PILI KOTHI NO LOHI TARSYO SHAITAN in Gujarati Moral Stories by SHAILESHKUMAR M PARMAR books and stories PDF | પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૫. પંડિતનું બલિદાન

Featured Books
Categories
Share

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૫. પંડિતનું બલિદાન

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન :

મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર.

વહી ગયેલી વાર્તા આપ મારી આગળની પોસ્ટ માં જોઈ શકો છો.

હવે આગળ.....

૫. પંડિતનું બલિદાન

પંડિત મંગતરામ મહારાણીને પોતાની બધી જ યોજના સમજાવી ચૂક્યા હતા. સાવધાનીના એક ભાગરૂપે તેમણે મહારાણીને કહ્યુ હતુ કે જો તાંત્રિક મારૂ લોહી ન પીવે તો તેને સંતાઇને બાણ મારીને હણવો પડશે. તાંત્રિક જ્યાં સુધી સાધના કરતો હશે ત્યાં સુધી તે તેના મંત્રકવચમા રહેશે જેથી તેને કોઇ મારી શકે નહિ પરંતુ જ્યારે તે, તેની દેવીને મારો બલિ ચઢાવશે ત્યારે દેવીના આશીર્વાદ લેવા માટે તે તેના મંત્રકવચમાથી જરૂરથી બહાર આવશે અને આ એક જ વધારાનો મોકો આપણને મળી શકે તેમ છે. જો આ સમય ચૂકી જવાશે તો આ દેશને કોઇ બચાવી નહિ શકે. તાંત્રિક એક વાર અમર થઇ જાય પછી તેનો ત્રાસ અસહ્ય થઇ જશે. આ દેશમા અસુરોનુ રાજ થશે અને જનજીવન નર્કાગાર બની જશે. તાંત્રિક્ને સંતાઇને બાણોથી હણવાનુ કામ મહારાણીએ પોતાના માથે લીધુ.

રાત્રિના દશ વાગી ચૂક્યા હતા. મહારાણી, તેમના બે અંગરક્ષકો અને પંડિત તાંત્રિક્ની ગુફાના પ્રવેશદ્વારે પહોંચી ગયા હતા. દેવીની આખરની સાધનામા એકલા રહેવાની, એકલા જ દેવીનો પ્રસાદ ગ્રહણ કરવાની તાંત્રિક્ની લાલચ અંહી આ લોકોની મદદે આવી ગઇ. ગુફાના પ્રવેશદ્વારે કે ગુફાની અંદર તેમને રોકનાર કોઇ જ નહોતુ.

ગુફામા અંદર જતા એક ભયાનક મુર્તિ સમક્ષ વિક્રમસિંહનુ શરીર ધારણ કરેલ તાંત્રિક તેની સાધનામા લીન જોવા મળ્યો. તાંત્રિક્ને જોતા જ મહારાણી તેમના હોશ ગુમાવી બેઠા તેમણે એક ઝટકા સાથે તેમની મ્યાનમાથી તલવાર બહાર કાઢી અને કોઇ કાઇં સમજે તે પહેલા તાંત્રિક પર જોરદાર પ્રહાર કર્યો. પણ મહારાણીની તલવાર તાંત્રિક્ને સ્પર્શી શકી નહિ. તાંત્રિક સુધી પહોંચતા પહેલા જ તેના બે ટુકડા થઇ ગયા અને મહારાણીને પણ એક જોરદાર ઝટકો લાગ્યો, તે દૂર ફંગોળાઈ ગયા.

પંડિતે મહારાણીને સંભાળતા કહ્યુ, “મહારાણી તે તેના મંત્રકવચમાં છે. કોઇ પણ વ્યક્તિ તેનુ કશુ બગાડી શકે તેમ નથી. આપણે આપણી યોજના મુજબ જ આગળ વધવુ પડશે. સૌ પ્રથમ તેના બલિને શોધવો આપણા માટે ખૂબ જ જરૂરી છે.”

