દિવાળીની સફાઈ
દિવાળીની સફાઈ હવે તુ ચાલુ કરી જ દે,
ચાલ આ વર્ષે કંઈક તુ અલગ જ કરી દે,
જો હૃદયના માળીયે, પેલી જૂની નફરતો છે,
ઉતારી ને આજ તો ઘરની બહાર જ ફેંકી દે,
હાસ્યના તોરણ ગયા વર્ષના પેક પડ્યા છે,
ખોલીને એને જરા દરેક બારણે લગાવી દે,
નિરાશાઓના જૂના ફાનસ હોય તો જવા દે,
આશાના દરેક ઉંબરે નવા દીપ પ્રગટાવી દે,
અહંકાર લાગ્યું છે,ત્યાં પ્રેમનો ગેરું લીપી દે,
એના પર જરા,રંગબેરંગી તું રંગોળી કરી દે,
એ ગરીબની આંખો પણ આજ ચમકાવી દે,
જૂની ઢીંગલી, બે ચાર ચોકલેટ તું આપી દે,
બાજુવાળાની ઈર્ષ્યા હવે તો તું છોડી જ દે,
'હું' ને ભૂલી આજ, બીજાની પ્રસંશા કરી દે,
કલર લાગણીનો તો ઉખડતો જ જાય છે,
આ વર્ષે જરા વધુ પાકો કલર કરાવી દે,
દીવાળી ની સફાઈ હવે તો, તું ચાલુ કરી દે,
ચાલ,આ વર્ષે આવી જરા સજાવટ કરી દે.