વાંચવો ગમ્યા કર્યો છે એક કાગળ સાવ કોરો;
મેં અરીસાને લખ્યો છે એક કાગળ સાવ કોરો.
ક્યાંક એણે પુસ્તકો લખ્યા છે મારી યાદમાં;
ક્યાંક મેં સામે ધર્યો છે એક કાગળ સાવ કોરો.
એમ હું માની લઉં એને ભલા નિર્જીવ ક્યાંથી?
જો, હવાથી ફરફર્યો છે એક કાગળ સાવ કોરો.
આમ શિષ્ટાચારમાં ઝાઝું કદી માનું નહીં પણ;
આજ બસ લખવો પડ્યો છે એક કાગળ સાવ કોરો.
આમ સ્યાહીની બચત ને વાત પણ પહોંચી ગઈ છે;
કેટલો સસ્તો પડ્યો છે એક કાગળ સાવ કોરો?
ના કશું દેખાય સામે, હોય એ પણ ના ગમે તો;
મેં સદા ત્યારે સ્મર્યો છે એક કાગળ સાવ કોરો.
ડૉ. મુકેશ જોષી