તાંત્રિક્ની આ આખી ગુફા ત્રણ ખંડોમા વહેંચાયેલી હતી. પ્રથમ ખંડ ગુફાના પ્રવેશદ્વાર પાસે હતો. તેમાથી બીજા ખંડમાજવાતુ અને બીજામાથી ત્રીજા ખંડમા. બીજો ખંડ તાંત્રિક્ની સાધનાનો ખંડ હતો. આ ખંડના પ્રવેશદ્વારથી બરાબર સામે પેલી ભયાનક મુર્તિ દેખાતી હતી અને તેની સમક્ષ મુખ કરીને બેઠેલા તાંત્રિક્ની પીઠ પણ દેખાતી હતી. આજ જગ્યા સંતાવા માટે અનુકૂળ હતી.

ત્રીજા ખંડમા શામલી બંધાયેલી પડી હતી. મહારાણીએ તેને બંધનમુક્ત કરી. તે ભયથી ધ્રૂજતી હતી. મહારાણીએ તેના કપડા વ્યવસ્થિત કર્યા, તેને સાંત્વના આપી અને સૈનિકોને શામલીને તેના ઘરે સહિસલામત પહોંચાડવાની આજ્ઞા આપી.

મહારાણીના સૈનિકો શામલીને લઈને રવાના થયા ત્યારે નિશા હજુ પૂર્ણપણે ખીલી નહોતી. હવે આ આખી ગુફામા માત્ર ત્રણ જ વ્યક્તિ હાજર હતા. એક તો મહારાણી પોતે બીજા પંડિત મંગતરામ અને ત્રીજો તાંત્રિક પોતે જે આ બધાથી અજાણ તેની સાધનામા મગ્ન હતો.

મહારાણીની તલવાર તો તૂટી ગઈ હતી પરંતુ તેમની પાસે હજુ તેમના ધનુષ-બાણ હતા. પંડિતે મહારાણીને આગલા ખંડમા સંતાઈને બેસી જવા કહ્યુ જેથી તાંત્રિક્ની નજર જલદી તેમના પર ન પડે. અને મહારાણી પોતે ઈચ્છે ત્યારે તાંત્રિક પર પોતાના ધનુષમાથી બાણ ચલાવી શકે. હવે બાકી પંડિત પોતે રહ્યા હતા.

આજે પંડિત મંગતરામ એક પંડિત નહોતા, પોતાની બધી જ વેશભૂષા પરીવર્તન કરીને તેઓ એક સામાન્ય બલિ તરીકે અહીંયા આવ્યા હતા. ઘરે તેમણે પોતાની બધી જ પુજાવિધી કરી લીધી હતી. પોતાના શરીરને, પોતાના રક્તને તેઓ મંત્રશુદ્ધ કરી ચૂક્યા હતા. હવે તેમના રક્તનુ પાન ગમે તેવી શક્તિ કરે, તે અવશ્યપણે નષ્ટ પામે તેમ હતુ. આજે તેમને એક અફસોસ થયો કે જ્યારે તેમની પાસે સમય હતો, તેમના ગુરૂજીએ જ્ઞાન આપ્યુ હતુ પરંતુ તેઓ સાધના કરી શક્યા નહોતા. તેઓ તો પોતાનામા જ મસ્ત રહ્યા હતા. આ સમય જતો રહ્યો, અને આજે તેઓ આ તાંત્રિક સમક્ષ નિર્બળ પુરવાર થયા. તેમને ખુશી પણ હતી કે તેમનો દેહ આ દેશ માટે કામ આવી રહ્યો હતો.

---------0000000000000-------

નિશા પૂરબહારમા ખીલી ઉઠી. તાંત્રિક્ની ઇચ્છિત અવકાશી યુતિ થઈ ગઈ. તાંત્રિક્ની સાધના પૂર્ણ થઈ ગઈ. હવે ફક્ત બલિ ચઢાવવાનો હતો, બલિ ચઢાવતા જ તેની દેવી તેને અમર કરી દેશે.

