સ્મૃતિ ગુલાલના અમીછાંટણે રિષભના કણ કણ ને શત શત વંદન
મારું શહેર
વક્ષમાં જેની પ્રતિષ્ઠાના કદી -
નાસમજ લોકોએ ભોંક્યા'તા છરા ,
સંત , સેવક , સર્જકોની આ ભૂમિ -
ગાય જેવું ગામ મારું ગોધરા !
મેસરી નામે નદી વહેતી અહીં
એ કહાણી અવનવી કહેતી અહીં !
રંગ છે અવધૂતજીનો રાગ છે ,
આ ધરા તો ચેતનાનો ફાગ છે !
નામ પૂજાલાલ દલવાડી હતું ,
કાવ્ય જાતે જેમને મળવા જતું !
શબ્દના સાધક હતા એ તો ખરા ,
કાવ્યમય જેના થકી થઈ આ ધરા ,
ગાય જેવું ગામ મારું ગોધરા !
માંડ્યું જ્યાં પગલું પ્રથમ ગાંધીજીએ પણ -
દેશને આઝાદ કરવાની દિશામાં .
જ્યાં કરી શરૂઆત લોખંડી પુરુષે
બેરીસ્ટરી જેને કહે છે કાયદામાં !
સૌ દલિતોને જેણે ભરપૂર ચહ્યા
મામા ફડકે આ નગર મધ્યે રહ્યા !
પિલુ મોદી હો કે હો મોરારજી
આ નગરમાં નામ પડઘાયે હજી !
હોય વામનરાવ કે ઠક્કર બાપા
આજ પણ ચર્ચાય કિસ્સા એમના !
શબ્દના ને સાધકો સ્વરના અહીં
એટલે અણસાર ઇશ્વરના અહીં !
ધ્યાનથી મારું નગર જોજો જરા,
થાય અહીં સંવેદનાની સરભરા !
સંત , સેવક , સર્જકોની આ ધરા ,
ગાય જેવું ગામ મારું ગોધરા !
-કવિશ્રી: શ્રીરિષભ મહેતા