ઈશ્વરે આપ્યા કર્યું છે ધૂનમાં ને ધૂનમાં;
ક્યાં કદી માપ્યા કર્યું છે ધૂનમાં ને ધૂનમાં?
એ ઉપસ્થિત છે સદા, ખોલી શકો જો આંખ તો;
આપણે જાપ્યા કર્યું છે ધૂનમાં ને ધૂનમાં.
માર્ગ ને મંઝીલ તો આ, ના કદી ખસતા જરા;
આપણે હાંફયા કર્યું છે ધૂનમાં ને ધૂનમાં!
આપણી લીટી જરા મોટી થવાની લ્હાયમાં;
શું ફલક કાપ્યા કર્યું છે ધૂનમાં ને ધૂનમાં?
શકયતા તો એ ય છે કે ઓગળી જાશે અરથ;
શબ્દએ તાપ્યા કર્યું છે ધૂનમાં ને ધૂનમાં.
ડૉ. મુકેશ જોષી