શ્યામ દિવાની હું..
પ્રિયતમ તમને વાલી હું ને,
મને આ સુંદર શ્યામ.
કહો અમારા મન-મંદિરમાં કરશો કેમ મુકામ?
કે શ્યામ દિવાની હું..
શ્યામ તમારે કાજ આજ હું વાંસલડી બની આવું,
શ્યામ તમારે કાજ આજ હું અંગઅંગ વીંધાવું.
તમારા શ્વાસે શ્વાસે આજે સુર મધુર રેલાવું,
તામારા અધરો સ્પર્શી શ્યામ હું અમૃત અમૃત થાઉં.
કે શ્યામ દિવાની હું..
શ્યામ તમારે કાજ આજ હું મોરપીંછ બની આવું,
શ્યામ તમારે કાજ આજ હું રંગે-રંગ રેલાવુ.
તમારા નયને સુવાળાં સપનાઓ લઈ આવું,
તમારા મધુર સ્પર્શે શ્યામ હું અમૃત અમૃત થાઉં.
કે શ્યામ દિવાની હું..
મોરપીંછને વાસલડી મારા શ્યામ નું સરનામું,
જીવન આખું લખવું મારે એ સોનેરી પાનું.
તમારા રટણમાં શ્યામ મારા સુખનું છે સરનામું,
મધુર સ્પંદને તમારા મારે અમૃત અમૃત થાઉં .
કે શ્યામ દિવાની હું..
-ડૉ.સરિતા (માનસ)