છંદ: ગાલગા ગાલગા ગાગાલગા ગાગા
========================
પ્રેમનાં નામની હું તો લડાઈ છું,
શ્યામનાં નામથી હું તો છવાઈ છું.
યાદમાં આવવાથી શું થવાનું છે!,
હું હવે યાદથી લગભગ ધરાઈ છું.
ઘાવમાં દર્દની પણ જો અસર કયાં છે?
ફૂલની મખમલી હું તો રજાઈ છું.
આવ માધવ હૃદયમાં લાગણી વાવું,
પ્રેમની, વ્હાલની અવિરત સગાઈ છું.
ના છુપાવ્યો છુપે આ પ્રેમ મારો તો,
હું ભજનમાં બની મીરાં ગવાઈ છું.
માપનાં ટાંકણે ટોચાઇ ને આખર,
જિંદગીની ગઝલ છું,આજે લખાઈ છું.
હું જ તો છું 'ફિઝા' રાધા યુગેયુગની,
હર જનમ શ્યામને માટે રચાઈ છું.
કાજલ કાંજિયા 'ફિઝા'