તાંત્રિક તેના સ્થાન પરથી ઊભો થયો અને બલિ લેવા બાજુના ખંડમા ગયો. ખંડમા પ્રવેશતા જ તેના પગ થંભી ગયા. તે તો બલિ તરીકે એક કુમારિકાને લાવ્યો હતો જ્યારે અહીં તો એક ચાલીસી વટાવી ચૂકેલો પ્રૌઢ હતો. તે સમજી શક્યો નહિ કે આવુ કેમ બન્યુ. અને હવે શુ કરવુ. વધુ વિચારવાનો સમય નહોતો, અવકાશી યુતિ એક પ્રહર જ ચાલશે, અને આટલા ઓછા સમયમા બીજા બલિની વ્યવસ્થા થઈ શકે તેમ નહોતી અને જો આ યુતિ સરી જશે તો તે કદી અમર થઈ શકે નહિ. હવે તો વધુ વિચાર્યા વગર જે હાજર હોય તે જ બલિ ચઢાવવો રહ્યો. તેણે મંગતરામ તરફ પોતાની પ્રથમ આંગળી નોંધી અને મન્ત્રૌચ્ચાર કર્યા.

તાંત્રિકના આટલા કાર્યથી તો ભલભલા લોકો તાંત્રિકને વશ થઈ જતા હતા અને તાંત્રિક તે વ્યક્તિ પાસેથી ધાર્યું કામ કઢાવી શકતો હતો. આ રીતના જ તેના બધા બલિ ચડાવવામા આવ્યા હતા.

સામાન્ય માનવી તો તાંત્રિકના વશમા આસાનીથી થઇ જાય પરંતુ આતો પ્રખર પંડિત હતા તે તાંત્રિકના વશમા થાય તેમ નહોતા. તાંત્રિકની ક્રિયાથી પંડિત સમજી ગયા કે તાંત્રિક તેમને બલી ચઢાવવા માટે લઈ જવા માંગે છે, અને હવે તેમનો અંત સમય નજીક છે. તેમણે છેલ્લીવાર પ્રભુને યાદ કર્યા અને એક સામાન્ય માનવીની જેમ તાંત્રિકને આધીન થઇ તેમની પાછળ ચાલવા માંડ્યા.

તાંત્રિક પંડિતને પોતાની દેવી પાસે લઈ આવ્યો અને મસ્તક નમાવવા આજ્ઞા કરી. પંડિતે આજ્ઞાનુ પાલન કરતા મસ્તક નમાવ્યુ અને એ સાથે જ તાંત્રિકે તેના હાથમાના ખડકનો પંડિતની ગરદન પર વાર કર્યો. વિક્રમસિંહના બળવાન શરીરનો વાર, ખાલી ન જાય. એક જ ઝાટકે મંગતરામનુ શિષ તેમના ધડથી અલગ થઇ ગયુ.

મહારાણીની આંખોમા ઝળહળીયા આવી ગયા, પણ આ સમય અશ્રુ સરવાનો નહોતો, ખબરદાર થવાનો હતો. તેમણે પોતાના ધનુષ-બાણ તૈયાર કરી દીધા. સામે તાંત્રિકની પીઠ દેખાતી હતી. હવેનો સમય અતિ મહતવનો હતો.

મંગતરામના શબમાથી લોહીની જાણે નદી વહેવા માંડી. તાંત્રિકે તેની દેવીનુ ખપ્પર હાથમા લીધુ અને મંગતરામના વહેતા લોહીથી ભરીને તેની દેવીના મુખ સમક્ષ ધર્યુ. લોહી ભરેલુ ખપ્પર મુખ સમક્ષ આવતા જ પત્થરની આ ભયાનક મૂરત નિર્જીવ મટી સજીવ થઈને ખપ્પરમાંનુ લોહી પીવા માંડી. ખપ્પરનુ અડધા ઉપરનુ લોહી પીધા બાદ તે અટકી ગઇ. તેની આંખોમાથી જાણે અંગારા વરસવા માંડ્યા હોય તેમ લાગતુ હતુ.

