“સપનાંનો સરંજામ”
"સુલુબેન, એક વાત કહું સાંભળો, હું જેને ત્યાં રસોઈ કરું છું તે બેને મને કહ્યું કે, સરકાર તરફથી વિધવા બેનો માટે પેન્શનની યોજના બહાર પડી છે.એટલે જુઓ મેં તો ફોર્મ ભરી કાઢ્યું. તમે પણ ભરી કાઢો." " પણ હું ક્યાં વિધવા છું? મેં તો લગ્ન જ નથી કર્યાં."
" એમાં શું ફોર્મ ભરી કાઢવાનું તમે એકલા તો છો જ ને?"
"હાહા હાહા કેવી વાત કરો છો પછી મારા મરેલા પતિનું પ્રમાણપત્ર માંગશે તો મરેલો ડોસો ગોતવા ક્યાં જઈશ? હા હા હા?"
"હા એ વાત સાચી, પણ હેં સુલુબેન તમે પચાસના થયા ત્યાં સુધી લગ્ન કેમ નથી કર્યાં?" " તમે મારી દુખતી રાગ પકડી છે રમાબેન. તમારે ખરેખર મારી વાત સાંભળવી હોય તો કાલે રવિવારે રસોડામાં રજા હોય છે. મારે પણ મન ખોલવા સખી ગણો તો તમે જ સૌથી નજીક છો ને?"
જ્યારે મનનાં પડદા સરક્યા અને અંતરના કમાડ ઉઘડ્યાં ત્યારે, એમાંથી વહીને નીકળેલી કથા અને વ્યથાની વાત કૈંક આવી હતી.
સુલું ગરીબ ઘરમાં જન્મેલી સૌથી નાની બેન હતી. તેને પોતાનાથી મોટા ત્રણ ભાઈઓ અને સૌથી મોટી બેન હીના હતી. ઓછી આવક અને મોંઘવારીના માહોલમાં માબાપ ત્રણે ભાઈઓને ભણવા મોકલતાં હતાં, પણ હિનાને ચોથા ધોરણમાંથી જ ઉઠાડી લીધેલી. તે ઘરકામમાં મદદ કરતી અને ભણતા ભાઈઓની સરભરામાં પરોવાયેલી રહેતી. સૌથી નાની સુલું નાનપણથી આ જ બધું જોતી, એટલે તેનાં નાનકડાં મગજમાં એવું જ ઠસી ગયેલું કે, ભાઈઓએ ભણવાનું આપણે તો ચાલે! છતાં ૬ વર્ષની થઇ ત્યારે સુલુએ શાળાએ જવાનું ચાલુ કર્યું. પુત્રના પારણેથી અને વહુના બારણેથી જ લક્ષણ દેખાય. એ ન્યાયે સુલુએ શાળાની પહેલી પરીક્ષામાં જ પોતાની ઉંચી બુધ્ધીમતાનો પરિચય આપ્યો. તે પ્રથમ નંબરે પાસ થઇ. તે અત્યંત ઉત્સાહી હતી વળી સ્વભાવ એવો રમુજી કે વાત વાતમાં કૈંક એવું બોલે કે, સંભાળનારા હસીને હસીને બેવડ વળી જાય. અને વિચારે કે, આને આવું બધું કેવી રીતે સૂઝતું હશે!
