પ્રેમ પદારથ સૌથી મોટો પ્રારબ્ધી નર પામે રે.
સમર્પણની હોય શરુઆત આશાઓ વામે રે.
જીવ જગતના હો હિંસક કે ચંચળ ગણાતા રે,
પ્રેમ પામીને પ્રત્યેક રીઝે કદી ન થાતા સામે રે.
નાથ ચૌદ બ્રહ્માંડના જે એને વશ થઈ જાતા રે,
પ્રેમપાશે બંધાઈ જનારા હાથ મનુજનો થામે રે.
વેરઝેર નાખે ઓગાળી આશ્રય પ્રેમનો થાતાં રે,
ગુમાવીને મેળવનારા જિંદગી કરે કોઈ નામે રે.
પ્રેમરૂપ છે પરમેશ્વર; અવગુણ પ્રેમે ભૂલાતા રે,
સહજ અંતર અનુભૂતિ ખરચતાં ન મળે દામે રે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.