જીંદગીની બાજીમાં હું સર્વસ્વ હારી,
તો શું થયું?
દરેક સંબંધમાં માત મળી..
તો શું થયું?
દોસ્તી, પ્રેમ અને મમતામાં પણ ચાલાકી મળી,
તો શું થયું?
આ શ્વાસ તો હજું પણ ચાલે છે..
કૈક તો કારણ હશે જ!
ફરીથી મને મારા માટે એક મોકો મળ્યો,
કૈક તો કારણ હશે જ!
મારી દરેક હાર માટે પણ
કૈક તો કારણ હશે જ..
હવે હું મારી જિંદગીને
મન ભરી જીવવા માંગુ છું,
હું દરેક સ્વાર્થી સંબંધને
હવે પૂર્ણવિરામ આપુ છું.
શું થયુ મને મારા હિસ્સાનો પ્રેમ ના મળ્યો!?
શું થયું મને મારા હિસ્સાની મમતા ના મળી!?
શું થયું મને મારા દરેક સંબંધમાં ચાલાકી મળી!?
હવે મને ખોટું નથી લાગતું,
હવે મને કોઈથી કોઈ ફરિયાદ નથી,
હું મારા એ દરેક મતલબી સંબંધને
મારા માંથી મુક્ત કરું છું..
મારી દરેક ગ્લાનીને મુકત કરું છું..
ભય રૂપી અંધકારને દૂર કરું છું..
હું ખુદને માફ કરું છું.
મારી ભૂલોને ભૂલી ફરી
નવી શરૂઆત કરું છું..
'હું' મારામાં રહેલ 'તુ' ને ખૂબ ચાહું છું..
જ્યારથી મને ખબર પડી કે
હું તારો જ અંશ છું..
હું ખુદને ચાહવા લાગી છું.
જ્યારથી ખબર પડી કે
કોઈ મને સાથ આપે કે ના આપે,
છતાં તુ મને સાથ જરૂર આપશે,
હું પળ પળને જીવવા માંગુ છું.
અવળી બાજીને સવળી કરનાર તુ જ તો છે..
જે મારી દરેક ભૂલને માફ કરે છે, એ તુ જ તો છે..
હારું ત્યારે હિંમત આપે છે, એ તુ જ તો છે.
માટીના પૂતળાં ઘણા સ્વાર્થી હોય છે,
જે મને નિઃસ્વાર્થ પ્રેમ કરે એ તુ જ તો છે.
મારી આત્મામાં વસેલો પરમાત્મા તું જ તો છે..
દર્શના રાધે રાધે