જિંદગીમાં આપણને અલિપ્ત રહેતા આવડવું જોઈએ. લીયો ટોલ્સટોયે સરસ કહ્યું છે કે યાદ રાખજો કે ‘ આપણે નહીં હોઈએ ત્યારે પણ આ દુનિયા ચાલતી જ રહેશે.’ બહુ સરળ વાક્ય છે, જેને જીવનમાં આ વાક્ય સાથે જીવતા આવડી જાય તે કદી ભાર સાથે ચાલતો નથી. તેનું જીવન એકદમ હળવું-ફૂલ થઈ રહે છે. અને મિત્રો જેઓ હળવા થઈ જતાં હોય છે, તેઓ જ ઊંચા આકાશમાં ઊડી શકતા હોય છે. અલિપ્ત શબ્દ જો તમને અઘરો લાગતો હોય તો શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ-ગીતામાં જે કહ્યું છે, એ યાદ રાખો. કર્મ કરીએ પણ કર્મના ફળ સાથે જોડાવાનું નથી. જો આપણે ફળ સાથે જોડાઈ જઈશું, તો કર્મ પ્રત્યે એકાગ્ર નહી થઈ શકીએ. માટે આપણે જે કઈ પણ કરીએ એના ભારથી અલિપ્ત રહીએ. હું કરું છુ, એવો ભાવ ક્યારેય મનમાં ના આવવા દેવો. જીવનમાં કર્તા કરતાં કર્મનું મહત્વ વધારે હોય છે. જો આપણે આપણી જાતને કર્તાના ભારથી મુક્ત કરી દઇશું તો જીવન જીવવાની મજા આવી જશે. માટે મુક્ત બનીને જીવીએ. આપણે જ્યારે કશાથી જોડાઈ જઈએ છીએ, તો બંધાઈ જતાં હોઈએ છીએ. અને બંધન આપણને ક્યારેય સરળ જીવન તરફ લઈ જતાં હોતા નથી.
સંબંધોમાં પણ આ બાબત યાદ રાખવી. આપણે સંવેદનાવિહીન કે વધુ પડતાં સંવેદનશીલ થવાની જરૂર નથી હોતી. જો આપણે સંવેદના વિહીન થઈ જઈશું તો દૂ:ખને જાતે આમંત્રણ આપી બેસીશું. અને જો આપણે વધૂ પડતાં સંવેદનશીલ થઈ જઈશું, તો પણ દૂ:ખ તો વગર દસ્તકે આવશે જ! બધા સાથે જોડાયેલા રહીએ પણ બંધાયેલા નહી. કોઈ સાથે એટલું બધુ એટેચ પણ ના થઈ જઈએ કે એ વ્યક્તિ સાથે આપણા સુખ-દૂ:ખ જોડાય જાય. સુખ અને દૂ:ખને નિરપેક્ષ સંકલ્પના માનીને જીવીશું તો હળવા થઈને જીવી શકીશું. એવા કેટલાયે લોકોને મે કહેતા સાંભળ્યા છે કે મે તેના માટે કેટલું બધુ કર્યું? પણ તેણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો! જે જતાં રહે તેને જવા દઈએ. જિંદગીમાં કેટલાક સંબંધો આપણને દૂ:ખ દેવા જ આવતા હોય છે. તો એ દર્દ અનુભવી લઈએ અને આગળ વધી જઈએ. કોઈના વગર દુનિયામાં કે આપણી જિંદગીમાં કશું અટકી જતું હોતું નથી. તો પછી શા માટે કોઈ પાછળ આપણી જીંદગીનો અમૂલ્ય સમય બરબાદ કરવો? સંબંધ બહુ મુક્ત બંધન છે, એનાથી જેટલા અલિપ્ત રહીશું, મોજ આવશે.
સુખ,પ્રેમ,સ્નેહ,સમર્પણ,કાળજી એ બધી આપણી અંદરની ફીલિંગ છે, એ ક્યારેય બહારથી ડેવલપ કરી શકાતી નથી. એને માપી શકતી નથી, પણ પામી જરૂરથી શકાય છે. આપણે અંદરનું જીવન જીવીશું તો જરૂરથી અલિપ્ત રહી શકીશું. જિંદગીના આકાશમાં ઉડતા રહેવા માટે બધાથી અલિપ્ત થઈ જવું જરૂરી છે. જ્યારે હ્રદય પર કશાનો ભાર નહી રહે, તો હ્રદય પણ ખુશ રહેશે. અને મિત્રો આપણે પણ એ બોજથી મુક્ત થઈને નૈસર્ગિક જીવન જીવી શકીશું. અલિપ્ત જીવન સ્વાભાવિક્તા લાવે છે, સહજતા લાવે છે, અને જ્યારે આપણે સ્વાભાવિક જીવીએ છીએ, જીવનમાં જીવંતતા જળવાય રહે છે. બધા સાથે રહીને પણ કોઇની સાથે ના રહેવું એ આપણને આવડવું જોઈએ. અને હા અલિપ્ત રહેતા શીખી લઈશું, તો જીવનમાં બીજું ઘણું બધુ શીખી શકીશું. બધાથી પર એવું મન ખુશીઓ જ જનરેટ કરતું રહે છે. અને એ ખુશીઓને તો આપણે શોધતા રહેતા હોઈએ છીએ!
ખુશ થવા માટે ખુશ રહેવું જરૂરી હોય છે.
તો ચાલો અલિપ્ત રહીએ અને મોજથી જીવીએ.
આવજો અને જીવજો
Happy living!!!