પતંગરસિકો છોને આજે મોજ માણે.
પણ પતંગની વેદના આભ શું જાણે ?
છોને મળ્યું એને ઉડવા કેવું રે ગગન..!
તોયે નડતાં માનવનાં સાંકડાં રે મન,
જુદા જુદા રંગોને વ્યોમ પણ વખાણે,
પણ પતંગની વેદના આભ શું જાણે?
મળ્યો છે દોર છૂટો એને ઠેકઠેકાણે,
વિચરતી આભમાં સંભળાતા ગાણે,
કરી વાત આભને ઓલ્યા તપતા ભાણે.
પણ પતંગની વેદના આભ શું જાણે?
ઉડવું આનંદથી ને તોય વળી કપાવાનું,
ખૂણે ખાંચરે કે વીજપોલમાં ફસાવાનું,
પાછા દોર આપણો બાળકો જ તાણે,
પણ પતંગની વેદના આભ શું જાણે ?
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.