*જિંદગી તું..*
ગઝલ
જિંદગી તું પણ મને પડકારવાનું બંધ કર,
હું નથી મીરાં સમજ,વખ ઘોળવાનું બંધ કર.
હોઠ ધરશે મૌન પણ તીખી કલમ તો બોલશે,
હું નથી શબરી,તું ધીરજ માપવાનું બંધ કર.
રામ ક્યાં દેખાય છે? રાવણ હવે દેખાય બસ,
ક્યાં છું સીતા? અગ્નિમાં બસ બાળવાનું બંધ કર,
કૃષ્ણ જેવી પ્રીત દીઠી છે ભલા અવનિ ઉપર?
હું નથી રાધા મને સમજાવવાનું બંધ કર.
વેદના ને દર્દમાં કેવું હૃદય પીડાય છે?
દર્દને તું ભાગ્ય આડે દાટવાનું બંધ કર.
જિંદગી, તું ક્યાં સુધી કપરી કસોટી લઈશ હેં?
'નેહ'ની હિંમતને બસ તું છેડવાનું બંધ કર.
–©️વંદના બ્રહ્મભટ્ટ "નેહ"
11/12/'20