વર્યા ઓછી પડી છે તે તમે તમારા પુત્રને આપો જેથી આવતીકાલે તે આખા દેશમાં પંડિતનુ નામ કાઢે. આપની છત્રછાયામાં હૂઁ મારા પુત્રને પણ રાખીશ જેથી તે પણ જ્ઞાન મેળવી શકે. મારો પુત્ર આવતીકાલે આ રાજ્યનો રાજા થસે અને આપનો પુત્ર આ રાજ્યનો રાજપુરોહિત. દેવી આપણા આ રાજ્યનુ આવતીકાલનુ ભવિષ્ય તમારે ઘડવાનું છે તેથી આપની પાસે હૂઁ આપની જીંદગી યાચૂ છુ નહિ તો એક સ્ત્રી તરીકે પતિ પાછળ સતી થવુ એ જ આપણો સ્ત્રીધર્મ કહેવાય અને હું પણ આપને રોક્ત નહિ પરંતુ આપના માથે જવાબદારી છે જે આપે નિભાવવાની છે.
મહારાણીની દલીલો સામે શારદાદેવી કઈ જ બોલી શક્યા નહિ તેમણે પંડીતને મંજૂરી આપી દીધી કે પોતે પુત્રને સાચવશે અને મહાન પંડિત બનાવશે.
---------0000000000000-------
હવેવધુ આવતા સોમવારે......
મિત્રો આપ સૌનો પ્રેમ જ મને વધુ ને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરતો રહેશે. આ નવલકથા પૂરી થયે બૃહન્નલા -1 ની સવારી આવશે. અને બીજી ઘણી બધી અર્ધ લખાયેલી છે. એ બધી જ હું આપ સમક્ષ જરૂરથી લઈ આવીશ, બસ તમે વધુ ને વધુ શેર, ફોલો અને ટિપ્પણી કરો. જે કોઈ પણ આ નવલકથાને છાપવામાં / છપાવવામાં રસ ધરાવતા હોય તે મારો સંપર્ક કરી શકે છે.
આભાર
આપનો
“જાંબુ” (શૈલેષકુમાર મોતીલાલ પરમાર),
મો. 09898104295 / 09428409469
E-mail – shailstn@gmail.com
ISBN 9780463875544.
મિત્રો, આ નવલકથા https://jaambustoryworld.blogspot.com પર ગુજરાતી અને હિન્દી માં પણ વાંચી શકાય છે.