તાંત્રિકે માની લીધુ કે તેની દેવી તેના પર અતિ પ્રશન્ન થઇ ગયા છે. તેમણે પ્રસાદ ગ્રહણ કરી લીધો અને બાકી તેના માટે રાખ્યો છે. તેણે ખપ્પર મોઢે માંડ્યુ. ત્યાં તો પત્થરની આ સજીવ દેવીએ ખપ્પરને હાથથી નીચે પાડી દીધુ. દેવીનુ આ વર્તન તાંત્રિક સમજી શક્યો નહિ. આટઆટલી તપશ્ર્ચર્યા કર્યા બાદ દેવી નારાજ થાય તેમ માનવા તે તૈયાર નહોતો.

દેવીની આંખોની લાલાશ જોતા તેને લાગ્યુ કે દેવી ખરેખર ક્રોધિત છે. દેવી રૂઠે તો શું થઇ શકે તેની કલ્પના માત્રથી તે ધ્રુજી ઉઠ્યો. તેણે માંડમાંડ થૂંક ગળા નીચે ઉતાર્યુ. “માં મારી કોઈ ભૂલ?” તે દેવી સમક્ષ દયાની ભીખ માંગી રહયો.

પત્થરની એ ભયાનક દેવીએ કહ્યુ “તાંત્રિક આપણી સાથે દગો થયો છે. મારો અંત હવે નજીક છે. આ બલિ કોઇ જેવો તેવો બલિ નહોતો, આ તો એક પ્રખર પંડિત હતો જે તેના મંત્રકવચમા રક્ષાયેલો હતો. મારો અંત એક પંડિતના રક્તપાનથી લખાયો હતો. તારી સાધના પૂર્ણ થઇ ગઇ છે. અત્યારની અવકાશી યુતિ પૂર્ણ થયે તુ અમર થઇ જઇશ પણ આ દરમ્યાન તુ તારી કોઇ વિદ્યાનો પ્રયોગ નહિ કરી શકે. જો આ અવકાશી યુતિમા તુ અમર ન થઇ શક્યો તો તારા આત્માને મુક્તિ નહિ મળે કેમકે આ પંડિતને મારવાથી તારા માથે બ્રહ્મહત્યાનુ પાપ લાગી ચૂક્યુ છે. તારો અંત યજ્ઞફળથી જન્મેલ અને મંત્રકવચથી રક્ષાએલા કોઇ વ્યક્તિના રક્તપાનથી જ થશે.” કહેતા કહેતા તો આ ભયાનક મૂરત એક ભભૂકતી આગ બની ગઇ અને ભસ્મ થઇને ત્યાંજ ઢળી પડી.

અવાક થઇ ગયેલો તાંત્રિક શું કરવુ શું ન કરવુ, તેનો કાઇં વિચાર કરે તે પહેલા જ સનનન કરતુ એક તીર તેની પીઠમા ઘૂસી ગયુ તે પાછળ ફર્યો ત્યાં તો બીજા બે તીર આવ્યા અને તેની છાતીમા ઊંડે સુધી ખૂંપી ગયા. તે દર્દથી ચિત્કારી ઉઠીયો, તેણે તીર જયાથી આવ્યા તે દિશા તરફ નજર કરી.

મહારાણીએ જોયુ કે ફકત તાંત્રિકની દેવી જ નષ્ટ પામી છે અને તાંત્રિક હવે આ અવકાશી યુતિ પૂર્ણ થતા જ અમર બની જશે, તેમણે તેમના ધનુષમાથી તાંત્રિક પર તીર વરસાવવા શરૂ કરી દીધા. અવકાશી યુતિ પૂર્ણ થતા પહેલા તાંત્રિકનો ખેલ ખતમ કરવાનો નિર્ધાર તેમણે કરી લીધો. તેમના ભાથામાથી તીર ખતમ થતા સુધી તેમણે આ મારો ચાલુ રાખ્યો.

