ગઝલ
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી;
મને હાથ ઝાલીને લઈ જશે,
હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી,ન ગગન સુધી,
નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ,
મને લઇ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી,
કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના,
ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં,
ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ,
અમે રંક નાર ની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર,
અમે સાથ દઈએ કફન સુધી.
જો હદયની આગ વધી ‘ગની’,
તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું,
કે પવન ન જાય અગન સુધી.
મિત્રો,ગની દહીંવાલા રચિત આ ગઝલ ગુજરાતી ગઝલોમાં અમરત્વ પામી ચૂકેલ છે. ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેલી આ ગઝલ પુરુષોત્તમ ઉપાધ્યાય અને ઐશ્વર્યા મજમુદાર ના સ્વર માં છે.
સ્વરાંકન સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
ઉપરાંત આ ગઝલ મહંમદ રફી સાહેબના ના એકલ સ્વર માં પણ છે.જે ખુબજ લોકપ્રિય છે. જેના સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય છે.
કાવ્ય પરિચય:
'દિવસો જુદાઈના જાય છે' કાવ્યમાં કવિ 'ગની' દહીંવાલા પોતાના પ્રેમની પરાકાષ્ઠાનું વર્ણન કરે છે. વિયોગના દિવસો જઈ રહ્યા છે પણ તે એક દિવસ મિલનમાં પરિણમશે. દિવસો રુપી શત્રુઓ જ સ્વજન સુધી લઈ જશે એવું કહીને કવિ પ્રેમને સર્વોચ્ચ દરજ્જો આપે છે. તેમને ધરા કે ગગન સુધી નહીં પણ પ્રેમીજનો ને એકમેકના મન સુધી જવાની ઈચ્છા છે.
'દિવસો જુદાઈના જાય છે' કાવ્યમાં કવિ 'ગની' દહીંવાલા પોતાના પ્રેમની પરાકાષ્ઠાનું વર્ણન કરે છે.કવિ વિયોગની મન:સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તે વિરહની વેદનામાં પણ મિલનની આશાને પ્રજ્વલ્લિત રાખે છે. આજના સમયમાં માનવ એકબીજાના મન સુધી પહોંચે તે જ ઘણું છે. તેમને ઉન્નતિ કે પતનની પરવા નથી. પ્રિયપાત્રને પોતાનાથી ઉંચો દરજ્જો આપે છે અને રાજરાણીના વસ્ત્ર સાથે સરખાવ્યા છે. કવિએ પ્રિયપાત્રને રાજરાણીના વસ્ત્રની ઉપમા આપી છે, પોતાને રંક સ્ત્રીની ચૂંદડી કે જે મૃત્યુ સુધી અલગ નથી થતી એવું કહી પ્રેમની ચરમ ભવ્યતા દર્શાવી છે. કવિ હૃદયથી નયન સુધી જવાની અરજ કરે છે. વિયોગની પીડા વધીને બહાર આવી જાય તે પહેલા ઈશ્વર શ્વાસ બંધ કરી દેશે અને પવનને તે વિયોગની અગ્નિ સુધી નહીં પહોંચવા દે એવી કવિને શ્રદ્ધા છે. આ અંતિમ કડીઓમાં પ્રેમની ચરમ સીમા વર્ણવવામાં આવી છે.
પ્રસ્તુત કર્તા :ડો ભૈરવસિંહ રાઓલ