શું ફોન મૂકી બાજુએ, કિન્ના એ બાંધતો હશે?
કે 'રેડીમેડ' લાવી પતંગો, માત્ર સાંધતો હશે?
આકાશમાં તો ક્યાં હવે, પેચો લડાવે છે કોઈ?
બસ 'ઈન્સ્ટા'ની રીલો મહીં, પેચો લડાવતો હશે!
પતંગના કિન્ના તણી તો, જાણ નથી જાજી મને,
પણ મન મહીં વેરના, કિન્ના એ બાંધતો હશે.
તલ-ગોળની ચીક્કી હવે, ભાવે નહિ જેને જરા,
ધાબા ઉપર ચડીને પણ, પિઝા મગાવતો હશે.
કાપ્યો છે કોણે કોને?,ક્યાં ખબર છે આજકાલ?
પોતે કપાણો છે છતાં, ભ્રમમાં જ રાચતો હશે.
શું "કાયપો છે!" ની બૂમો, પાડવી ગમે છે એને?
કે ગોગલ્સ પેરી 'સ્વેગ'માં, સેલ્ફી પડાવતો હશે?
–હાર્દિક ગાળિયા