Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Forgive And Forget

(માફ કરો અને ભૂલી જાઓ)





સત્તરમી સદીમાં જાપાનમાં ઓશોન નામનાં એક નામાંકિત વ્યક્તિ થઈ ગયાં. ખૂબ જ ધનવાન, પ્રતિષ્ઠિત, અને ખાનદાની માણસ તરીકે તેમની નામનાં હતી. ઓશોનને માન-સન્માન મળતું હતું એનું એક બીજું કારણ પણ હતું. તેમનું ફેમિલી બસો માણસોનું હતું. બાર ભૈયા અને તેર ચૌકાનાં વિષમ જમાનામાં ઓશોનનું કુટુંબ આદર્શ ઉદાહરણ હતું. નવાઈની વાત તો એ હતી કે કોઈ જાપાનીઝે એમનાં ઘરમાં નાનકડો ઝઘડો થયો હોય એવુંય સાંભળ્યુ ન હતું.



એમનાં પાડોશીઓ પણ ઘરમાં ઝઘડો કરતાં ન હતાં. જો ઘરમાં ઝઘડો થાય તો સમજુ માણસો એમ સમજાવે કે- તમારાં પાડોશમાં બસ્સો માણસનો પરિવાર રહે છે તેને જોઈને તો કોઈ શીખ લો. ઘરમાં પાંચ માણસ સંપીને રહી શકતાં નથી. અરે, એ સમયે તો અતિશયોક્તિથી એમ કહેવાતું કે, ઓશોનના કુટુંબની એકતાનો પ્રભાવ એવો છે કે તેમનાં ફળિયાનાં કૂતરાય અંદરો-અંદર લડતાં ન હતાં !!!



જાપાનનાં રાજાએ ઓશોનના કુટુંબકબીલા વિષે ઘણું સાંભળ્યું હતું. હવે ઓશોન પાકટ થઈ ગયાં હતાં. રાજા પોતે તેમને મળવા તેમનાં ઘરે ગયો. રાજાને તમામ પરિજનોને મળીને આનંદ થયો. રાજાએ ઓશોનને કહ્યું, હે સજ્જન ! મહેરબાની કરીને આ કુટુંબની એકતા અને સંપનું રહસ્ય શું છે તે જણાવો. હું ઈચ્છું છું કે આપ આપના પરિવારનાં એવાં નિયમો તારવો કે જેનું તમે પાલન કરો છો. અમને અને પ્રજાને ઉપયોગી નીવડે એવાં 100 નિયમો લેખિતમાં આપો. જેથી હું તેને છપાવી દેશનાં ખૂણે-ખૂણે પહોંચાડું." ઓશોને કહ્યું, "રાજન, એવાં 100 નિયમો મેં ક્યારનાય અલગ તારવી લીધાં છે. હું આપને અબઘડી જ તે લખી આપું છું."



ઓશોને કાગળ-પેન્સિલ મંગાવ્યાં. તેમણે પોતાની ફેમિલીનાં 100 અદભૂત નિયમો કાગળમાં ટપકાવવા લાગ્યાં. થોડીવાર પછી તેમણે કાગળની ગડી વાળી તે કાગળ રાજાને હાથમાં આપ્યો. રાજા તો ખુશખુશાલ થઈ ગયો. તેણે ઉતાવળથી પેલો કાગળ ખોલ્યો. કાગળમાં લખ્યું હતું- "ઓશોનની ફેમિલીના 100 અદભૂત નિયમો આ પ્રમાણે છે. (1) સહન કરો. (2) સહન કરો.(3) સહન કરો........(100) સહન કરો.



આપણાં કુટુંબકલેશનું સૌથી મોટું કારણ જાણો છો ? આપણે ત્યાં જનરેશન ગેપ કરતાં કોમ્યુનિકેશન ગેપ વધારે છે. ક્યાક કોમ્યુનિકેશન થાય છે તો એ વળી "શબ્દો" નહી પણ જાણે "અણુબોમ્બ" જોઈ લો !! કોઈ ડોક્ટરને પૂછજો, કે ઓપરેશન કરતાં પહેલાં તમે ઓજારો કેમ સ્ટરીલાઈઝ કરો છો ? દાક્તરનો જવાબ હશે કે જો ઓજારો જંતુમુક્ત કર્યા હોય તો દર્દીને ચેપ ન લાગે. સ્ટરીલાઈઝ કર્યા વગર ઈન્સ્ટ્રુમેન્ટ વાપરીએ તો પેશન્ટને ચેપ લાગે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે !!! આ શબ્દો પણ છે ને પેલાં ડોક્ટરના ઓજારો જેવા જ છે. બાકીનું તમારા I Q ની મદદથી સમજી લેજો. અનિયંત્રિત વાઘ, અનિયંત્રિત હાથી, અનિયંત્રિત આગ, અનિયંત્રિત શસ્ત્રો જેટલો વિનાશ કરે છે એટલો જ વિનાશ અનિયંત્રિત શબ્દો પણ કરે છે.