હંમેશા હસતી અને ખુશ રહેતી સુલું, જ્યારે અગિયાર વર્ષની થઇ ત્યારે તેની મોટીબેન હીનાને પરણાવી દીધી. અત્યાર સુધી ઘરનો અડધો ભાર ઉપાડી લેતી હીના, સાસરે ગઈ એટલે સુલુંની જવાબદારી વધી ગઈ. તે પૂછતી, "હવે કાયમ દીદી બીજે રહેશે?" જવાબ મળતો હાસ્તો પરણી એટલે એના ઘરે જ રહે ને!" સુલું વિચારતી, તો હવે આ ઘર દીદીનું નહિ? હવે ઘરના નાનામોટાં કામો તેણે કરવાં પડતાં. ભાઈઓની સરભરામાં હાજર રહેવું પડતું. સુલું જે સમયમાં અને જે સમાજમાં જીવતી હતી, તેમાં દરેક ઘરમાં છોકરા અને છોકરીઓ વચ્ચેના ઉછેરમાં ખાસ્સો ભેદભાવ રહેતો. સુલું ભણવામાં તેજસ્વી હતી, હંમેશા વર્ગમાં પ્રથમ રહેતી. જ્યારે તેના ત્રણે મોટા ભાઈઓ ભણવામાં સાવ સામાન્ય હતાં. ક્યારેક એક જ વર્ગમાં નાપાસ થતા, એટલે નાની સુલું તેમનાથી આગલા વર્ગમાં નીકળી જતી. સુલું જ્યારે આઠમાં ધોરણમાં આવી ત્યારે તેનાં બધા ભાઈઓ તેનાથી પાછળ રહી ગયાં. બધા ભાઈ બેનો વચ્ચે માત્ર દોઢ-બે વર્ષનું અંતર હતું, એટલે આવું થયું. "મેલ-ઈગો" ને લીધે હોય કે પછી ગમે તે કારણ હોય સુલું ત્રણે ભાઈઓ માટે આંખનો કણો બનીને રહી ગઈ. તેઓ તેના પર જોહુકમી કરતાં. "સુલું મારું શર્ટ આપ, સુલું મારો નાસ્તો લાવ, સુલું તાંરે આજે સ્કુલે નથી જવાનું. તારે ઘરકામ નથી કરવાનું મારું લેશન લખી આપ." સુલું આવાં બધા કામો દોડીને કરતી, પણ શાળાએ રજા પાડવાનું તેને નહોતું ગમતું. એટલે તેણે ભાઈઓને પૂછ્યું, "કેમ મારે જ બધાં કામ કરવાના?" એ વાતનો જવાબ એની માએ આપ્યો, " બેટા ઘરનાં કામ તો કરવાં જ પડે ને છોકરીઓએ..." એટલે સુલુંને થયું આ મારુ ઘર છે તો કામ તો કરવા પડે. પહેલાં આ ઘર દીદીનું પણ હતું અને તે કામ કરતી, હવે મારો વારો. માબાપને લગતું કે, સુલું સાતમા સુધી તો ભણી હવે ઉઠાડીને ઘરકામે લગાડીએ તો થોડી આવક વધે. અને છેવટે તેણે લોકોને ત્યાં રસોઈ બનાવવાનું કામ શરુ કર્યું. તે બુદ્ધિશાળી હતી એટલે દરેક શેઠાણીના ઘરે તેમને ગમતી વાનગીઓ બનાવતાં તે શીખી લેતી.
હીના જ્યારે સાસરેથી આવતી, ત્યારે બંને બેનો ખુબ વાતો કરતી અને હસતી. પણ સુલું બીજે રસોડાં કરવા જાય અને પાછી આવે ત્યારે હીના ઉદાસ જણાતી. સુલું વિચારતી દીદીને શું થતું હશે? હીના આ વખતે સુવાવડ માટે આવી હતી એટલે લાંબુ રહેવાની હતી. બંને બેનો રાત્રે મોડા સુધી વાતો કરતી ગીતો ગાતી અને મઝા કરતી. તે દિવસે બંને બેનો ટીવી પર મુવી જોવા બેઠી. જોતાં જોતાં વચ્ચે હીનાની આંખો ભીની થઇ જતી. "દીદી કેમ રડે છે?" "જો ને આ હીરો તેની પત્ની સાથે કેવું વર્તન કરે છે." અને તે વધુ જોરથી રડી પડી. "દીદી તને તો જીજુ સારી રીતે રાખે છે ને?" " હાસતો ગાંડી." પણ સુલુંને તે જવાબ જાણે ફિક્કો લાગ્યો.અને તે ચિંતામાં પડી.
