તારા જેવા બનવાની મને હૈયે હામ દે હરિ.
ખૂબ ભટક્યો ચોરાશી હવે વિશ્રામ દે હરિ.
મારે પણ કૈંક કરી છૂટવું છે માનવ બનીને,
કર્મપથ પર ટકી રહેવા શક્તિ તમામ દે હરિ.
નીરખું માનવમાત્રમાં તને આ જગતમાં સદા
મને પણ તારા જેવું કોઈ એક નામ દે હરિ.
તનેય ગમશે ગતિવિધિ મારી જો નજર કરે,
કરી શકું સહજ પરોપકારનાં કામ દે હરિ.
આખરે છું હું તારો એ ના ભૂલવું ઘટે તારે,
વસતા હોય તારા જેવા એ ગામ દે હરિ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.