મમ્મી,રહેવા દો ને રસોઇ
ઘૂઘરા, મઠિયા, મોહનથાળને
ખાતું નથી રે કોઇ
સમય ગયો બદલાઇ , હવે ના
કહેશે નહીં કૈં ફોઇ !
તમે રહેવા દો ને રસોઇ !
ઘર આખામાં રાજરાણી તમે
પાટનગર છે રસોડું
ઇચ્છા કે આદેશ થાય તો
અડીએ થોડું થોડું
તમારા દીકરાને ભાવે એ
શીખ્યું છે જોઇ જોઇ
મમ્મી, રહેવા દો ને રસોઇ !
દીવાળીએ ઘર સાફ કરો એવી
જરુર ક્યાં હવે પડતી ?
અભેરાઇ ને માળિયા ક્યાં છે
ક્યાં કોઇ વસ્તુ નડતી ?
કહેશો તો બોલાવી લેશું
સફાઇ સર્વીસ કોઇ
મમ્મી, રહેવા દો ને રસોઇ
દીવાળીએ હવે આમે મળવા
કોણ આવે છે , કહો ?
હીલ સ્ટેશન પર જતા રહીશું
શાને ઘરમાં રહો ?
રિલેક્સ થાવાની આ પળને
શાને દેવી ખોઇ ?
મમ્મી, રહેવા દો ને રસોઇ
- તુષાર શુક્લ