તાંત્રિકના આખા શરીરે બાણ વાગ્યા હતા. તેના શરીરમા ઠેરઠેર લોહીની ધારાઓ વહેવા માંડી હતી. અતિશય દર્દથી તે પીડાઇ રહ્યો હતો. જમીન પર ઢળી પડેલા તાંત્રિક સમીપ મહારાણી આવ્યા અને કહ્યુ. “તાંત્રિક તે આટલી સાધના કરી, આટલા બલિ ચઢાવ્યા, મારા પતિની હત્યા કરી, મારા પતિનુ શરીર તે પ્રાપ્ત કરી લીધુ, અમર થવાની લિપ્સામા તે કેટલાયે પાપ કરી લીધા પણ અંત તો તારો આવ્યો જ અને તે પણ એક સામાન્ય માનવની જેમ જ.”

“ના, મહારાણી ના” મહારાણી સ્તબ્ધ થઇ ગયા, પીડાથી ચિત્કારતો તાંત્રિક કહી રહ્યો હતો. “હું સામાન્ય માનવના મૃત્યુને આધીન નહિ થાઉ. મારી દેવી નષ્ટ પામી છે, તેમણે મને આપેલી શક્તિઓ પણ નષ્ટ પામી છે પણ હું મારી શક્તિઓથી હજી બળવાન છુ. મારી સાધના પૂર્ણ થઇ ગઈ છે અને હું અમર થઇ ચૂક્યો છુ. આ બ્રાહ્મણનુ રક્ત જો હું પી ગયો હોત તો મારૂ મૃત્યુ નિશ્ચિત જ હતુ પણ તે હવે મારાથી દૂર જ રહેશે. એક બ્રાહ્મણની હત્યા તમે મારા હાથે કરાવી છે. બ્રહ્મહત્યાનુ આ પાપ મને મુક્તિ નહિ મળવા દે એટલે કે મૃત્યુ મને સ્પર્શી નહિ શકે. તમે મારા હાથે કરાવેલુ આ પાપ મારા માટે વરદાન બની જશે. આ શરીરને તમે ઘાયલ કર્યુ છે, તે તો અવશ્ય નાશ પામશે પણ હું અમર રહીશ. આ શરીર છોડીને હું તારા જ વંશમા કોઇ બીજા શરીરમા પ્રવેશતો રહીશ.”

મહારાણીના ચહેરા પરની ખુશી ઉડી ગઇ. તેઓ પુછી રહયા, આખી દુનિયામા તુ ફકત મારા વંશનો જ દૂરઉપયોગ શા માટે કરવા માંગે છે? તાંત્રિકનો શ્ર્વાસ ખુબ જોરથી ચાલતો હતો. તેનુ શરીર ફીક્કુ પડવા માંડ્યુ હતુ. તેણે કહયુ મહારાણી મેં મારી બધી જ શક્તિઓનો સંચય આ શરીરમા જ કર્યો હતો અને હું શરીર વગરનો પણ આ શરીરમા જ થઇશ એટલે હવે મારાથી ફક્ત અને ફક્ત આ શરીરના લોહીના સબંધવાળા શરીરમા જ પ્રવેશી શકાશે કહેતા તે હાંફવા માંડ્યો. બસ, હવે મારે આ શરીર છોડવુ પડશે કહીને તે શાંત થઇ ગયો, વિક્રમસિંહની આંખો મીંચાઇ ગઇ, એ શરીર નિશ્વેત થઇ ગયુ. અવકાશી યુતિ પણ હવે પુરી થવા આવી હતી.

નિરાશવદને મહારાણી પાછા ફર્યા. પંડિત મંગતરામના પત્ની શારદાદેવીએ મહારાણીનું મુખકમળ કરમાયેલુ જોયુ. તેમને લાગ્યુ કે પંડિતના મૃત્યુથી મહારાણી ખુબ જ વ્યથિત છે. તેમણે મહારાણી સાંતવ્ના આપતા કહ્યુ, બા, અમે તો આપ માટે જ સર્જાયેલા છીએ. પંડિતના મૃત્યુથી હું કોઇ જાતના શોકમા નથી. મારા પતિએ તો દેશ માટે શહાદત વહોરી છે. હું શા માટે શોક કરુ? અને તમે પણ શોક કરશો નહિ.

