👉 " ભારતીય જીવનક્ષેત્રના બધા વિભાગોમાં કોઈ ને કોઈ રીતે બ્રાહ્મણોનો પ્રભાવ અમીટ રૂપથી દેખાયા વિના રહેતો નથી, તેમ છતાં તેમનો સર્વોચ્ચ પ્રભાવ ધાર્મિક ક્ષેત્રમાં દેખાય છે.
બધા ઋષિમુનિઓ, બધા આચાર્યો અને મોટા ભાગના સાહિત્યકારો બ્રાહ્મણ છે. વર્તમાન રાજકારણમાં અને સમાજકારણમાં પણ બ્રાહ્મણોની મોટી છાપ રહી છે. જોકે બ્રાહ્મણોએ ઘણી ભૂલો કરી છે તેમ છતાં ભૂલોને સુધારનારા સુધારકો પણ બ્રાહ્મણોમાંથી જ વધુ પેદા થયા છે.
આદિ સુધારક કબીર ભલે કોઈ મુસ્લિમને ત્યાં ઊછરીને મોટા થયા હોય, પણ મૂળમાં તો તેઓ પણ બ્રાહ્મણસંતાન જ હતા. તે સમયના દાદુ દયાળ અને બીજા બધા ઘણા સુધારકો બ્રાહ્મણો હતા. બુદ્ધ અને મહાવીર ભલે ક્ષત્રિયો હોય, પણ તેમના મુખ્ય શિષ્યો બ્રાહ્મણો હતા અને તેમનાં દર્શનોના દાર્શનિકો પણ બ્રાહ્મણો હતા.
આ રીતે બ્રાહ્મણો લગભગ જનજીવન ઉપર હંમેશા છવાયેલા રહ્યા છે. તેનું કારણ મારી દૃષ્ટિએ આનુવંશિક પ્રતિભા હોઇ શકે. કેટલાક આનુવંશિક ગુણો અને દુર્ગુણો પણ કામ કરતા હોય છે.
બ્રાહ્મણોમાં આનુવંશિક પ્રતિભા અને જ્ઞાનવૈરાગ્યની વૃત્તિ સહજ જોવા મળતી હોય છે. જોકે આ બધા ગુણો બીજા વંશોમાં પણ જોવા મળે જ છે, તોપણ બ્રાહ્મણોમાં આની સવિશેષ નોંધ લેવી પડે તેટલી હદે આ ગુણો ઊતરતા આવ્યા છે. "
🙏પ.પૂ.મહર્ષિ સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ.(પદ્મભૂષણશ્રી)🙏