અધમ પાપીજીવને ઉદ્ધારો પતિત પાવન રામ તમે.
એનું પણ કૈંક હવે વિચારો પતિત પાવન રામ તમે.
થઈને માયાગ્રસ્ત કેટકેટલાં પાતકનો છે ભાગીદાર,
એને ભવજળ પાર ઊતારો પતિત પાવન રામ તમે.
કૈંક તાર્યા પ્રભુ આપે ગીધ, શબરી, ભીલ, કીરાત,
મુજને હરિવર શાને વિસારો પતિત પાવન રામ તમે.
અંતર આજ ઝંખે કૃપાનિધિ કરુણાનિધાન રાઘવ,
ડૂબતી નૌકાને આપો કિનારો પતિત પાવન રામ તમે.
ભવાટપે ભટકતા જીવની વ્યથા અવલોકી રઘુનંદન,
દર્શન આપીને એને સ્વીકારો પતિત પાવન રામ તમે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.