બીજા દિવસે સુલું સવારના રસોઈ માટે જવા ન્હાઈને તૈયાર થઇ ગઈ. ભાઈઓ સ્કુલે ગયા અને હીના ન્હાવા ગઈ હતી. થોડીવારમાં તેણે બુમ મારી, "સુલું, જો તો હું બ્લાઉઝ બહાર ભૂલી ગઈ છું, આપ તો જરા." બાથરૂમનું બારણું સહેજ અધખોલું કરીને, હીનાએ બ્લાઉઝ લેવા હાથ લાંબો કર્યો. સુલુની નજર આપતી વખતે તેના ખુલ્લા ખભા પર પડી અને તે ચીસ પાડી ઉઠી. "દીદી આ શું?" સુલુંને રસોઈ માટે જવાનો ટાઇમ થઇ ગયો હતો પણ તે બેસી રહી. હીના સાડી પહેરતી હતી ત્યાં જઈને કહ્યું મને જોવા દે દીદી અને તેણે રીતસર બ્લાઉઝ સહેજ ઉંચુ કરીને બરડા પર નજર કરી. આખો બારડો સોળથી ભરેલો હતો. વચ્ચે વચ્ચે કાળા ચકામાં હતાં. સુલું સહમી ગઈ. તેણે સમ દઈને પૂછ્યું, "મને સાચી વાત કહે નહિ તો મારું મારેલું મ્હો જોશે." " હા તને બધું જ કહીશ, પણ તું પણ મને એક વચન આપ કે તું આ વાત માં ને કે ભાઈઓને નહીં કહે, તારે રસોઈ માટે જવાનો ટાઇમ થઇ જશે અત્યારે જા, રાત્રે કહીશ."
સહમી ગયેલી સુલુંએ જીદ કરી, એટલે હીનાએ ટૂંકમાં વિગત જણાવી. હીનાનો પતિ પોતે કાળો અને સામાન્ય દેખાવનો હતો. હીના કાચની પુતળી જેવી નાજુક-રૂપાળી અને ઘાટીલી છોકરી હતી. તેમના લગ્નજીવનનો સૌથી પહેલો અને સૌથી મોટો પ્રોબ્લેમ પણ એ જ હતો. પળે પળે એનો પતિ વિચારતો કે, હું એને નહિ ગમું તો? અને બીજું કે હીના બીજા કોઈને ગમી જશે તો? આ સંજોગોમાં હીના કોઈ સાથે વાત કરે કે, કોઈ પુરુષ તેની સામું પણ જુએ, તો એનો પતિ વહેમાંતો અને હિનાને વેલણથી ફટકારતો તે બરડા પર જ મારતો જેથી કોઈને તેના સીતમો દેખાય નહિ. આ બધું તો દિવસે થતું, પણ રાત્રે તે સળગતી સિગરેટના ડામ દેતો, એટલું જ નહિ તેને નિર્વસ્ત્ર કરીને ઘરના ત્રીજા મળે એકલી ઉભી રાખતો. હિનાને રાત્રે અંધારામાં એકલું રહેવાની ખુબ જ બીક લાગતી એ જાણકારી હોવાથી, તેને બીવડાવવા માટે જ આવું કરતો. ગમે તેટલી બીક લાગતી હોય છતાં નિર્વસ્ત્ર કરે એટલે તે નીચે ઉતરી ના શકે અને ડરની મારી પતિની બધી જોહુકમી ચલાવે.