શારદાદેવીના મુખે દેશ માટે મરી મીટવાની વાતો સાંભળી મહારાણીનુ હૈયુ ભરાઈ આવ્યુ. તેમની આંખોમાથી ટપટપ કરતા મોતી પડવા માંડ્યા. શારદાદેવી ગંભીર થઇ ગયા. તેમના હ્રદયમા ફાળ પડી. તેંને થયુ નક્કી કોઇ મોટી આફત છે નહિ તો આ પહાડ સામે પણ ટકરાવાની શક્તિ ધરાવતા મહારાણીની આંખમા આંસુ ન આવે. તેમણે થડક્તા હૈયે પુછ્યુ, “બા, શું વાત છે? આપનુ કાર્ય તો સફળ થઇ ગયુ છે ને? આપણો દેશ તાંત્રિકની પકડમાથી મુક્ત તો થઇ ગયો છે ને?”

ના, શારદાદેવી ના, આફત ટળી નથી ગઇ એ તો એવીને એવી જ માથે છે. ફક્ત તેની સમયમર્યાદામા વધારો થયો છે. ભારે હૈયે મહારાણીએ તાંત્રિકની ગુફામા થયેલી બધી વિગતો જણાવી.

શારદાદેવી થોડીવાર માટે શાંત થઇ ગયા. તેમણે કહ્યુ, “મહારાણી બા, મારા પતિ કાળી શક્તિઓની દેવીનો નાશ કરવામા સફળ થયા છે. આપણા માટે આ ઘણા હર્ષની વાત છે. તાંત્રિક્નો આત્મા ભલે ભટકતો રહ્યો. એને આપણે તેની ગુફામા જ કેદ કરી દઈએ. તાંત્રિકે તમારા વંશ પર તે પ્રભુત્વ જમાવશે તેમ કહયુ છે, હું તમારા વંશને તેની અસરમાથી મુક્ત કરી દઇશ. હું પણ પંડિત મંગતરામની પત્ની છુ, પંડિત ભલે ન રહ્યા પણ હું હજી જીવિત છુ, મારો પુત્ર હજી સલામત છે. ભલે એ નાનો રહ્યો, હું અત્યારથી જ તેને બધી તાલીમ આપવા માંડીશ, અને એટલો પ્રખર પંડિત બનાવીશ કે કોઇ પણ પ્રેત, આત્મા કે ગમે તે મારા પુત્રની સામે ટકી ન શકે. આપ ચિંતા ન કરો, હવેથી આ બધી જવાબદારી મારા માથે.”

મહારાણીના બળતા હૈયાને શાતા વળી. શારદાદેવીએ ફટાફટ બધી તૈયારી કરવા માંડી જરૂરી બધીજ વિધી કરી લીધી અને રાજકુંવરને એટલો રક્ષી દીધો કે તાંત્રિક ગમે તેટલા હવાતિયા મારે તો પણ તે રાજકુંવરને સ્પર્શી ન શકે. તાંત્રિકની ગુફા બહારથી બંધ કરી દીધી, શરીર વિહોણો થયેલો તાંત્રિક હવે એક સામાન્ય તાંત્રિક હતો તેનામા એટલી શક્તિ નહોતી કે તે શારદાદેવીનુ કવચ તોડીને બહાર આવે. તાંત્રિક તેની પોતાની ગુફામા કેદ થઇ ગયો હતો. આ બધામાં મહારાણી અને શારદાદેવી તાંત્રિકના શિષ્યોને ભૂલી ગયા, જો કે તેમને તાંત્રિકે દૂર મોકલી દીધેલાં શિષ્યો વિષે કોઈ ખબર પણ ન હતી.

મહારાણી અને શારદાદેવી નિશ્ચિત થઇ ગયા હતા. તેમના દેશ પરથી એક મોટી આફત ટળી ગઇ હતી. તાંત્રિક ભલે અમર રહ્યો પણ તે તેની ગુફામા કાયમ માટે કેદ થઇ ગયો હતો. આખા રાજયમા શાંતિ પથરાઇ ગઇ હતી.

