ખબર છે... મિત્રોની મિત્રતા ઉપર કોઈ પ્રસિદ્ધ વાર્તા કે પાત્રો કેમ નથી...!?
કેમ કે મિત્રો, મિત્રો માટે એક નહીં બે ડગલાં પાછળ ખસવા તૈયાર રહે છે. મિત્રો મિત્ર માટે ઘસાઈ જવામાં માને છે. હીર - રાંઝા, સોની - મહિવાલ, કે અન્ય પ્રેમી જોડાની જેમ પોતના ચાહિતાને પોતાનો કરવાં વલખાં નથી મારતાં કોઈ વિદ્રોહ નથી કરતાં. પણ હા, એક મિત્ર પોતના મિત્ર માટે વિદ્રોહ કરવા તૈયાર થઈ જાય છે. મારાથી તો ઘણી વખત થઈ ગયો છે.
જેટલી નિખાલસતાથી એક મિત્ર મિત્રતા નિભાવે છે એટલીજ નિખાલસતાથી મિત્રતાનો "ઝીરો અવર" પણ પસાર કરે છે. વર્ષો પછી પાછા મળે એટલે પેહેલો પ્રશ્ન નથી પૂછતાં; બસ એકમેકને ગળે મળે છે... ઉમળકાભેર અને એમ કહું તો પણ ચાલે કે એકબીજાથી પોત પોતાની આંખો છુપાવીને વર્ષોથી કોરી રહી ગયેલી આંખોને મિત્રતાના વરસાદથી ભીંજવી દે છે.
તમને ખબર છે એક મિત્ર બીજા મિત્ર સામે કોઈ દિવસ "મિત્રતાની" ફરિયાદ નથી કરતો... જરાક વિચારીને તો જુઓ કેવી ફરિયાદ હોય શકે...!? દોસ્ત, તારી મિત્રતા મારા માટે હવે ઓછી થઈ ગઈ એવું મને સતત લાગ્યા કરે છે... તારો મારા પ્રત્યેનો ભાવ હવે પેહલા જેવો નથી રહ્યો... આપણે જયારે નવા નવા મિત્રો હતાં ત્યારે તું કેવો મારે માટે દોડી દોડીને આવતા હતો અને હવે... મારી સામે પણ નથી જોતો...! કલ્પના પણ ન કરી શકાય એવી વાતો છે આ બધી.
યાદ કરો તમે છેલ્લે જયારે "કોઈકને" ભેટ્યાં હતાં; અને તમારા કોઈ "મિત્રને" ભેટ્યાં હતાં. ફર્ક અને મારી વાતનો મર્મ તમને આપોઆપ સમજાઈ જશે. હા, એક વાત જરૂર કહીશ આજે થોડો પક્ષપાત કરી રહ્યો છું, કારણ કે મિત્રતાની વાત કરી રહ્યો છું. આજની વાતમાં "મિત્રતા" મારી મધ્યમાં છે.
અને અંતે... પ્રેમ કરવો જેટલો સરળ છે, એનાં કરતા મિત્રતા કરવી વધારે સરળ છે. પ્રેમ નિભાવવો અઘરો છે, એની સરખામણીમાં મિત્રતાને નિભાવવાની કોઈ જરૂર નથી પડતી... એતો આપોઆપ નીભાઈ જાય છે. પ્રેમ હાજરી જતાવે છે અને મિત્રતા હાજરીની અનુભૂતિ કરાવે છે. પ્રેમ ગેરહાજરીમાં સતાવે છે, મિત્રતા હાજરીમાં સતાવે છે, પ્રેમ કહે છે તું મારો છે... મિત્રતા કહે છે હું તારો છું. પ્રેમમાં વિરહ હોય છે, જયારે મિત્રતા સહિયારી હોય છે. પ્રેમમાં એકલતા હોય છે, મિત્રતામાં ખાલીપો હોય છે. પ્રેમમાં તબક્કા હોય છે, મિત્રતામાં કિસ્સા હોય છે. પ્રેમમાં બે મળીને એક થાય છે, મિત્રતામાં બે એકમેકને મળે છે. પ્રેમ સંકોચન છે, મિત્રતા વિસ્તાર છે. પ્રેમ અજુગતો હોય શકે છે, મિત્રતા ક્યારેય નહીં. પ્રેમ ઝનૂની હોય છે, મિત્રતામાં મિત્ર માટે ઝનૂન હોય છે. પ્રેમ "પરણે" છે, મિત્રતા "પરણાવે" છે.
સ્કૂલમાં મિત્ર માટે મિત્રોને મારા ખાતા જોયા છે. કોલેજમાં મિત્ર માટે મિત્રોને મારામારી કરતાં જોયા છે. માહ્યરામાં મિત્રોને રડતાં જોયા છે અને વિદાયમાં હસતાં પણ જોયા છે. "રાક્ષસકુળમાં પણ મિત્રતામાં જીવ આપી દેતાં રાક્ષસોને જોયા છે." સમય સામે હારી જતાં મિત્રની પડખે ઘણાં મિત્રનો અડીખમ જોયા છે; પણ સ્મશાનમાં "હક્ક" જતાવતા એકપણ મિત્રને નથી જોયો.
મિત્ર, મિત્રતા, દોસ્ત, દોસ્તી અને ભિલ્લુ... એટલે ભાંગેલા તૂટેલા શબ્દોથી બનેલો ભાડાનાં ભાર વગરનો એક મહેલ જેના બે માલિક પણ માલિકીપણું કોઈનું નહીં...!