પોતાની દીદી પર થતાં સિતમોની વાત સાંભળી સુલું ખૂબ જ ડરી ગયેલી. તેને એ પણ ખબર હતી કે, આતો માત્ર ટ્રેલર જ હશે પૂરી ફિલ્મ તો સમજુ દીદી પોતાનાં જેવી કાચી વયની બેનને કેવી રીતે કહે? ટીનેજમાં સજાવેલા સોનેરી સ્વપ્નોનો આવો પણ અંજામ હોય તે વાત સુલુંના દિલમાં ઘર કરી ગઈ. બંને બહેનો તે દિવસે ખુબ રડતી રહેલી. અને હિનાએ કહ્યું કે હવે હું સાસરે નથી જવાની, મને બીક જ બહુ લાગે છે. સુલુંએ પણ તેને પૂરો સાથ આપવાનું વચન આપ્યું. હજી બાળકનો જન્મ નહોતો થયો ત્યાં સુધી તો હીના પિયરમાં જ રહેવાની હોય તે સ્વાભાવિક હતું. એટલે ચિંતા નહોતી, પણ પછી ભાઈઓ અને માતા હિનાને સાથ આપશે કે નહિ? આ પ્રશ્ન બંને બહેનોને સતાવી રહ્યો હતો. પોતાની દીદીને અવા સંજોગોમાં ખુશ રાખવી જોઈએ એ જાણકારી હોવાથી, સુલું હીના આગળ ગીતો ગાતી, ફિલ્મનાં અમુક ગીતો પર હિરોઈને કરેલા ડાન્સની નકલ કરીને તેને હસાવતી. ક્યારેક જોક્સ સંભળાવતી અને પોતે ખુબ હસતી એને જોઇને હીના પણ ખડખડાટ હસી પડતી.
એક દિવસ બંને બહેનો ફિલ્મ જોવા ગઈ, તેમાં હિરોઈન ટીનેજની હતી ત્યારથી પોતાનાં ભાવી પ્રિયતમની કલ્પના કરીને સ્વપ્નો જોતી હતી. તેને રાખનારી આયા પણ તેને ખુબ વ્હાલ કરતી હતી . તે ગાતી --રાજકુંવરજી આયેંગે, ગુડીયાં કો લે જાયેં ગે..... ફિલ્મની હિરોઈન પોતે જ હોય તેમ સુલું પણ સ્વપ્નો સંજોવતી. " દીદી તેં પણ લગ્ન પહેલાં આવાં જ સ્વપ્નો જોયા હશે નહિ?" હીના પાસે જવાબ તો હતો, " હાસતો મારા જેવી સુંદર - નમણી છોકરીના સપનાં તો હોય જ ને? મારું પોતાનું ઘર હશે જે હું ખૂબ સજાવીશ, અને પતી સાથે સુખેથી ઘર માંડીશ." પણ આ જવાબને બદલે તેની આંખોમાંથી એ તુટેલ સપનાનો સરંજામ, આંસુ બનીને અનરાધાર વહેતો. અને સુલુંને વિહ્વળ બનાવી મૂકતો.
થોડા સમય પછી હિનાએ દીકરીને જન્મ આપ્યો. આમ પણ કન્યાનો જન્મ કોઈ માટે આનંદદાયી તો હોય જ ક્યાંથી? તેમાં ય બંને બહેનો તો --હવે સાસરે મોકલશે-- તે વિચારથી ગમગીન થઇ ગઈ. છેવટે સુલુંએ માને વાત કરી અને કહ્યું હવે દીદી એના ઘરે નહીં જાય. બધું સાંભળ્યા પછી સમજુ અને જમાનાની ઠોકરો ખાઈને કઠોર બનેલી માએ કહ્યું, " જો બેટા, તારે સાસરે તો જવું જ પડશે.. તું ભલે આ પતિને ઘેર જાય કે પછી છૂટાછેડા લઈને, બીજા પતિને ઘેર જાય. આટલા કડક શબ્દો તને આકરા લાગશે દીકરી, પણ જો તારે હજી આખી જિંદગી પડી છે. હું તો હવે ખર્યું પાન, મારા પછી આ તારા ત્રણ-ત્રણ ભાઈઓ અને ભાભીઓ તને ને તારી આ દીકરીને સારી રીતે રાખે ખરા? ગમે તેમ તોય સાસરું એ તારું પોતાનું ઘર કહેવાય, જ્યારે મા ના હોય ત્યારે તો ભાઈનું ઘર પારકું જ લાગે. અને લોકો --ઘર ભાંગીને આવી --એવો સરપાવ, તારા કપાળે કાલી ટીલીની જેમ ચોડી દેશે."
