આંખને સોગાત જેવું કંઇ નથી.
રાત છે પણ રાત જેવું કંઇ નથી.
દર્દ, પીડા, ઘા, ઉદાસી, વેદના,
છે બધું, બાકાત જેવું કંઇ નથી.
કૈક ઘર ઉજડી રહ્યાં છે ચોતરફ,
શું તને આઘાત જેવું કંઇ નથી?
લાશને બાળો કે દાટો માનથી,
લાશને તો જાત જેવું કંઇ નથી.
તુ સદા અકળાય એના મૌનથી,
ચૂપ રહે છે, વાત જેવું કંઇ નથી.
બ્હારથી તો તંગ છે વાતાવરણ,
ભીતરે ઉત્પાત જેવું કંઇ નથી.
જો પડ્યા ને તો મર્યા સમજો 'કમલ',
ભીડને જજબાત જેવું કંઇ નથી.
કમલ પાલનપુરી