બહુ જૂની એક વાત છે. પતિ-પત્ની દરરોજ લડતાં. એક દિવસ તેમણે નક્કી કર્યું કે આપણે આમ ટુકડાઓમાં લડવું નથી. હવેથી બંને એક-એક ડાયરી રાખીએ. આપણે એકબીજાની ભૂલો અને ક્ષતિઓ એમાં લખીશું. માર્ચ એન્ડિંગમાં હિસાબ કરીશું. એ દિવસે મનભરીને લડી લેવાનું. સંધિ પર હસ્તાક્ષર થઈ ગયાં. હવે બંને ડાયરીમાં નોંધ રાખવા લાગ્યાં. ત્રણસો ને ચોસઠ દિવસ વીતી ગયાં. વિશ્વયુધ્ધનો દિવસ આવી પહોંચ્યો. હથિયારો (ડાયરી) તૈયાર થઈ ગયાં.



પતિએ લેડીઝ ફર્સ્ટ કહ્યું. પત્નીએ કહ્યું, "હું નાની નાની ભૂલો નહી વાંચું. સીધી મોટી ભૂલો પર જ આવું છું. તો સાંભળો. તા. 15/04 તમે ઘરે મોડાં આવ્યાં. આપણે ફિલ્મ જોવા જવાનું હતું. પ્રોગ્રામ કેન્સલ થયો. તા. 13/06 મેં તમને મોટાભાઈનાં ઘરે કથામાં જવાનું નાં કહી છતાં તમે અમને ત્યાં લઈ ગયાં. તેમણે વર્ષો અગાઉ આપણું અપમાન કર્યું હતું એ તમે ભૂલી ગયાં. તા. 14/11 તમે મારી બર્થ-ડે ભૂલી ગયાં. કોઈ ગિફ્ટ પણ ન આપી." પત્નીએ ડાયરી બંધ કરી. પતિએ ડાયરી ખોલી. પત્નીને હતું જ કે એમણે તો મારી ભૂલો વધારે જ નોંધી હશે. આ માણસ ભૂલો કાઢશે જ ...એના શું જવાબ આપવા તેની મનોમન તૈયારીઓ કરવા લાગી.



હસબન્ડ ડાયરી હાથમાં લઈને બેસી રહ્યો હતો. ઘડિયાળનો કાંટો ચાલી રહ્યો હતો. પત્નીને ખીજ ચઢી. ડાયરી ખૂંચવી લીધી. "તમારે ન વાંચવી હોય તો હું જાતે જ વાંચી લઉં છું. આ પણ તમારી એક ભૂલ જ છે." વાઈફે ડાયરી ઓપન કરી. બધાં પાનાં કોરાકટ. છેલ્લાં પાને લખ્યું હતું. "તારી અનેક ભૂલો થઈ છે. મારે તે દરેક ભૂલો લખવી હતી. મારે તને તારી તમામ ભૂલો બતાવવી હતી પણ જ્યારે તારાં ઉપકારો યાદ આવ્યાં ને તો એ ભૂલો હું ન લખી શક્યો. તેં એક દિવસ મને તાવ આવતો હતો ત્યારે આખી રાત જાગી માથે પાણીનાં પોતા મૂકી આપ્યાં. મારી બા ગામડેથી આવી ત્યારે તું એમને પગે લાગી હતી. સાત દિવસ સતત એમની સેવા કરી. બા કહેતા હતાં કે તું બહુ નસીબદાર છે. મારાથી ઘણી ભૂલો થઈ હશે એ કબૂલું છું પણ એ બધી જ ભૂલો મેં જાણી જોઈને કરી નથી. પ્રિયે તું મારુ સર્વસ્વ છે, આ ઘરનું ઘરેણું તું છે. તું છે તો હું છું." બેમાંથી એક સહનશીલ બને ને તો પરીવાર પેરેડાઈઝ બની જાય.



આપણને મૂલ્યવાન અને મૂલ્યહીનની વ્યાખ્યાઓની ખબર છે પણ અમૂલ્યની વ્યાખ્યા સમજાઈ નથી. કુટુંબ એ અમૂલ્ય છે. કુટુંબ એ નાની દુનિયા છે અને દુનિયા એ મોટું કુટુંબ છે. હાર્ટ ઓપન કરો. એક તક છે કે ફેમિલીનાં દરેક સભ્યને એ અહેસાસ કરાવો કે તે તમારાં માટે કેટલાં અગત્યના છે, તમારાં જીવનમાં એમનું કેટલું મહત્વ છે. બાકી આવો સમય ઈચ્છાશો તો પણ પાછો નહી આવે !!!



મેં એક જંગલી પશુને એની પત્ની અને બાળકોને પ્રેમ કરતાં અને કેર લેતાં જોયો છે. એને સહપરીવાર વિહરતા જોયો છે. મેં એ પ્રાણીને સહકુટુંબ જમતાં જોયો છે, મેં એ પ્રાણીને બચ્ચાં સાથે ગમ્મત કરતો જોયો છે. એ પ્રાણી એટલે જંગલનો રાજા સિંહ-સાવજ !!!

સૌજન્ય ; જે,કે,સાઈ
❤️ 🙏🏻

Gujarati Motivational by Umakant : 111803511
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now