શિમલા કરાર
૧૯૭૧ના યુદ્ધમાં
પાકિસ્તાનનો સંપૂર્ણ રકાસ થયા પછી
અમેરિકા ખાતે યુનોની સલામતી
સમિતિમાં તેના વિદેશમંત્રી ઝુલ્ફિકાર
અલી ભુટ્ટોની સિંહગર્જનાઓ શાંત પડી
અને ઘરઆંગણે ડામાડોળ રાજકીય
પરિસ્થિતિનો લાભ ખાટવા તેઓ સ્વદેશ
આવવા નીકળ્યા. વળ જોઇને ટાંકણું મારી
લેવામાં તેમનો જવાબ ન હતો. હવે એ
માટે સમય મોકાનો હતો. સરમુખત્યાર
જનરલ યાહ્યા ખાનનાં અળવીતરાં તેમજ
આંધળુકિયાંને લીધે પાકિસ્તાને તેની
પૂર્વીય કુલ ક્ષેત્રફળના ૧૮% જેટલી
પાંખ ગુમાવી દીધી હતી. આથી
લોકનજરમાં ખલનાયક ગણાવા માંડેલા
યાહ્યા ખાનને બાજુ પર હડસેલી તેમની
ખુરશી પર બેસી જવાની ઝુલ્ફિકાર અલી
ભુટ્ટો માટે સરસ તક હતી.
ન્યૂ યોર્કથી ૨વાના થતા પહેલાં
ભુટ્ટો વોશિંગ્ટનમાં અમેરિકાના પ્રમુખ
રિચાર્ડ નિક્સનને મળ્યા. આમ તો તેઓ
અમેરિકાને પાકવિરોધી ગણાવી સતત
વખોડતા, પણ વ્હાઇટ હાઉસ ખાતે
મુલાકાત દરમ્યાન પોતાની વાક્પટુતા
થકી ભારતવિરોધી નિક્સનની
સહાનુભૂતિ જીતી લીધી.
અમેરિકાનો રાજકીય ટેકો મેળવી લીધો,
જેમાં પાકિસ્તાનના સત્તાલોભી લશ્કર
માટે ભુટ્ટોની તરફેણમાં અમેરિકાનો
‘સાઇડ પ્લીઝ !’નો સંકેત હતો.
न्यू યોર્કથી લંડન, પછી રોમ અને
છેલ્લે તેહરાન ખાતે ટૂંકા રોકાણ બાદ
ભુટ્ટોનું વિમાન ડિસેમ્બર ૨૦, ૧૯૭૧ની
સવારે ૧૦:૩૦ વાગ્યે ઇસ્લામાબાદના
ચલાલા વિમાનીમથકે પહોંચ્યું. ભાવિ
પ્રમુખ ધારી લેવાયેલા ભુટ્ટોને આવકારવા
ખીચોખીચ મેદની જામી હતી.
https://www.facebook.com/share/p/1A9koECQxR/