યાદનું આખું જ જાણે વૃંદ આવ્યું ને ગયું;
કેમ જાણે લાગણીનું ઝુંડ આવ્યું ને ગયું!
એજ તો છે ખાસિયત મંઝીલ તણી, હે જિંદગી!
ના ખબર રહી કે સફરમાં શૃંગ આવ્યું ને ગયું.
મેં વળાવી દીકરીને, તે પછી મનમાં થયું;
ઈશનું નોખું, અનોખું, રૂપ આવ્યું ને ગયું!
એ બધા અનુભવ થયા મઝધાર પહોંચીને મને;
આખરે તો તારવા, એ તૃણ આવ્યું ને ગયું.
પ્હાડ પરથી સાદ પાડીને પુકારી તો જુઓ;
લાગશે નહીંતર કે કોઈ ચૂપ આવ્યું ને ગયું.
આપના ચહેરા ઉપરનું સ્મિત જ્યારે જોઉં છું;
એમ લાગે, તેજનું કો' પુંજ આવ્યું ને ગયું.
ડૉ. મુકેશ જોષી