પરંતુ વિધાતાને આ મંજૂર નહોતુ. આ રાજ્યએ હજુ ઘણા અત્યાચારો સહેવાના હતા. તાંત્રિકના શિષ્યો જ્યારે એક માસ પછી પરત આવ્યા તો તેમને બધી વાતની ખબર પડી અને તેમણે પોતાના સહિયારા પ્રયત્નોથી શારદાદેવીનુ કવચ તોડવામા સફળતા મેળવી લીધી અને પોતાના ગુરુદેવને લઇને એટલા દૂર નીકળી ગયા કે શારદાદેવી તેમને પકડી ન શકે.

અચાનક એક દિવસ મહારાણીને જાણવા મળ્યુ કે તાંત્રિકની ગુફા ખુલ્લી પડી છે. મહારાણી શારદાદેવી સાથે તાંત્રિકની ગુફા પર ગયા. શારદાદેવીએ બધો તાગ મેળવી જોયો તેમણે મહારાણીને કહ્યુ “તાંત્રિક હવે આઝાદ થઇ ગયો છે અને મારી પકડમા આવે તેમ નથી. તે હવે તમારા વંશ પર આફત વધુ શક્તિઓ પ્રાપ્ત કરીને જરૂર આવશે પણ તેની એક મર્યાદા રહેશે.

મહારાજ પછી તરત જ જો તે રાજકુમાર પર તેની માયા બિછાવવામા સફળ રહ્યો હોત તો તો સર્વનાશ થઇ જાત પણ આપણે રાજકુમારને રક્ષી દીધો છે તેથી તે હવે રાજકુમારના સંતાન પર તેની માયા પાથરશે. એટ્લે કે આપની એક પેઢી સારી રહેશે અને બીજી પેઢી પર તાંત્રિકનુ પ્રભુત્વ રહેશે.

આનો અંત બે જ રીતના આવશે, એક તો તાંત્રિક પોતે મારાથી રક્ષાયેલી પેઢીને પોતાના વશમા કરીને અમર થવામા સફળતા મેળવે તો અથવા તે કોઇ યજ્ઞફળથી જન્મેલ અને મંત્રકવચથી રક્ષાએલ વ્યક્તિનુ લોહી પીને નાશ પામે. મહારાણી જે કમી આપણને નડી હતી જેના લીધે મારા પતિનો જીવ ગયો તે કમી મે દૂર કરી દીધી છે. મારો પુત્ર હવે એટલો શક્તિશાળી છે કે ગમે તે વ્યક્તિને તે મંત્રકવચ પહેરાવી શકે છે. તાંત્રિક ભલે અમર રહ્યો પણ હવે શરીર વગરનો છે અને પહેલા જેટલો શક્તિશાળી પણ નથી. તે જો આ બાજુ ફરકશે તો મારો પુત્ર અવશ્ય તેને બંદી બનાવી દેશે.” મહારાણીના બળતા હ્રદયને શાતા વળી.

આવી જ મનની શાંતિ લઇને મહારાણી કનકબા અને શારદાદેવી સમયને આધીન થઇને સ્વર્ગે સીધાવી ગયા. આખી રિયાસત હવે રાજકુમાર પોતે રાજા બનીને બહુ સારી રીતે સંભાળતા હતા અને તેમના રાજપુરોહિતનુ સ્થાન પંડિત મંગતરામના પુત્ર સંભાળવા લાગ્યા.

આખી રિયાસતમા શાંતિ પથરાઇ ગઇ હતી. આવી શાંતિમાં જ આ પેઢી પણ પસાર થઇ ગઇ અને ત્રીજી પેઢીનું આધિપત્ય આવ્યું. પ્રજા ખૂબ જ સુખી થઇ આ રાજમા પરંતુ સુખ કોઈનું થતુ નથી અને આતો સુખ નહોતુ આ તો માત્ર વચગાળાની રાહત હતી જેને લોકોએ કાયમી સાહ્યબી માની લીધી હતી.

