ખંડેર ઘરના મોભની યાતના કેવી હશે?
કબરના દરવાનની સંવેદના કેવી હશે?
રોજ સવારે જન્મે જે આશ જીવંતતાની,
ને સાંજે મળે મૃત,એ ભરોસાની લાશ કેવી હશે?
મળે ઈશ્વર અને માણસ,એ મુલાકાત કેવી હશે?
સર્જક અને સર્જનની મથામણ કેવી હશે?
બંને કરે ફરિયાદ જો..."તે મને બનાવ્યો"!!
ચિત્રગુપ્તના ચોપડે,લખાયેલી એ લેખિની કેવી હશે?
રણ વચોવચ એકલા ઝાડની દશા કેવી હશે?
રાહગીરની વાટ જોવાની વ્યથા કેવી હશે?
કહી દઈએ જો એટલું કે..."લાવ કાપી દઉં" !!
એકલતાના શાપથી મુક્તિની ઉજાણી કેવી હશે?
- નિર્મિત ઠક્કર