સાંજ પડી ગઈ છે
દૂધની ધાર બોઘેડામાં ગાવા માંડી છે
કોઈ ભૂલું પડેલું ઢોર શોધીને
ગોવાળ સીમથી પાછો પણ આવી ગયો છે
ભાથું બાંધીને પેલા રખેવાળ પાછા ઉપડી ગયા છે માળે
ગાંડી બઇ ઓટલી પછવાડે
બટકું રોટલો ખાઈને પડી પડી બબડી રહી છે
ડુંગરાની ટોચના દેરે
કોક અજાણ્યું જણ દીવો સળગાવી આવ્યું છે
બરાબર આ સમયે
જુગો પહેલાં
કોઈએ કાપી લીધેલા
જમણા હાથના
અંગુઠાનો દુખાવો
મને ઉપડ્યો છે આજે સાંજે
ને કોઈ બાણ તાણીને ઉભું છે
નદીના પેલા ભાઠે
તાપણીની ચારે પા
શેકાઈ રહેલા આઠેય હાથ
કથાઓ ગોઠવી રહ્યા છે
અંધારની.
- રાજેશ વણકર