એક દિવસ રાજા અને પુરોહિત વચ્ચે કોઇ નજીવા પ્રસંગોપસાત ચડસાચડસી થઇ. રાજા, વાજા અને વાંદરા, આ ત્રણે સરખા, બગડે તો કોઇના નહિ રાજાએ પુરોહિતને તેમના સ્થાને થી દૂર કર્યા. અપમાનિત પુરોહિત હવે પીળીકોઠીમા જઇ શકે તેમ નહોતા. તેમણે નૈનપુર છોડીને બાજુમા આવેલા અમનપુરમા પોતાની જ્ઞાનશાળા ખોલી અને કાયમ માટે ત્યાં જ રહી ગયા.

પ્રજાનુ દુ:ખ ફરી શરૂ થયુ. રાજા અને પુરોહિત વચ્ચેના આ અણબનાવનો ફાયદો તાંત્રિક ઉઠાવ્યો.

વર્ષો વીતી ગયા, સમય તો પલક ઝબકતા સરકી ગયો. રાજા રજવાડાઓના રાજ જતા રહ્યા. લોકશાહીમા આજે આ લોકો સામાન્ય વ્યક્તિ થઇ ગયા. પણ પેઢી દર પેઢીથી ચાલતો આ અણબનાવ એવોને એવો જ રહ્યો. રાજવી કુટુંબ તેના રજવાડાઓ ખોઇ બેઠુ હતુ, જ્યારે પંડિત કુટુંબ જ્ઞાનના સથવારે ઘણુ આગળ નીકળી ગયુ હતુ.

તાંત્રિક વારસો લઇને રાજવી કુટુંબ જીવી રહ્યુ હતુ. શરૂઆતમા તાંત્રિકનો પ્રભાવ ઘણો ઓછો હતો, સમજો કે હતો જ નહી પણ તાંત્રિક્ને હવે શરીર મળ્યુ હતુ, તે તેની ગુમાવેલી શક્તિઓને ફરીથી ભેગી કરવામા લાગી પડ્યો. ધીરે ધીરે કરતા ઘણી પેઢીઓ વીતી ગઇ અને તાંત્રિક તેના કાર્યમા એક પછી એક સફળતા મેળવતો જતો હતો.

તાંત્રિકની સફળતાનુ કારણ પણ હતુ, પંડિત અને રાજવી કુટુંબ કદી એક ન થઇ શક્યુ અને તેનો ભરપુર ફાયદો તાંત્રિકને થયો.

આજે નૈનપુરમા પીળીકોઠીના કર્તા હર્તા હતા ઠાકુર ભૈરવસિંહ, જાણે સાક્ષાત ભૈરવનો અવતાર. આખા નૈનપુરમા તેમના નામનો કેર હતો. વડવાઓનુ મોટુ રાજ તો જતુ રહ્યુ હતુ પરંતુ હજી તે એક મોટા જમીનદારની હેસિયત ધરાવતા હતા. આજે પણ આખા નૈનપુર સૌથી અમીર વ્યક્તિ, સૌથી વધુ જમીન ધરાવનાર તરીકે ફક્ત તે જ ખ્યાતિ ધરાવતા હતા અને એ જ આખા નૈનપુરને પોતાનુ ગુલામ સમજીને ત્રાસ ફેલાવતા હતા.

---------0000000000000-------

મિત્રો આપ સૌનો પ્રેમ જ મને વધુ ને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરતો રહેશે. આ નવલકથા પૂરી થયે બૃહન્નલા -1 ની સવારી આવશે. અને બીજી ઘણી બધી અર્ધ લખાયેલી છે. એ બધી જ હું આપ સમક્ષ જરૂરથી લઈ આવીશ, બસ તમે વધુ ને વધુ શેર, ફોલો અને ટિપ્પણી કરો. જે કોઈ પણ આ નવલકથાને છાપવામાં / છપાવવામાં રસ ધરાવતા હોય તે મારો સંપર્ક કરી શકે છે.

આભાર

આપનો

“જાંબુ” (શૈલેષકુમાર મોતીલાલ પરમાર),

મો. 09898104295 / 09428409469

E-mail – shailstn@gmail.com

ISBN 9780463875544.

મિત્રો, આ નવલકથા https://jaambustoryworld.blogspot.com પર પણ વાંચી શકાય છે.