દિલ ખોલીને હસી તો જો ફરી એક વાર.
કોક ધડકનમાં વસી તો જો ફરી એક વાર.
ઊંડો જખમ પણ રુજાશે જરૂર સમય સાથે,
એ કાચથી દૂર ખસી તો જો ફરી એક વાર.
મહેક માટીની આવશે સૂકી વસુંધરામાંથી,
મેઘ બની ચોધાર વરસી તો જો ફરી એક વાર.
કળી ખીલશે ઉપવને એના નાજુક હાથથી,
એક કૂંપળને સ્પર્શી તો જો ફરી એક વાર.
કોણ કહે, દુનિયા તારી નથી આ સિતારામાં?
આસમાને ઘર કરી તો જો ફરી એક વાર!
-અંકિતા સોની