રેપિસ્ટ રાવણોને રોકવા હશે તો ન્યાય તોળવા દ્રોપદીને બેસાડવી પડશે
———————
શિયળ જો સીતાના બચાવવા હશે તો
ન્યાયાસન પરથી યુધિષ્ઠિરોને ઉઠાડવા પડશે.....
ન્યાયનું નરો વા કુંજરો વા બંધ કરીને જીવલેણ પ્રતિશોધની પ્રતિજ્ઞા લેવી પડશે....
“ફાંસી” લખીને પેનની નીબ તોડનારાનું કામ નથી હવે,
દુ:શાસનની છાતી ફાડીને લોહીના ખોબા ભરનારાએ આગળ આવવું પડશે....
તારીખોનો વનવાસ ભલે ૧૪ વર્ષ ચાલે...
ખુલ્લા કેશ કલાપે રોજ બદલો યાદ કરાવવો પડશે..
રોજ દરરોજ રકતપિપાસા જીવંત રાખવી પડશે...
બળાત્કાર તો દૂરની બાબત છે, સ્ત્રીના વસ્ત્ર પર હાથ નાખનારની
છાતીને હથોડા મારી તોડી નાંખવી પડશે....
દુ:શાસનના રકતથી પીડીતા અંબોડો ના વાળે
ત્યાં સુધી “ન્યાય”નો હિસાબ બાકી ગણાશે...
એક મહાભારત હવે લડી લેવું પડશે..
ન્યાય તોળવા દ્રોપદીએ બેસવું પડશે...
-એષા દાદાવાળા