જઈને હરિમંદિરે ન જાણે કેટકેટલું માંગી બેઠો !
સાક્ષાત હરિવરને રખે મારા જેવો હું માની બેઠો!
માનવદેહ દીધો જેણે એનો આભાર માનવો ઘટે,
પણ રે ક્ષુલ્લક પદાર્થો એની પાસેથી યાચી બેઠો!
માયાવરણે સારાસાર વિવેક ગુમાવી થયો હું કેવો!
મારા માટે, કુટુંબકાજે ભૌતિક પદાર્થો લવી બેઠો !
ફરજ મારી માંગવાની સદાચાર, સન્મતિને કર્મની,
લોભ લાલચમાં આવીને માનવ્ય પાસું ભૂલી બેઠો!
રે રે હરિવર ! શું કીધું મેં પરમપિતા સંમુખ યાચના?
ક્ષમસ્વ પરમેશ્વર માયાગ્રસ્ત માનવી શું કરી બેઠો !
મિથ્યા થાઓ મુજ યાચના અજ્ઞાનવશ જે કરી મેં,
દેજો અંતરયામી મુજ હિતનું એ ભાવને ધરી બેઠો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.