કોઠા ડાહી માતાની વાત બંને બેનો સારી રીતે સમજી ગઈ. છેવટે ત્રણ મહિનાની દીકરીને લઈને હીના સાસરે ગઈ.
સુલુંને હીનાની ચિંતા રહેતી, વ્હાલસોયી ભાણી તેને પળે પળે યાદ આવતી. તેની ખબર કાઢવા થોડા થોડા દિવસે હિનાના ઘરે જતી. હીના તો શું બોલે? પણ ત્યાંનો માહોલ બધું જ કહી દેતો. સુલુંનું થનગનતું યૌવન અને ટીનેજનાં સપનાં બધું જ ધીમે ધીમે ઠંડુ પડવા લાગ્યું. ઉંમરનો તકાજો હતો, એટલે અંતરમાં ઉમળકો તો ઉભરાતો પણ સુલું તેને સમાવી દેતી-ઠારી દેતી. એક દિવસ તો તેને વિચાર આવ્યો -- બાપરે મારી આ નાનકડી ફૂલ જેવી ભાણીનાં સપનાં પણ શું એક દિવસ ભાંગીને ચુર ચુર થઇ જશે?-- આ વિચારથી તેને કમકમાં આવી ગયા. સોનેરી સાપનાંનો સરંજામ જો આ જ રીતે તહસ નહસ થઇ જવાનો હોય તો એવા સપનાંમાં રાચવાની શી જરૂર?
સુલુએ એક ધનિક કુટુંબમાં ચોવીસ કલાકની બાઈ તરીકે નોકરી શોધી લીધી. પોતાને માટે મુરતિયા શોધતી માને કહ્યું, "મા, હું અત્યારે બિન્દાસ જિંદગી જીવું છું, કોઈની ગુલામ નથી, કોઇથી દબાયેલી નથી. અને આ જીવનથી જ હું ખુશ પણ છું. એટલે મારા માટે છોકરો જોવાનું બંધ કરો અને તમારા ત્રણ દીકરાઓ સાથે ખુશીથી રહો. તમારા માટે અને દીદી માટે હું હર પળે હાજર છું, એમ માનજો. મેં ચોવીસ કલાકની નોકરી શોધી લીધી છે એમાં કમાણી પણ સારી છે એટલે મારી ફિકર ના કરશો."
ટીનેજનાં છેલ્લા પગથિયે ઊભેલી સુલુંએ પોતાના યુવા દિલની તમામ ધડકનો અને યોવનનાં પગથારે સજાવેલાં સુંદર સપનાંઓનાં સરંજામને છેક ઊંડે-ઊંડે ધરબી દીધો. અને એક સખત નિર્ણય લઇ લીધો કે, પોતે ક્યારેય ઘર નહીં માંડે, લગ્ન નહીં કરે! આ વાત બધાએ જાણી ત્યારે સૌ તેને સમજાવતા કે લગ્ન કરીને ઘર માંડી લે, ડોસો કુંવારો મરે પણ ડોસી કુંવારી ના મરે. એકવાર કંટાળીને સુલુએ બધાંને ભેગાં કર્યાં અને કહ્યું, "જો ઘર માંડવાનું પણ સ્ત્રીએ હોય અને ઘર ભાંગવાનો આરોપ પણ સ્ત્રીને જ મળતો હોય, તો પછી સ્ત્રી જન્મે ત્યારે પણ, તે ઘર માંડે ત્યારે પણ અને ઘર ભાંગે ત્યારે પણ, તેનું ઘર તો ક્યાંય હોતું જ નથી. જેનું ક્યાંય, દુનિયાના કોઈ સ્થળે અસ્તિત્વ જ નથી એવું છેતરામણું ઘર, સ્ત્રીએ તો માત્ર માંડવાનું, ચલાવવાનું, જાળવવાનું, સાચવવાનું, અને નહીં તો પછી ભાંગવાનું. આ બધું જ સ્ત્રીએ કરવાનું ખરું પણ કોઈ જાતનાં -- માલિકીહક વિના -- મારે આવું છેતરામણું ઘર નથી જોઈતું.!!
Mr.Jayrajsinhji