નવી ગઝલ
સ્મૃતિ દટાઈ ગઈ તો ખરી, પણ મરી નહીં
કરમાઈ જાણે એક કળી, પણ ખરી નહીં
માળીને ક્યાં ખબર છે કે ફાવ્યો ન અમને બાગ
લીધા અછડતા શ્વાસ, હવાઓ ભરી નહીં
તમને ઉદાસ જોઈ, બદલવો પડ્યો વિચાર
મારા દુ:ખોની વાત મેં તમને કરી નહીં
ઝીલી લીધી ક્ષણો કોઈ, છૂટી ગઈ અમુક
પ્રત્યેક વેદનાની મેં ગઝલો કરી નહીં
ખંખેરતા જણાયું, અલગ છે દરેક દુ:ખ
રેતી ખરી ગઈ અને માટી ખરી નહીં
છે સ્વર્ગ ને નરકરૂપે બે જેલ તેં રચી
મૃત્યુ પછીય કેદ થવાનું, બરી નહીં!
રઈશ મનીઆર