સપાટીને છોડીને તું તળ શોધવા નિકળ્યો;
આજને ભૂલીને ગઈ પળ શોધવા નિકળ્યો?
તું ખૂદ પોતે જ કેટલો ગુંચવાયેલો રહ્યો ત્યાં,
ને જગતમાં વ્યક્તિ સરળ શોધવા નિકળ્યો?
એક ઝલક જોવા તરસી ગઈ જ્યારે આંખો,
ઝુકેલી નજરે નયન સજળ શોધવા નિકળ્યો?
ધૂંધળાઇ ગઇ છે આંખો કોઇક યાદ આવતાં,
અને ફાનસ લઈ તું ઝાકળ શોધવા નિકળ્યો?
કાંઇ પણ કાયમી નથી અહીં જ્યારે દુનિયામાં,
તો સુખ-ચેન જ કેમ તું અચળ શોધવા નિકળ્યો?
મા-બાપ થકી જ તો છે તારું અસ્તિત્વ "વ્યોમ"
ને માવતર વિનાના ઘરમાં ઝળહળ શોધવા નિકળ્યો?
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, હાલ - આદિપુર (કચ્છ).